BBC Special : જળ વ્યવસ્થાપન માટે ઇઝરાયલની કુશળતાનો ઉપયોગ કરશે ગુજરાત

ઇમેજ સ્રોત, VIJAY RUPANI/FACEBOOK
- લેેખક, હરેન્દ્ર મિશ્રા
- પદ, તેલ અવીવ (ઇઝરાયલ)થી, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં પાણીની અછતને કારણે ખેડૂતોમાં વ્યાપક અસંતોષ છે, ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યમાંની જળકટોકટીના નિરાકરણના ઉપાયોની માહિતી મેળવવા ઇઝરાયલના છ દિવસના પ્રવાસે પહોંચ્યા છે.
બીબીસી-ગુજરાતીને આપેલી ખાસ મુલાકાતમાં જળકટોકટી સંબંધે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ સમસ્યાના નિવારણ માટે સંખ્યાબંધ ઉપાય ઉપલબ્ધ છે અને તેમાં ઇઝરાયલનો અનુભવ ઉપયોગી બની તેમ છે.
વિજય રૂપાણીએ કહ્યું હતું, "અમારી સરખામણી ઇઝરાયલ સાથે કરીએ તો અમે બહુ સારી સ્થિતિમાં છીએ. અહીં કરતાં ગુજરાતમાં ઘણો વધુ વરસાદ થાય છે.
"બીજું, નર્મદા નદીના સ્વરૂપમાં અમારી પાસે જળનો મોટો સ્રોત છે. ત્રીજું, અમારી પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે."
મુખ્ય પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું, "પાણીના રિસાઇક્લિંગ અને લગભગ 100 ટકા પુનઃઉપયોગ સંબંધે ઇઝરાયલને વખાણવું જોઈએ. અમે માત્ર બે ટકા પાણીનું રિસાઇક્લિંગ કરી શકીએ છીએ.
"અહીં થયેલી ચર્ચા મુજબ તેઓ પાણીનું લગભગ 100 ટકા રિસાઇક્લિંગ કરી શકે છે.
"અમે પણ એ દિશામાં આગળ વધીએ તો જળસમસ્યાના નિવારણમાં એ મદદરૂપ થઈ શકે."
વિજય રૂપાણીએ કહ્યું હતું, "એ ઉપરાંત પાણીને ક્ષારમુક્ત કરવાની બાબતમાં પણ ઇઝરાયલ અત્યંત સફળ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે પણ આવા પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. એ પ્રોજેક્ટ હેઠળ દરરોજ દસ કરોડ લીટર પાણી ક્ષારમુક્ત કરવાના છીએ.
"દહેજ વિસ્તાર માટે કન્સલ્ટન્ટ માટેનું ટેન્ડર બહાર પાડી દેવાયું છે. દહેજમાં પણ એટલું જ પાણી ડિસેલિનેશન મારફતે ક્ષારમુક્ત કરવામાં આવશે."
તમે આ વાંચ્યું કે નહીં?
પાણી માટે ત્રિસ્તરીય પ્રયાસ

ઇમેજ સ્રોત, VIJAY RUPANI/FACEBOOK
મુખ્ય પ્રધાન આ બાબતને નાનકડી શરૂઆત ગણે છે અને ત્રિસ્તરીય પ્રયાસ વિશે જણાવે છે.
તેમાં સાતથી આઠ મોટા ડિસેલિનેશન યુનિટ્સના નિર્માણ, પાણીના કુદરતી સ્રોતના યોજનાબદ્ધ ઉપયોગ અને પાણીના રિસાઇક્લિંગ તથા પુનઃવપરાશને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.
વિજય રૂપાણીએ BBC સાથે વાતચીતમાં કહ્યું હતું, "જળ વ્યવસ્થાપન માટે અમે ઇઝરાયલની કુશળતાનો ઉપયોગ કરીશું.
"અમારા પ્રયાસ સફળ થશે તો પૂરતો વરસાદ નહીં થાય તેવા સંજોગોમાં પણ અમે જળસમસ્યાને નિવારી શકીશું."
ગુજરાતે સિંચાઈ માટે નર્મદાના પાણીનો ઉપયોગ 15 માર્ચથી બંધ કરી દીધો છે અને સમગ્ર રાજ્યમાં પીવાનું પાણી પુરૂં પાડવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
મુખ્ય પ્રધાન બન્યા પછી વિજય રૂપાણીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે અને તેઓ ભારપૂર્વક જણાવે છે કે તેમનો ઇઝરાયલ પ્રવાસ માત્ર યોગાનુયોગ નથી.
મુખ્ય પ્રધાન માને છે કે કૃષિ, જળ વ્યવસ્થાપન, આંતરિક સલામતી વ્યવસ્થાપન અને ઇનૉવેશનને પ્રોત્સહાન એમ ચાર મહત્વનાં ક્ષેત્રોમાં ગુજરાત તથા ઇઝરાયલ વચ્ચે સહકારની ભરપૂર તક છે.
પહેલો વિદેશ પ્રવાસ

ઇમેજ સ્રોત, VIJAY RUPANI/FACEBOOK
વિજય રૂપાણીએ એમ પણ કહ્યું હતું, "મુખ્ય પ્રધાન તરીકેના મારા કાર્યકાળને ઓગસ્ટમાં બે વર્ષ થશે, પણ હું અત્યાર સુધી વિદેશ પ્રવાસે ગયો ન હતો.
"મેં સૌપ્રથમ ઇઝરાયલના પ્રવાસે જવાનો નિર્ણય લીધો હતો, કારણ કે મેં અગાઉ જે ચાર ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો તેમાં ઇઝરાયલે ઉત્તમ કામ કર્યું છે."
રાજ્યના સંબંધિત વિભાગોના ટોચના અધિકારીઓ સાથેના હાઈ-પ્રોફાઇલ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાતના મુખ્ય પ્રધાન કરી રહ્યા છે.
તેઓ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને કૃષિ પ્રધાન ઉરી એરિયલને મળ્યા હતા તથા બન્ને પક્ષો વચ્ચેનો સહકાર ગાઢ બનાવવા આગ્રહ કર્યો હતો.
જળ વ્યવસ્થાપન, કૃષિ અને આંતરિક સલામતી વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં કાર્યરત ઇઝરાયલી કંપનીઓની મુલાકાત પણ વિજય રૂપાણીએ લીધી હતી.
તેમણે કહ્યું હતું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન ઇનૉવેશનના આગ્રહી છે.
"ઇઝરાયલના વડાપ્રધાને જાન્યુઆરીમાં તેમની ગુજરાત મુલાકાત વખતે આઈક્રિએટ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું.
"એ મુલાકાત અનેક અર્થમાં ઐતિહાસિક હતી. તેને કારણે બન્ને દેશો વચ્ચેનો સંબંધ વધારે મજબૂત બન્યો છે."
મુખ્ય પ્રધાને નોંધ્યું હતું, "ગુજરાતમાં ઇઝરાયલે ત્રણ સેન્ટર ઑફ એક્સલન્સ શરૂ કર્યાં છે. એ કાર્યરત છે અને તેને લીધે રાજ્યના ખેડૂતોને ઘણો લાભ થયો છે. ખેડૂતોમાં એ સેન્ટર્સ ઘણાં લોકપ્રિય છે."
ચોકસાઈભરી ડિજિટલ ખેતી

ઇમેજ સ્રોત, VIJAY RUPANI/FACEBOOK
ઇઝરાયલે અપનાવેલી સંખ્યાબંધ ટેક્નિક્સના જાત અનુભવ પછી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અત્યંત ચોકસાઈભરી તથા ડિજિટલ ઉપકરણોના આધારયુક્ત ખેતીનો લાભ લણવા ગુજરાતના ખેડૂતો તૈયાર છે.
ગુજરાતમાં આવી પદ્ધતિની પોસાણક્ષમતા બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે વિજય રૂપાણીએ BBCને જણાવ્યું, "ગુજરાતાં ઘણા પ્રગતિશીલ ખેડૂતો છે, જેઓ આ પદ્ધતિ અપનાવશે.
"વળી પાકના પ્રમાણના સંદર્ભમાં વિચારીએ તો એ બહુ મોંઘી પણ નથી."
અત્યંત ચોકસાઈભરી ડિજિટલ ખેતી માટે મોટા પ્રમાણમાં જમીન ઉપલબ્ધ હોવી જરૂરી છે. આવી જમીનની ઉપલબ્ધતા બાબતે મુખ્ય પ્રધાનને સવાલ કરવામાં આવ્યો હતો.
તેમણે આ સંબંધે જણાવ્યું હતું કે રાજ્યમાં વપરાશમાં ન હોય તેવી સૂકી જમીન મોટા પ્રમાણમાં છે. નાના ખેડૂતોને આ યોજનામાં ભાગીદાર બનાવીને સહકારી ખેતીની સંભાવના પણ છે.
સાયબર ક્રાઇમ્સ અને સાયબર સિક્યુરિટી

ઇમેજ સ્રોત, VIJAY RUPANI/FACEBOOK
વિજય રૂપાણી અને બેન્જામિન નેતાન્યાહુ વચ્ચેની 45 મિનિટની મુલાકાતમાં સાયબર સિક્યુરિટીથી માંડીને સાયબર ક્રાઇમ્સ અટકાવવા સુધીનાં ક્ષેત્રોમાં સહકાર વધારવા બાબતે વિગતવાર ચર્ચા થઈ હતી.
મુખ્ય પ્રધાનના જણાવ્યા મુજબ, ગુજરાત સાયબર ક્રાઇમના સામના માટે ઇઝરાયલની ક્ષમતાનો 'વ્યાપક ઉપયોગ' કરશે.
ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં રાજ્યની પહેલને વેગ આપવા સહકાર વધારવાની વિનતી કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વિજય રૂપાણીએ કહ્યું હતું, "સમગ્ર દેશની સરખામણીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉત્તમ છે.
"જોકે, સાયબર ક્રાઇમ્સના વધતાં પ્રમાણના સ્વરૂપમાં કાયદો તથા વ્યવસ્થાના ક્ષેત્રે નવો પડકાર સર્જાયો છે.
"સ્માર્ટફોન્સ અને અન્ય ગેજેટ્સ સર્વસામાન્ય બની રહ્યાં છે ત્યારે સાયબર ક્રાઇમ્સ અટકાવવા આપણે સજ્જ રહેવું જરૂરી છે."
સાયબર ક્રાઇમ ડિટેક્શન, પ્રિવેન્શન અને ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં કાર્યરત ઇઝરાયલની અનેક ખાનગી કંપનીઓએ, તેમણે વિકસાવેલી અત્યાધુનિક ટેક્નૉલૉજીઝનું પ્રદર્શન ગુજરાતના પ્રતિનિધિમંડળ સમક્ષ કર્યું હતું.
વિજય રૂપાણીએ કહ્યું હતું, "અમારી પહેલને આગળ વધારવા માટે ઇઝરાયલની સંબંધિત ક્ષમતાનો વ્યાપક ઉપયોગ કરવા અમે તૈયાર છીએ."
સાયબર ક્રાઇમ્સનો સામનો કરવા માટે ગુજરાત કેટલાક ઇઝરાયલી ઉપાયોનો ઉપયોગ કરી રહ્યું છે, પણ વિજય રૂપાણીના હાલના પ્રવાસને પગલે સહકાર ઘનિષ્ઠ બનવાની શક્યતા છે.
વિદ્યાર્થીઓ માટે ઍપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ્સ

ઇમેજ સ્રોત, VIJAY RUPANI / FACEBOOK
ગુનાની તપાસ માટે સજ્જ, કૌશલ્યવાન કર્મચારીઓ સમગ્ર વિશ્વની સલામતી એજન્સીઓને પૂરા પાડવાના હેતુસર ગુજરાતમાં વિશ્વની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના ગાંધીનગરમાં કરવામાં આવી છે.
2009થી શરૂ થયેલી આ અત્યંત સ્પેશ્યલાઇઝડ યુનિવર્સિટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો પરિપાક હોવાનું વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને કહ્યું હતું, "ગુજરાત સરકારે રાજ્યમાં ચાર સાયબર સેલ્સની રચનાને તાજેતરમાં મંજૂરી આપી છે."
વિજય રૂપાણી સાથેની મુલાકાતમાં બેન્જામિન નેતાન્યાહુએ ઇઝરાયલના સાયબર ઍપ્રેન્ટિસશીપ પ્રોગ્રામનો લાભ ગુજરાત કઈ રીતે લઈ શકે તેનાં સૂચન કર્યાં હતાં.
બેન્જામિન નેતાન્યાહુએ સૂચવ્યું હતું કે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને પાંચથી દસ સપ્તાહના ઍપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ્સ માટે બન્ને પક્ષો સ્પોન્સર કરી શકે.
તેને લીધે ટેકનૉલૉજીની ટ્રાન્સફર ઝડપી બનશે અને વિદ્યાર્થીઓ માટે નોકરીની તક સર્જાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














