જાણો, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ વિશે

દેશની સંસદના ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં ગુરુવારે ઉપસભાપતિ પદ માટે ચૂંટણી થઈ હતી.

એનડીએ ગઠબંધન તરફથી જેડીયુના સાંસદ હરિવંશ મેદાનમાં હતા.

જ્યારે વિપક્ષ તરફથી બી. કે. હરિપ્રસાદ તેમની સામે ચૂંટણી લડી રહ્યા હતા.

આ ચૂંટણીમાં હરિવંશને 125 મત મળ્યા જ્યારે હરિપ્રસાદના ખાતામાં 105 મત પડ્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિવંશને ઉપસભાપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રાજ્યસભાના સાંસદ પી. જે. કુરિયન રાજ્યસભામાંથી નિવૃત થઈ જતાં આ પદ જૂન મહિનાથી ખાલી પડ્યું હતું.

કુરિયન કેરળથી કોંગ્રેસની ટિકિટ પર રાજ્યસભામાં સાંસદ બન્યા હતા.

કોણ છે હરિવંશ?

સત્તાધારી એનડીએ ગઠબંધનના ઉમેદવાર હરિવંશ જેડીયુના રાજ્યસભના સભ્ય છે. જેડીયુએ 2014માં તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા.

હરિવંશનો જન્મ 30 જૂન 1956ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં થયો હતો.

તેઓ જ્યારે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પત્રકારત્વનો કોર્સ કરી રહ્યા હતા ત્યારે જ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં તેમની પસંદગી થઈ ગઈ હતી.

તેઓ સાપ્તાહિક મૅગેઝિન 'ધર્મયુગ'ના ઉપસંપાદક પણ રહી ચૂક્યા છે.

વચ્ચે કેટલાક દિવસો માટે તેમણે બૅન્કમાં નોકરી પણ કરી હતી. જોકે, બાદમાં તેઓ પત્રકારત્વમાં પરત ફર્યા હતા.

1989 સુધી 'આનંદ બાજાર પત્રિકા'ની સાપ્તાહિક પૂર્તિ 'રવિવાર'માં સહાયક સંપાદક તરીકે પણ તેમણે કામગીરી કરી હતી.

જે બાદ તેઓ 25 વર્ષોથી વધારે સમયસુધી પ્રભાત ખબરના ચીફ એડિટર રહી ચૂક્યા છે.

રાજ્યસભામાં આવતા પહેલાં તેઓ પૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના અધિક સૂચના સલાહકાર(1990-91) પણ રહી ચૂક્યા છે.

ખાસ વાત એ છે કે તેઓ પૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના ખૂબ નજીકના વ્યક્તિ રહી ચૂક્યા છે.

વડા પ્રધાન મોદીએ રાજ્યસભામાં હરિવંશ વિશે કહ્યું, "હરિવંશજી પૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના નજીકના વ્યક્તિ હતા અને ચંદ્રશેખરના રાજીનામાની તેમને પહેલાંથી જ જાણકારી હતી."

"જોકે, તેમણે અખબારની લોકપ્રિયતા માટે એ સમાચારને લીક નહોતા કર્યા."

વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદ

વિપક્ષ તરફથી કૉંગ્રેસના સાંસદ બી.કે. હરિપ્રસાદને ઉપસભાપતિ પદ માટે ઉમેદવાર બનાવાયા છે.

પ્રથમ વખત રાજ્યસભા માટે 1990માં ચૂંટાયેલા બીકે હરિપ્રસાદનો આ સંસદના ઉપલાં ગૃહમાં ત્રીજો કાર્યકાળ છે. તેઓ ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢના કૉંગ્રેસ પ્રભારી છે.

કૉંગ્રેસના મહાસચિવ રહી ચૂકેલા બીકે હરિપ્રસાદનો જન્મ બેંગલુરુમાં 29 જુઓ 1954ના રોજ થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો