ગુજરાતમાં કેટલો વરસાદ પડે તો સારું ચોમાસું કહેવાય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. આગાહી મુજબ આ વર્ષે ગુજરાતમાં સામાન્ય એટલે કે સારો વરસાદ થશે.

ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે.

જોકે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જૂનના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાની વિધિવત શરૂઆત થશે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આ વખતે 97થી 104 ટકા વરસાદ થવાના અણસાર છે.

ગુજરાતમાં ચોમાસું શરૂ થાય તે પહેલાં આપણે સમજી લઈએ કે સારું કે નબળું ચોમાસું કોને કહેવાય? સારા ચોમાસા માટે ખરેખર કેટલો વરસાદ પડવો જોઈએ?

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયૉરોલૉજીની ધ ક્લાઇમેટ ફોરકાસ્ટ સિસ્ટમના ડેટા અનુસાર ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસવાની આગાહી કરવામાં આવી હતી.

line

સારું ચોમાસું કોને કહેવાય?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં સામાન્ય રીતે વિધિવત ચોમાસાની શરૂઆત જૂનમાં થતી હોય છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં હવામાન નિષ્ણાંત અંકિત પટેલ કહે છે કે વરસાદની ટકાવારી માપવાના અલગઅલગ માપદંડ હોય છે. ટકાવારી પ્રમાણે વરસાદની વહેંચણી કરવામાં આવે છે.

તેમણે કહ્યું, "જો 97થી 104 ટકા વરસાદ પડે તો તે સામાન્ય વરસાદ કહેવાય છે. 104થી 110 ટકાની આસપાસના વરસાદને સામાન્ય કરતાં થોડો વધુ વરસાદ કહેવાય છે."

"પરંતુ જો ચોમાસાની ઋતુમાં 110 ટકાથી વધારે વરસાદ પડે તો અતિવૃષ્ટિ થાય છે. જેનાં ગંભીર પરિણામો આવી શકે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

અંકિત પટેલ કહે છે, "જ્યારે દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે 90 ટકાથી ઓછો વરસાદ પડ્યો હોય છે."

"90 થી 96 ટકા વચ્ચેના વરસાદને અતિસામાન્ય વરસાદની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે."

line

ગુજરાત માટે 100 ટકા વરસાદ એટલે શું?

ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

આપણે ટકાવારીની વાત તો કરી પરંતુ તેના માટે કેટલા પ્રમાણમાં વરસાદ પડે તે સમજવું જરૂરી છે.

ગુજરાતમાં ખરેખર કેટલા મિલિમીટર વરસાદ પડવો જોઈએ તો તેને સારો વરસાદ કહી શકાય.

અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે કેટલો વરસાદ પડવો જોઈએ તેના માટે માપદંડ નક્કી કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, "છેલ્લાં 30 વર્ષમાં કેટલો વરસાદ પડ્યો છે તેની સરેરાશના આધારે આગળનાં 10 વર્ષ માટે વરસાદનો માપદંડ નક્કી કરાય છે."

"ગુજરાતમાં સરેરાશ 810 મિલિમીટર (31 ઇંચ જેટલો) વરસાદ પડે તો તેને 100 ટકા વરસાદ થયો કહેવાય."

તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મોટાભાગે જુલાઈ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે.

અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 28 જૂનથી 30 જૂનની વચ્ચે વરસાદ પડે તેવી સંભાવના છે.

line

વરસાદ લંબાવવાનું કારણ

વીડિયો કૅપ્શન, સારું ચોમાસું એટલે સસ્તા વ્યાજદર અને રોજગારીની તકો

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન બાદ ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ આ વર્ષે વરસાદ લંબાયો છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીએ જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન ધરાવતા અને વર્ષોથી વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલ સાથે વરસાદમાં થઈ રહેલા વિલંબ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું, "સિંધ પાકિસ્તાન તરફથી આવતા વરસાદી વાદળો એન્ટિ સાયક્લોનને કારણે વિખેરાઈ જાય છે જેની અસર ચોમાસા પર પડી રહી છે."

અંકિતના કહેવા મુજબ "વિન્ડ પેટર્નમાં ગડબડ અને મોનસૂન ફ્લૉ(જમીનના સ્તરથી 15-20 કિમી ઊંચાઈ ધરાવતા પવનો) નબળા પડવાને કારણે પણ ચોમાસું લંબાયું છે."

તેમણે કહ્યું, "વર્ષ 2014માં ચોમાસાનો વિધિવત પ્રારંભ 15 જુલાઈની આસપાસ થયો હતો. તેની સરખામણીએ આ ચોમાસું વહેલું કહી શકાય."

line

'સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PAL PILLAI/Getty

અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું 29 જૂનથી 12 જુલાઈ વચ્ચે બેસે તેવા અણસાર છે.

અંબાલાલનું માનવું છે કે આ વખતે દેશવ્યાપી ચોમાસું 100 ટકા રહેશે.

તેમણે કહ્યું, "મેં વર્ષ 1958-59ના આંકડાઓને કેન્દ્રમાં રાખીને આ વર્ષની આગાહી કરી છે. એ સમયે પણ સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો."

સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના આંકડા મુજબ, 2017માં ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બરમાં કુલ 896.36 મિલિમીટર વરસાદ પડ્યો હતો. મતલબ કે 110.66 ટકા જેટલો વરસાદ થયો હતો.

સૌથી વધુ વલસાડ જિલ્લામાં 2460 મિલિમીટર વરસાદ પડ્યો હતો. રાજ્યનો કપરાડા તાલુકો એવો હતો જેમાં સૌથી વધુ 3226 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. સૌથી ઓછો વરસાદ 320 મિલિમીટર ભૂજમાં પડ્યો હતો.

27 તાલુકાઓ એવા હતા જ્યાં 251થી 500 મિલિમીટર વરસાદ પડ્યો હતો. 150 તાલુકાઓમાં 501થી 1000 મિલિમીટર વરસાદ નોંધાયો હતો.

2017માં 1000 મિલિમીટર વરસાદ ધરાવતા 73 તાલુકાઓ હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો