દેવભૂમિ દ્વારકામાં બે વ્યક્તિને જેના કારણે મારવામાં આવી તે ફેક મૅસેજનું સત્ય

ઓખા રેલવે સ્ટેશન

ઇમેજ સ્રોત, indiarailinfo.com

    • લેેખક, દીપક ચુડાસમા
    • પદ, બીબીસી ગુજરાતી

વૉટ્સએપ પર બાળકોને ઉપાડી જવાના ફેક મૅસેજને કારણે અનેક જગ્યાએ ટોળાએ નિર્દોષ લોકોને માર માર્યાના કિસ્સાઓ સામે આવ્યા છે.

દેશનાં કેટલાક રાજ્યોમાં બનેલા આવા કિસ્સામાં તો ભોગ બનનાર વ્યક્તિનાં મોત પણ થયાં છે.

દેશના અન્ય રાજ્યો બાદ હવે ગુજરાતમાં પણ આવા ફેક વાઇરલ મૅસેજને કારણે બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો છે.

દેવભૂમિદ્વારકા જિલ્લાના ઓખા ગામમાં બે અજાણી વ્યક્તિઓને સ્થાનિક લોકોએ શંકાના આધારે માર માર્યો હતો.

હાલ આ ટોળા દ્વારા માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

આ મામલે ઓખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એમ. ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ઓખા રેલવે સ્ટેશન પાસે બે અજાણી વ્યક્તિ પર ટોળાએ હુમલો કરી દીધો હતો."

line

કઈ રીતે બની આ ઘટના

દ્વારકા

ઇમેજ સ્રોત, Getty Images

ઓખા રેલવે સ્ટેશન નજીક બે અજાણ્યા શખ્સોને બાળકોને ઉઠાવી જનારી ગેંગના સભ્યો સમજી લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો.

લોકોએ બંનેને એટલો માર માર્યો કે સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ રોહન આનંદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના વાઇરલ ફેક મૅસેજને કારણે બની હતી.

રોહન આનંદે કહ્યું, "છેલ્લા બે ત્રણ દિવસથી એક ઑડિયો મૅસેજ વૉટ્સએપ પર વાઇરલ થઈ રહ્યો છે."

"આ ઑડિયોમાં એવું કહેવામાં આવે છે કે એક ગ્રુપ દ્વારકા બાજુ આવ્યું છે અને તે બાળકોને ઉઠાવી જાય છે."

તેમણે કહ્યું, "ગુરુવારે સવારે ઓખામાં બે ભિખારીઓ પર વાઇરલ મૅસેજને કારણે લોકોને શંકા ઉત્પન્ન થઈ."

"આ શંકાના આધારે ટોળાએ આ બંને શખ્સોને માર મારવાનો શરૂ કરી દીધો. જોત જોતામાં ટોળું એકઠું થઈ ગયું."

"જોકે, પોલીસને જાણ થતા તાત્કાલિક પગલાં લઈને ટોળાંને વિખેરી નાખી આગળની કાર્યવાહી હાથ ધરી હતી."

line

ભોગ બનનાર આ બંને શખ્સ કોણ છે?

ઓખા રેલવે સ્ટેશન

ઇમેજ સ્રોત, indiarailinfo.com

માર મારવાની આ ઘટના બની ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ તેનો વીડિયો લઈ લીધો હતો.

જે બાદ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં આ વીડિયો વાઇરલ થયો હતો.

પીએસઆઈ વી.એમ. ઝાલાના જણાવ્યા અનુસાર પોલીસે કાયદો હાથમાં લેનારા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

ઝાલાએ કહ્યું, "કોઈપણ સંજોગોમાં લોકો આ રીતે કાયદો હાથમાં લઈ શકે નહીં. વીડિયોના આધારે પોલીસે માર મારનાર લોકોની શોધખોળ હાથ ધરી છે."

એસપી રોહન આનંદના જણાવ્યા પ્રમાણે, "પોલીસે ભોગ બનનારની તપાસ કરી તો જાણવા મળ્યું કે બંને ભિખારીઓ છે. જેમાંથી એક શખ્સ બોલી શક્તો નથી."

"પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનનારા શખ્સ ગુજરાતી નથી. એક શખ્સ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના બુઢાણા ગામનો છે."

"જ્યારે એક વ્યક્તિ ક્યાંની છે તે જાણી શકાયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે."

હાલ આ મામલે પોલીસે છ લોકોની ધરપકડ કરી છે અને અન્ય લોકોની શોધખોળની કાર્યવાહી ચાલી રહી છે.

line

વાઇરલ મૅસેજનું સત્ય શું છે?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વિસ્તારના નામે એક ઑડિયો ફેસ મૅસેજ વાઇરલ થઈ રહ્યો છે.

જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં 200થી 300 માણસોની ગેંગ આવી છે.

જે 5થી 10 વર્ષના બાળકો તથા 18થી 20 વર્ષના છોકરાઓ અને છોકરીઓને ઉઠાવી જાય છે.

તેમને ઉઠાવી ગયા બાદ તેમના કિડની જેવા અંગો કાઢી લેવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વૉટ્સએપ પર બાળકોની કિડની કાઢેલાં દ્રશ્યો વાળી તસવીરો પણ વાઇરલ થઈ રહી છે.

એસપી રોહન આનંદના જણાવ્યા પ્રમાણે આ તમામ ફેક મૅસેજીસ છે. જેનાથી લોકોએ ભ્રમિત થવું ના જોઈએ.

દેવભૂમિદ્વારકા પોલીસે સોશિયલ મીડિયા પર લોકોને જાગૃત કરતી પોસ્ટ્સ પણ મૂકી છે.

આ પ્રકારના ફેસ ઑડિયો મૅસેજની શરૂઆત સૌપ્રથમ ઓડિશાથી થઈ હતી.

જે બાદ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલગાણા, આંધ્ર પ્રદેશ અને આસામમાં આવા વાઇરલ ફેક મૅસેજને કારણે લોકોની હત્યાઓના કિસ્સા પણ નોંધાયા છે.

line

વૉટ્સઍપની અફવાઓને કારણે થયેલાં મૃત્યુ

વૉટ્સઍપ

ઇમેજ સ્રોત, AFP

એપ્રિલ:

  • તમિલનાડુના એક શહેરમાં શેરીઓમાં રખડતા એક શખ્સને જોતાં ટોળાએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મે:

  • તમિલનાડુના એક ગામમાં 55 વર્ષની મહિલાને બાળકોને સ્વીટ્સ આપી રહી હતી, ત્યારે ટોળાએ શંકા કરીને તેની હત્યા કરી નાખી હતી.
  • તેલંગણા પાસે એક વ્યક્તિને ટોળાએ એટલા માટે મારી નાખ્યો કે તે રાત્રે આંબાવાડીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
  • તેલંગણામાં જ એક વ્યક્તિ જ્યારે તેના સંબંધીને મળવા જઈ રહ્યો હતો, ત્યારે ટોળાએ તેને મારી નાખ્યો.
  • બેંગ્લુરૂમાં એક વ્યક્તિને દોરડા વડે બાંધીને ટોળાએ ક્રિકેટ બૅટ વડે માર મારીને મારી નાખ્યો હતો.
  • હૈદરાબાદમાં એક ટ્રાન્સજૅન્ડર વ્યક્તિને ટોળાએ અફવાના આધારે માર માર્યો હતો.

જૂન:

  • તાજેતરમાં જ વૉટ્સઍપમાં ફેલાયેલા ફેક મૅસેજના આધારે આસામમાં બે લોકોને મારી નાખવામાં આવ્યા હતા.
line

શા માટે આવી અફવાઓ રોકાતી નથી?

પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

આવા પ્રકારના ફેક ન્યૂઝની ઘટનાઓ ઘણા સમયથી ભારતમાં બની રહી છે.

આ મામલે બીબીસી સાથે વાત કરતાં આસામના એડિશનલ જનરલ ઑફ પોલીસ મુકેશ અગ્રવાલ કહે છે, "અફવાઓ શરૂ થયા બાદ તેને રોકવામાં પોલીસને પણ થોડા દિવસો લાગી જાય છે."

"પોલીસ પોતાનાં વિવિધ સૂત્રો દ્વારા આવી ઘટનાઓ રોકવાનો પ્રયત્ન કરતી હોય છે."

આ મામલે બીબીસીના આયેશા પરેરા સાથે વાત કરતાં અલ્ટ ન્યૂઝના પ્રતીક સિંહાએ જણાવ્યું, "સ્માર્ટફોનની વધી રહેલી સંખ્યા અને સસ્તા થતા ડૅટા પૅકને કારણે અફવાઓ જલદી ફેલાય છે.

"જેના કારણે લોકો પાસે માહિતીનો ઢગલો થાય છે. મોટાભાગના લોકો એ નક્કી કરી શકતા નથી કે શું ખોટું છે? અને શું સાચું છે?

"તેમની પાસે જે માહિતી આવે તે સીધી જ શેર કે ફૉરવર્ડ કરી દે છે. વૉટ્સઍપ ભારતમાં ફેક ન્યૂઝ ફેલાવવા માટેનું મુખ્ય માધ્યમ બની ગયું છે."

મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીએ કરેલા એક સંશોધનમાં પણ એ વાત સામે આવી હતી કે ફેક ન્યૂઝ એટલા ઝડપથી ફેલાય છે કે તેની સામે મુખ્ય પ્રસાર માધ્યમો ટકી શકતાં નથી.

આ સંશોધન સાથે જોડાયેલા સોરોશ વોશોગીના કહેવા મુજબ, સોશિયલ મીડિયા પર આવતી ખોટી સામગ્રી માનવ સ્વભાવની નબળાઈના કારણે પણ ફેલાઈ રહી છે, જેના કારણે પણ સોશિયલ મીડિયા પરથી ફેક ન્યૂઝ વધારે ફેલાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો