ભાજપ સરકારથી કેમ નારાજ છે આ હિંદુઓનું ગામ?

ઇમેજ સ્રોત, Dilip Sharma/BBC
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, બીબીસી ગુજરાતી માટે, આમરાઘાટ(આસામ)થી
"મારા સસરાની ઉંમર 80 વર્ષથી વધુ છે. એ બીમાર હતા પરંતુ ઘણા દિવસોથી ઘરે નથી આવ્યા. ખબર નહીં કોણે તેમની વિરુદ્ધ શંકાસ્પદ નાગરિક હોવાની ફરિયાદ નોંધાવી છે."
કાંપતા અવાજે પોતાના સસરા વિશે વાત કરી રહેલાં 34 વર્ષનાં શિપ્રાનાં ચહેરા પર પોતાની અને તેમની નાગરિકતાને લઈને ચિંતા અને ડર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
આસામના સિલચર શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલા ભુબનખાલ ગામમાં મોટાભાગના પરિવાર બંગાળી હિંદુઓના છે.
જોકે, તેમાંથી અડધા પરિવારોની નાગરિકતાના પ્રશ્ને કારણે ઊંઘ ઊડી ગઈ છે.
તેમનો દાવો તો ભારતીય નાગરિક હોવાનો છે પરંતુ એ તમામ લોકોને વિદેશી હોવાની નોટિસ પકડાવી દેવામાં આવી છે.
શિપ્રાના સસરા પ્રદ્યુમ્ન દાસ પણ એ લોકોમાંથી એક છે અને હાલ એ ભૂગર્ભમાં ઊતરી ગયા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આસામમાં બનાવવામાં આવી રહેલી 'નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશિપ' એટલે કે NRCની અંતિમ યાદી 30 જુલાઈએ જાહેર થવાની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, તેમતેમ આ ગામના લોકોમાં પોતાની નાગરિકતા ગુમાવી બેસવાનો ડર વધી રહ્યો છે.

'NRCમાંથી નામ કપાઈ જશે તો ક્યાં જઈશું?'

ઇમેજ સ્રોત, Dilip Sharma/BBC
શિપ્રા કહે છે, "મારા સસરા તો છેલ્લાં કેટલાંય વર્ષોથી મતદાન પણ કરતા હતા."
"તેમના નામની આગળ 'ડી' મતદાતા એટલે કે શંકાસ્પદ મતદાતા પણ નહોતું પરંતુ અચાનક એક દિવસ અમારા ઘરે પોલીસ આવી ગઈ."
"અમે પોલીસને સમજાવ્યું કે એ બીમાર છે. ઘણા સમય સુધી આજીજી કર્યા બાદ પોલીસ થોડા દિવસોની મુદત આપીને જતી રહી. ત્યાર બાદ અમારો સમગ્ર પરિવાર તણાવમાં છે."
એમણે કહ્યું, "મારા સસરાએ ગામમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે પણ કામ કર્યું છે. છતાં કોઈ અમારી મદદ નથી કરી રહ્યું."
"જો અમારું નામ NRCમાંથી નીકળી જશે તો અમે ક્યાં જઈશું? મારા આઠ વર્ષના દીકરાનું શું થશે?"
શિપ્રાના સાસરામાં તેમના પતિનો મોટો પરિવાર એક જ પરિસરમાં બનેલા જુદાં જુદાં મકાનોમાં રહે છે પરંતુ હવે એ અલગ પડી ગયો છે.
તેમનાં સાસુ અબોલા દાસ આ મુશ્કેલીને કારણે આઘાતમાં છે.
તેમણે કહ્યું, "જીવનમાં આવી હેરાનગતિ ક્યારેય નથી જોઈ. હવે તો ઈશ્વરની જે ઇચ્છા હશે તે જ થશે."

"પતિ નથી તો ખાવા પિવાનું અસંભવ છેֹ"

ઇમેજ સ્રોત, Dilip Sharma/BBC
શિપ્રાનાં પાડોશમાં જ રહેતાં 35 વર્ષનાં અર્ચના દાસની પણ આવી જ વ્યથા છે.
તેમણે બીબીસીને કહ્યું, "મારા પતિનું નામ રોંગેશ દાસ છે. અમારા વકીલે કહ્યું હતું કે તેમના પર વિદેશી હોવાનો જે વિવાદ છે એ હવે પતી જશે."
"જોકે, એના થોડા દિવસો પછી મારા પતિના નામનું વૉરંટ કાઢવામાં આવ્યું."
"પોલીસ મારા પતિને પકડવા માટે ઘરે આવી ગઈ હતી પરંતુ એ સમયે મારા પતિ ઘરે નહોતા."
"એટલે પોલીસે એમને તમામ દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા."
"મારા પતિ ખૂબ જ ડરી ગયા હતા. ત્યાર પછી એ ઘરેથી ગયા અને હજી સુધી તેમનો કોઈ પત્તો નથી."
"હવે તો ખાવા-પીવાની પણ તકલીફ થઈ રહી છે. કોઈ ઉધાર પણ નથી આપતું."

ઇમેજ સ્રોત, Dilip Sharma/BBC
આમરાઘાટની નજીક આવેલા ભુબનખાલ, મોહનખાલ એવાં ગામડાં છે, જ્યાં બંગાળી બોલનારા મોટાભાગના હિંદુ લોકોનો મામલો વિદેશી ટ્રિબ્યૂનલમાં છે.
આ તમામ લોકોનો આરોપ છે કે આ મુશ્કેલીના સમયમાં રાજ્યમાં સત્તારૂઢ ભાજપ સરકાર એમની કોઈ મદદ નથી કરી રહી. રાજ્યના વન મંત્રી આ વિસ્તારના જ ધારાસભ્ય છે.
આ વિસ્તારમાં કપડાંની નાની દુકાન ચલાવનારા તપન કહે છે, "જ્યારથી ગામના કેટલાક લોકોને ગેરકાયદેસર નાગરિક હોવાની નોટિસ મોકલવામાં આવી છે અને એક-બે લોકોને પકડી લેવાયા છે ત્યારથી લોકો ખૂબ જ ડરી ગયા છે."
"એટલે સુધી કે જેમની પાસે પોતાની નાગરિકતાથી સંલગ્ન સંપૂર્ણ દસ્તાવેજો અને કાગળ છે, એમના મનમાં પણ ડર ઘૂસી ગયો છે. આ જ કારણે ઘણા લોકો ઘર છોડીને ભાગી ગયા છે."
એ કહે છે, "અમારા વિસ્તારમાં જે લોકોને નોટિસ આપવામાં આવી છે, તેમાંથી મોટાભાગના હિંદુ છે."
"જે લોકોને પકડીને ડિટૅન્શન કૅમ્પમાં નાખવામાં આવ્યા છે. એ પણ હિંદુ છે."
"સરકાર તો કહે છે કે એ હિંદુઓને ટેકો કરશે પણ ક્યાં કરી રહી છે?"
"આ લોકો માટે તો કોઈ કંઈ જ નથી કરી રહ્યું. સૌથી વધુ મુશ્કેલી તો હિંદુઓને પડી રહી છે."

ભાજપની સરકારને પૂછાઈ રહ્યા છે પ્રશ્નો
મોહનખાલ ગામમાં રહેતા મંટૂ દાસ પણ કંઈક આવું જ કહી રહ્યા છે.
તેમણે કહ્યું, "અમે તો હિંદુ છીએ અને સરકાર પાસેથી અમને આશા હતી કે જે લોકો બાંગ્લાદેશથી અહીં આવીને વસી ગયા છે, તેમને કંઈ નહીં થાય."
"જોકે, હવે એવી આશા બચી નથી. લોકો ડરી રહ્યા છે કે તેમની જમીન અને મકાનનું શું થશે."
રાજ્યની ભાજપ સરકારે આ પ્રકારના તમામ આરોપો નકારી કાઢતા કહ્યું, "NRCનું કામ કાયદેસરની પ્રક્રિયા હેઠળ થઈ રહ્યું છે."

ઇમેજ સ્રોત, Dilip Sharma/BBC
પોતાના મત વિસ્તારના લોકોની નારાજગી સ્વીકારતા રાજ્યના વન મંત્રી પરિમલ શુક્લવૈદ કહે છે, "નાગરિકતાનો આ મુદ્દો છે તેમાં અમારા પક્ષની પ્રતિબદ્ધતા રહી છે કે જે હિંદુ લોકો છે એ અહીં જ રહેશે."
"જ્યાં સુધી વાત NRC અપડેટ કરવાની છે, તે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. એટલે અમે તેમાં કોઈ પ્રકારની દખલ ન કરી શકીએ."
"લોકોને હું એટલો વિશ્વાસ અપાવી શકું કે નાગરિકતા સુધારાનો ઠરાવ જ્યારે સંસંદમાં પસાર થઈ જશે, ત્યારે એમની તકલીફ દૂર થઈ જશે."

ઇમેજ સ્રોત, Dilip Sharma/BBC
એક સવાલના જવાબમાં પરિમલ શુક્લવૈદે કહ્યું, "જે લોકો પોતાની નાગરિકતાને મામલે પરેશાન છે, એ લોકોના મનમાં નારાજગી જરૂર છે. 'ડી' મતદારો અને NRCની સમસ્યાને લઈને અમે લોકો પણ આશ્ચર્યમાં છીએ."
"પરંતુ અમારે આ લોકોની મદદ કરવાની છે, જે માત્ર કોર્ટ મારફતે જ કરી શકીશું. હું પોલીસને નહીં રોકી શકું. કારણ કે એ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

















