અમારામાં એનઆરસી લાગુ કરવાની હિંમત છે: અમિત શાહ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EPA

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રીય નાગરિકત્વ રજિસ્ટર કહ્યું હતું કે તેમની પાર્ટીએ તેને લાગુ કરવાની હિંમત કરી છે.

અમિત શાહે કહ્યું હતું કે 1985ના આસામ કરારની આત્મામાં એનઆરસી છે. રાજીવ ગાંધી સરકારે આ કરાર તો કર્યો, પરંતુ એનઆરસીને લાગુ ન કર્યો.

તો ભાજપના એક ધારાસભ્યે ભારત ન છોડે તેને 'ગોળી મારી દેવા'ની વાત કહી છે.

બીજી બાજુ, સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થઈ હતી, જેમાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે 'આ હજુ ડ્રાફ્ટ છે, તે ફાઇનલ ન થાય ત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.'

અમિત શાહ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, PRESS TRUST OF INDIA

શાહે કહ્યું, "14 ઓગસ્ટ 1985ના દિવસે રાજીવ ગાંધીએ આસામ કરાર પર સહી કરી અને 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તેની જાહેરાત કરી. એ કરારનો આત્મા એનઆરસી હતો.

"એ કરારમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખી અને તેમને આપણાં સિટીઝન રજિસ્ટરથી અલગ કરીને નેશનલ સિટીઝન રજિસ્ટર લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

"એ કામની શરૂઆત કોંગ્રેસના વડા પ્રધાને કરી હતી. તેમનામાં લાગુ કરવાની હિંમત ન હતી, અમારામાં એ હિંમત છે એટલે અમે તેને લાગુ કરવા પ્રયાસરત છીએ."

અમિત શાહે ઉમેર્યું,"આ ચાલીસ લાખ લોકોમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોર કેટલાં છે? આપ કોને બચાવવા માગો છો? બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવવા માગો છો?"

અમિત શાહના આ નિવેદન બાદ ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

line

સુપ્રીમમાં સુનાવણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

મંગળવારે સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે હાલમાં એનઆરસી ડ્રાફ્ટ માત્ર છે. એટલે તેના આધારે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.

દરેકને નાગરિકત્વ સાબિત કરવા માટે પૂરતી તક આપવામાં આવે તથા ત્યારબાદ નિર્ધારિત પ્રક્રિયા મુજબ 'વ્યાજબી' રીતે કાર્યવાહી કરવામાં આવે.

બીજી બાજુ, હૈદારબાદની ગોશમહેલ બેઠક પરથી ધારાસભ્ય ધારાસભ્ય રાજાસિંહે કહ્યું હતું કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ 'પરત ન જાય તો તેમને ગોળી મારી દો.'

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ કહી ચૂક્યા છે કે જો પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર આવશે તો ત્યાં પણ એનઆરસી લાગુ કરવામાં આવશે.

line

દાવો

આસાના નાગરિકોની યાદી

ઇમેજ સ્રોત, EPA

સોમવારે આસામમાં રાષ્ટ્રીય નાગરિકત્વ રજિસ્ટર બહારનો અંતિમ ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 40 લાખથી વધુ લોકોના નામ નથી.

હવે તેમના નાગરિકત્વ પર સંકટ ઊભું થયું છે, રજિસ્ટરમાં નામ ન હોવાને કારણે ભારતનું નાગરિકત્વ નહીં રહે.

જે લોકોના નામ રજિસ્ટરમાં નથી, તેઓ નાગરિકત્વ માટે અપીલ કરી શકશે, જો કે 40 લાખ લોકોનું શું કરવામાં આવશે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ કહી ચૂક્યા છે કે જે લોકોના નામ રજિસ્ટરમાં નથી, તેમને તત્કાળ દેશમાંથી કાઢવામાં નહીં આવે તથા તેમની અટકાયત પણ કરવામાં નહીં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો