આ કારણે આવ્યું હતું 100થી વધુનો જીવ લેનારું તોફાન!

તોફાનથી પ્રભાવિત વિસ્તારમાં તૂટી પડેલા થાંભલા

ઇમેજ સ્રોત, Reuters

બુધવારે સાંજે ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનાં ફૂંકાયેલા ભારે પવનને કારણે ઓછામાં ઓછા 125 લોકોના મૃત્યુ થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે લગભગ 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હશે.

ભારે પવનને કારણે અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે.

વૃક્ષો ધરાશાયી થવાને કારણે તથા વીજ થાંભલાઓ ઉખડી ગયા છે. જેના કારણે રાજસ્થાન તથા યુપીના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે શનિવારે ફરી એક વખત ભારે ઝડપથી પવન ફૂંકાશે આથી લોકોને સતર્ક રહેવા તાકિદ કરવામાં આવી છે.

ત્યારે શા માટે અચાનક જ આટલા જોરથી પવન ફૂંકાયો અને આટલી તારાજી ફેલાવી?

line

સિઝનમાં અસામાન્ય વાત નહીં

તોફાનથી પ્રભાવિત વિસ્તારમાં એક વૃદ્ધને મદદ કરતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

IMDના તારણ મુજબ, ભારે ગરમી, ભેજ, અસ્થિર વાતાવરણ તથા વાવાઝોડા માટે જરૂરી 'ટ્રીગર'ને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું.

દિલ્હી સ્થિત હવામાન વિભાગના મહાનિદેશક કે. જે. રમેશે બીબીસી સંવાદદાતા સલમાન રાવી સાથે વાતચીતમાં જણાવ્યું, "વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના અનેક સ્થળોએ ભારે પવન ફૂંકાયો અને મુશળધાર વરસાદ પડ્યો હતો.

"રાજસ્થાનમાં ભારે ગરમી હતી જેના કારણે ત્યાં રેતીનું વંટોળ ઉઠ્યું હતું. બીજી બાજુ, ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડના વાતાવરણમાં ભેજ હતો. જે ભારે પવનની સાથે વરસાદ માટે નિમિત બન્યા."

રમેશના કહેવા પ્રમાણે, આ સિઝનમાં આ પ્રકારના વંટોળ ઉઠવાએ સામાન્ય બાબત છે.

ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે આંતરિક તથા બાહ્યા કારણોસર બંને રાજ્યોમાં ભારે ઝડપથી પવન ફૂંકાયો હતો.

line

પાકિસ્તાનનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

તોફાનથી પ્રભાવિત વિસ્તારમાં તૂટી પડેલા વૃક્ષ

ઇમેજ સ્રોત, Getty Images

મહાપાત્રના કહેવા પ્રમાણે, "ઉત્તર ભારતના મેદાન વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ હતું.

"બંગાળની ખાડીના પૂર્વીય પવન ઉપરાંત ઉત્તર પાકિસ્તાન તથા જમ્મુ અને કાશ્મીરની ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું હતું.

આ બંને પરિબળોને કારણે વાતાવરણમાં ભેજ ઊભો થયો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણ અસ્થિર હતું, જેને હરિયાણામાં ફૂંકાયેલા વંટોળને કારણે 'ટ્રીગર' મળ્યું.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પાલાવતના કહેવા પ્રમાણે, "હરિયાણાના ટ્રીગરને કારણે બે વંટોળ ઊભા થયા. એક દિલ્હી તરફ જ્યારે બીજું અલવર, આગ્રા અને ધોલપુર પટ્ટી તરફ ફંટાયું.

રાજસ્થાન તથા યુપી તરફ ફંટાયેલું ખતરનાક હતું, જ્યારે દિલ્હી તરફ વળેલું વાવાઝોડું પ્રમાણમાં હળવું હતું.

દિલ્હીમાં 69 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો."

પહલાવતનું માનવું છે કે ધોલપુર પટ્ટી પર ફૂંકાયેલો પવન 100 કિમીની ઝડપનો હશે. જોકે, બહુ થોડા અને છૂટક વિસ્તારોમાં ભારે ઝડપથી પવન ફૂંકાયો હોવાથી તેની નોંધ કરવી મુશ્કેલ બની રહી.

line

શા માટે રેતીનું વંટોળ ઉઠે?

રેતીનું વંટોળ અને રસ્તા પર ચાલતા વાહનો

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન ખાતાના પૂર્વ ડાયરેક્ટર જનરલ લક્ષ્મણસિંહ રાઠોરના કહેવા પ્રમાણે, "ભારે ગરમીને કારણે વાદળનું પાણી વરસે તે પહેલા જ તેનું બાષ્પિભવન થઈ જાય છે.

જમીન પર રહેલી રેતી સૂકી હોય છે, ભારે પવનને કારણે આ કારણસર જમીનથી 500 મીટર ઉપર સુધી રેતી ઉડે છે.

જેના પગલે 100 કિમી પ્રતિકલાકે વંટોળ ફૂંકાઈ શકે છે. અમૂક સ્થિતિમાં આ ઝડપ 130 કમી સુધી પહોંચી શકે છે."

line

તબાહી અને તારાજી

તોફાનથી પ્રભાવિત વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images

યુપીના સૂચના કાર્યાલય મુજબ રાજ્યમાં કુલ 70 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 83 લોકો ઘાયલ થયા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આગ્રા, બિજનૌર, બરેલી, સહારનપુર, પીલીભીત, ફિરોઝાબાદ, રાયબરેલી, ઉન્નાવમાં અસર થઈ હતી. સૌથી વધુ તારાજી આગ્રામાં થઈ, જ્યાં 43 લોકો અને 80 પશુઓનાં મૃત્યુ થયાં.

રાજસ્થાનમાં 32 લોકોના મૃત્યુ તથા 100થી વધુ લોકોને ઇજા પહોંચવાના અહેવાલ મળ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. 4-4 લાખ તથા ગંભીર રીતે ઘાયલોને રૂ. બે-બે લાખ તથા સામાન્ય રીતે ઇજાગ્રસ્તોને રૂ. 60-60

ઉપરાંત ભરતપુરમાં 17, ધોલપુરમાં 9 તથા અલવરમાં 9 લોકોનાં મૃત્યુ થયા છે.

આંધ્ર પ્રદેશમાં દસ લોકોના મૃત્યુ થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો