જાતીય શોષણના આરોપો બાદ આ વર્ષે નહીં અપાય સાહિત્યનો નોબલ

ઇમેજ સ્રોત, ALFREDNOBEL.ORG
નોબલ પારિતોષિક એનાયત કરતી સ્વિડિશ એકૅડેમીએ ચાલુ વર્ષે સાહિત્યક્ષેત્રનો નોબલ પુરસ્કાર નહીં આપવાની જાહેરાત કરી છે. જાતીય શોષણના આરોપો બાદ સંગઠને આ નિર્ણય લીધો હતો.
સમિતિના મહિલા સભ્યના પતિની સામે જાતીય શોષણના આરોપ લાગ્યા હતા, પરંતુ તેનું યોગ્ય રીતે નિરાકરણ નહીં લાવવાને કારણે આ નિર્ણય લેવાયો હતો.
સમિતિના મહિલા સભ્ય, એકૅડેમીના વડા તથા ચાર અન્ય સભ્યોએ પણ પદ છોડી દીધા છે.
નોબલ સમિતિનું કહેવું છે કે, 2018ના વિજેતાની જાહેરાત વર્ષ 2019ના વિજેતાની સાથે હેરાત કરવામાં આવશે.
1901માં નોબલ પ્રાઇઝ આપવાની શરૂઆત થઈ, ત્યારથી માંડીને અત્યારસુધીમાં આ સૌથી મોટો વિવાદ હોવાનું કહેવાય છે.
એકૅડેમીના કહેવા પ્રમાણે, પુરસ્કારમાં લોકોનો વિશ્વાસ ડગ્યો હોવાથી આ નિર્ણય લેવાયો છે.

શા માટે ઊભો થયો વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષે નવેમ્બર મહિનામાં સ્વિડિશ એકૅડમીના ફંડથી કલ્ચરલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ફ્રેન્ચ ફોટોગ્રાફર જેન-ક્લાઉડ અર્નોલ્ટ સામે 18 મહિલાઓએ જાતીય સતામણીના આરોપ મૂક્યા હતા.
મહિલાઓનું કહેવું છે કે એકૅડેમીની માલિકીની બિલ્ડિંગ્સમાં આ ઘટનાઓ ઘટી હતી. જોકે, અર્નોલ્ટ આ આરોપોને નકારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં સંગઠને અર્નોલ્ટના પત્ની કેટરિના ફોરસ્ટેન્સનને કમિટીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો. કેટરિના કવિયત્રી અને લેખિકા છે.
હિતોના ટકરાવ તથા નોબલ પુરસ્કાર વિજેતાઓના નામ લિક કરવાના આરોપોને કારણે પણ સંગઠનમાં વિવાદ ઊભો થયો હતો.
ત્યારબાદ કેટરિના તથા એકૅડેમીના વડા પ્રોફેસર સારા ડાનિસે રાજીનામા આપી દીધા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
હાલમાં કમિટીમાં માત્ર 11 સભ્યો જ છે, જેમાંથી એક ક્રિસ્ટિન એકમાન 1989થી સક્રિય નથી.
સલમાન રશ્દીના પુસ્તક ધ શયતાનિક વર્સસની સામે કાઢવામાં આવેલા ફતવાને એકૅડેમીએ વખોડવાનો ઇન્કાર કર્યો અને ત્યારથી જ તેઓ નિષ્ક્રિય છે.
નવા સભ્યની નિમણૂક કરવા માટે ઓછામાં ઓછા 12 સભ્યોની હાજરી જરૂરી છે.
ટેક્નિકલી, સ્વિડિશ એકૅડેમીના સભ્યો પ્રક્રિયામાં ભાગ લેવાનો ઇન્કાર કરી શકે, પરંતુ રાજીનામું ન આપી શકે.
સંસ્થાના સંરક્ષક કિંગ કાર્લ XVI ગુસ્તાફના કહેવા પ્રમાણે, એકૅડેમીના સભ્યો રાજીનામા આપી શકે તે માટે નિયમોમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે.

હવે શું ?

ઇમેજ સ્રોત, Getty Images
2019માં સાહિત્યક્ષેત્રે બે નોબલ પ્રાઇઝ આપવામાં આવશે. જોકે, એકસાથે બે વર્ષના પુરસ્કાર એનાયત થાય તેવું પહેલી વખત નહીં બને.
અગાઉ 1936માં કોઈને પુરસ્કાર અપાયો ન હતો. તેના એક વર્ષ બાદ અમેરિકાના નાટ્યલેખક યુજીન ઑ'નિલને આગળના વર્ષનો પુરસ્કાર એનાયત થયો હતો.
જાતીય શોષણ સામે ચાલી રહેલા #MeToo અભિયાનને કારણે પણ એકૅડેમીને આ નિર્ણય લેવાની ફરજ પડી હોય તેમ જણાય છે.
આટલી અંધાધૂંધીની વચ્ચે જો પુરસ્કારની જાહેરાત થઈ હોત તો સંભવિત વિજેતાએ પુરસ્કારનો સ્વીકાર ન કર્યો હોત.
અગાઉ સગંઠને બહાર પાડેલા નિવેદનમાં કહ્યું હતું કે, સાહિત્યના નોબલ પારિતોષિકની પ્રતિષ્ઠાને 'ખાસ્સું' નુકસાન થયું છે.
સાથે જ ખાતરી આપી હતી કે, સંગઠનમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય તે માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવશે.

નોબલ પુરસ્કારનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
સ્વીડિશ વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબલે વર્ષ 1895માં પોતાની વસીહતમાં આ પુરસ્કારની સ્થાપના કરી હતી.
નોબલ પુરસ્કાર રસાયણવિજ્ઞાન, સાહિત્ય, શાંતિ, ભૌતિકવિજ્ઞાન અને મેડિસિન એમ પાંચ અલગઅલગ ક્ષેત્રે આપવામાં આવે છે.
વર્ષ 1968માં અર્થશાસ્ત્ર માટેનો નોબલ પુરસ્કાર આપવાનું શરૂ થયું હતું.
ઍવૉર્ડ કોને આપવો તે અલગ અલગ જૂથ નક્કી કરે છે. ધ રોયલ સ્વિડિશ એકૅડેમી ઑફ સાયન્સિસ ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કાર એનાયત કરવાની જવાબદારી સંભાળે છે.
ધ નોબલ એસેમ્બ્લી મેડિસિન ક્ષેત્રે એવોર્ડ આપે છે અને સ્વિડિશ એકૅડેમી સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપે છે.
શાંતિ ક્ષેત્રે મળતો નોબલ ઍવૉર્ડ સ્વિડિશ ઑર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવતો નથી. તેની પસંદગી નોર્વેઇન નોબલ કમિટી કરે છે.
વર્ષ 1901થી સાહિત્ય ક્ષેત્રે દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે.
નોબલ પુરસ્કાર વિજેતાને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. સાથે જ ડિપ્લોમા અને નોબલ ફાઉન્ડેશનની વાર્ષિક આવક પર આધારિત નક્કી થયેલી ધનરાશિ મળે છે.
લૉરિએટ (નોબલ પ્રાઇઝ વિજેતા)ને ભાષણ આપવા માટે બોલાવવામાં આવે છે. દર વર્ષે 10મી ડિસેમ્બરના રોજ ઍવૉર્ડ સમારોહનું આયોજન થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












