સારું ચોમાસું એટલે સસ્તા વ્યાજદર અને રોજગારીની તકો
ચોમાસાના વરસાદની દરેકને મન અલગઅલગ કિમત છે. એ પછી ગરમીથી પરેશાન સામાન્ય લોકો હોય, ખેડૂત હોય કે સરકાર હોય.
એમાં પણ આ તો ચૂંટણીનું વર્ષ છે. એટલે ચોમાસા પર રાજકીય પક્ષોની પણ નજર છે.
ભારત એવો દેશ છે જેમાં સારું ચોમાસું એક સારા સમાચાર તરીકે જોવાય છે.

દેશ માટે ચોમાસું આટલું જરૂરી કેમ છે ?
- દેશની લગભગ બે તૃતીયાંશ વસ્તી જીવનનિર્વાહ માટે ખેતી પર આધાર રાખે છે.
- દેશની લગભગ 2500 અબજ ડોલરની જીડીપીમાં કૃષિનો હિસ્સો લગભગ 15 ટકા છે.
- અંદાજે ખેતી દ્વારા દેશની લગભગ અડધી વસ્તીને રોજગાર મળે છે.
- ભારતની ખાદ્યપેદાશોમાંથી અડધોઅડધ ખરીફ પાક તરીકે લેવાય છે.
- વર્ષ દરમિયાનના વરસાદના 70- ટકા ચોમાસામાં થાય છે.

સારા ચોમાસાના ફાયદા
સારું ચોમાસું દેશની અર્થવ્યવસ્થામાં મહત્ત્વનાં નિર્ણયો માટે જવાબદાર હોય છે.
પાછલાં ત્રણ વર્ષોમાં નબળા ચોમાસાને કારણે ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજ દરોમાં ઘટાડાને ટાળવાનું કામ કર્યું. કારણ એ આપ્યું કે મોંઘવારી વધી શકે છે અને જો વ્યાજદર ઘટ્યા તો મોંધવારી બેકાબૂ બની શકે છે.
• આ વખતે ચોમાસું સારું રહ્યું તો વ્યાજદરોમાં ઘટાડાનો રસ્તો સાફ થઈ જશે. મતલબ કે સસ્તી લોન હશે અને કારોબારી ગતિવિધિ તેજ થશે. દેશમાં રોકાણ આવશે, રોજગારી વધશે.
• ચોમાસાના વરસાદથી જળાશયો અને ભૂજળનું સ્તર વધવામાં મદદ મળશે. હાઇડ્રો પાવરનું વધારે ઉત્પાદન થશે.
• જે જગ્યાએ પર સિંચાઈ પમ્પ કે કૂવાના પાણીથી થાય છે, ત્યાં સારા વરસાદથી ડીઝલની માગ પણ ઘટી શકે છે.
• સારું ચોમાસું મતલબ ખાદ્યપેદાશોનું ઉત્પાદન વધશે.
• ખાવા પીવાની વસ્તુઓની મોંઘવારી કાબૂમાં આવશે.
• ખેડૂતો અને ખેતીથી જોડાયેલા લોકોના હાથમાં વધારે રકમ આવશે.
• કન્ઝ્યુમર ગુડ્સની ડિમાન્ડ વધશે.
• FMCG, ફર્ટિલાઇઝર, એગ્રો કેમિકલ્સ, કૃષિ સાધનો અને ડ્યૂરેબલ્સ અને ટુ-વ્હીલરની માગ વધશે.
• ઉદ્યોગોની ગતિ ઝડપી થશે.
• ફેક્ટરીઓને લાઇફલાઇન મળશે, ડિમાન્ડ વધશે.

મોડા ચોમાસાની અસરો
મોડું ચોમાસું પુરવઠાનો પ્રશ્ન ઊભો કરી શકે છે. એટલે ખાદ્યપદાર્થોમાં ફૂગાવો આવી શકે.
મધ્યમ કરતાં ઓછું ચોમાસું દુકાળ પણ નોંતરી શકે છે.
ચોખા, ઘઉં અને ખાંડના મામલે તો આપણે આત્મનિર્ભર છીએ. પણ જરૂરતમાં ભારતે તેની પણ આયાત કરવી પડે છે.
ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ 97 ટકા રહેશે, એટલે કે સામાન્ય રહેશે.
શું તમે આ વાંચ્યું?
96થી 104 ટકા સુધીના વરસાદને સામાન્ય ચોમાસું કહે છે.
જો હવામાન વિભાગ ખાતાની આગાહી મુજબ ન થયું તો શેર બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ ફેલાશે અને અર્થતંત્રની ગતિ ખોરવાઈ શકે.
દુકાળ દરમિયાન સરકાર ખેડૂતોને પ્રોત્સાહન માટે સબસિડી આપે છે. એટલે કે ખજાનાની રકમ યોજનાઓની જગ્યાએ રાહત પેકેજમાં જતી રહે છે અને રાજકોષીય ખાધ વધી જાય છે.
એટલે જ ચોમાસું એ ભારતીય અર્થવ્યવસ્થાની જીવનરેખા એટલે કે લાઇફલાઇન છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો