ઇઝરાઈલી સૈનિકને પેલેસ્ટાઇનની બાળકીએ મારેલી થપ્પડ વાઇરલ

ઇમેજ સ્રોત, AFP
ઇઝરાયલ સેનાના બે જવાન ખભા પર બંદૂક રાખીને ઊભા હતા. ત્યારે પાછળથી બે પેલેસ્ટાઇની યુવતીઓ આવે છે. જેમાંથી એક અહદ તમીમી છે.
અહદ તમીમી સૈનિકો સામે બૂમો પાડે છે. "બહાર નીકળો, અહીંથી હટી જાવો."
આ ગુસ્સાની ઇઝરાઈલી સૈનિકો પર કોઈ અસર થતી નથી. ત્યારે અહદ તમીમી સૈનિકોના ગાલ પર થપ્પડ મારે છે અને તેમને ધક્કા મારવા લાગે છે.
17 વર્ષની અહદ તમીમી દ્વારા ઇઝરાઈલી સૈનિકોને મારવામાં આવેલી થપ્પડનો આ વીડિયો 15 ડિસેમ્બરનો છે.
હાલ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પેલેસ્ટાઇનના લોકો આ વીડિયોને સતત શેર કરી રહ્યા છે.
તમને આ પણ વાંચવું ગમશે
આ ઘટનાના ત્રણ દિવસ બાદ ઇઝરાયલના અધિકારીઓએ વેસ્ટ બેંકમાંથી રાતના અંધારામાં અહદ તમીમીની ધરપકડ કરી લીધી હતી.
ઇઝરાયલે અહદ તમીમી વિરુદ્ધ 12 ગુનાઓ નોંધ્યા છે. જેમાં પથ્થરમારો કરવો અને હુમલો કરવાનો ગુનો સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહદ તમીમીની ધરપકડ બાદ અનેક જગ્યાએ લોકો તેની આઝાદી માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે.

અહદના પરિવારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP
અહદ તમીમીના પરિવારનું કહેવું છે કે તેઓ કાયદાના દાયરામાં રહીને પ્રદર્શન કરી રહ્યા હતા.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે વીડિયોમાં દેખાતા સૈનિકો લોકોને પથ્થરમારો કરવાથી રોકવા માટે ત્યાં તહેનાત હતા.
પેલેસ્ટાઇનના અનેક લોકો અહદને ઇઝરાયલ સામેના વિરોધની હીરો ગણાવે છે.
અહદ તમીમી સિવાય વીડિયોમાં તેની પિતરાઈ બહેન નૂર તમીમી પણ જોવા મળી રહી છે.
રવિવારે સૈનિકોના કામમાં અડચણ ઊભી કરવાના આરોપસર નૂરની પણ ધરપકડ કરી લેવામાં આવી.
આ વીડિયોને રિકૉર્ડ કરી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા અહદના માતાની પણ ધરપકડ કરાઈ છે.
અહદના પિતાએ આક્ષેપ કર્યો છે કે ધરપકડના સમયે ઇઝરાઈલી સૈનિકોએ તેમના ઘર પર અશ્રુ ગેસના સેલ છોડ્યા હતા.

ઇઝરાઈલી સેનાનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, AFP
ઇઝરાઈલી સેનાનું કહેવું છે, "આ વીડિયો જે જગ્યાનો છે ત્યાં કેટલાક પેલેસ્ટાઇનિયન લોકો એક ઘરમાં એકઠાં થઈને સૈનિકો પર પથ્થરમારો કરી રહ્યા હતા."
"સૈનિકોએ આ લોકોને ઘરની બહાર કાઢ્યા અને દરવાજા પર ઊભા રહ્યા જેથી તેઓ ફરી ઘરમાં પ્રવેશી ના શકે."
"જે બાદ કેટલીક મહિલાઓએ સૈનિકો સાથે મારપીટ કરી હતી."
સેનાનું કહેવું છે કે વીડિયોમાં દેખાઈ રહેલા બે લોકોમાંથી એક સેનાનો કમાન્ડર છે.
જેમણે કોઈપણ પ્રતિક્રિયા આપ્યા વિના તમીમી સાથે ખૂબ જ સારી રીતે વ્યવહાર કર્યો હતો.
તો બીજી તરફ અહદ તમીમીના પિતાએ કહ્યું, "વીડિયોમાં ભલે સૈનિકોનો વ્યવહાર દયાભાવ સાથેનો લાગી રહ્યો હોય પરંતુ સામાન્ય રીતે ઇઝરાઈલી સેના આવી હોતી નથી."
"મારી પુત્રીએ જે કર્યું તેના પર મને ગર્વ છે."

2015માં પણ પણ અહદ ચર્ચામાં હતી

ઇમેજ સ્રોત, TAMIMI
બે વર્ષ પહેલાં પણ અહદ તમીમીનો એક વીડિયો વાયરલ થયો હતો.
એ વીડિયોમાં પણ તે ઇઝરાઈલી સૈનિકોના હાથને દાંતથી બચકું ભરતી નજરે પડી હતી.
એ વખતે ઇઝરાઈલી સૈનિકોના હાથમાં એક પેલેસ્ટાઇની યુવક હતો જે સેના પર પથ્થર ફેંકી રહ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી છે.
ટ્રમ્પના આ એલાન બાદ પેલેસ્ટાઇનમાં અનેક જગ્યાએ હિંસાની ઘટનાઓ બની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














