TOP NEWS: બુરાડી કેસ - 'દિલ્હી પોલીસે 'લેડી તાંત્રિક'ની અટકાયત કરી

ઇમેજ સ્રોત, AFP
નવભારત ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, દિલ્હીના બુરાડીમાં 11 લોકોના સામૂહિક મૃત્યુ વિશે રહસ્ય અકબંધ છે ત્યારે શુક્રવારે આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. ક્રાઇબ બ્રાન્ચે 'તંત્રવિદ્યા'ની આશંકામાં કોન્ટ્રાક્ટરની દીકરીની અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી.
બુરાડીના હરિત વિસ્તારમાં ગીતા માતા તરીકે ચર્ચિત છે. પૂછતાછ દરમિયાન તેમના નિવેદનોમાં વિરોધાભાસ જણાયો હતો. ગીતા કોન્ટ્રાક્ટર કુંવર પાલના પુત્રી છે. કુંવરપાલે જ મૃતક ભાટિયા પરિવારનું ઘર બનાવ્યું હતું, જ્યાં દિવાલમાં 11 પાઇપ નાખવામાં આવ્યા હતા.
આ પહેલાં ગુરુવારે એક સ્ટિંગ ઓપરેશનમાં ગીતાએ દાવો કર્યો હતો કે સાતમી જુલાઈએ ભાટિયા પરિવાર તાંત્રિક વિદ્યા માટે તેમને મળવાનો હતો, પરંતુ એ પહેલાં જ પરિવારનું મૃત્યુ થઈ ગયું.
ગીતા પરિણીત છે અને સાસરીમાં રહે છે. ગીતાએ તાંત્રિકવિધિમાં સંડોવણીનો ઇન્કાર કર્યો છે. બે કારણોસર ક્રાઇમ-બ્રાન્ચે ગીતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
એક તો ગીતાએ સ્ટિંગ ઓપરેશનમાં ચોંકવાનારું નિવેદન આપ્યું હતું. બીજું એ કે મૃતક લલિત ભાટિયાએ છેલ્લો કોલ કોન્ટ્રાક્ટરને કર્યો હતો.

ઓબીસીમાંથી પાટીદારોને અનામત નહીં

ઇમેજ સ્રોત, ALPESH THAKOR / FACEBOOK
'દિવ્યભાસ્કર'ના અહેવાલ અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક નિવેદનમાં કહ્યું કે પાટીદારોને ઓબીસીમાં અનામત નહીં મળે.
ગુરુવારના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે ભેગા થઈને દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા.
પરંતુ પાટીદાર અનામત મુદ્દે અલ્પેશ ઠાકોરનો સૂર વિરોધાભાસી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે બીજી તરફ હાર્દિક પટેલે આ નિવેદન મામલે પ્રિતિક્રિયા આપતાં કહ્યું કે અલ્પેશ ઠાકોરના નિવેદનનું કોઈ મહત્ત્વ નથી.
જો કોંગ્રેસ આવું કંઈક કહેશે તો તેઓ લડાઈ લડશે.
હાર્દિક પટેલે કહ્યું, "અલ્પેશ ઠાકોરનું વ્યક્તિગત નિવેદન છે. જો કોંગ્રેસ આવું કંઈક કહેશે તો પાટીદાર આંદોલન બાબતે જે કરવાનું હશે તે કરીશ."
તમે આ વાંચ્યું કે નહીં?

મોદી સરકારના કેન્દ્રીય મંત્રીએ કર્યું હત્યારાઓનું સ્વાગત?

ઇમેજ સ્રોત, Getty Images
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ઝારખંડમાં કેન્દ્રીયમંત્રી જયંત સિંહાએ એક મીટના વેપારીની કથિતરૂપે હત્યા કરનારા 8 લોકોનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
અત્રે નોંધવું રહ્યું કે ગત વર્ષે આઠ વ્યક્તિને વેપારીની હત્યા માટે કોર્ટ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
મંત્રીએ તેમના નિવાસસ્થાને આ આઠ વ્યક્તિનું સ્વાગત કરતી તસવીર બહાર આવતા સમગ્ર વિવાદ થયો છે.
ગત વર્ષે 30 જૂનના રોજ અલીમુદ્દીન નામના વેપારીને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
જેમાં ભાજપના સ્થાનિક નેતા સહિત કુલ 11 વ્યક્તિને સજા કરવામાં આવી હતી.
વેપારીને તેની કારમાંથી બહાર ખેંચીને માર મારવામાં આવ્યો હતો અને ગૌહત્યાની શંકાએ આવું કરવામાં આવ્યું હતું.
ઝારખંડના વિપક્ષી નેતા હેમંત સોરેને જયંત સિંહાની તસવીર ટ્વીટ કરીને તેમાં હાર્વર્ડ યુનિવર્સિટીને ટૅગ કરી છે.
જેમાં તેમણે લખ્યું છે,"તમારી સંસ્થાની સભ્ય રહેલી વ્યક્તિ ભારતમાં ગૌહત્યા સંબંધિત શંકા પર હત્યા કરનારાઓનું સ્વાગત કરી રહી છે. શું હાર્વર્ડ યુનિ. તેનું સમર્થન કરે છે?"

બિહાર : દસમા ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, આચાર્યની ધરપકડ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર બિહારમાં દસમા ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનારા 18 વ્યક્તિઓમાં સ્કૂલના આચાર્ય પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે.
વિદ્યાર્થિની સામે કથિતરૂપે દુષ્કર્મ આચરનાર આચાર્ય, શિક્ષક અને ખાનગી સ્કૂલના બે વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરાયો છે.
કિશોરી પર ડિસેમ્બર મહિનામાં જ હુમલો શરૂ થઈ ગયો હતો પરતું તેના પિતા કેટલાક મહિનાથી જેલમાં હોવાથી તેણે તાજેતરમાં જ ફરિયાદ દાખલ કરાવી છે.
મેડિકલ ચેક-એપ માટે લાવવામાં આવેલી પીડિતાએ કહ્યું કે સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો પણ ઊતાર્યો હતો.
પીડિતા અનુસાર આ વિદ્યાર્થીઓ પછી તેને બ્લૅકમેલ કરીને ફરીથી તેની સાથે દુષ્કર્મ કરતા રહ્યા.
પીડિતાએ કહ્યું,"આખરે મેં આ વાતની ફરિયાદ આચાર્યને કરી તો પછી આચાર્ય અને અન્ય બે શિક્ષકે મારી સાથે દુષ્કર્મ કર્યું."
પોલીસ અધિકારી અનુસાર પીડિતાએ કુલ 18 વ્યક્તિ સામે ફરિયાદ કરી છે. જેમાં 15 વિદ્યાર્થી છે અને એક આચાર્ય તથા બે શિક્ષક છે.

ફિફા : ફ્રાન્સ અને બેલ્જિયમ સેમિફાઇનલમાં

ઇમેજ સ્રોત, Reuters
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ફ્રાન્સ છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.
વર્લ્ડ કપની પ્રથમ ક્વાર્ટરફાઇનલમાં ઉરુગ્વેને 2-0થી હરાવી ફ્રાન્સે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ફ્રાન્સ 1998માં પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. વળી છ વખત સેમિફાઇનલમાં પહોંચનારી ફ્રાન્સ વિશ્વની ચોથી ટીમ છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, બ્રાઝિલ ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. બેલ્જિયમે તેને 2-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
આપને આ પણ વાંચવું ગમશે
બેલ્જિયમ બીજી વખત સેમિફાઇનલમાં પહોંચ્યું છે. ફ્રાન્સ સામે તેનો મૂકાબલો થશે.
જર્મની. આર્જેન્ટિના અને પોર્ટુગલ બાદ અન્ય એક પ્રબળ દાવેદાર માનવામાં આવતી ટીમ બ્રાઝિલ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.

ભારત સામે બીજી ટીટ્વેન્ટીમાં ઇંગ્લેન્ડનો વિજય
ઇંગ્લેન્ડે ભારત સામેની બીજી ટી-20 મેચ પાંચ વિકેટથી જીતી લીધી હતી.
ઇંગ્લેન્ડના એડી હેલ્સે અણનમ 58 રન ફટકાર્યા જે મૅન ઑફ ધી મેચ રહ્યા.
આ સાથે જ ત્રણ મેચની શ્રૃંખલા 1-1થી બરાબર થઈ ગઈ છે. પ્રથમ મેચ ભારતે જીતી હતી.
ભારતે ઇંગ્લેન્ડ સામે 149 રનનું લક્ષ્ય મૂક્યું હતું જેને ઇંગ્લેન્ડે 19.4 ઑવર્સમાં પાંચ વિકેટના નુકસાને પાર કરી લીધું હતું.
ભારત તરફથી કપ્તાન વિરાટ કોહલીએ સર્વાધિક 47 રન ફટકાર્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












