બુરાડી કેસ: મૃતકોનાં માનસના અભ્યાસ દ્વારા જાણવામાં આવશે મૃત્યુનું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તરી દિલ્હીના સંત નગર બુરાડી વિસ્તારમાં રવિવારે 11 લોકો શંકાસ્પદ રીતે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અત્યારસુધી આ અંગે કોઈ નક્કર માહિતી બહાર નથી આવી. આ કેસના મૂળ સુધી પહોંચવા માટે સાઇકોલૉજિકલ ઑટૉપ્સી (મૃત લોકોની મનોસ્થિતિ જાણવી)ની મદદ લેવામાં આવશે.
બીબીસીને પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યાં છે, જેનાં કારણે શું થયું તેની કડીઓ મેળવી શકાય.
બીજી બાજુ, મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સીસીટીવી ફૂટેજમાં સામૂહિક આત્મહત્યાની થિયરીને વેગ મળે છે.
પોલીસ આ કેસની તપાસ હત્યા અને આત્મહત્યા બંને રીતે કરી રહી છે. આ ઘટનાને તંત્ર-મંત્ર સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. ઘરમાંથી એક ડાયરી પણ મળી છે જેમાં મોક્ષ જેવી વાતો લખેલી છે.
પાડોશીઓનું કહેવું છે કે પરિવાર ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશ્વાસ રાખતો હતો. આ સિવાય ઘરમાં એવી વસ્તુઓ પણ મળી આવી છે જે આત્મહત્યાની શંકા ઉપજાવે, પરંતુ સંબંધીઓનું કહેવું છે કે પરિવાર આવું ના કરી શકે. આ સમગ્ર રીતે હત્યાનો મામલો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સ્પષ્ટ નથી કે મામલો શું છે?

ઇમેજ સ્રોત, Reuters
મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે અને ટૂંકસમયમાં રિપોર્ટ પણ આવી જશે, પરંતુ નિષ્ણાતો માને છે કે જો આ મામલો આત્મહત્યાનો છે તો સાઇકોલૉજિકલ ઑટૉપ્સીથી ઘણી મદદ મળી શકે છે.
મેડિકલની દુનિયા આ શબ્દથી અજાણ છે. આત્મહત્યા સાથે જોડાયેલા ઘણા મામલાઓને ઉકેલવા માટે સાઇકોલૉજિકલ ઑટૉપ્સીની મદદ લેવામાં આવે છે. બહુ ચર્ચિત સુનંદા પુષ્કરના મૃત્યુના મામલામાં પણ સાઇકોલૉજિકલ ઑટૉપ્સીની મદદ લેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનંદા પુષ્કરના મૃત્યુની તપાસ માટે એસઆઈટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નું ગઠન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સાઇકોલૉજિકલ ઑટૉપ્સી કરવામાં આવી. હવે સવાલ એ છે કે જે હયાત નથી તેની મનોસ્થિતિ કેવી રીતે જાણી શકાય?
સામાન્ય રીતે સાઇકોલૉજિકલ ઑટૉપ્સી અંતર્ગત મૃતકો સાથે જોડાયેલી માહિતીનું અધ્યયન કરવામાં આવે છે, જેમાં મૃત્યુની તારીખ આસપાસ તેમના વાણી-વર્તનમાં આવેલા ફેરફારને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
તમે આ વાંચ્યું કે નહીં?

એઇમ્સના રિટાયર્ડ સાઇકોલૉજિકલ પ્રોફેસર મંજૂ મેહતાનું કહેવું છે કે આત્મહત્યાના મામલામાં સાઇકોલૉજિકલ ઑટૉપ્સી મદદગાર સાબિત થાય છે.
તેઓ કહે છે, "આ તપાસમાં મૃતકના બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવે છે. મૃત્યુ પહેલાં તેમનો વ્યવહાર કેવો હતો, મૃત્યુ પહેલાં તેમણે કોની સાથે કેવી વાતો કરી હતી વગેરે. આ માહિતીનો આધાર લઈ મૃતકના વિચારો જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે."
બુરાડી મામલાની વાત કરતા તેઓ કહે છે કે આ મામલે સાઇકોલૉજિકલ ઑટૉપ્સી મદદગાર સાબિત થઈ શકે છે, કારણ કે ઘટનાસ્થળેથી એક નોટ અને ડાયરી પણ મળી છે.
જોકે, તેમનું માનવું છે કે આ તપાસમાં મૃત્યનુ કારણ સમજવાની ગુંજાઈશ 50-50 ટકા હોય છે, પરંતુ જો મૃતક તેમની પાછળ કોઈ નોટ છોડીને જાય તો આ ગુંજાઈશ વધી જાય છે.
મંજૂ જણાવે છે કે ભારતમાં આ ચલણ નવું નથી. ઘણાં મામલાઓ આ તપાસની મદદથી ઉકેલવામાં આવ્યા છે.
કેવી રીતે કામ કરે છે સાઇકોલૉજિકલ ઑટૉપ્સી?

સામાન્ય રીતે આ તપાસમાં મૃતકોની મનોસ્થિતિ વિશે જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઘટના પહેલાં તે કેવા વાતાવરણમાં રહ્યા હતા, કેવી વાતો કરતા હતા. શું મૃતક તણાવમાં હતા અને તેમની ખાણી-પીણી કેવી હતી એ અંગે પણ જાણવામાં આવે છે.
આ બધી વસ્તુઓને આધાર બનાવી મૃતકની તાત્કાલિક માનસિક સ્થિતિનો અંદાજ લગાવવામાં આવે છે અને ત્યારબાદ આત્મહત્યાનું કારણ નક્કી કરવામાં આવે છે.
બુરાડી મામલે ડૉક્ટર મંજૂ કહે છે, "મેં એ ઘટના અંગે વાંચ્યું છે. તેમાંથી એક યુવતીના લગ્ન થવાના હતા. સંભવિત છે કે તે તેના ભાવિ પતિ સાથે વાતો કરતી હશે. તે કેવા પ્રકારની વાતો કરતી હતી અને મૃત્યુ પહેલાં કેવી વાત થઈ હતી એ જાણવા મળે તો સમગ્ર સ્થિતિ સમજવામાં મદદ મળી શકે."
એઇમ્સમાં મનોવિજ્ઞાનના ડૉક્ટર અનિલ યાદવ કહે છે કે જો મામલો આત્મહત્યાનો છે તો નિશ્ચિતપણે આ તપાસથી મદદ મળશે.
તેઓ કહે છે, "આ એક એવી પ્રક્રિયા છે જેમાં સુસાઇડના કિસ્સા સમજવામાં મદદ મળે છે. તેમાં મૃતક સાથે જોડાયેલી તમામ વ્યક્તિઓ સાથે વાત કરવામાં આવે છે. તેમના ડૉક્ટર અને મેડિકલ રિપોર્ટ પણ મહત્ત્વની ભજવી શકે છે."
હવે સવાલ એ છે કે જો આટલી સંખ્યામાં આત્મહત્યા થઈ હોય તો પણ આ તપાસ મદદગાર સાબિત થશે?
ડૉ. અનિલનું માનવું છે કે આ મામલે પણ સાઇકોલૉજિકલ ઑટૉપ્સી મદદગાર થાય છે.
તેઓ કહે છે, "જો મામલો આત્મહત્યાનો છે તો પરિણામ સામે આવી જશે, પરંતુ આ મામલે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકોનો વ્યવહાર સામાન્ય હતો. એ સમજવું જરૂરી છે કે કોઈ એક વ્યક્તિ માનસિક તણાવમાં હોય, પરંતુ બધાની સામે આ અંગે જાહેર ના કરતી હોય."

અન્ય દેશોમાં સાઇકોલૉજિકલ અટૉપ્સીનો ઉપયોગ

ઇમેજ સ્રોત, AFP
ધ બ્રિટિશ જનરલ ઑફ સાઇકિએટ્રી મુજબ, છેલ્લાં બે દાયકાઓમાં બ્રિટન સહિત દુનિયાના અન્ય દેશોમાં આત્મહત્યાના કિસ્સા વધ્યા છે. આ મામલાઓનું કારણ સમજવા માટે સાઇકોલૉજિકલ ઑટૉપ્સીની મદદ લેવામાં આવી છે.
આ તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગે મૃત્યુનું કારણ બેરોજગારી, એકલતા, માનસિક વિકાર અને નશાની આદત હતું.
આ સિવાય સાઇન્સ ડાયરેક્ટમાં છપાયેલા જનરલ ઑફ ઇફેક્ટિવ ડિસઑર્ડરના રિપોર્ટ મુજબ, ઇઝરાયલની સેનાએ પણ આ તપાસની મદદ લીધી હતી. ઇઝરાયલ સેનામાં વર્ષ 2009થી 2013 વચ્ચે 18થી 21 વર્ષની વચ્ચેના લગભગ 69 સૈનિકોએ આત્મહત્યા કરી હતી. આ મૃત્યુના કારણો જાણવા આ તપાસની મદદ લેવામાં આવી હતી.
ઉત્તર દિલ્હીના બુરાડી મામલામાં પણ જો આત્મહત્યાની ખાતરી થઈ જાય તો સંભવ છે કે સાઇકોલૉજિકલ ઑટૉપ્સીની મદદથી કારણ જાણી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












