BBC Top News : ખેડૂતો-ખેતમજૂરોની આત્મહત્યામાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે

'ગુજરાત સમાચાર'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 1,177 ખેતમજૂરો અને 132 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર ત્રણ વર્ષમાં કુલ 1,309 ખેડૂતો અને ખેતમજૂરોએ આત્મહત્યા કરી છે.

ખેડૂતો અને ખેત મજૂરોની સૌથી વધુ આત્મહત્યાના મામલે ગુજરાત ભારતમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં વર્ષ 2015 કરતાં વર્ષ 2016માં 35.5 ટકા જેટલો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં વર્ષ 2014માં 555, વર્ષ 2015માં 244 અને વર્ષ 2016માં 378 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ખેડૂતો અને ખેતમજૂરોની આત્મહત્યાની સંખ્યામાં વર્ષ 2015ની તુલનામાં વર્ષ 2016માં ઘટાડો નોંધાયો છે.

જ્યારે ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરનાર ખેડૂતો અને ખેતમજૂરોની સંખ્યા મહારાષ્ટ્રની તુલનામાં વધારે છે.

સૌથી વધારે આત્મહત્યાની સંખ્યા આંધ્ર પ્રદેશમાં નોંધાઈ છે.

આર્ટિકલ 35એની સુનાવણી પૂર્વે કાશ્મીરમાં વિરોધનું વંટોળ

સોમવારે સુપ્રીમ કોર્ટમાં બંધારણની આર્ટિકલ 35Aની માન્યતાને પડકારતી પીટિશનની સુનાવણી છે. એ પહેલાં રવિવારે કાશ્મીરમાં વિરોધનું વાતાવરણ જોવા મળ્યું હતું.

'ધ હિન્દુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટના અહેવાલ પ્રમાણે રવિવારે કાશ્મીરમાં બંધ જેવી સ્થિતિ જોવા મળી હતી. કાશ્મીરના સ્થાનિક લોકો આર્ટિકલ 35Aને બચાવવા માટે સડકો પર વિરોધ પ્રદર્શનો કરતા પણ જોવા મળ્યા હતા.

આર્ટિકલ 35A બંધારણના આર્ટિકલ 370નો જ એક ભાગ છે, જે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે.

જોઇન્ટ રેસિસ્ટન્સ લીડરશીપના નેજા હેઠળ કાશ્મીરના અલગાવવાદીઓએ રવિવારે અને સોમવારે કાશ્મીરમાં બંધનું એલાન આપ્યું છે. તેમનું કહેવું છે કે, ભાજપ અને સંઘ રાજ્યની ડેમૉગ્રાફી બદલવા માગે છે.

સોમવારે પણ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનો યોજાય અને રાજકીય માહોલ ગરમાય એવી શક્યતાઓ છે.

યૂ.એસ.-ચીન ટ્રેડવૉરથી ભારતને ફાયદો થશે : CII રિપોર્ટ

'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે યૂએસ દ્વારા ચીનની આયાતો પર 25 ટકા જેટલી ડ્યૂટી વધારી દેવાઈ છે. તેનો ફાયદો ભારતીય પ્રોડક્ટ્સને મળશે એવું કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)ના રિપોર્ટનું અનુમાન છે.

આ રિપોર્ટમાં એવી ભલામણ છે કે ભારતે યૂએસ માર્કેટ પર ધ્યાને કેન્દ્રિત કરવાની જરૂર છે.

મશીનરી, ઇલેક્ટ્રિકલ સાધનો, વાહનો અને પરિવહનના સાધનો, કેમિકલ, પ્લાસ્ટિક તથા રબર જેવી પ્રોડક્ટ્સ માટે ભારત અને યૂએસ વચ્ચે વેપાર થવાની સંભાવના આ રિપોર્ટમાં પ્રગટ કરાઈ છે.

CIIનું કહેવું છે, "ટેક્સ્ટાઇલ, ફૂટવેર, રમકડાં અને સેલ ફોન ક્ષેત્રે ભારતમાં સારા ઉદ્યોગો છે. આ ક્ષેત્રે થઈ રહેલાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની જરૂર છે."

ગુજરાતમાં 54 ટકા વરસાદ પણ 4 જિલ્લાઓમાં વરસાદની ઘટ

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે રાજ્યમાં મોસમનો 54 ટકા વરસાદ થયો છે. પણ રાજ્યના 4 જિલ્લામાં 60 ટકાથી 99 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે.

કચ્છ, અમદાવાદ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની મોટા પ્રમાણમાં ઘટ નોંધાઈ હોવાનું અહેવાલમાં ટાંક્યું છે.

આ ચાર જિલ્લાઓ ઉપરાંત રાજ્યના અન્ય 13 જિલ્લાઓમાં પણ વરસાદની ઘટ જોવા મળે છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના રાજ્યો સામેલ છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં દુષ્કાળ થાય એવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું અનુમાન છે. જેની સીધી અસર આ જિલ્લાઓમાં થતી ખેતી પર પણ પડશે.

ગુજરાતના સાતથી આઠ જિલ્લામાં સમાન્ય કરતાં વધારે વરસાદ છે. જ્યારે આઠ જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

'ફોઈ-ભત્રીજા અને રાહુલજી હાથ મિલાવે તો પણ ભાજપની સ્થિતિ મજબૂત જ રહેશે'

રવિવારે મુઘલસરાય જંક્શનનું નામ દીન દયાળ ઉપાધ્યાય જંક્શન નામ આપવામાં આવ્યું આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે અમિત શાહે સંબોધન કરતા કહ્યુ હતુ, "ફોઈ-ભત્રીજા અને રાહુલજી હાથ મિલાવશે તો પણ યૂપીમાં અમારી બેઠકો 73માંથી 74 થશે પણ 72 તો નહીં જ થાય."

આ પ્રસંગે અમિત શાહે કૉગ્રેસને ઓબીસી બિલ અંગે પોતાનો મત સ્પષ્ટ કરવા પણ માગ કરી હતી.

આ ઉપરાંત એનઆરસી અંગે પણ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો