You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચર્ચમાં કન્ફેશન વિરુદ્ધ મહિલા આયોગે કેમ મોરચો માંડ્યો છે?
- લેેખક, નવીન નેગી
- પદ, બીબીસી સંવાદદાતા
'કન્ફેશન' આ અંગ્રેજી શબ્દનો પહેલી વખત સામનો ત્યારે થયો જ્યારે સ્કૂલના છેલ્લાં દિવસે એક 'કન્ફેશન સેશન'નું આયોજન કરાયું હતું.
આ સેશનમાં તમામ મિત્રો ખુલ્લાં મને એકબીજા સાથે વાત કરતા હતા. તેઓ કહેતા હતા કે તેમને કોની સાથે પ્રેમ હતો, કોના પર ક્રશ હતો, કયા શિક્ષક નહોતા ગમતા અને કોની સૌથી વધારે ટીખળ કરી હતી, આ સિવાય પણ અનેક ભેદ ખુલતા હતા.
એટલે કન્ફેશનનો અર્થ એવો થાય કે કોઈ પર પૂરો વિશ્વાસ કરીને હૃદયમાં છુપાયેલા રહસ્યો ખોલી દેવા, તેનો સ્વીકાર કરવો, જેનાથી મનમાં કોઈ ભાર બાકી ન રહી જાય.
આ કન્ફેશનની મુખ્ય શરત હતી કે સેશન પૂર્ણ થયા બાદ કોઈ આ વિશે વાત નહીં કરે, જે પણ કન્ફેસ થશે તે આ ચાર દિવાલમાં બંધ રહેશે.
પણ ત્યારે કોઈને એવો ખ્યાલ નહોતો કે આ કન્ફેશન કોઈની બ્લૅક મેઇલ કરવાનું અથવા કોઈની જાતીય સતામણી કરવાનું સાધન બની જશે.
બ્લૅકમેઇલિંગ અને જાતીય સતામણી
કેરળમાં તાજેતરમાં જ એક ચર્ચના ચાર પાદરીઓ પર એક પરણેલી મહિલાની વર્ષોથી જાતીય સતામણી અને બ્લૅકમેઇલ કરવાનો આરોપ લાગ્યો છે.
તેને ભારતીય ચર્ચમાં કન્ફેશનની પવિત્રતાના દુરુપયોગ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
મહિલાએ આરોપ લગાવ્યો કે 16 વર્ષની વયથી માંડીને તેમણે લગ્ન કર્યા ત્યાર સુધી પાદરી તેમની જાતીય સતામણી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગ્ન બાદ જ્યારે આ મહિલાએ ચર્ચના અન્ય એક પાદરી સામે આ વાત કન્ફેસ કરી તો એ પાદરીએ પણ મહિલાની જાતીય સતામણી કરી એવો આક્ષેપ છે.
સંપૂર્ણ રીતે નિરાશ થઈને મહિલા જ્યારે પાદરી કાઉન્સિલ પાસે ગઈ તો ત્યાં પણ આ મહિલા સાથે કથિત રીતે દુર્વ્યવહાર થયો.
તમે આ વાંચ્યું કે નહીં?
પંજાબના જલંધરના પાદરી સાથે જોડાયેલી આવી જ એક ઘટના બહાર આવી છે, જલંધરના આ પાદરી કેરળના કોટ્ટાયમ જિલ્લાથી હતા.
તેમના પર એક ખ્રિસ્તી સાધ્વીએ 2014 થી 2016 સુધી કથિત રીતે જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ બન્ને ઘટનાઓએ કન્ફેશનની પવિત્રતા પર પ્રશ્નાર્થ સર્જ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યૂ)એ આ બન્ને ઘટનાઓ અંગે કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલ્યો છે.
આ રિપોર્ટમાં રાષ્ટ્રીય મહિલા આયોગે સરકારને ચર્ચમાં થઈ રહેલી કન્ફેશનની પ્રક્રિયા પર રોક લગાવવાની ભલામણ કરી છે.
આયોગનું કહેવું છે કે કન્ફેશનના કારણે મહિલાઓની સુરક્ષા પર ખતરો થઈ શકે છે.
ભલામણો
- કેરળના ચર્ચમાં રેપ અને જાતીય શોષણની વધતી ઘટનાઓની એક કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવી જોઈએ.
- કન્ફેશનની પરંપરા પર રોક લાગવી જોઈએ કારણકે એના કારણે મહિલાઓને બ્લૅકમેઇલ કરી શકાય છે.
- કેરળ પોલીસ અને પંજાબ પોલીસે એફઆઈઆર પર ઝડપથી કામ કરવું જોઈએ અને આરોપી પર આરોપ નક્કી કરવા જોઈએ.
- પીડિતાઓનો રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ મદદ કરવી જોઈએ.
કન્ફેશન શું હોય છે?
એ જાણવું પણ રસપ્રદ છે કે ચર્ચમાં કન્ફેશનની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને કેમ કરવામાં આવે છે.
દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં 'અવર લેડી ઑફ ગ્રેસેસ' ચર્ચના પાદરી ફાધર દીપક સોરેંગ આ અંગે વિસ્તૃત જાણકારી આપે છે.
ફાધર સોરેંગ કહે છે કે કન્ફેશન કરવા માટે ચર્ચમાં અલગઅલગ જગ્યા બનાવાય છે, આ જગ્યાએ કન્ફેશન કરનારી વ્યક્તિ અને ચર્ચના પાદરી જાય છે. આ બન્ને વચ્ચે એક પાર્ટિશન હોય છે.
જ્યારે કોઈ કન્ફેશન કરી રહ્યું હોય તો એ જગ્યાએ પાદરી સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર હોતી નથી.
કન્ફેશનની મહત્તા અંગે વાત કરતા ફાધર સોરેંગ કહે છે, "બાઇબલના બીજા પ્રકરણમાં કન્ફેશનનો ઉલ્લેખ જોવા મળે છે. એમાં પરમેશ્વર કહે છે કે જ્યારે સામાન્ય લોકો દૈનિક કામો માટે બહાર નીકળે છે ત્યારે સારા ખરાબ કામોમાં સામેલ થઈ જાય છે."
"જેટલા પણ પાપ તેઓ જીવન નિર્વાહ માટે કરે છે એનું પ્રાયશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. એટલે પરમેશ્વર કહે છે કે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ઈશ્વરના પ્રતિનિધિ ગણીને ચર્ચના પાદરીને કહેવું જોઈએ."
ફાધર સોરેંગ એવું પણ કહે છે કે સામાન્ય રીતે નાનાં બાળકો કન્ફેશન કરતાં નથી કારણકે તેમને સારા કે ખરાબ કામોનું જ્ઞાન હોતું નથી. જ્યારે કોઈ બાળક 9 કે 10 વર્ષનું થઈ જાય ત્યારે તે કન્ફેશન કરવા યોગ્ય થઈ જાય છે.
કારણકે એવું માનવામાં આવે છે કે આ ઉંમરના થયા બાદ જ સારા અને ખરાબ કામનો ભેદ સમજી શકાય છે. સમજદાર થવાની ઉંમર પછી બાળકોને પાપ અને પુણ્યનું જ્ઞાન પણ આપવામાં આવે છે.
આ વાતની કેટલી ખાતરી હોય છે કે કન્ફેશનમાં થયેલી વાત બહાર નહીં જાય?
આ સવાલના જવાબમાં ફાધર સોરેંગ કહે છે કે આ વિશ્વાસનો મુદ્દો છે, જો પાદરી સામે કોઈ પોતાના ગુનો કબૂલ કરે છે તો એનો અર્થ છે કે વ્યક્તિ પોતાનું મન સાફ કરે છે.
આ કામમાં પાદરી એમને મદદ કરે છે. એટલે આ વિશ્વાસની વાત છે કે પાદરી તેમની રહસ્યની વાત કોઈની સામે જાહેર નહીં કરે.
પણ જો કોઈ પાદરી રહસ્યો ખોલે અથવા તેનો ખોટો ફાયદો ઉઠાવે તો શું થાય?
આ અંગે ઉત્તર આપતા ફાધર સોરેંગના અવાજમાં ચિંતા અનુભવી શકાય છે. તેઓ થોડું અટકે છે અને બોલે છે, "આજ સુધી મારા ધ્યાને તો આવી કોઈ ઘટના આવી નથી."
"પણ જો કદાચ કોઈ પાદરી આવું કરે તો સૌથી પહેલાં તેમને પાદરી પદેથી હટાવી લેવામાં આવશે અને પછી તેના વિરુદ્ધ પગલાં લેવાશે. જોકે બાઇબલમાં આ માટે સજાની કોઈ જોગવાઈ નથી."
મહિલા આયોગની ભલામણ કેટલી સાચી છે?
જો મહિલા આયોગની ભલામણ પ્રમાણે ચર્ચમાં કન્ફેશનની પ્રક્રિયા પર રોક લગાવાય તો તેની ખ્રિસ્તી ધર્મ પર શું અસર થશે.
આ અંગે ફાધર સોરેંગ કહે છે કે એમ તો ધર્મ પર કોઈ અસર નહીં થાય કારણકે કન્ફેશન સિવાય પણ લોકો પ્રાર્થના કરવા માટે ચર્ચમાં તો આવશે જ, માત્ર પોતાના ગુના કોઈની સામે વ્યક્ત ન કરી શકવાની સમસ્યા લોકો સામે ઊભી થઈ જશે.
બીબીસીએ મહિલા આયોગની આ જોગવાઈ સંદર્ભે અખિલ ભારતીય ખ્રિસ્તી કાઉન્સિલના મહાસચિવ જૉન દયાલનો પણ સંપર્ક કર્યો.
જૉન દયાલે બીબીસીને એક લેખિત જવાબમાં કહ્યું, "મહિલા આયોગનાં ચૅરમૅન ભાજપનાં સભ્ય છે અને તેઓ આ મામલાને જાણ્યા વગર નેતાની જેમ બોલી રહ્યા છે. આખા ભારતમાં આશરે બે કરોડ કૅથલિક અને ઑર્થોડૉક્સ ખ્રિસ્તી છે જે કન્ફેશનની પ્રક્રિયાનું પાલન કરે છે."
"જાતીય સતામણી સાથે જોડાયેલી બાબતો પેરિસના ચર્ચમાં પણ જાણવા મળી છે. ત્યાં કાયદા પ્રમાણે આરોપી પાદરીઓને સજા કરાઈ, એ માટે ભારતે પણ કાયદા પ્રમાણે કામ થવું જોઈએ. અમે ચર્ચમાં પારદર્શકતાનું સમર્થન કરીએ છીએ."
આ વચ્ચે કેન્દ્રીય મંત્રી અલ્ફોન્સ કન્નથનમે રાષ્ટ્રીય મહિલા આયોગની આ ભલામણોનો વિરોધ કર્યો છે. ફેસબુક પોસ્ટમાં અલ્ફોન્સે લખ્યું, "આ સરકારનું સત્તાવાર સ્ટેન્ડ નથી."
"રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્માએ જે પગલાં લીધાં છે, એની સાથે સરકારને કોઈ લેવા-દેવા નથી. આ રેખા શર્માનો અંગત મત છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો