ખોટા વૉટ્સઍપ મૅસેજિસને લીધે થતી હત્યાઓ કોણ અટકાવી શકે?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, આયેશા પરેરા
    • પદ, બીબીસી સંવાદદાતા

જીવલેણ હુમલાઓમાં થયેલા મોટા વધારા પછી ભારત સરકારે 'બેજવાબદાર અને વિસ્ફોટક મૅસેજીસ'નો પ્રસાર અટકાવવા મૅસેજિંગ સર્વિસ વૉટ્સઍપને જણાવ્યું છે, પણ તેનાથી કોઈ ફરક પડશે?

છેલ્લા ત્રણ મહિનામાં લોકોનાં ટોળાંએ દેશના વિવિધ વિસ્તારોમાં કુલ 17 લોકોની હત્યા કરી પછી સરકારનું ઉપરોક્ત નિવેદન આવ્યું છે.

જોકે, મીડિયાના અહેવાલોમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ હિંસા માટે વૉટ્સઍપ મૅસેજિસ મારફત ફેલાયેલી બાળકોના અપહરણની અફવાને જવાબદાર ઠરાવવામાં આવે છે.

એ અફવાને લીધે ટોળાંએ અજાણ્યા લોકો પર હુમલા કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, બાળકોના અપહરણના મૅસેજિસ ખોટા હતા એ વાત લોકોને ગળે ઉતારવાનું મુશ્કેલ બની રહ્યું છે.

તાજેતરની ઘટનામાં ઇશાન ભારતીય રાજ્ય ત્રિપુરામાં લોકોનાં ટોળાએ સ્થાનિક સરકારી અધિકારીએ નિમેલા એક કર્મચારીની હત્યા કરી હતી.

સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓ પર ભરોસો નહીં કરવા ગામડાંઓમાં જઈને લોકોને સમજાવવાનું કામ એ કર્મચારી કરતો હતો.

સરકારે જણાવ્યું છે કે વૉટ્સઍપ પર તેના યુઝર્સ જે સામગ્રી શેર કરે છે તેના 'ઉત્તરદાયિત્વ અને જવાબદારી'માંથી કંપની છટકી શકે નહીં.

line

પરિસ્થિતિ કેમ વણસી?

ત્રિપુરામાં તાજેતરમાં વોટ્સએપ મેસેજની અફવાને પગલે થયેલી હિંસા પછીનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ત્રિપુરામાં તાજેતરમાં વોટ્સએપ મેસેજની અફવાને પગલે થયેલી હિંસા પછીનું દૃશ્ય

હુમલાઓનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. તેમાં ઘટાડાના કોઈ સંકેત દેખાતા નથી.

ટૅલિકોમ રેગ્યુલેટરી કમિશને જણાવ્યું હતું કે ભારતમાં મોબાઇલ ફોનના આશરે એક અબજ સક્રીય વપરાશકર્તાઓ છે અને કરોડો ભારતીયો ટૂંક સમયમાં જ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે.

સચ્ચાઈની ચકાસણીનું કામ કરતી વેબસાઇટ અલ્ટન્યૂઝના સ્થાપક પ્રતિક સિંહાએ બીબીસીને અગાઉ આપેલા ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું, "ગ્રામ્ય વિસ્તારોના લોકો પર અચાનક માહિતીનું ઘોડાપૂર આવ્યું છે.

"એ લોકો સાચા-ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. તેઓ તેમને મોકલવામાં આવેલી તમામ સામગ્રીને સાચી માને છે."

તમે આ વાંચ્યું કે નહીં?

અંદાજે 200 મિલિયન વપરાશકારો ધરાવતું ભારત વૉટ્સઍપ માટે સૌથી મોટું માર્કેટ છે.

વૉટ્સઍપ સમગ્ર દેશમાં ઉપલબ્ધ ઇન્ટરનેટ આધારિત સૌથી મોટી સર્વિસ છે.

તેનો અર્થ એ થયો કે તેની પહોંચ વ્યાપક છે અને એ કારણે તેમાં મૅસેજિસ ઝડપભેર ફેલાય છે એટલું જ નહીં, પણ લોકોનાં ટોળાં પણ ઝડપથી એકઠાં થઈ જાય છે.

વૉટ્સઍપ મુખ્યત્વે પર્સનલ મૅસેજિંગ એપ હોવાને લીધે તેના મારફત મળતી માહિતીમાં લોકો ભરોસો કરે છે.

વળી લોકોને એ માહિતી પરિવારજનો અને દોસ્તો મારફત મળતી હોય છે.

એ કારણે લોકોમાં મૅસેજની સચ્ચાઈની બે વખત ચકાસણી કરવાનું વલણ જોવા મળતું નથી.

line

પરિસ્થિતિ વણસવાની શંકા

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનના વીડિયોથી ભારતમાં ફેલાઈ ફેક ન્યૂઝ, લોકોની થઈ રહી છે હત્યા

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યામાં આગામી ત્રણ વર્ષોમાં 300 મિલિયનનો વધારો થવાનો છે તેથી પરિસ્થિતિ વણસશે એવું ટેક્નૉલૉજી નિષ્ણાત પ્રસાંતો કે. રોયે બીબીસીને જણાવ્યું હતું.

પ્રસાંતોના જણાવ્યા મુજબ, એ નવા યુઝર્સ અંગ્રેજી ભાષા જાણતા નહીં હોય, સામાજિક-આર્થિક રીતે નીચલા વર્ગના હશે અને પ્રમાણમાં ઓછા શિક્ષિત હશે.

એ લોકો ઇન્ટરનેટ મારફત મોટાભાગે વીડિયો અને મ્યુઝિકનો આનંદ માણશે.

તેમણે કહ્યું હતું, "ફેક ન્યૂઝના સંદર્ભમાં વીડિયોઝ સૌથી આસાન પ્લેટફૉર્મ હોય છે. તેનું આસાનીથી ખોટું અર્થઘટન કરી શકાય છે."

"કોઈ વ્યક્તિ ઇન્ટરનેટ પરથી લડાઈ કે હત્યાનો જૂનો વીડિયો મેળવી તેને તાજેતરમાં બનેલી ઘટનાનો વીડિયો ગણાવી શકે છે અને મોકલી શકે છે."

"ફેસબૂક અને વૉટ્સઍપ પર એ વીડિયો ગણતરીની મિનિટોમાં જ વાઇરલ થઈ શકે છે."

વળી તેઓ જે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે તેને લીધે પરિસ્થિતિ વધારે જટિલ બની જાય છે.

વૉટ્સઍપ છેક સ્માર્ટફોનને સ્તર સુધી ઍન્ડ ટુ ઍન્ડ એન્ક્રિપ્ટેડ છે. તેની મારફત મોકલવામાં આવતા મૅસેજિસને વોટ્સએપના સર્વર્સ પર સ્ટોર કરવામાં આવતા નથી.

કંપનીએ પોતે જણાવ્યું હતું, "તમે અને તમે જે વ્યક્તિ સાથે કોમ્યુનિકેટ કરી રહ્યા છો એ વ્યક્તિ જ તમે મોકલેલા મેસેજને વાંચી શકે છે. બીજું કોઈ નહીં. વૉટ્સઍપ પણ નહીં."

"વૉટ્સઍપ તેની મારફત મોકલવામાં આવેલા મૅસેજિસ, તે ડિલિવર થઈ જાય પછી સ્ટોર કરતું નથી કે એવા ડિલિવર્ડ મૅસેજિસના ટ્રાન્ઝેક્શન લોગ્ઝ પણ સ્ટોર કરતું નથી."

"અલબત, કેટલાક મેટાડેટા (જેમ કે કોણે, કોને કૉલ કે ટેક્સ્ટ મૅસેજ કર્યો હતો) જરૂર સ્ટોર કરવામાં આવે છે."

એ મેટાડેટા અમેરિકાની ફેડરલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે અદાલતના આદેશ પછી શેર કરવામાં આવે છે, એવું પ્રસાંતો રોયે જણાવ્યું હતું.

વૉટ્સઍપની સર્વિસ ઍન્ડ ટુ ઍન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે, જે ચીનમાંની વીચેટ સર્વિસથી વિપરીત છે.

વીચેટે ચીની કાયદાનું પાલન કરવું પડે છે. એ કાયદા મૅસેજ મોનિટર કરવાની સત્તા સરકારને આપે છે.

એ સિગ્નલ કે ટેલિગ્રામ નામની ઍપ્લિકેશન જેવી વધારે છે, પણ ભારતમાં બહુ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે.

સરકાર વૉટ્સઍપની વ્યાપકતાથી અજાણ હોય તેવું લાગે છે. વૉટ્સઍપ પર વાઇરલ થતા મૅસેજિસ સામે કઈ રીતે કામ પાર પાડવું એ કાયદો તથા વ્યવસ્થાતંત્રના અધિકારીઓને સમજાતું નથી.

તેના નિરાકરણમાં ટેક્નૉલૉજી કંપનીઓને કઈ રીતે સાંકળવી તેની પણ તેમને ખબર નથી.

line

વૉટ્સઍપ શું કહ્યું?

લોકોને અફવાથી ગેરમાર્ગે નહીં દોરાવા સમજાવી રહેલા સલામતી રક્ષકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૉટ્સઍપ મારફત ફેલાતી અફવાઓનો સામનો કરવા સરકારી અધિકારીઓ પૂરતા સજ્જ નથી

કંપનીએ સરકારને જણાવ્યું હતું કે "હિંસાની આ ભયાનક ઘટનાઓથી અમે પણ ફફડી ઉઠ્યા છીએ."

કંપનીએ આ પરિસ્થિતિને "એક પડકાર" ગણાવી હતી અને જણાવ્યું હતું, "એ પડકારનો સામનો કરવા માટે સરકાર, સમાજ અને ટેક્નૉલૉજી કંપનીઓએ સાથે મળીને કામ કરવું પડશે."

"લોકો વૉટ્સઍપનો જે રીતે ઉપયોગ કરે છે એ હજુ પણ અત્યંત પ્રાઇવેટ છે," એવું જણાવીને કંપનીએ તેની મૅસેજ એન્ક્રિપ્શન વ્યવસ્થામાં ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો.

કંપનીએ ઉક્ત સમસ્યાના નિવારણમાં મદદ માટે સંખ્યાબંધ પગલાં સૂચવ્યાં હતાં.

તેમાં યુઝર્સ દ્વારા ગ્રુપ છોડવાનું અને લોકોને બ્લૉક કરવાનું વધારે આસાન બનાવવાનો સમાવેશ થાય છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વૉટ્સઍપ ભારતમાં લાંબા સમય સુધી પબ્લિક સેફટી જાહેરાત ઝૂંબેશ ચલાવવાની યોજના પણ બનાવી રહી છે.

વૉટ્સઍપ મારફત ફેલાવવામાં આવતી અફવાઓને દૂર કરવામાં મદદ માટે સ્થાનિક સંગઠનો સાથે હાથ મિલાવ્યા હોવાનું કંપનીએ ઉમેર્યું હતું.

કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે કાયદા વિભાગના સ્થાનિક અધિકારીઓ સાથે એક એન્ગેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની કંપનીની યોજના છે.

સ્થાનિક પોલીસ તેમના કાર્યક્ષેત્રમાં રિસોર્સ તરીકે વૉટ્સઍપનો ઉપયોગ કઈ રીતે કરે છે એ કાયદા વિભાગના અધિકારીઓને જણાવવામાં આવશે.

અન્યત્રથી ફોરવર્ડ કરવામાં આવેલા મૅસેજિસને કંપની લેબલિંગ કરી રહી છે, પણ પ્રસાંતો રોય જણાવે છે, એવું કરવાથી એ ન જાણી શકાય કે એક મૅસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો હતો.

line

વૉટ્સઍપ શું કરવું જોઈએ?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

મીડિયાનામા વેબસાઇટના સ્થાપક અને તંત્રી નિખિલ પાહવાના જણાવ્યા મુજબ, આ સમસ્યાના નિવારણ માટે વૉટ્સઍપ વધારે મદદ કરવી જોઈએ.

નિખિલ પાહવાએ બીબીસીને કહ્યું હતું, "વૉટ્સઍપ જેવાં પ્લેટફૉર્મ્સ વાણી સ્વાતંત્ર્યના વાહકો છે અને તેમને નિશ્ચિતપણ સેન્સર ન કરવાં જોઈએ."

"તેનો અર્થ એ નથી કે આવી પરિસ્થિતિમાં તેમની કોઈ જવાબદારી જ નથી."

વૉટ્સઍપ શું પગલાં લઈ શકે એ જણાવતાં નિખિલ પાહવાએ કહ્યું હતું, "દાખલા તરીકે, તમામ મૅસેજને પ્રાઇવેટ ગણવામાં આવે."

"તેનો અર્થ એ થયો કે લોકો મૅસેજ કોપી-પેસ્ટ કે ફૉરવર્ડ નહીં કરી શકે. જે કંઈ ફૉરવર્ડ થશે તે પબ્લિક કરવાનું રહેશે અને તેનું આઈડી જનરેટ થશે. એ આઈડીને જરૂર પડ્યે ટ્રેક કરી શકાશે."

નિખિલ પાહવાના અન્ય સૂચનોમાં વાંધાજનક સામગ્રી સામે યુઝરને ચેતવણીનો અધિકાર આપવાનો અને વૉટ્સઍપનો પહેલીવાર ઉપયોગ કરતા યુઝર્સ માટે આ પ્લેટફૉર્મ કઈ રીતે કામ કરે છે તેની જાણકારી આપતો વીડિયો નિહાળવાનું ફરજિયાત બનાવવાનો સમાવેશ થાય છે.

અલબત, વૉટ્સઍપમાં સૌથી વધુ ખોટી માહિતી રાજકીય પક્ષો ફેલાવતા હોય છે ત્યારે વૉટ્સઍપ જેવા 'સંદેશાવાહક'ને નિશાન બનાવવાનું ગેરવાજબી છે, એવું નિખિલ પાહવા માને છે.

તેમણે કહ્યું હતું, "સમસ્યાનો મૂળમાંથી જ ઇલાજ કરવો જરૂરી છે. રાજકીય પક્ષો અને ખાસ કરીને શાસક ભારતીય જનતા પક્ષે વૉટ્સઍપના ઉપયોગ બાબતે વધારે શિસ્તબદ્ધ વલણ લેવાની જરૂર છે."

"અણુશસ્ત્રોનો પહેલાં ઉપયોગ નહીં કરવાની નીતિની માફક તમામ રાજકીય પક્ષોએ ખોટી માહિતીના પ્રસાર માટે વૉટ્સઍપનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ."

કાયદાકીય રીતે વિચારીએ તો સરકાર તરફથી આ પ્રકારનો એક મેસેજ વૉટ્સઍપ માટે ચિંતાનું કારણ બનશે.

વૉટ્સઍપને ભારતીય આઈટી એક્ટની ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ હેઠળ રક્ષણ મળેલું છે.

એ કાયદા અનુસાર, વૉટ્સઍપ જેવાં પ્લેટફૉર્મ્સ ઇન્ટરમીડિયરીઝ છે.

તેથી તેના પર શેર કરવામાં આવતી સામગ્રી માટે તેને જવાબદાર ઠરાવી શકાય નહીં.

પ્રસાંતો રોયે જણાવ્યું હતું કે આ ગાઇડલાઇન્સમાં વેબસાઇટ્સે કેવી વાંધાજનક સામગ્રી હટાવી દેવી જોઈએ તે વિશે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

જોકે, આ સંદર્ભે વૉટ્સઍપ જેવાં એન્ક્રિપ્ટેડ મૅસેજિંગ પ્લેટફૉર્મ્સમાં શું કરવું એ સ્પષ્ટ નથી. તેથી ગાઇડલાઇન્સનો આસાનીથી અમલ કરી શકાતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો