બ્રિટનમાં આ ફોટાએ મચાવી છે ચકચાર

ઇમેજ સ્રોત, Karen Anvil
બ્રિટનના રાજ પરિવારના ચાર સભ્યોનો એકસાથે હસતો ફોટો પાડનાર કેરન એનવલ આ ફોટાની ક્રેડિટથી તેમની દીકરીને ભણાવવા માંગે છે. તે ઇચ્છે છે કે તેમની દીકરીની યુનિવર્સિટીના ભણતરની ફીસ ભરવામાં આ ફોટો મદદ કરશે.
વોટલિંગ્ટનનાં રહીશ 39 વર્ષનાં કેરન એનવલએ જે ફોટોગ્રાફ પાડ્યો છે તેમાં કેમ્બ્રિજના ડ્યુક અને ડચિસ તથા પ્રિન્સ હેરી અને મેઘન માર્કલ એક સાથે કેમેરામાં જોઈને હસતા દેખાઈ રહ્યા છે.
કેરને આ ફોટો તેમના ટ્વિટર પર પોસ્ટ કર્યો જેને લગભગ ચાર હજાર લોકોએ પસંદ કર્યો અને પાંચ રાષ્ટ્રીય સમાચાર પત્રોએ પહેલા પાના પર છાપ્યો.
તમને આ પણ વાંચવું ગમશે
એનવલએ આ વિશે બીબીસીને કહ્યું, "મને આ બધુ ખૂબ જ વિચિત્ર અને મૂર્ખતાભર્યું લાગે છે."
કેરન તેમની 17 વર્ષની પુત્રી રેચલ સાથે થોડા દિવસ પહેલા વાર્ષિક ક્રિસમસ ડે સર્વિસની ઉજવણીમાં ગયા હતા જ્યાં તેમણે આ રાજ પરિવારનાં સભ્યોનો ફોટો લીધો હતો.
આ ફોટાએ વર્ષના અંત સુધીમાં એટલી ચકચાર મચાવી કે તેને ધ સન, ડેઇલી મેઇલ, મિરર, સ્ટાર અને એક્સપ્રેસ ન્યૂઝે પહેલા પાના પર છાપ્યો.
કેરને કહ્યું કે ગયા વર્ષે સ્કાય ન્યૂઝ પર સેન્ડ્રિન્ગહેમમાં ક્રિસમસની ઉજવણી દેખાડવામાં આવી રહી હતી. તેને જોઈને તેમની પુત્રી પણ ત્યાં જવા માંગતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ એ વખતે તે બીમાર હતાં એટલે તેમણે તેમની દીકરીને વચન આપ્યું હતું કે આ વર્ષે તે બન્ને સેન્ડ્રિન્ગહેમમાં ક્રિસમસની ઉજવણી કરવા જશે.
આ ઉજવણીમાં જ તેમને રાજ પરિવારનો અદભુત ફોટોગ્રાફ લીધો.

શું છે કેરલની અપેક્ષા?

ઇમેજ સ્રોત, Karen Anvil
કેરનને બીબીસીએ પૂછ્યું કે તમે રૉયલ્સને એક સાથે 'કૅમ-લૂક' કેવી રીતે અપાવ્યું. એ બધાનું ધ્યાન તેમના તરફ કેવી રીતે ખેંચ્યું.
કેરને કહ્યું, "હું કુદરતી રીતે જ ચુલબુલી ટાઈપની છું અને મારી દીકરી સાથે હતી એટલે હું થોડી વધારે જોશમાં હતી."
તેમણે કહ્યું, "હું જોરથી 'મેરી ક્રિસમસ'ની બૂમો પાડતી હતી. એમને જોઈને હું ગાંડાની જેમ બૂમો પાડી પાડીને તેમને બોલાવી રહી હતી."
એ હસે છે અને આગળ કહે છે, "બસ હું આ બધુ જ કરતી હતી અને તેમણે મારા કૅમેરાની સામે જોયુ અને મેં તેમનો ફોટો પાડી લીધો."
કેરને આ ફોટો જેવો ટ્વિટર પર મૂક્યો કે તેમને હજારો લાઇક્સ મળવાં લાગ્યાં. મજાની વાત એ છે કે આ પહેલાં તેમનો રેકોર્ડ માત્ર પાંચ લાઇક્સનો હતો!
ફોટાને મુક્યા પછીના ચાર કલાકમાં તેમના ટ્વિટર પર મેસેજની ભરમાર થઈ ગઈ. જેમાં ફોટાનો ઉપયોગ કરવા માટે મંજૂરી માંગવામાં આવી રહી હતી.
અન્ય ટ્વિટર યૂઝર્સ તેમને ફોટાની ક્રેડીટ માટે સારી કિંમત વસૂલવાની સલાહ આપી રહ્યા હતા.
કેરને કહ્યું, "પહેલાં મને લાગ્યું કે હાં, મારી પાસે આ ફોટો છે. અને મને એના વિશે બહુ ખબર પણ નહોતી."
પરંતુ થોડીક જ વારમાં તેમને ઘણું બધુ સમજાઈ ગયું, ફોટોગ્રાફ, તેના કૉપીરાઇટ અને ક્રેડિટ માટે કૅશ વગેરે વગેરે. તેમને સૂચનો મળવા લાગ્યા કે ક્રિસમસ ડે પર રોકડા કમાઈ લો.
કેરન કહે છે, "હું સિંગલ મધર છું. બે નોકરી કરૂ છું. મને મારા પર ગર્વ છે. હું મારી દીકરીના ભણતર માટે પૈસા જમા કરી રહી છું. જો મને આ ફોટા દ્વારા એના માટે યુનિવર્સિટીના ભણતરની રકમ મળી જાય તો મારા માટે એ અકલ્પનીય હશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












