BBC SPECIAL: આધુનિક વિજ્ઞાનમાં આરબ જગતનો કેટલો પ્રભાવ?

ઇમેજ સ્રોત, Getty Images
આધુનિક વિજ્ઞાન પર ચીન, ગ્રીક, ઇજિપ્ત, બેબિલોન અને ભારતની સંસ્કૃત્તિઓની ઘણી અસર પડેલી છે, પણ આરબોના પ્રભાવ વિશે ભાગ્યે જ ચર્ચા થાય છે.
એલ-જબરા (બીજ ગણિત)ની વાત હોય કે અલ-કીમિયા અને અલ-ગોરિદમની વાત હોય, આ બધાનું ઉદભવસ્થાન એક જ છે.
અલ-જબરા ના હોત તો આધુનિક ગણિત અને ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) જેવા વિષયો આજે ના હોત.
એ જ રીતે કોઈ એક પેટર્નને સમજવા માટેનું વિજ્ઞાન અલ-ગોરિદમ ના હોત તો કમ્પ્યૂટર જેવા વિષયો જ તૈયાર ના થયા હોત.
બગદાદ, દમિશ્ક (દમાસ્કસ), કાહિરા (કૈરો) અને (સ્પેનનું નગર) કાર્ડોબામાં નવમીથી 12મી સદીમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં જોરદાર કામ થયું હતું.
દુનિયાની જુદી-જુદી સંસ્કૃત્તિઓ વચ્ચે વિજ્ઞાનની જાણકારીઓનું આદાનપ્રદાન સદીઓથી થતું આવ્યું હતું.
વિજ્ઞાનીઓ પોતાના જ્ઞાન અને વિચાર (આઇડિયા) વિશે ગ્રીસ, ભારત અને ચીન જેવા દૂરના દેશોના વિજ્ઞાનીઓ સાથે ચર્ચા કરતા રહેતા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિજ્ઞાનીઓ એકબીજાના આઇડિયા પર વિચારવિમર્શ કરતા રહ્યા અને એકબીજાના વિચારોને જોડીને વિજ્ઞાનનો વિકાસ કર્યો હતો.
તે વખતે દુનિયામાં વિજ્ઞાનના જેટલા પણ મોટા કેન્દ્રો હતા, તેમાં બગદાદનું નામ સૌથી જાણીતું હતું.
બગદાદમાં તે વખતે સૌથી ઉત્તમ વિજ્ઞાનીઓનો મેળાવડો જામ્યો હતો અને વિજ્ઞાનમાં તદ્દન નવીન શ્રેણીબદ્ધ શોધો થતી રહી હતી.
તેના કારણે જ તે વખતે બગદાદ વિશ્વનું કેન્દ્ર ગણાવા લાગ્યું હતું.


ઇમેજ સ્રોત, Getty Images
બગદાદ નવું જ નગર હતું, જેને ખલીફા અલ-મન્સૂરે ઇસવી સન 762માં બાંધ્યું હતું.
તેમની મહેચ્છા હતી કે ઇસ્લામને કારણે બની રહેલા વિશાળ સામ્રાજ્યની ગૌરવશાળી રાજધાની બગદાદ બને. તે વખતે ઇસ્લામ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો હતો.
તે વખતે ખલીફા અબ્બાસિદે જાહેરાત કરી કે શાસનનો અધિકાર માત્ર તેમની પાસે જ રહેશે, કેમ કે તેઓ પયગંબર મોહમ્મદના સીધા વારસદાર છે.
આ જાહેરાતના 100 વર્ષ પહેલાં પયંગબર દ્વારા જ આ નવા ધર્મની સ્થાપના થઈ હતી.
નવા ધર્મની સ્થાપના બાદ ઇસ્લામની સેનાએ બહુ ઝડપથી એક વિશાળ ક્ષેત્ર પર વિજય મેળવી લીધો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
તેની શરૂઆત મદીનાની આસપાસના નાના ઇલાકાથી થઈ હતી, જેને આજે સાઉદી અરેબિયા કહેવામાં આવે છે.
બહુ થોડા સમયમાં તે લોકો આરબ ઉપદ્વિપમાં ફેલાઇ ગયા અને થોડા જ દાયકામાં લેવાન્ત, ઉત્તર આફ્રિકા, સ્પેન અને ઈરાનના વિશાળ વિસ્તારો પણ તેમનો કબજો થઈ ગયો હતો.

વૈજ્ઞાનિક કારણ

ઇમેજ સ્રોત, Getty Images
સિઝર અને નેપોલિયન જેવા સમ્રાટોને જોઈને આઠમી સદીની શરૂઆતમાં જ ઇસ્લામના ખલીફાને ખ્યાલ આવી ગયો હતો કે રાજકીય તાકાત અને વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા છે.
તેના કારણોમાં કેટલાક બહુ વ્યવહારુ પણ હતા, જેમ કે ચિકિત્સાના જ્ઞાનને કારણે જીવન બચાવી શકાય છે.
લશ્કરી ટેક્નિકને કારણે યુદ્ધ જીતવામાં ફાયદો થાય છે.
ગણિતને કારણે રાજ્યના અર્થતંત્રની સંકુલ બાબતોનો ઉકેલ લાવી શકાય છે.
ધર્મ તરીકે ઇસ્લામે પણ પોતાની આગવી ભૂમિકા ભજવી હતી.
પયગંબર મોહમ્મદે કહ્યું હતું કે, જ્ઞાન મેળવવા માટે ભલેને ચીન જવું પડે, પરંતુ નવું શીખવાની તક જ્યાંથી પણ મળતી હોય ત્યાંથી તેને જતી કરાય નહીં.
આ સિવાય પણ કેટલાક કારણો હતાં, જેનાં કારણે સ્થિતિ બદલાઈ હતી.
દાખલા તરીકે ઇસ્લામી સામ્રાજ્યના નવા ઊભા થયેલા ભદ્ર શાસકોએ એવું કહેવાનું પણ શરૂ કર્યું હતું કે, 'સ્વાર્થ ખાતર' પણ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ.
તેમનું કહેવું હતું કે ઇસ્લામ જેવા નવા સામ્રાજ્ય માટે પણ તે જરૂરી છે, કેમ કે તેના દ્વારા બાકીની દુનિયાને જણાવી શકાય કે કઈ રીતે તેમનું સામ્રાજ્ય બીજાથી શ્રેષ્ઠ છે.

બેબેલનો ટાવર

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આમાં પણ એક સમસ્યા હતી. ખલીફા સામે સમસ્યા એ હતી કે, તેમણે હવે સેના અને રાજકીય સફળતાની ચિંતા કરવા સાથે, બહુ વિશાળ અને વૈવિધ્ય ધરાવતી વસતિને પણ બૌદ્ધિક રીતે નિયંત્રિત કરવાની હતી.
હકીકતમાં બહુ વિશાળ વિસ્તારના લોકોએ ઇસ્લામને કબૂલ કરી લીધો હતો અને ઇસ્લામી સામ્રાજ્યનો વિસ્તાર પણ થઈ રહ્યો હતો.
પરંતુ સામ્રાજ્ય હવે દૂર-દૂર સુધી ફેલાયેલું હતું, જ્યાં હવે પરંપરા અને ભાષા પણ અલગ હતા.
આઠમી સદીના મધ્ય સુધીમાં ઇસ્લામી સામ્રાજ્યના નેતા ખલીફા અબ્દુલ મલિકને ભાષાઓની આ મુશ્કેલી દૂર કરવા માટેનો એક વિચાર અમલમાં મૂકવો પડ્યો હતો.
આ વિચાર આમ સરળ હતો, પણ તેના કારણે વિજ્ઞાનના પુનઃઉત્થાનનો પાયો પણ અજાણ્યે નખાઈ ગયો હતો.
અસ્તવ્યસ્ત અમલદારશાહીને નિયંત્રિત કરવા માટે અબ્દુલ મલિકે નક્કી કર્યું કે ઇસ્લામના આ વિશાળ સામ્રાજ્યનો વહીવટ માત્ર બેબેલ ટાવર પરથી, એક જ જગ્યાએથી ચાલે તેવું શક્ય લાગતું નથી.
તેમની ઇચ્છા હતી કે સમગ્ર સામ્રાજ્યમાં એક જ ભાષા હોય, જે પોતે પણ સમજી શકે.
તેમણે માંગણી કરી કે સમગ્ર સામ્રાજ્યમાં એક જ ભાષા 'અરબી' હોય.

નવું શીખવાની ધગશ
આ નવા વૈજ્ઞાનિક અભિગમની તરત જ અસર દેખાવા લાગી.
જુદા જુદા દેશોના વિદ્વાનો, જેમની વચ્ચે સંવાદ શક્ય નહોતો, તે લોકો પણ હવે એક જ ભાષા બોલવા લાગ્યા હતા.
કુરાનમાં જણાવાયું હતું કે ભાષાના કેટલાક અક્ષરો સરળ હોય, તેને દર્શાવવા માટે ચિહ્નો હોય અને તેને જોડીને પણ લખી શકાય તેવું હોવું જોઈએ.
તેની પાછળનો ઇરાદો એ હતો કે ભાષા એટલી સચોટ હોય કે તેનો ઉપયોગ વૈજ્ઞાનિક અને ટેક્નિકલ કાર્યો માટે પણ કરી શકાય.
ખલીફાની એવી પણ ઇચ્છા હતી કે દુનિયાના જુદા જુદા વિદ્વાનો વચ્ચે ચર્ચા પણ થાય.
તે વખતે વિદ્વાનો એક બીજા સામે ક્રોધથી જ વધારે વર્તતા હતા.
એ વાત પણ એટલી જ સાચી જ છે કે વિદ્વાનો માત્ર જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવા પ્રેરાતા નથી. તેમના માટે નાણાં પણ એક આકર્ષણ હોય છે.
આ કેવી રીતે શક્ય બને?

ઇમેજ સ્રોત, Getty Images
ઇસ્લામી સામ્રાજ્યના શાસકોએ બહુ મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરી અને તેની પાછળ મોટું ભંડોળ પણ ફાળવવામાં આવ્યું હતું.
અનુવાદ માટેનું આંદોલન એવી રીતે તેને ઓળખીએ તો પણ તે ખોટું નહીં કહેવાય.
આ યોજના હેઠળ દુનિયાભરના પુસ્તકાલયોમાં ફરી વળવાનું હતું.
જે તે ભાષામાં લખાયેલા ઉત્તમ વૈજ્ઞાનિક અને ચિંતનના ગ્રંથો એકઠા કરી લેવાના હતા.
આ ગ્રંથોને પોતાના સામ્રાજ્યમાં લાવીને તેનો અનુવાદ અરબી ભાષામાં કરવાનો હતો.
પ્રાચીન ગ્રંથો એકઠા કરવા માટેના તે વખતે જે પ્રયાસો થયા તે અદ્ભુત હતા.
વિદ્વાનોને પણ આ યોજના આકર્ષી ગઈ હતી, કેમ કે પોતાના ગ્રંથો ખલીફાના પુસ્તકાલયમાં સામેલ થાય તેનાથી બહુ પ્રતિષ્ઠા અને ફાયદા મળતા હતા.
એવું કહેવાય છે કે ખલીફા અલ-મામુન ગ્રંથોના એટલા ચાહક હતા કે તેઓ એક પુસ્તક ખાતર પણ પોતાના દૂતોને દુનિયાના કોઈ પણ ખૂણે મોકલવા માટે તૈયાર થઈ જતા હતા.
એવા પણ કિસ્સા જાણીતા છે, જેમાં કોઈ દૂતે કોઈ પસંદગીનું પુસ્તક લાવીને આપ્યું હોય, ત્યારે તેનો તોલ સોના સામે કરીને મૂલ્ય ચૂકવવામાં આવ્યું હોય.
ખલીફા અલ-મામુને એક જાણીતા વિદ્વાનને ધરતીનો નકશો બનાવવાનું કામ પણ સોંપ્યું હતું.
ગ્રંથો શોધીને તેનું સંકલન કરવાનું કામ કરનારા વિદ્વાનોને તે વખતે 500 સોનામહોરો આપવામાં આવતી હતી.
આજના મૂલ્ય પ્રમાણે આ વળતર મહિને 25 હજાર ડૉલર જેટલું થાય. વિદ્વાનો માટે આ બહુ મોટી કમાણી હતી. આ ઉપરાંત વિદ્વાનોને સમાજમાં માનપાન પણ મળતા હતા.

અનોખું બગદાદ

ઇમેજ સ્રોત, Getty Images
બગદાદ, કાહિરા અને સમરકંદ જેવા નગરોમાં આ કાર્ય સતત ચાલતું રહ્યું હતું. અહીં પુસ્તકો લાવીને તેના અનુવાદનું કામ થતું હતું.
તેનું સંકલન, વિશ્લેષણ કરીને તેને સુરક્ષિત સંગ્રહિત કરી લેવામાં આવતા હતા. બગદાર એક ભદ્ર અને જીવંત શહેર બની ગયું હતું.
તે વખતે નગરની મુલાકાત લેનારા એક પ્રવાસીએ લખ્યું છે, "હું બગદાદમાં જે વિદ્વાનને મળ્યો, તેની તોલે આવે તેવા કોઈ વિદ્વાન બીજે નથી.
"ધાર્મિક અગ્રણી કરતાંય વધારે તેમના પર ભરોસો કરી શકાય. કવિઓના પણ કવિ અને એટલા સ્વતંત્ર મિજાજ કે જાણે તેમને કશાની પડી ના હોય તેવું લાગે."
શહેરના બૌદ્ધિક લોકો માટે એક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને 'મજલિસ' કહેવામાં આવતી હતી.
મજલિસ એટલે 'મોટી સભા' એવો અર્થ થાય.
નવમી શતાબ્દી સુધીમાં બગદાદમાં આ વ્યવસ્થા એટલી વ્યાપક બની હતી કે ખલીફા, તેમના દરબારીઓ અને સેનાપતિ પણ આવી સભાઓ બોલાવતા રહેતા હતા.
આવી સભાઓમાં શહેરના બુદ્ધિજીવીઓ, ચિંતકો, ધર્મગુરુઓ, ખગોળશાસ્ત્રીઓ અને કલાકારોને પણ બોલાવવામાં આવતા હતા, જેથી તેઓ પણ પોતાના વિચારો મૂકી શકે અને ચર્ચા કરી શકે.
આ પ્રકારની મજલિસની સૌથી રસપ્રદ વાત એ હતી કે તેમાં કોઈ પણ ધર્મના વિદ્વાન આવી શકતા હતા.
કોઈ એક જ વિચારસરણી પાળવી જરૂરી નહોતી. આ એક ખુલ્લો મંચ હતો.
આ સભાઓમાં માટે એક જ શર્ત હતી અને તે હતી કે અરબી ભાષામાં ચર્ચા કરવાની રહેશે.
ખલીફા પણ બોલનારાને સમજી શકે તે માટે અરબી ભાષાનો આગ્રહ હતો.
સાથે એ પણ જરૂરી ગણાતું હતું કે બોલનાર વ્યક્તિ પોતાની વાત તાર્કિક રીતે રજૂ કરે.
ખલીફાઓએ અવારનવાર ઉલ્લેખ કર્યો હતો તે પ્રમાણે મજલિસના આયોજન પાછળનો ઉદ્દેશ સામ્રાજ્યના સૌથી બુદ્ધિમાન લોકોને એકઠા કરવાનો, તેમની વાત સાંભળવાનો અને તેમના વિચારો પર ચર્ચા કરવાનો હતો.
આ રીતે બુદ્ધિશક્તિ સાથે પ્રભુત્વ અને તાકાતનું સંયોજન કરવાનું હતું.


ઇમેજ સ્રોત, THE BODLEIAN LIBRARY, UNIVERSITY OF OXFORDइमेज कॉप
મજલિસોમાં થયેલા 'બૌદ્ધિક મંથન'માંથી ગણિતની જુદી જુદી શાખાઓની ચર્ચા થવા લાગી હતી.
તબીબીશાસ્ત્રમાં પણ પ્રગતિ થઈ અને રસાયણશાસ્ત્રમાં પણ મૌલિક પ્રયોગો કરવાનો રસ્તો ખુલ્યો.
તે સદીઓમાં ઇસ્લામી દુનિયામાં થયેલા વિજ્ઞાનના કાર્યોની આ કહાની છે.
આ ઇતિહાસ કોઈ એક શોધ પૂરતો સિમિત નથી. તે વધારે વ્યાપક ઇતિહાસ છે.
આ વિજ્ઞાનનું સાર્વભૌમ સત્ય છે એમ કહીએ તો તેમાં કશું ખોટું નથી.
મધ્યયુગના ઇસ્લામી વિજ્ઞાનીઓએ મેળવેલી આ સિદ્ધિ પરથી એ સાબિત થાય છે કે વિજ્ઞાનને ઇસ્લામ, હિન્દુ, યહુદી, બૌદ્ધ કે ખ્રિસ્તી ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
તેના પર કોઈ એક સંસ્કૃત્તિ પોતાનો વિશેષ દાવો કરી શકે તેમ નથી.
દુનિયાભરમાં વિજ્ઞાન વિખરાયેલું રહે, તેના બદલે ઇસ્લામના સુવર્ણયુગમાં વિદ્વાનોએ સરહદોની પરવા કર્યા વિના જ્ઞાનને એક જગ્યાએ એકત્રિત કર્યું હતું અને વિજ્ઞાનનું પુનઃઉત્થાન કર્યું હતું.
તેના કારણે વિજ્ઞાન નવી હદ સુધી પહોંચી શક્યું અને તે પણ સાબિત થયું કે રાજકીય સરહદોની પાર જઈને અને ધાર્મિક ભેદભાવોની મર્યાદાઓને તોડીને વિજ્ઞાન બધા માટે લાભકારક સાબિત થઈ શકે છે.
આ એવો એક વિચાર છે જે આજે પણ પ્રસ્તૂત છે અને લોકોને પ્રેરણા આપે છે.
(બીબીસીની 'સાઇન્સ એન્ડ ઇસ્લામ' સિરિઝનો આ લેખ જિમ અલ-ખલીલીએ લખ્યો છે.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















