ઉમર ખાલિદ : એ લોકો અમને ડરાવીને ચૂપ નહીં કરી શકે

ઇમેજ સ્રોત, FACEBOOK/UMAR KHALID
સોમવારે દિલ્હી ખાતે જેએનયૂના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર થયેલા ગોળીબાર બાદ તેમણે પોતાનું નિવેદન ફેસબુક પર મૂક્યું.
ઉમર ખાલિદ પર નવમી ફેબ્રુઆરીના દિવસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુને ફાંસી આપવાનો વિરોધ કરવા માટે કાર્યક્રમ યોજીને ભારત-વિરોધી સૂત્રોચ્ચાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ આરોપો મૂકવામાં આવ્યા ત્યારે ખાલિદ પીએચડીના છેલ્લા વર્ષમાં હતા. હાઈકોર્ટના આદેશ બાદ યુનિવર્સિટીએ તેમનો મહાશોધ નિબંધ સ્વીકાર્યો હતો.
ઉમર ખાલિદ તેમના નિવેદનમાં કહે છે કે, "છેલ્લાં થોડાં વર્ષોમાં એક પછી એક ઍક્ટિવસ્ટ્સની હત્યાઓ થઈ છે અને મારા જીવને જોખમ છે એ સ્થિતિમાં મારા પર પણ બંદૂક કોઈ તાકી શકે છે.
"દાભોલકર, કલબુર્ગી, પાનસરે, ગૌરી લંકેશ અને આ નામોની યાદી હજુ લંબાઈ રહી છે, પણ શું હું કહી શકું કે હું પણ આ માટે તૈયાર જ હતો?
"કોઈ પણ એવું કહી શકે કે તે આ પ્રકારની ઘટના માટે ખરેખર તૈયાર હતા? ના.
તમે આ વાંચ્યું કે નહીં?
"આ ઘટના પણ ત્યારે થઈ જ્યારે 15 ઑગસ્ટને માત્ર બે દિવસ બાકી છે. પ્રશ્ન એવો પણ ઊઠે છે કે શું 'સ્વતંત્રતા'નો અર્થ એવો થાય છે કે દેશના નાગરિકોએ અન્યાય સામે અવાજ ઉઠાવવાના 'ગુના' માટે મરવાની તૈયારી રાખવી પડે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સંજોગની વાત એ છે કે કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં મારા પર જ્યારે પિસ્તોલધારી વ્યક્તિએ હુમલો કર્યો ત્યારે હું 'ડરથી આઝાદી' નામના કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો.
"મુદ્દાની વાત એ છે કે સ્વાતંત્ર્ય દિવસના બે દિવસ પહેલાં દેશની રાજધાનીના સૌથી સુરક્ષિત ગણાતા વિસ્તારમાં કોઈ હથિયારધારી વ્યક્તિ ધોળે દિવસે આવીને મારા પર હુમલો કરે એનાથી સ્પષ્ટ થાય છે કે આ વ્યક્તિને વર્તમાન રાજકીય શાસનથી ડર નથી.
"આ કાયદો અને વ્યવસ્થાની પણ મશ્કરી કરવા જેવું છે.

ઇમેજ સ્રોત, EPA
"મને ખબર નથી કે હુમલો કરનાર કોણ છે કે એને કોનું પીઠબળ છે. એ પોલીસ તપાસનો વિષય છે, પણ હું એટલું ચોક્કસ કહું છું કે, ગઈકાલ જે થયું કે આવતીકાલે આવું જ કંઈ થાય તો હુમલા માટે 'આજાણ્યા હથિયારધારી શખ્સ'ને જવાબદાર ઠેરવતા નહીં.
"ખરા ગુનેગારો એ છે કે જેઓ પોતાની ખુરશી પરે બેસીને સત્તાનો દુરુપયોગ કરીને નફરત, ખુનામરકી અને ડરનું વાતાવરણ ફેલાવી રહ્યા છે. ખરા ગુનેગારો એ લોકો છે કે જેમણે ખૂનીઓ અને મૉબ લિંચિંગ કરનારાઓ બિન્દાસ ફરી શકે એવું વાતાવરણ સર્જ્યું છે.
"ખરા ગુનેગારો સત્તાધારી પક્ષના પ્રવક્તા, પ્રાઇમ ટાઇમ ઍન્કર અને ટીવી ચેનલો છે કે જેમણે મારા વિરુદ્ધ અફવાઓ ફેલાવી હતી.
"એ લોકો ગુનેગાર છે કે જેમણે મને જૂઠાણાંના આધારે રાષ્ટ્ર-વિરોધી ચીતર્યો અને મારા વિરુદ્ધ વર્ચ્યુલ લિંચ-મૉબની પ્રેરણા આપી હતી, જેના કારણે મારી જિંદગી લોકો માટે હુમલાપાત્ર બની ગઈ હતી.
"આજે પણ, પોલીસે કલમ 307 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો એ પછી પણ ભાજપના સાંસદ મિનાક્ષી લેખી અને અન્ય ભગવા એજન્ટ્સ ઑનલાઇન માધ્યમોમાં એવું ખપવવાનો પ્રયાસ કરે છે કે કોઈ હુમલો થયો જ નથી અને મેં મારી જાતપર હુમલાનું તરકટ રચ્યું છે. આવું કેમ?
"મેં કોઈની સામે આંગળી ચીંધી નથી તો પણ તો પછી એ લોકો આ આખી વાતને નવો વળાંક આપવા માટે આતુર કેમ છે? આ આતુરતાને શેનું સંકેત ગણવું જોઈએ? તેમના જ ગુનાનું સંકેત ગણવું જોઈએ?
"ગૌરી લંકેશની હત્યાનું ઉદાહરણ લઈએ એક પછી એક જે ધરપકડો કરાઈ એનાથી હત્યા પાછળ હિંદુવાદી જૂથની ભૂમિકા છતી થઈ ગઈ છે.
"છેલ્લાં બે વર્ષથી મારા વિરુદ્ધ ધિક્કાર ફેલાવવાનું અભિયાન યથાવત્ જ છે. કોઈ પુરાવા નથી માત્ર જૂઠાણાં છે. કોઈ ચાર્જ-શીટ નથી થઈ, માત્ર મીડિયા ટ્રાયલો જ થઈ છે. કોઈ દલીલો નથી થઈ, ટ્રોલિંગ જ થયું છે.
"કોઈ ડિબેટ નથી થઈ, જીવથી મારી નાંખવાની ધમકીઓ જ મળી છે. આજે આ બધું જ બંદૂક સુધી પહોંચી ગયું.

"મારા નામ આગળ 'ટુકડે ટુકડે'ના હેશટેગ્સ ઉપનામની જેમ લાગી ગયા છે, એવું કેમ? 'આ ફિલ્મ રિલીઝ થશે તો દેશના ટુકડાટુકડા થઈ જશે' એવું કહેનારાઓનું ભાજપના નેતા ખુલ્લેઆમ સમર્થન કર છે.
"મને રાષ્ટ્ર-વિરોધી કહીને ક્યારે નહીં અટકતી મીડિયા ટ્રાયલ વચ્ચે ઊભો કરી દેવાયો પણ થોડાં દિવસો પહેલાં જ દેશની રાજધાનીમાં પોલીસની હાજરીમાં બંધારણનું દહન કરનારાઓ સામે કોઈ પગલાં ન લેવાયાં. એવું કેમ?
"જે લોકો મૉબ લિંચર્સનું સન્માન કરીને લઘુમતી વિરુદ્ધ નફરત ફેલાવવાનું જક્કી વલણ ધરાવતા લોકોને ઇનામ આપવામાં આવે છે અને ફૂલોથી સન્માન કરાય છે અને અમે જો નફરતનો વિરોધ કરીએ તો અમને વિલન બનાવાય છે. એવું કેમ?
"જે લોકો સમાજને જાતિના નામે વહેંચવાની વાતો કરે છે અને દલિતો પર હુમલાઓ કરે છે, જેમ કે સંભાજી ભીડે કે જેમને વડા પ્રધાન મોદી મહાપુરુષ કહે છે એ લોકો દેશના ટુકડા કરવાનો ગુનો નથી કરી રહ્યા?
"સત્તામાં બેઠેલા લોકો કે જેઓ દેશનો એક-એક ટુકડો ગરીબના ભોગે મોટા કૉર્પોરેટ્સને વેચવા માગે છે એ લોકોને દેશભક્ત ગણવામાં આવે છે અને તેમનો વિરોધ કરનારાને દેશદ્રોહી ગણવામાં આવે છે. આવું કેમ?
"આ બધા જ પ્રશ્નો આજે સાંપ્રત છે.
"જો એ લોકોને એવું લાગતું હોય કે આ પ્રકારના હુમલાઓથી અમે ચૂપ થઈ જઈશું તો એ લોકો ભૂલ કરી રહ્યા છે. ગૌરી લંકેશ અને રોહિતના વિચારોએ તેમને અમર કરી દીધા છે.
"એ લોકો અમને જેલ કે બંદૂકની ગોળીઓથી ચૂપ નહીં કરી શકે. જે અમે ગઈકાલે સાબિત પણ કરી દીધું છે.
"મારી પર હુમલો થયો તો પણ 'ડરથી આઝાદી'નો કાર્યક્રમ નફરત સામે એક થઈને લોકોએ સફળ બનાવ્યો.

"નજીબના માતા ફાતિમા નફીસ, અલિમુદ્દીન(જેની હત્યા કરનાર મંત્રી જયંત સિંહાનું તાજેતરમાં સન્માન કરાયું)ની પત્ની મરિયમ, જુનૈદ (ગયા વર્ષે જેનું લિંચિગ થયું એ 16 વર્ષીય કિશોર)ના માતા ફાતિમા, રકબર ખાના ભાઈ અકબર, ડૉ. કફિલ ખાન, પ્રશાંત ભૂષણ, પ્રો. અપૂર્વાનંદ, એસઆર દારાપુરી, મનોજ જ્હા સહિત ઘણા લોકોએ સંબોધન કર્યું અને નફરત, લિંચિંગ અને ભગવા આતંક સામે અવાજ ઉઠાવ્યો. આ પ્રતિરોધની શક્તિ છે.
"હું આજે ફરી વખત માગ કરું છું કે મારા જીવને જોખમ હોવાથી દિલ્હી પોલીસ મને સુરક્ષા પૂરી પાડે.
"છેલ્લાં બે વર્ષમાં મેં બે વખત પોલીસ સુરક્ષાની માગ કરી છે, પણ મને ઉદાસીન જવાબ મળ્યાં. મને ભૂતકાળમાં અનેક ધમકીઓ મળી છે અને સોશિયલ મીડિયા પર અનેક મૅસેજ દરરોજ મળે છે.
"ગઈકાલની ઘટના બાદ દિલ્હી પોલીસ શેની રાહ જોઈ રહી છે? હું તમામ ડેમૉક્રેટિક ફોર્સને અપીલ કરું છું કે તેઓ દિલ્હી પોલીસ પર મને સુરક્ષા પૂરી પાડવા માટે દબાણ ઊભું કરે, કારણ કે મારા માટે હવે સુરક્ષા વગર કોઈ પણ જગ્યાએ જવું શક્ય નથી.
"મારા હિતેચ્છુઓ અને સાથીઓનો હું આભારી છું કે જેઓ મારી પડખે ઊભા રહ્યા અને આ કૃત્યની નિંદા પણ કરી. આપણે અત્યારે જેનો ભાગ છીએ એ લડત લોકશાહી માટેની લડત છે. આપણે ચોક્કસ સાવરકર અને ગોડસેના અનુયાયીઓને હરાવીશું.
"આવતીકાલે 15 ઑગસ્ટે ફરી એક વખત દાલમિયાના ગ્રૂપના લાલ કિલ્લાથી જૂઠાણાંઓ વરસશે, પણ આપણી સાચી સ્વતંત્રતા માટેની લડાઈ અને ભગતસિંહ તથા આંબેડકરના અધૂરાં સ્વપ્નો પૂરા કરવાની લડાઈ વધુ તીવ્ર બનશે અને ચાલતી રહેશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















