અ'વાદ સામૂહિક દુષ્કર્મ કેસમાં ચર્ચાસ્પદ બનેલા જે.કે. ભટ્ટ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાને કારણે શહેરની ક્રાઇમ બ્રાન્ચ ચર્ચામાં છે. પીડિત યુવતીએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.
તાજેતરમાં જ પીડિત યુવતીએ પત્રકાર પરિષદ યોજીને કેસમાં કરાઈ રહેલી ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સામે આરોપ લગાવ્યા હતા.
પીડિતાએ તપાસ અધિકારી જે. કે. ભટ્ટ પર આરોપ લગાવતા હતું કે તેમનાં પર નિવેદન બદલી છેતરપિંડીનો કેસ નોંધાવવા દબાણ કરાયું હતું.
તેમણે એવું પણ કહ્યું, ''ભટ્ટે મને કહ્યું હતું કે બળાત્કાર થયો છે કે નહીં એ અમે નક્કી કરીશું. જો કેસની તપાસ ભટ્ટ જ કરવાના હોય તો હું સહકાર નહીં આપું.''
તેમણે ઉમેર્યું, ''જે.કે. ભટ્ટે મને કહ્યું તારા પર કરાયેલા લાકડીના પ્રયોગને બળાત્કાર ના ગણાય અને તું 'બ્રેકઅપ'નો બદલો લેવા માટે આ બધું કરી રહી છો.''
પીડિતાએ આ મામલે કોઈ નિષ્પક્ષ મહિલા અધિકારી દ્વારા તપાસ કરવાની પણ માગ કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ભટ્ટને તપાસમાંથી હટાવાયા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
મહત્ત્વપૂર્ણ છે કે બળાત્કારના કેસમાં 24 કલાકની અંદર જ ભોગ બનનારનુ નિવેદન લેવામાં આવતું હોય છે. જોકે, આ મામલે આવું થઈ શક્યું નથી.
જેને પગલે આ કેસ દુષ્કર્મ પીડિત યુવતી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચના સંઘર્ષ તરીકે પણ ચર્ચામાં આવ્યો છે.
ભૂતપૂર્વ આઇપીએસ અધીકારી આર. બી. શ્રીકુમારે બીબીસી સાથેની વાતમાં કહ્યું, ''બળાત્કારના કેસમાં 24 કલાકની અંદર જ મૅજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવું જોઈએ.
''જોકે, અમદાવાદના સામૂહિક બળાત્કારના કેસમાં આવું થઈ શક્યું નથી. ક્રાઇમ બ્રાન્ચ આ મામલે સંવેદનશીલતા દાખવવામાં ઊણી ઉતરી છે.''
બીબીસી ગુજરાતીએ આ મામલે પીડિત યુવતીનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
જોકે, આ મામલે વિવાદ વકરે એ પહેલાં જ જે. કે. ભટ્ટ તપાસમાંથી હટી ગયા છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ભટ્ટે કહ્યું, ''હું હવે આ કેસ સાથે જોડાયેલો નથી. જેથી સૈદ્ધાંતિક રીતે હું આ મામલે કોઈ ટિપ્પણી કરી શકું એમ નથી.''

કોણ છે જે.કે. ભટ્ટ?

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
1993ની બેચના આઈપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારી જે. કે. ભટ્ટ હાલમાં ક્રાઇમ બ્રાન્ચમાં સ્પેશિયલ કમિશન ઑફ પોલીસ તરીકે ફરજ બજાવે છે.
11 જાન્યુઆરી 1959માં જન્મેલા જે. કે. ભટ્ટ મૂળ સુરેન્દ્રનગરના છે અને 1997થી પોલીસદળમાં સેવા બજાવે છે.
બૅચલર ઑફ સાયન્સ, ક્રિમિનલૉજીમાં માસ્ટર્સ ઑફ લૉ જેવી ડીગ્રી ધરાવતા ભટ્ટને વર્ષ 2013માં અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ) આતંકવાદી વિરોધી દળમાં ઇન્સપેક્ટર જનરલ ઑફ પોલીસનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં આઈજી, ડિટૅક્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચમાં જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ તરીકેનો અનુભવ ધરાવતા ભટ્ટ વડોદરામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.
ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના સભ્ય રહી ચૂકેલા ભટ્ટનો સરકાર સાથે સારો તાલમેલ હોવાનું મીડિયામાં ચર્ચાય છે.
ચાલુ વર્ષે જ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે બઢતી પામેલા ભટ્ટને જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ)માંથી સ્પેશિયલ પોલીસ કમિશનર (ક્રાઇમ) બનાવાયા હતા.

કરોડપતિ અધિકારી

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
જે. કે. ભટ્ટનું નામ ગુજરાતના સૌથી ધનવાન પોલીસ અધિકારીઓમાં પણ સામેલ છે.
2012માં કરાયેલી રાઇટ ટુ ઇન્ફરમેશનની અરજીમાં જાણવા મળ્યું હતું કે રાજ્યના 18 આઈપીએસ અધિકારી કરોડપતિ છે.
એ યાદીમાં જે. કે. ભટ્ટનું નામ ત્રીજા સ્થાને હતું. ભટ્ટની કુલ સંપત્તિ 5.56 કરોડ હોવાનું બહાર આવ્યું હતું.
ભટ્ટ એ વખતે ગાંધીનગરમાં ડીઆઈજી (ઇન્ટેલિજન્સ) તરીકે ફરજ બજાવતા હતા.
મુંબઇના ઍક્ટિવિસ્ટ રમેશ જોષીએ કરેલી આરટીઆઈની અરજીમાં આ માહિતી બહાર આવી હતી.

તોગડિયાનો આરોપ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
તાજેતરમાં જ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાને કારણે પણ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા.
જાન્યુઆરી મહિનામાં તોગડિયા અમદાવાદના વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયમાંથી અચાનક જ ગાયબ થઈ ગયા હતા.
બાદમાં તેઓ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા. તોગડીયાએ આરોપ લગાવ્યો હતો કે ક્રાઇમ બ્રાન્ચ એમનું ઍન્કાઉન્ટર કરવા માગે છે.
તેમણે ભટ્ટ પર દિલ્હીના ઇશારે કામ કરવાનો આરોપ લગાવી તેમના ફોનકૉલ્સને સાર્વજનિક કરવાની પણ માગ કરી હતી.
જોકે, ભટ્ટે આ તમામ આરોપો ફગાવી દીધા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














