You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર: પાંચ લોકોની હત્યા થઈ તે પરિવારની આવી છે સ્થિતિ
ગુજરાતની જેમ જ બાળકચોરીની આશંકાએ મહારાષ્ટ્રમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ધૂળે જિલ્લાના સાકરી તાલુકાના રાઇનપાડામાં પાંચ લોકોની હત્યા કરવામાં આવી હતી.
પરિવારજનોની માગ છે કે સરકાર જ્યાં સુધી તેમની માગો નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે.
મૃતક ગોસાવી સમાજના છે, જે ભિક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચાલવે છે. મૃતકના પરિવારજનો એ નથી સમજી શકતા કે આવું કઈ રીતે થઈ ગયું.
બીજી બાજુ, ગામમાં પ્રવર્તમાન તણાવને જોઈને ત્યાં વધારાના સુરક્ષાબળો ખડકી દેવામાં આવ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
મૃતકના પરિવારજન મારુતિ ભોસલેના કહેવા પ્રમાણે, "અમારી માગ છે કે મૃતકોના પરિવારજનોને વળતર આપવામાં આવે તથા સરકારી નોકરી આપવામાં આવે.
જ્યાં સુધી સરકાર દ્વારા અમારી માગને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહોનો સ્વીકાર નહીં કરીએ તથા તેના અંતિમસંસ્કાર નહીં કરીએ."
'હું બરબાદ થઈ ગઈ'
જગન્નાથ ગોસાવીના કહેવા પ્રમાણે, "આવું પ્રથમ વખત બન્યું છે કે અમારા સમુદાયના લોકો ભિક્ષા માગવી નીકળ્યા હોય અને તેમની હત્યા કરી નાખવામાં આવી હોય. અમે ભિક્ષા માગવા માટે નંદૂરબાર, ધૂળે, સાકરીમાં ભિક્ષાવૃત્તિ કરીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોસાવી સમાજના લોકો ઉત્તર મહારાષ્ટ્રમાં ભિક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચલાવે છે.
પોલીસના કહેવા પ્રમાણે, મૃતકો સોલાપુર જિલ્લાના મંગલવેઢે વિસ્તારના રહેવાસી હતા, પરંતુ હાલમાં તેમણે સાકરીમાં ડેરાતંબુ તાણ્યા હતા.
દાદારાવના વિધવા નર્મદા ભોંસલેના કહેવા પ્રમાણે, "મારા પતિ ગયા, હું બરબાદ થઈ ગઈ."
"મારા પતિ શિવાજી મહારાજ જેવા દેખાતા અને રાજા જેવું જ મૃત્યુ પામ્યા."
"સવારે નવ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. અગિયાર વાગ્યે કૉલ કર્યો તો મોબાઇલ બંધ હતો."
"પછી કોઈકે કોલ ઊંચક્યો હતો, તે કાંઈક બોલી રહ્યા હોવાનું સંભળાયું હતું."
ગામમાં તણાવ
પોલીસ અધિકારી રામકુમાર પ્રમાણે, ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલા પોલીસદળે ગામનાં લોકોનાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વધુ પોલીસકર્મીઓને મોકલવાની ફરજ પડી હતી.
પોલીસે પીડિતોને બચાવીને તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
હત્યાબાદ ગામમાં પ્રવર્તમાન તણાવને પગલે ઉચ્ચ અધિકારીઓ ગામમાં મુકામ કરી રહ્યા છે. આ મામલે 23 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
શું છે ઘટનાક્રમ?
ધૂળેના પોલીસ અધિકારી રામકુમારે બીબીસીને જણાવ્યું, ''બપોરે લગભગ એક વાગ્યે આ લોકો એક બસ દ્વારા ગામમાં પ્રવેશ્યા હતા. તે વ્યક્તિઓને સંદિગ્ધ માનીને સ્થનિકોએ કેટલાક સવાલ-જવાબ કર્યાં.
''ત્યારબાદ તેમને એક રૂમમાં બંધ કરીને લાકડી અને પટ્ટાથી માર મારવામા આવ્યો અને આ દરમિયાન જ તેમનાં મૃત્યુ થયાં હતાં.''
પોલીસના કહેવા પ્રમાણે, રવિવારે થયેલી ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ લોકો સોલાપુરના રહેવાસી હતા.
જેમની ઓળખાણ ભારત શંકર ભોસલે (45), દાદારાવ શંકર ભોસલે (36), રાજૂ ભોસલે (47), અગળૂ શ્રીમંત હિંગોલે (20) અને ભારત માવલે (45) તરીકે થઈ છે.
જોકે, પોલીસે હજુ એ જણાવ્યું નથી કે આ લોકો ધૂળે જિલ્લાના રાઇનપાડા ગામમાં શા માટે આવ્યા હતા.
ગુજરાતની જેમ અફવાઓ
ગુજરાતની જેમ જ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાલ સોશિયલ મીડિયા દ્વારા બાળકચોરો સક્રિય હોવાની અફવા ફેલાઈ રહી છે.
તેમાં પણ ધૂળે અને નંદુરબાર જિલ્લામાં એવી અફવા ફેલાય છે કે બાળકોની ચોરી કરનારી ટોળીઓ ફરી રહી છે.
પોલીસે અફવા રોકવા માટે પોસ્ટર્સ પણ છપાવ્યા છે, પરંતુ અફવાઓ હજુ પણ ફેલાઈ રહી છે.
ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, દ્વારકા, કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં બાળકચોરીની આશંકાએ લોકો સાથે મારઝૂડની ઘટનાઓ ઘટી છે.
અમદાવાદના વાડજમાં એક મહિલાની હત્યા કરી નાખવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો