ઝારખંડનું એક એવું રેલવે સ્ટેશન જેનું કોઈ નામ નથી

નામ વિનાનું રેલવે સ્ટેશન

ઇમેજ સ્રોત, Ravi Prakash

ઇમેજ કૅપ્શન, આ રેલવે સ્ટેશન પર સ્ટેશનનું નામ નથી લખવામાં આવ્યું

રાંચીથી ટોરી જતી પૅસેન્જર ટ્રેન લોહરદગા પછી એક 'નામવિહોણા ' રેલવે સ્ટેશન પર ઊભી રહે છે. ના આ સ્ટેશન કોઈ રહસ્યકથા હોય તેવું સ્થળ નથી. અહીંથી મુસાફરો ટ્રેનમાં અવરજવર પણ કરે છે.

આ સ્ટેશનનું ના એટલા માટે નથી આપી શકાયું કારણ કે તેના નામકરણ માટેનો વિવાદ ચાલી રહ્યો છે.

અહીં માત્ર એક મિનિટ માટે ટ્રેન ઊભી રહે છે, જ્યાં ડઝનબંધ લોકો ઊતરે છે. તેઓ કમલે, બડકીચાંપી, છોટકીચાંપી, સુકુમાર જેવા ગામના રહેવાસી હોય છે.

આ લોકોએ લોહરદગા અને રાંચીની ટ્રેનમાં ચડતી વખતે બડકીચાંપીની ટિકિટ લીધી હતી. એટલે આ 'નામ વિહોણા' સ્ટેશનનું નામ બડકીચાંપી હોવું જોઈએ.

છતાં અન્ય રેલવે સ્ટેશન્સની જેમ આ સ્ટેશનના પ્લેટફૉર્મ, મુસાફરો માટેના શેડ કે કોઈ સાર્વજનિક જગ્યા પર આ નામ લખવામાં આવ્યું નથી.

line

આવું શા માટે?

રેલવે સ્ટેશનની તસવીર

ઇમેજ સ્રોત, Ravi Prakash

મારી સાથે ઊતરેલાં કમલે ગામનાં રહેવાસી સુમન ઉરાંવે જણાવ્યું કે આ સ્ટેશનનું નામ ન હોવા પાછળ કારણ બે ગામ વચ્ચેનો વિવાદ છે.

આ જ કારણે 2011 માં શરૂ થયું હોવા છતાં હજી સુધી આ સ્ટેશનનનું નામ રાખવામાં આવ્યું નથી.

સુમન ઉરાંવ કહે છે, ''આ સ્ટેશન મારા ગામ કમલેની જમીન પર બનેલું છે. આ જ કારણે ગામલોકોનું માનવું છે કે આ સ્ટેશનનું નામ ' કમલે ' હોવું જોઈએ.”

“અમે સ્ટેશનના નિર્માણ માટે જમીન પણ ફાળવી છે અને મજૂરી પણ કરી છે. તો પછી રેલવેએ કયા આધારે આ સ્ટેશનનું નામ બડકીચાંપી નક્કી કરી દીધું. આ જ કારણે અમે લોકોએ પ્લેટફૉર્મ પર સ્ટેશનનું નામ લખવા દીધું નથી''

line

ક્યારથી છે આ વિવાદ

રાંચી ટોરી પેસેન્જર ટ્રેનની તસવીર

ઇમેજ સ્રોત, Ravi Prakash

સ્થાનિક પત્રકાર પ્રસેનજીત જણાવે છે ,''આ વિવાદ સાત વર્ષ જૂનો છે.''

''લોહરદગા રેલ્વે સ્ટેશનથી ટોરી સુધીનું 14 કિલોમિટર અંતર કાપ્યા બાદ આવેલા આ સ્ટેશન પર વર્ષ 2011 માં 12 નવેમ્બરનાં રોજ પ્રથમ વખત ટ્રેન પહોંચી હતી.''

''ત્યારે અહીંયાં સ્ટેશનનું નામ લખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પણ ગ્રામીણોનાં વિરોધને કારણે આ શક્ય બની શક્યું નહોતું.”

“ત્યાર બાદ રેલવેએ ઘણા પ્રયાસો કરી જોયા પણ તેને સફળતા સાંપડી નથી.''

''ગયા વર્ષે જ રેલ્વે અધિકારીઓએ અહીંયા સ્ટેશનનું નામ લખવાનો પ્રયાસ કર્યો ત્યારે પેંટરે બડકી લખી પણ નાંખ્યું હતું. પણ ચાંપી લખે તે પહેલાં આ સમાચાર કમલે ગામમાં ફેલાઈ ગયા અને મોટી સંખ્યામાં ગામલોકો ત્યાં ભેગા થઈ ગયા.”

“પછી લખેલા શબ્દો પર કાળો કૂચડો ફેરવીને ભૂંસી નાંખ્યા. ત્યાર બાદ રેલવેએ વિવાદને કારણે ફરીથી આવો પ્રયાસ કર્યો નથી.''

line

બની ગયો છે હવે વટનો પ્રશ્ન

રાંચી ટોરી પેસેન્જર ટ્રેનની તસવીર

ઇમેજ સ્રોત, Ravi Prakash

બડકી ચાંપીના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતમ કોય જણાવે છે કે કમલે અને બડકી ચાંપી ગામનાં લોકોએ આને હવે વટ નો સવાલ બનાવી દીધો છે.

''આ જ કારણે અમને નામ લખવામાં હવે અડચણ ઊભી થઈ રહી છે. સ્ટેશનનાં નામકરણ વખતે સ્થાનિક લોકો સાથે સલાહ મસલતની પરંપરા છે.''

''ત્યારે કોઈએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો નહીં હોય. ત્યારે આનું નામ બડકીચાંપી સૂચિત કરવામાં આવ્યું હતું.''

''હવે અમારા રેકોર્ડમાં બડકીચાંપી નામ હોવાં છતાં અમે એને ડિસપ્લે કરી શકતા નથી. પણ ટિકિટોનાં વેચાણ અને બીજા વિભાગીય દસ્તાવેજોમાં આ સ્ટેશનનું નામ બડકીચાંપી જ છે.''

line

પહેલની જરૂર

રાંચી ટોરી પેસેન્જર ટ્રેનની તસવીર

ઇમેજ સ્રોત, Ravi Prakash

બડકીચાંપી વાસ્તવમાં લોહરદગા જિલ્લાનાં કુડૂ પ્રાંતની એક પંચાયત છે.

કમલે ગામ પણ આ જ પંચાયતમાં આવે છે પણ રેલવે સ્ટેશનથી બડકીચાંપી ગામનું અંતર લગભગ 2 કિલોમિટર દૂર છે.

આસપાસના ડઝનબંધ ગામનાં લોકો આ જ ટ્રેનમાં મુસાફરી કરે છે.

બડકીચાંપીનાં સરપંચ મુનિયાદેવી જણાવે છે, ''આ વિવાદનાં સમાધાન માટે પૂરતા પ્રયાસની જરૂર છે. રેલવેએ આ પગલું ભરવું જ પડશે. કારણ કે નામ લખવું કે ના લખવું એ તો એક નાનકડી વાત છે પણ લોકોમાં અથડામણ વધી શકે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો