મુંબઈના દરિયાકાંઠે જેલી ફિશ ક્યાંથી આવી?

ઇમેજ સ્રોત, PRADIP PATADE
- લેેખક, સંકેત સબનીસ
- પદ, બીબીસી સંવાદદાતા
બ્લૂ બૉટલ જેલી ફિશ, 'પૉર્ટુર્ગીઝ મેન ઓ વૉર'એ મુંબઈ આવતા પ્રવાસીઓનું દરિયાકાંઠે ફરવું મુશ્કેલ બનાવી દીધું છે.
મુંબઈના દરિયાકાંઠે મોટી સંખ્યામાં આવી ચડેલી જેલી ફિશના કરડવાથી પ્રવાસીઓ અને સ્થાનિકો મળીને 100 જેટલા લોકો જેલી ફિશના કરડવાનો ભોગ બન્યા છે.
ગ્લોબલ વૉર્મિંગ, વધતી જતી માછીમારી અને વરસાદની હવાના કારણે બ્લૂ બૉટલ માછલીઓ પશ્ચિમ તરફના દરિયા કાંઠે આવી પહોંચે છે.
દર વર્ષે બ્લૂ બૉટલ જેલી ફિશ ચોમાસામાં મુંબઈના દરિયા કાંઠે જોવા મળે છે.
નાની સાઈઝ હોવાના કારણે ભરતીના સમયે તેઓ દરિયાના મોજાં સાથે કાંઠે આવી જાય છે.
મુંબઈના દરિયાકિનારે પાછલાં કેટલાંક વર્ષોથી તેમની આવન-જાવન થઈ રહી છે.
કાંઠે આવી પહોંચેલી આ માછલીનો જો સ્પર્શ થાય અને તે પગમાં કરડે તો ખૂબ જ દુખાવો થાય છે.
ગત શુક્રવારથી રવિવાર સુધી મુંબઈના અક્સા, જુહુ, ગીરગાંવ અને દાદરના 100થી વધુ પ્રવાસી અને સ્થાનિકોને આ માછલીઓ કરડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જેલી ફિશની સંખ્યા કેમ દરિયાકિનારે વધી રહી છે?

ઇમેજ સ્રોત, PRADIP PATADE
જાણકારોના મતે વધુ માત્રામાં આવેલી માછલીઓ પાછળ મુખ્ય કારણ ગ્લોબલ વૉર્મિંગ છે.
મુંબઈના દરિયાકાંઠે આવતી બ્લૂ બૉટલ જેલી ફિશ વિશે માહિતી મેળવવા માટે બીબીસીએ સેન્ટ્રલ મરીન ફિશરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વૈજ્ઞાનીક ડૉ.વિનય દેશમુખ સાથે વાતચીત કરી હતી.
ડૉ.દેશમુખે કહ્યું, "બ્લૂ બૉટલ જેલી ફિશ ચોમાસાના આગમન સમયે અરબી સમુદ્રના મધ્યમાં જોવા મળે છે.”
“પાછલા પાંચ છ વર્ષમાં આ માછલીઓની સંખ્યામાં વધારો થયો છે. આવું થવાનું મુખ્ય કારણ ગ્લોબલ વૉર્મિંગ છે.”
અરબી સમુદ્રના તાપમાનમાં 0.8 ટકાનો વધારો થયો છે.
સેન્ટ્રલ મરીન ફિશરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનીક ડૉ.વિવેકાનંદે વર્ષ 2010-11માં અરબી સમુદ્રના તાપમાન વિશેનો એક રિપોર્ટ સોંપ્યો હતો.
અરબી સમુદ્રના તાપમાનમાં વધારો થવાના કારણે બ્લૂ બૉટલ જેલી ફિશની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

કચરામાં વધારો થતાં જેલી ફિશ વધી

ઇમેજ સ્રોત, Getty Images
બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના ડિરેક્ટર ડૉ. દિપક આપ્ટેએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "ફક્ત તાપમાનમાં વધારો થવાના કારણે જેલી ફિશની સંખ્યામાં વધારો થયો નથી. સમુદ્રમાં ઠલવાતો કચરો જે જેલી ફિશનો ખોરાક છે તેની માત્રામાં પણ વધારો થયો છે.”
“વધુ ખોરાક મળવાના કારણે અને જેલી ફિશ જે જળચર જીવોનો ખોરાક છે તેની સંખ્યામાં ઘટાડો થવાના કારણે પણ બ્લૂ બૉટલ જેલી ફિશની માત્રામાં વધારો થયો છે.
જેલી ફિશની માત્રામાં વધારો થવો શું સૂચવે છે તેના જવાબમાં ડૉ. આપ્ટેએ કહ્યું, "પાછલાં કેટલાક વર્ષમાં અન્ય જેલી ફિશની સંખ્યામાં પણ વધારો થયો છે.”
“આ સ્થિતિ સૂચવે છે કે દરીયામાં ઘણી ચહલપહલ થઈ રહી છે જેનો અભ્યાસ થવો જરૂરી છે.”
”અભ્યાસ વગર માછલીની સંખ્યામાં વધારો થવાનું મુખ્ય કારણ જાણી શકાય નહીં. સરકાર દ્વારા આ અંગે વહેલી તકે યોજના બનાવવી આવશ્યક છે.”
આ જેલી ફિશ ખાનારા જળચર જીવોની માત્રામાં ઘટાડો થયો છે.
ડૉ. દેશમુખના જણાવ્યા અનુસાર મુંબઈના દરિયાકાંઠે માછીમારી વધી છે.
જેના કારણે અન્ય માછલીની સંખ્યામાં ઘટાડો થયો છે. જહાજના ભંગાણના કારણે અને પ્રદૂષણના કારણે દરીયાઈ કાચબાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
આ તમામ કારણોસર પણ જેલી ફિશની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

જેલી ફિશનું રોકાણ વધ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images
મરીન લાઇફ મુંબઈના કૉર્ડીનેટર પ્રદીપ પાતાડેએ જેલી ફિશના દરિયાકાંઠે લંબાતા રોકાણ વિશે બીબીસી સાથે ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું હતું "દર વર્ષે મુંબઈના દરિયાકિનારા પર આ જેલી ફિશ 3-4 દિવસ જોવા મળે છે પરંતુ આ વર્ષે તે વધારે સમય સુધી જોવા મળી છે.”
“હું ગત 20 જુલાઈએ ગીરગાંવના દરિયાકાંઠે ગયો હતો જ્યાં મે 3-4 જેલી ફિશ જોઈ હતી."
પાતાડેએ વધુમાં કહ્યું કે "શુક્રવારે અક્સા બીચ પર 40, ગીરગાંવના કાંઠે 30 લોકો આ જેલી ફિશના કરડવાનો ભોગ બન્યા હતા. દર વર્ષે જેલી ફિશના કરડવાના બનાવો બને છે.”
“અનેક લોકો જેલી ફિશને મૃત સમજીને તેને અડકવાનો પ્રયાસ કરે છે. તેના લાંબા તુંતુઓમાં ઝેરીલા કાંટા હોય છે.”
“ જેલી ફિશને તમે દરિયાકાંઠે જુવો તો તેને સ્પર્શ કરવાર્નું ટાળવું જોઈએ.”

જેલી ફિશની ઓળખ કેવી રીતે કરશો ?
જેલી ફિશની ઓળખ વિશે વાત કરતા ડૉ. દેશમુખ કહે છે કે, તેનો શરૂઆતનો હિસ્સો પારદર્શક બલૂન જેવો દેખાય છે.
આ બલૂન જેવા ભાગના કારણે જ તે પાણીમાં તરી શકે છે.
આ માછલીના પગના સ્થાને કાંટાળો લાંબો અવયવ હોય છે જેના દ્વારા તે કરડી શકે છે. આ અવયવ 7થી 8 ઇંચ સુધી વિકસી શકે છે.
તેના કાંટામાં ઝેર હોય છે તેના કરડવાથી કોઈ ગંભીર સમસ્યા થતી નથી, પરંતુ આપણી ત્વચા સંવેદનશીલ હોવાના કારણે ખૂબ જ દુખાવો થાય છે.
મ્યુનિસિપલ કૉર્પોરેશનની મદદથી મુંબઈની મરીન લાઈફ દ્વારા દરિયાકિનારા પર જેલી ફિશથી સાવચેત રહેવાનાં બોર્ડ ઠેક ઠેકાણે લગાડ્યાં છે.
પ્રદીપ પાતાડેએ કહ્યું, "દરિયાકાંઠે રેતીમાં પડેલી કે પાણીમાં દેખાતી જેલી ફિશને પ્રવાસીઓએ અડકવી નહીં.”
“રેતીમાં જેલી ફિશના કરડવાથી દુખાવો થાય કે સોજો ચડે, તો ગભરાવું નહીં પરંતુ તાત્કાલીક દરિયાનું પાણી લગાડી દેવું જોઈએ.”
“પાણીમાં જો જેલી ફિશ કરડે તો પાણીમાંથી બહાર નીકળી જવું જોઈએ. કારણ કે પાણીમાં બીજી પણ જેલી ફિશ હોવાની શક્યતા છે અને તે કરડી શકે છે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













