આસામમાં ગેરકાયદેસર 40 લાખ લોકો પાસે આ વિકલ્પ રહેશે

આસામમાં રાષ્ટ્રીય રજિસ્ટર ઑફ સિટિઝનશિપ (NRC) નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ કડક સુરક્ષા વચ્ચે રાજ્યનાં તમામ એનઆરસી કેંદ્રો પરથી જાહેર કરવામાં આવ્યો. આ રજિસ્ટર અનુસાર 2.89 કરોડ લોકો આસામના નાગરિક છે, જ્યારે 40 લાખ લોકોનું નામ આ યાદીમાં નથી.
આસામમાં કોણ વિદેશી અને કોણ ભારતીય નાગરિક છે એ અંગેનો નિર્ણય આજે થયો છે. NCRમાં અરજીકર્તાનું નામ, સરનામું અને ફોટો છપાયેલાં છે.
આ યાદીને કારણે આજે આસામનાં તમામ 3.29 કરોડ અરજીકર્તાઓનાં ભાગ્યનો ફેંસલો થઈ ગયો. અરજીકર્તા પોતાનાં નામને, આ યાદી એનઆરસીની વેબસાઈટમાંથી જોઈ શકે છે.
જે 40 લાખ લોકોને ભારતીય નાગરિક માનવામાં નથી આવ્યા, તેમને પોતાનો દાવો રજૂ કરવાની તક આપવામાં આવશે. આ વાતની જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહે સંસદમાં કરી હતી.
માર્ચ 1971 અગાઉથી રહેતા લોકોને રજિસ્ટરમાં સ્થાન મળ્યું છે, જ્યારે તે પછી આવેલા લોકોના નાગરિકતાના દાવાને શંકાસ્પદ માનવામાં આવ્યા છે.

આ યાદી બહાર પાડતી વખતે આસામમાં શાંતિ અને કાયદો- વ્યવસ્થા જાળવી રાખવા માટે અર્ધ સૈનિક બળોની ટુકડીઓ ખડકી દેવામાં આવી છે.
ગૃહ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર આસામ અને આજુબાજુના રાજ્યોમાં લગભગ 22,000 અર્ધ સૈનિક બળોની ટુકડીઓ ખડકવામાં આવી છે.
શું તમે આ વાંચ્યું?
NRC ડ્રાફ્ટનો પ્રથમ ભાગ રજીસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયાએ 1 જાન્યુઆરી 2018એ બહાર પાડ્યો હતો ત્યારે 1.9 કરોડ લોકોનાં નામ આ યાદીમાં સામેલ કરાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજે આ યાદી બહાર પડવાની સાથે જ આસામનાં તમામ 3.29 કરોડ અરજીકર્તાઓનાં ભાગ્યનો ફેંસલો થઈ ગયો.
NRC એક એવી યાદી છે જેમાં આસામમાં રહેનારા એ બધા જ લોકોનાં નામ હશે કે જેમની પાસે 24 માર્ચ 1971 કે એ પહેલાંથી પોતાનો પરિવાર આસામમાં રહે છે તે અંગેનાં પુરાવા હોય.
આસામ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં આ પ્રકારનાં સિટિઝનશિપ રજીસ્ટરની વ્યવસ્થા છે. આ અગાઉ પહેલું રજીસ્ટર વર્ષ 1951માં બન્યું હતું.

રાજનાથ સિંહે આપી ખાતરી

ઇમેજ સ્રોત, PTI
આ અગાઉ NRCની છેલ્લી યાદીને 30 જૂને બહાર પાડવાની હતી પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સમન્વય પ્રતીક હજેલાની રિપોર્ટને આધારે રાજ્યમાં પૂરની પરિસ્થિતિને જોતા આ મુદત એક મહિના આગળ વધારી દીધી હતી.
એનઆરસી અંગે આસામમાં કેટલાક પ્રદેશોમાં ઊંડી ચિંતા પણ છે. એવી ફરિયાદો મળી રહી છે કે બંગાળી બોલનારા અને ખાસ ધર્મ સાથે જોડાયેલા લોકો આ મુદ્દે ગરબડ કરી રહ્યા છે.
જોકે બીજો ભાગ બહાર પાડતા પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે 30 જુલાઈએ જે યાદી બહાર પડવાની છે તે માત્ર એક ડ્રાફ્ટ હશે અને અંતિમ ડ્રાફ્ટ બહાર પાડતા પહેલાં તમામ ભારતીયોને પોતાનું નાગરિકત્વ સાબિત કરવાની તક આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) ને બહાર પડાયા બાદ પ્રભાવિત લોકોને પોતાની મુશ્કેલીઓ અને હક રજૂ કરવા માટે પૂરતી તક પૂરી પાડવામાં આવશે.
એમણે કહ્યું ,'' ચિંતાનું કોઈ કારણ નથી.” આ સાથે ગૃહ મંત્રાલયે આસામ સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જે લોકોનાં નામ NRCની યાદીમાં નથી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.

શું છે NRC? એની જરૂર કેમ પડી?

ઇમેજ સ્રોત, PTI
1947નાં ભાગલા વખતે કેટલાક લોકો પૂર્વ પાકિસ્તાનમાં જતા રહ્યા પણ એમની જમીન-મિલકત આસામમાં હતી અને બન્ને તરફથી લોકોની અવર-જવર ભાગલા પછી પણ ચાલુ રહી હતી.
એમાં વર્ષ 1950માં થયેલા નહેરુ- લિયાકત કરારનો પણ હાથ હતો.
તત્કાલીન પૂર્વ પાકિસ્તાન અને પછીથી બાંગ્લાદેશમાંથી લોકો ગેરકાયદેસર રીતે આસામમાં આવવા માંડ્યા અને એનાથી રાજ્યની વસ્તીનું માળખું જ બદલાઈ ગયું.
ત્યાર પછી આસામમાં વિદેશીઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો.
આ જ સંજોગોમાં વર્ષ 1979 થી 1985 વચ્ચે છ વર્ષ સુધી આસામમાં એક આંદોલન ચાલ્યું.
સવાલ એ પેદા થયો કે કોણ વિદેશી છે અને કોણ નથી, એ નક્કી કેવી રીતે કરવામાં આવે? વિદેશીઓ સામેનો જંગમાં આ વિવાદનું મુખ્ય કારણ હતું.

આસામ સમજૂતી

ઇમેજ સ્રોત, PTI
15 ઑગસ્ટ 1985 એ આસૂ ( ઑલ અસમ સ્ટૂડન્ટ્સ યૂનિયન) અને બીજી સંસ્થાઓ સાથે ભારત સરકારે આ સમજૂતી કરી હતી. તેને અસામ સમજૂતીનાં નામથી ઓળખવામાં આવે છે.
સમજૂતી હેઠળ 25 માર્ચ 1971 બાદ આસામમાં આવેલા હિંદુ-મુસલમાનોની ઓળખ કરવાની બાકી હતી અને એમને રાજયની બહાર મોકલવાના હતા.
આસૂએ 1979માં આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની તપાસ કરી એમને પાછા મોકલવા માટે એક આંદોલનની શરૂઆત કરી હતી.
આસામ સમજૂતી પછી આંદોલન સાથે જોડાયેલા નેતાઓએ આસામ ગણ પરિષદ નામના એક રાજકીય પક્ષની સ્થાપના કરી જેણે રાજ્યમાં બે વખત સરકાર બનાવી.
વર્ષ 2005 માં વડાપ્રધાન મનમોહન સિંહના સમયગાળામાં વર્ષ 1951 નાં નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝનશિપ NRC ને અપડેટ કરવાનો નિર્ણય કર્યો.
એવું નક્કી કરવામાં આવ્યું કે આસામ સમજૂતી હેઠળ 25 માર્ચ 1971 પહેલાં આસામમાં ગેરકાયદે આવેલા લોકોનું નામ પણ નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝનશિપમાં દાખલ કરી દેવામાં આવશે. પણ વિવાદ અહીં અટક્યો નહીં.
વાત અદાલતને દરવાજે ગઈ અને પછી વર્ષ 2015 માં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આઈએએસ અધિકારી પ્રતીક હજેલાને NRC અપડેટ કરવાનું કામ સોંપવામાં આવ્યું.
પ્રતીક હજેલાને NRCનાં કોઑડિનેટર બનાવવામાં આવ્યા હતા અને એમને NRC અપડેટ કરવાનું કામ ચોક્કસ સમયગાળામાં પૂર્ણ કરવાનું હતું.

NRC માટે કેવી રીતે કરવામાં આવ્યું વેરિફિકેશન?

ઇમેજ સ્રોત, Getty Images
આસામનાં નાગરિકોનાં વેરિફિકેશનનું કામ સુપ્રીમ કોર્ટના આદેશ પર મે 2015 માં શરૂ કરવામાં આવ્યું. આ માટે રજીસ્ટ્રાર જનરલ દ્વારા સમગ્ર રાજ્યમાં કેટલાક NRC કેન્દ્રો ખોલવામાં આવ્યાં.
NRCમાં દાખલ થવા માટેની યોગ્યતા પ્રમાણે એ લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવશે કે જેમનાં પૂર્વજોનાં નામ 1951નાં NRCમાં કે 24 માર્ચ 1971 સુધીના કોઈ પણ મતદાર યાદીમાં હાજર હોય.
આ સિવાય 12 અલગ પ્રકારના સર્ટિફિકેટ કે દસ્તાવેજ જેવા કે જન્મ પ્રમાણપત્ર, જમીનની માલિકીનાં કાગળો, શરણાર્થી પ્રમાણપત્ર,સ્કૂલ-કૉલેજનાં સર્ટિફિકેટ, પાસપોર્ટ, કોર્ટના પેપર્સ પણ પોતાની નાગરિકતા પ્રમાણિત કરવા માટે રજૂ કરી શકાય છે.
જો કોઈ વ્યક્તિનું નામ 1971 સુધીની કોઈ પણ મતદાર યાદીમાં નથી પણ કોઈ દસ્તાવેજમાં એમનાં કોઈ પૂર્વજનું નામ છે તો એમને એ પૂર્વજ સાથે એમનો સબંધ સાબિત કરવાનો રહેશે.
ઘણા કિસ્સાઓમાં બૉર્ડર પોલીસ લોકોને આ મુદ્દે નોટિસ મોકલાવે છે ત્યાર બાદ એમણે ફૉરેનર્સ ટ્રિબ્યૂનલમાં પોતાની નાગરિકતાનો પુરાવો આપવાનો રહે છે.

યાદીમાં નામ ના હોય તો શું કરવું?

NRCના કોઑડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું છે કે ડ્રાફ્ટમાં જેના નામ આવ્યા નથી એ લોકોને પણ દાવો કરવાની પૂરતા પ્રમાણ તક મળશે.
એમણે કહ્યું કે જેના નામ નથી એ લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી પણ સંબંધિત સેવા કેન્દ્રોમાં એક ફૉર્મ ભરવાનું રહેશે.
આ ફોર્મ 7 ઓગસ્ટ થી 28 સપ્ટેમ્બર વચ્ચે મળશે. અને અધિકારીઓએ એમને આનું કારણ જણાવવું પડશે કે યાદીમાં એમના નામ રહી કેમ રહી ગયા.
ત્યાર બાદ લોકોને પોતાનો હક રજૂ કરવા માટે એક બીજું ફૉર્મ ભરવું પડશે જે 30 ઓગસ્ટ થી 28 સપ્ટેમ્બર સુધી મળી રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















