NRC: ખુદને ભારતીય સાબિત કરવાની લડાઈ

- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
સવારના નવ વાગ્યા છે અને આમરાઘાટ ગામમાં એક નાના ઘરમાંથી ઘંટડી વાગવાનો અવાજ આવી રહ્યો છે.
ઘરના આંગણામાં એક મંદિર છે જેના ઓટલે બેઠેલી મહિલા ડાબા હાથથી ઘંટડી વગાડી રહ્યાં છે અને જમણા હાથથી આરતી ઊતારી રહ્યાં છે.
એ ઓટલાની નીચે તેમનાં બે નાના બાળકો બેઠાં છે, જેમાંથી એક ચાર વર્ષની દીકરી ઑટિઝમ એટલે કે શારીરિક વિકલાંગતાથી પીડાય છે. પૂજા દરમિયાન 30 વર્ષનાં આ મહિલાની આંખમાંથી સતત આંસુ રહ્યાં છે.
સંવેદનાઓને ખૂબ પ્રયાસ બાદ કાબૂમાં કરીને જુતિકા દાસે કહ્યું, "આજે ફરીથી જેલ જઈ રહ્યાં છીએ. તેમની ખબર કાઢવા. અગિયાર વાગી ચૂક્યા છે અને દરેક મુલાકાતમાં એ વધુ દુબળા અને બીમાર થઈ ગયા હોય એવા લાગ્યા છે."
આસામના સિલચર જિલ્લાના આ મનોરમ્ય ગામમાં અઢી મહિના પહેલા જુતિકા પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક જીવન વિતાવી રહ્યાં હતાં.
તેમના પતિ અજિત દાસની આવક કરિયાણાની દુકાનથી થતી હતી અને દીકરીની સારવાર પણ ચાલી રહી હતી. નાના દીકરાને સ્કૂલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ એક સાંજે બધુ જ બદલાઈ ગયું.

પતિને અસ્થાયી ડિટૅન્શન કૅમ્પમાં મોકલી દેવાયા

અજિત દાસ દુકાનમાં બેઠા હતા અને પોલીસ આવીને તેમને પૂછપરછ માટે લઈ ગઈ.
બીજા દિવસ સુધી એ ઘરે ન પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમને સિલચર સૅન્ટ્રલ જેલમાં બનાવેલા અસ્થાયી ડિટૅન્શન કૅમ્પમાં મોકલી દેવાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
આરોપ હતો કે તેમણે રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા પાસે પોતાના એ દસ્તાવેજો જમા નહોતા કરાવ્યા જેનાથી એ સાબિત કરી શકાય કે તેમનું અથવા તેમના પૂર્વજોનું નામ 1951ના NRCમાં અથવા 24 માર્ચ 1971 સુધીની કોઈ મતદાર યાદીમાં હતું.
હકીકતમાં અજિતનો પરિવાર 1960ના દાયકામાં બાંગ્લાદેશથી ભારત આવ્યો હતો.
એના કારણે તેમની ભારતીય નાગરિકતા પર સવાલ ઊભા થયા છે અને આ મામલો હવે વિદેશી ટ્રિબ્યૂનલમાં છે.
અજિતના બે મોટા ભાઈઓ વિરુદ્ધ પણ વૉરન્ટ નીકળેલું છે અને તેમને પણ આત્મસમર્પણ કરવાની નોટિસ મોકલી આપવામાં આવી છે.

પરિવારનું ભવિષ્ય દાવ પર

30 જુલાઈ, 2018ના રોજ નાગરિક રજિસ્ટરનો અંતિમ ડ્રાફ્ટ જાહેર થવાનો છે.
આસામના લાખો લોકો સાથે અજિત દાસની નાગરિકતા પર પણ જોખમ છે અને તેમના પરિવારનું ભવિષ્ય પણ દાવ પર છે.
રાજ્યમાં એવા લાખો લોકો છે, જે આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. કારણ કે, આસામ ભારતનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં આ પ્રકારની પ્રક્રિયા થઈ રહી છે.
આ કશ્મકશ વચ્ચે જુતિકા દાસ જેવી મહિલાઓની જિંદગી અધ્ધર-તાલ થઈ ગઈ છે.
જુતિકાએ કહ્યું, "અમારું ઘર નદી કિનારે જ છે એટલે અહીં વારે ઘડીએ સાપ આવી જાય છે. બાળકોની સંભાળ રાખું કે જમવાનું બનાવું કે દુકાન ચલાવું? વકીલની ફી આપવી એ પણ એક મોટી જવાબદારી છે."

NRC પ્રક્રિયામાં ફસાયા છે પુષ્કળ પરિવારો

રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાએ 1 જાન્યુઆરી, 2018ના દિવસે આસામના 1.8 કરોડ લોકોની યાદી જાહેર કરી હતી. એ આસામની કુલ 3.29 કરોડ લોકોની છે.
જે લોકોનું નામ એ યાદીમાં નથી આવ્યું તેમને આતુરતાપૂર્વક 30 જુલાઈ 2018 ના દિવસે જાહેર થનારી યાદીની પ્રતીક્ષા છે.
આ યાદીની જે લોકો રાહ જોઈ રહ્યા છે, તેમાં હિંદુ અને મુસલમાન બધા જ સામેલ છે.
પરંતુ વાસ્તવિકતા એ જ છે કે, NRCની આ ભારે ભરખમ પ્રક્રિયા વચ્ચે જુતિકા દાસ જેવા અનેક લોકો પિસાઈ ગયા છે.
જુતિકાના ઘરથી માંડ એક કિલોમીટર દૂર 48 વર્ષીય કામાખ્યા દાસ પણ રહે છે.
તેમના પતિ છેલ્લાં 11 મહિનાથી ડિટૅન્શન કૅમ્પમાં છે અને હવે તે તેમનાં દીકરી અને જમાઈના સહારે જીવી રહ્યાં છે.

પતિને જોઈ શકીશ કે નહીં

જુતિકા એક સાંજે અમારી સાથે તેમની ખબર લેવાં આવ્યાં
કામાખ્યા કહે છે, "ખબર નથી કે હું મારા પતિને ફરીથી જોઈ શકીશ કે નહીં. ખબર નહીં અમારી ઉપર આ મુસીબત આવી પડી છે."
જેમ જેમ 30 જુલાઈ નજીક આવી છે, એ બધા જ લોકોની ચિંતા વધી ગઈ છે, જેમના સ્વજનો ડિટૅન્શન કૅમ્પમાં બંધ છે.
બાળકો સાથે જુતિકા પહોચ્યાં સૅન્ટ્રલ જેલ
જુતિકા દાસ અને તેમનાં બે બાળકો સાથે અમે સિલચરની સૅન્ટ્રલ જેલ પહોંચ્યા.
જેલની બહાર જાણે કે મેળો લાગેલો હતો. કારણ કે, ડઝનબંધ લોકો ડિટૅન્શન કૅમ્પમાં પૂરાયેલાં પોતાના માતા, પિતા, પતિ, પત્ની અથવા ભાઈ કે બહેનને મળવા આવ્યા હતા.
દરવાજાની બહારની બેન્ચ પર બાળકોને બેસાડીને જુતિકાએ રજિસ્ટર પર સહી કરી અને શરૂ થઈ એક કલાકની પ્રતીક્ષા.
પતિ અજિત દાસ જેવા જેલના સળિયા પાછળ મળવા આવ્યા, એવા જ તેમના બાળકોએ જાળી પર હાથ મારવાનું શરૂ કરી દીધું.
બાળકો સુધી પોતાનો હાથ ન પહોંચાડી શકતા અજિત દાસ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

વિચાર્યું નહોતું કે પતિ ખોવાનો વારો આવશે.

જુતિકાએ બહાર આવીને મુલાકાત વિશે વિસ્તારથી જણાવ્યું.
તેમણે કહ્યું, "મેં ફળ આપ્યા તો રોવા લાગ્યા અને સળિયા પાછળથી બાળકોને રમાડવાની કોશિશ કરતા હતા.”
“મેં 100 રૂપિયા આપવાની કોશિશ કરી તો ના પાડી દીધી અને કહ્યું કે જેલમાં તો એ પણ ગાયબ થઈ જવાનું જોખમ રહે છે. એટલા ગભરાઈ ગયા છે કે પૂછી પણ નહોતા શકતા કે શું હું પોતે NRCની યાદીમાં પરિવારનું નામ જોવા જઈશ."
30 જુલાઈ 2018 એ સમગ્ર આસામ રાજ્યમાં 'નેશનલ રજિસ્ટર ઑફ સિટિજનશિપ' (NRC)ની બીજી યાદી જાહેર થવાની છે.
જોકે વધી રહેલા તણાવને કારણે ભારત સરકાર એ જણાવી ચૂકી છે કે જેને પણ રજિસ્ટર બાબતે કોઈ પણ પ્રકારની ફરિયાદ હશે તો તેની તપાસ થશે એ પ્રક્રિયા નાગરિકતા આપવાની કે ન આપવાની પ્રક્રિયા નથી.
પરંતુ જુતિકા દાસને એ બધી વાતોથી કોઈ ફરક નથી પડતો.
સાંજે જેલથી આમરાઘાટ પરત ફરતી વખતે તેમણે કહ્યું, "વિચાર્યું નહોતું કે નાગરિકતાને લીધે પતિ ખોવાનો વારો આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













