ગુજરાત પર તોળાતા જળસંકટનું આ છે કારણ

બોટાદ પાસેના ગુંદા ડેમની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, હિમાંશુ ઠક્કર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ચોમાસુ અડધું વીતી ગયું છે, ત્યારે સ્થિતિ એવી છે કે ગુજરાતમાં ફરી એકવાર ગંભીર જળસંકટ ઊભું થાય તેમ છે.

રાજ્યના 44 તાલુકાઓમાં 125 એમએમ કરતાંય ઓછો વરસાદ થયો છે. સમગ્ર રાજ્યની સરેરાશ જોઈએ તો ઍવરેજ કરતાં 20% ઓછો વરસાદ થયો છે.

પણ સમગ્ર રાજ્યની સરેરાશ કરતાંય સ્થાનિક સ્તરે સ્થિતિ વધારે ગંભીર છે.

કેટલાક જિલ્લાઓમાં બહુ ઓછો વરસાદ થયો છે અને વરસાદની ખાધ બહુ મોટી થઈ છે.

હવામાન વિભાગના 8 ઑગસ્ટ, 2018 સુધીના આંકડા જોઈએ તો સ્થિતિની ગંભીરતા સમજાઈ જશે.

line

રાજ્યમાં વરસાદની ખાધ

વરસાદ વગર સૂકી પડેલી જમીનમાં બેસેલા ખેડૂતની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કચ્છ - કુલ વરસાદ 49.5 એમએમ (ખાધ -78%); પાટણ કુલ વરસાદ 126.8 એમએમ (ખાધ -59%); ગાંધીનગર - 127.6 mm (-70%); મોરબી - 138.4 mm (-57%); અમદાવાદ 141.4 mm (-62%); બનાસકાંઠા - 155.2 mm (-54%); મહેસાણા - 168.1 mm (-56%).

આ રીતે આ જિલ્લાઓમાં પ0 ટકા કરતાંય વધારે ખાધ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર 229.8 એમએમ વરસાદ થયો છે અને 26% ખાધ છે, પરંતુ તેમાં ગીર સોમનાથ જેવો જિલ્લો પણ છે, જ્યાં ઍવરેજ કરતાં વધારે 110% ટકા વરસાદ પડી ગયો છે.

હવામાન વિભાગ ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખીને કેટલી ખાધ પડી તેની ગણતરી કરતું હોય છે, કેમ કે આ વિસ્તારમાં જ સૌથી વધારે દુકાળની સંભાવના હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ વર્ષ ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આગોતરી જ સૂચના આપી હતી કે શેરડીના વાવેતરમાં મોડું કરજો, કેમ કે ઉકાઈ ડેમમાં ઓછું પાણી છે.

(9 ઑગસ્ટના રોજ માત્ર 20% ટકા પાણીનો સંગ્રહ હતો. ગયા વર્ષે આજ સમયગાળામાં 40% જળજથ્થો હતો, જ્યારે છેલ્લા દસ વર્ષની સરેરાશ ગણીએ તો ઑગસ્ટના પ્રથમ અઠવાડિયે 54% પાણી ડેમમાં હોવું જોઈએ.)

line
પાણી વગરની સાબરમતીનદીનીની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડી ગયો છે, છતાં જળના સંગ્રહમાં આ વિરોધભાસ ઊભો થયો છે.

દક્ષિણ ગુજરાતના ડાંગમાં સરેરાશ કરતાં 40% વધારે, વલસાડ અને નવસારીમાં 38% વધારે, સુરતમાં 18% વધારે અને ભરૂચમાં પણ સરેરાશથી 14% વધારે વરસાદ પડી ગયો છે.

સુરતમાં ભલે ઍવરેજ કરતાં વધારે વરસાદ નોંધાયો હોય, પણ તેનાથી ડેમમાં પાણી ભરાયું નથી, કેમ કે તાપી નદીના ઉપરવાસમાં ઍવરેજ કરતાં 18% ઓછો વરસાદ થયો છે. તેથી ઉકાઈ ડેમાં પાણી ભરાયું નથી.

સાબરમતી નદીના તટપ્રદેશમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે, કેમ કે અહીં સૌથી વધુ સરેરાશ કરતાં 35% વરસાદની ખાધ છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને આવરી લેતા લુણી-સાબરમતી-ભાદર એમ ત્રણેય નદીઓના તટપ્રદેશની ગણતરી કરીએ તો 21% વરસાદની ખાધ છે.

મહી નદીના તટપ્રદેશમાં પણ સરેરાશ કરતાં 13% ઓછો વરસાદ થયો છે.

ભરૂચમાં સરેરાશથી 14% વધારે વરસાદ થયો છે.,જોકે ભરૂચ વિસ્તાર ગુજરાતની સૌથી મહત્ત્વની નદી નર્મદાના તટપ્રદેશમાં આવેલો છે.

નર્મદાના તટપ્રદેશમાં પણ સરેરાશથી 21% ઓછો વરસાદ થયો છે. ગયા વર્ષે ચોમાસાના અંતે આટલી જ ખાધ હતી.

તેના કારણે આ વર્ષે મુશ્કેલી વધી ગઈ છે, કેમ કે વરસાદના અભાવે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીનો આવરો થયો જ નથી.

આઘાત લાગે એવી વાત છે કે નવમી ઑગસ્ટે ડેમમાં માત્ર એક ટકા જીવંત જળજથ્થો ઉપલબ્ધ હતો.

ગયા વર્ષે આ સમયે 28% જથ્થો ઉપલબ્ધ હતો, જ્યારે છેલ્લા દસ વર્ષની સરેરાશ 24% રહી છે.

line

સરદાર સરોવર ડેમમાં આટલું ઓછું પાણી કેમ છે?

ડેમની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરદાર સરોવર

ગુજરાતના ખેડૂતોને જણાવી દેવાયું છે કે તમને સિંચાઇ માટે આપવાનું પાણી નથી.

ગયા વખતે પણ રવિ મોસમના અંતે ખેડૂતોને જણાવી દેવાયું હતું કે નર્મદા નહેરથી પાણી આપી શકાય તેમ નથી.

ડિસેમ્બર 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી તે પહેલાં રાજકીય રીતે પાણી છોડાયું અને જળસ્રોતનો આડેધડ ઉપયોગ થયો હતો. તેનો ભોગ હવે ખેડૂતો બની રહ્યા છે.

ચૂંટણી પહેલાં મીડિયાની હાજરીમાં ભવ્ય કાર્યક્રમો કરીને, વડા પ્રધાન તથા મુખ્ય પ્રધાનની હાજરીમાં સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન) યોજના અન્વયે પાણી છોડવામાં આવ્યું હતું.

અમદાવાદમાં રિવરફ્રન્ટમાં સી પ્લેનનો દેખાડો કરવા માટે નર્મદા નદીનું પાણી વેડફાયું હતું.

એવો દેખાવ ઊભો કરાયો હતો કે સરદાર સરોવર યોજનાને કારણે ગુજરાતમાં પાણીની કોઈ કમી રહી નથી.

થોડા મહિના પહેલાં 17 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાનના હસ્તે ડેમના દરવાજા બંધ કરીને યોજના પૂરી થયેલી જાહેર કરવામાં આવી હતી.

આ જાહેરાત ખરેખર ગેરમાર્ગે દોરનારી હતી, કેમ કે નર્મદા યોજનાની નાની નહેરોનું કામ હજી મોટા પાયે બાકી છે.

ચૂંટણી પતી ગઈ અને નવી સરકારની રચના થઈ તે સાથે જ ગુજરાતના ખેડૂતોને જણાવી દેવાયું કે તમારા માટે હવે પાણી નથી.

line
કેવડીયા કોલોનીમાં સુરક્ષા કરતા જવાનોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નર્મદાની કેનાલમાં ગોઠવાયેલા બંદોબસ્તની તસવીર

નર્મદાની કેનાલમાં પાઇપો નાખીને પાણી ખેંચવામાં ના આવે તે માટે એસઆરપીનો (સ્ટેટ રિઝર્વ પોલીસ) બંદોબસ્ત તેના પર ગોઠવી દેવાયો છે.

દરવાજા બંધ થયા તે સાથે જ ડેમની ઊંચાઈ વધી ગઈ હતી અને આજ સુધીની સૌથી ઊંચી જળ સપાટી 128 મીટરની હાંસલ થઈ હતી.

દરવાજા વિના 1.27 મિલિયન એકર ફિટ પાણી ભરાતું હતું, તેની જગ્યાએ સાડા ત્રણગણું પાણી વધીને 4.72 મિલિયન એકર ફિટ પાણીનો ડેમમાં સંગ્રહ થઈ શકે છે.

આમ છતાં સિંચાઈ માટે પાણી વધ્યું નહી તે વક્રતા છે.

2018ના ઉનાળામાં એવી ખરાબ સ્થિતિ ઊભી થઈ હતી કે સરદાર સરોવરમાં જીવંત જળજથ્થો રહ્યો જ નહોતો.

તેના કારણે નર્મદા કન્ટ્રોલ ઑથોરિટીની વિશેષ મંજૂરી લઈને ઇરિગેશન બાયપાસ ટનલ શરૂ કરવી પડી હતી.

ડેમની જળસપાટી મિનિમમ 110.63 મીટર હોય, તેના કરતાં પણ ઓછી ઊંચાઇએથી પાણી લઈ શકાય તે માટે આવી મંજૂરી લેવી પડી હતી.

મિનિમમ સપાટીથી નીચેથી પાણી લેવાની મંજૂરી મળે તો તેનાથી કેનાલ હેડ પાવર સ્ટેશન કામ ન કરી શકે.

આ રીતે સમગ્ર ઉનાળા દરમિયાન ડેમમાંથી પાણી ખેંચવામાં આવ્યું હતું અને તેના કારણે ડેમમાં રહેલા જળનો જથ્થો વધુ ઓછો થઈ ગયો હતો.

તેના કારણે આ વખતે વરસાદ શરૂ થયો તે પછી પણ તરત પાણીનો જથ્થો કામ આવે તેમ નહોતો.

ખાલી થયેલો ડેમ ભરાતો જાય અને જળસપાટી 110.64 મીટરે પહોંચે તે પછી જ પાણી મળે તેમ હતું.

line
પાણી લેવા જતા મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

17 જુલાઈએ આ સપાટીથી ઉપર પાણી પહોંચ્યું હતું અને તે સાથે જ મુખ્ય કેનાલથી પાણી કચ્છ જેવા દૂરના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવ્યું હતું.

તે રીતે પાણી અત્યારે લેવાનું ચાલુ જ છે અને તેના કારણે નવમી ઑગસ્ટે પણ ડેમમાં 110.97 મીટરની જળસપાટી જ હતી. જે કુલ સમાવી શકનારા જળજથ્થાના એક ટકા જેટલી જ છે.

ગયા વર્ષે ચૂંટણી પહેલાં પાણીના વેડફાડને કારણે બીજું પણ નુકસાન થયું છે.

પાણી ઓછું હોવાથી રિવર બેડ પાવર હાઉસમાં 2017-18માં વીજળી ઉત્પાદન પણ થઈ શક્યું નહોતું.

ફેબ્રુઆરીથી જુલાઈ 2018 સુધી કેનાલમાં પાણી ઓછું છોડાયું હતું, આથી જળસ્તર ઘટતા તેના કારણે કેનાલ હેડ પાવર સ્ટેશન પણ પાંચેક મહિના બંધ રહ્યું હતું.

ઓછા પાણીને કારણે નીચાણવાળા વિસ્તારમાં ખાલીખમ નદીથી બીજું પણ નુકસાન થતું રહ્યું છે. તળ નીચા જવાથી ખેડૂતોને અને પાણી ના હોવાથી માછીમારોને ભોગવવું પડ્યું છે.

લોકોને અને પર્યાવરણને થયેલા નુકસાનની કોઈ ગણતરી જ થઈ નથી.

જળસ્રોતના નિયમનમાં કેવી અવ્યવસ્થા છે તેનો નમૂનો પણ આ વખતે મળ્યો છે.

સરદાર સરોવર બંધ ખાલી થવા લાગ્યો હતો, ત્યારે ઉપરવાસમાં મધ્ય પ્રદેશમાં આવેલા બારગી બંધમાં 1400 મિલિયન ક્યુબિક ફિટ પાણી એમ જ ભરેલું પડ્યું રહ્યું હતું.

2018નું ચોમાસું શરૂ થયું ત્યાં સુધી આટલું પાણી એમ જ ડેમમાં ભરી રખાયું હતું.

જો બારગી ડેમમાંથી પાણી છોડાયું હોત તો સરદાર સરોવર બંધ થોડો ભરાઈ ગયો હોત. કોઈએ પરવા કરી નહીં અને બારગી ડેમમાં પાણીનો જથ્થો એમ જ પડ્યો રહ્યો હતો.

હવે જો કદાચ પાછલો વરસાદ સારો થાય તો ડેમો છલકાશે ત્યારે આ બધું પાણી વિનાકારણ દરિયામાં વહાવી દેવું પડશે.

line
બોટાદ પાસેના ગુંદા ડેમની તસવીર

ઇમેજ સ્રોત, Google

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સરદાર સરોવરને ગુજરાતની જીવાદોરી ગણીને તેના ગુણગાન ગવાતા રહ્યા છે, પણ 2002 પછી ગુજરાતમાં જળસંસાધનોની બાબતમાં ઉપેક્ષા જ સેવવામાં આવી છે તેમ લાગે છે.

1990ના દાયકામાં ગુજરાતમાં જળસંગ્રહ માટે લોકઝુંબેશ ચાલી હતી તે સાવ અદૃશ્ય થઈ ગઈ છે.

બોરવેલ અને કૂવા રિચાર્જિંગ તથા ચેકડેમ માટેની ઝુંબેશ મોટા પાયે ચાલી હતી અને સ્થાનિક ધોરણે જળસંગ્રહ કરવા પર ધ્યાન અપાયું હતું.

1990ના દાયકામાં સરકારી યોજનાઓમાં પણ વેલ રિચાર્જિંગ અને ચેકડેમની યોજનાઓને વણી લેવાઈ હતી.

જોકે સતત સારા વરસાદ પછી 2002ના વર્ષ પછી સ્થાનિક ધોરણે નાના પાયે જળસંગ્રહની ઝુંબેશને જાણે સાવ પડતી મૂકાઈ છે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા દુકાળગ્રસ્ત વિસ્તારોના નામે નર્મદા યોજનાને હંમેશા જીવાદોરી ગણાવાતી રહી છે.

જોકે નર્મદા ડેમમાંથી પાણી મળવા લાગ્યું છે, તે પછી એવું જોવા મળ્યું છે કે સરકારની પ્રાથમિકતા બદલાઈ ગઈ છે અને વધુ ને વધુ પાણી શહેરી વિસ્તારો માટે વપરાવા લાગ્યું છે.

મોટા શહેરો, ઉદ્યોગો અને મધ્ય ગુજરાતને નર્મદાનું પાણી સહેલાઈથી મળી જાય અને તે પછી જો જથ્થો વધે તો દુકાળિયા કચ્છ, સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોનો વારો આવે છે.

છેલ્લા દાયકામાં જળસંગ્રહની બાબતમાં નાના અને સ્થાનિક સ્રોતોના બદલે મોટી અને જંગી યોજનાઓ પર જ વધુ ભાર મૂકાતો રહ્યો છે.

કૂવા રિચાર્જ, ચેક ડેમ, તળાવોના બદલે સરદાર સરોવર ઉપરાંત 'સુઝલામ સુફલામ', 'સૌની', 'કલ્પસર' અને એવી મોટી મોટી યોજનાની જ વાતો થતી રહી છે.

સ્થાનિક જળસ્રોત પર ધ્યાન આપવાને બદલે મેગા પ્રોજેક્ટના ભપકાને કારણે સૌથી વધુ ભૂગર્ભ જળસ્તરને નુકસાન થયું છે.

દુકાળમાં ઉપયોગી થઈ શકે તેવા તળના પાણીના સ્તર નીચે જવા લાગ્યા છે.

સ્થાનિક ધોરણે જળસંગ્રહ કરીને પાણીને તળમાં ઉતારવામાં આવે એ જ ખરા અર્થમાં જીવાદોરી સાબિત થાય તેમ છે.

પરંતુ તળ સાજા કરવા પર ધ્યાન આપવામાં ગુજરાતે કરેલી ઉપેક્ષા રાજ્યને ભારે પડી શકે છે. 2017માં પાણીનો વેડફાટ થયો અને 2018માં પાણીની અછત દેખાવા લાગી છે.

પાછોતરો વરસાદ સારો ના થયો તો આવતા 2019ના ઉનાળામાં પણ ભારે પડવાનું છે.

આ ત્રણ વર્ષ કરતાંય વધુ લાંબા ગાળાની અસર ગુજરાતને થઈ શકે છે, કેમ કે આપણે તળના પાણીની પરવા કરી નથી.

અત્યારે તો 2017ની ચૂંટણી વખતે વિશાળ જથ્થામાં પાણી વેડફી નાખવામાં આવ્યું તેના કારણે 2017 અને 2018નું વર્ષ ભોગવવાનું આવ્યું જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો