પ્રકાશ ન શાહ: મિસાબંદીએ સ્વતંત્ર્યસંગ્રામમાં ભાગ નહીં લઈ શક્યાનું મહેણું ભાંગ્યું

    • લેેખક, પ્રકાશ ન શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

લોકસંઘર્ષનાં, 1974-77નાં એ વાસંતી વર્ષો હતાં. કહો કે લેખે મેં સોઈ ઘડી, બાકી દિન બાદ.

કિશોરાવસ્થામાં ગાંધી નહેરુ અને પટેલની સ્વરાજત્રિપુટી વિશે સાંભળ્યું હતું અને સ્વરાજની લડતમાં સામેલ થવાનું મળતાં મળે એવું સૌભાગ્ય નહીં મળ્યાનો મીઠો ડંખ પણ અનુભવ્યો હતો.

પણ સ્વરાજની પહેલી પચીસી ઊતરતે ઇંદિરાઈ વર્ષોમાં લોકશાહી ઓજપાતી વરતાઈ, ત્યારે બુઢ્ઢા જયપ્રકાશ એક નવી યુવાની સાથે જંગમાં ઊતર્યા અને કંઈ કેટલાયે યુવાજનોને લાગ્યું કે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ નહીં લઈ શક્યાનું મહેણું ભાંગી રહ્યું છે.

જેમણે આમ અનુભવ્યું એમના પૈકી એક જે. પી. બટુક, નવોસવો અધ્યાપક આ લખનાર પણ હતો.

તારુણ્યનાં વર્ષોથી આચાર્ય કૃપાલની સાથે નિકટ પરિચય અને જે. પી. સાથે કાર્યસંબંધ એ એનું મહૃદભાગ્ય રહ્યું.

સ્મરણોની વણઝારમાંથી ઘણું બધું છોડી દઈ જેલવાસ આસપાસ બે-ત્રણ વાતો સાંભળવા ઇચ્છું છું.

જે પ્રવૃત્તિઓ હતી, મારી અને સાથીઓની, એ જોતાં પકડાવું એટલે કે મિસાબંદી હોવું એ સહજ હતું.

પણ કટોકટી જાહેર થઈ, જૂન 1975માં એ દિવસો ગુજરાતમાં બાબુભાઈ જશભાઈના નેતૃત્વ હેઠળ અમારી એટલે કે જનતા મોરચાની સરકારના હતા.

ગુજરાત અને તમિલનાડુ ત્યારે કટોકટીના કૃષ્ણસમુદ્ર વચ્ચે સ્વાધીનતાના પ્રકાશદ્વીપ લેખાતા.

મને યાદ છે સંઘર્ષ કે મોરચાની કામગીરીસર મુખ્યમંત્રી બાબુભાઈને ત્યાં જવાનું બનતું ત્યારે પ્રવેશતા જ એક ચિત્ર ધ્યાન ખેંચતુ.

તમે આ વાંચ્યું કે નહીં?

અશ્વમેઘના ઘોડાને આંતરતા લવકુશનું એ ચિત્ર હતું. જાણે ગુજરાત ને તમિલનાડુ!

પણ માર્ચ 1976માં બાબુભાઈની સરકાર પડી અને પહેલા ઘાણમાં પકડાયેલો હું પાલનપુર સબ જેલમાં પહોંચ્યો તે સાથે મારો મિસાવાસ્યંનો દોર શરૂ થયો હતો.

પહેલો મહિનો પાલનપુર સબ જેલમાં વિત્યો અને પછીના મહિના જાન્યુઆરી 1977માં કટોકટી હળવી થતા ચૂંટણી જાહેરાત સાથે હું છૂટ્યો ત્યાં સુધી વડોદરા સેન્ટ્રલ જેલમાં વિત્યા.

નાની મોટી બે અલગ અલગ જેલોના અનુભવમાં કેટલીક વિગતો કેમ જાણે સામસામે મૂકીને જોવા જેવી હતી અને એમની સહોપસ્થિતિ અમે જે જનપથ અને રાજપથ પકડ્યાનું માનતા હતા એના દ્વિવિધ પડકારને ઉજાગર કરી આપનારી હતી.

પાલનપુરમાં અમે પાંચ મિસાબંદી એક કોટડીમાં હતા. એ બાદ કરતા બાકી કોટડીઓમાં કાચા કામના કે સજાપ્રાપ્ત ઇતર કેદીઓ હતા.

વડોદરાની સેન્ટ્રલ જેલ ખાસી મોટી, અમારા પાડોશીએ (લક્ષ્મીવિલાસ પેલેસ સ્થિત ગાયકવાડે) કોઈક ફ્રેન્ચ નમૂનાથી ખાસ રસ લઈ બનાવડાવેલી.

ક્લૉક વાઇઝ વૉર્ડ રચનામાં ખાસા બે વૉર્ડ દિવસે પરસ્પર હળવા મળવાની છૂટ સાથે, મિસાબંદીઓને ફાળવેલા હતા.

એટલે એક પ્રકારે શિબિરોપમ સહવાસનો સુયોગ હતો.

પાછળ નજર કરું છું ત્યારે વડોદરાના શિબિરવત્ સહજીવન પૂર્વે પાલનપુરનો ઇતરબહુલ જનસંપર્ક શક્ય બન્યો તે અમે જેમની વચ્ચે, જેમની સાથે અને જેમના માટે કામ કરવા ઇચ્છતા હતા તે 'લોક' વિશે સમજદાયી સાક્ષાત્કાર શો હતો.

અને પછીનું શિબિરોપમ સંઘજીવન કર્મશીલ સૌની ખૂટતી ને દુખતી રગના પ્રત્યક્ષ અનુભવથી નવા સમાજની દિશામાં હોવી જોઈતી કર્મ બાંધવી બાબતે ઝકઝોરનારું હતું.

પાલનપુરની પહેલા બીજા દિવસની જ વાત કરું તો કુંડી પર ના'તી વખતે ઇતરલોક પૈકી એક બાવાજી ભેગા થઈ ગયા અને મને ઉજળું મનેખ ભાળી વાતે વળગ્યા કે અહીં શેમા આવ્યા. મેં કહ્યું કે મિસામાં. એમને માટે એ એક અપરિચિત પ્રયોગ હતો.

કદાચ, કેમ કે પોતે ચરસગાંજામાં આવેલા એટલે ચરસગાંજાથી આગળ જતા 'મિસા'માં પળ બે પળ એમણે નવી કારકિર્દીની શક્યતાઓ પણ વિચારી હશે.

પછી મેં મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ વિશે ફોડ પાડ્યો ત્યારે અમારો તાર જોડાયો અને સાર નીકળ્યો કે મારી સાથે જે થયું છે તે સત્તાના નશામાં થયું છે.

અને આ નશો ચરસગાંજાથી ક્યાંયે ચડિયાતો છે.

ગમે તેમ પણ, પછી અમારું ઠીક જામ્યું અને જેલમાં અમે પ્રૌઢશિક્ષણના વર્ગો ચલાવ્યા ત્યારે એમણે સ્વયંસેવી ઉલટથી મોનિટર જેવી સેવાઓ પણ આપી હતી.

જોકે, બાવાજીના મેળાપ પૂર્વે થયેલા સાક્ષાત્કારની વાત તો હું ચૂકી જ ગયો.

સબ જેલમાં અમારા જેવા સફેદપોશ અને 'અધર ધેન ઍન્ટિસોશિયલ' બંદીજન તે રા. રા. જેલર બહાદુર વાસ્તે પણ નવો અનુભવ હશે.

બાબુલોગ કહો કે ભદ્રલોક, અમારી આગળ પોતાના દોરોદમામ સાથે દબદબાભેર કેવી રીતે પેશ આવવું એની અમૂઝણને કંઈક ધખારો પણ હશે.

એટલે અમારા માનમાં (અને સ્વયંના સન્માનમાં) એમણે અણીશુદ્ધ અશુદ્ધ અંગ્રેજીની જે બનાસ વહાવી છે, બાય ગોડ! પહેલા ઘાણમાં પકડાયેલાઓમાં અમારી સાથે પ્રોફેસર વણીકર હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના બૌદ્ધિક પ્રમુખ.

એમણે વર્ષો પર જી. આર. ત્રિવેદી અને ઘણું કરીને ભોંદે સાથે મળીને અંગ્રેજી શીખવા અંગે શાલેય પુસ્તક લખેલું એ યાદ આવ્યું.

મેં કહ્યું, વણીકર સાહેબ, તમારી ચોપડીએ હજું ક્યાં પહોંચવાનું બાકી છે એ તો જુઓ... અને શું હસ્યા છીએ અમે સૌ.

આ લાફ્ટર ગેસ કેમ કરતાં વછૂટ્યો અને એમાં પોતાનું કર્તૃત્વ શું હશે એ નહીં સમજાતાં જેલબહાદુરે પણ સહેજ રહીને હસવામાં જોડાઈ જવાનું પસંદ કર્યું.

અમે અમને જેમને સારું અને જેમની માંહેલા લેખતા હતા એ સૌ લોક, કહો કે જનસાધારણ અને અમારી વચ્ચેના જુવારાંને ખોલી આપનારા આ અનુભવો હતા.

ભલે ને, એમ કહેવું એ ચવાઈને કુથ્થો થઈ ગયેલા પ્રયોગ જેવું લાગે. પણ આ અનુભવો હતા તો અક્ષરશઃ નેત્રદીપક.

એકાધિક આયામ હતા આ નેત્રદીપકતાના રાત પડે એક જુદી જ દુનિયા બાકી કોટડીઓમાં ઊઘડતી.

કથિત આસામાજિક તત્ત્વોની કોટડીઓમાંથી ભજનોની સરવાણી વહેતી.

'ઝેર તો પીધાં છે જાણી જાણી' જેવી નવલકથામાં ભજનની ગ્રામ અને લોક સંસ્કૃતિની છાલકે ભીંજવાનું થયું હતું. પણ આ સૃષ્ટિ કલ્પનોત્થ નહીં, પરંતુ કર્ણપ્રત્યક્ષ હોઈ શકે એવો તો આ પહેલો પહેલો પરચો હતો.

અલબત્ત, એ એક જોગાનુજોગ જ હતો કે એ દિવસોમાં લોક મિલાપ ખ્યાત મહેન્દ્ર મેઘાણીએ મને જેલ પર 'ભેદની ભીંત્યુ ભાંગવી છે' એ મેઘાણી પરના દર્શક વ્યાખ્યાનો મોકલી આપ્યા હતા.

એલિટ અને સામાન્યજન વચ્ચેની ભેદની ભીંતો ભાંગવાની રીતે એમણે મેઘાણીની લોકસાહિત્યની પર્યેષણાને જોઈ હતી.

અમે, જેઓ અમને નવી દુનિયા સારું લડવા નીકળેલા સિપાહી માનતા હતા.

અમારી સામેના ખરા ને પૂરા એજન્ડાનો એક અહેસાસ એ વાંચતી વેળાએ થયો હતો. વળતે મહિને વડોદરા જેલએ કહ્યું એમ સંઘજીવનની શિબિર શી ઘટના હતી.

સંઘ જનસંઘનો ડેરો જમાવી રાજકોટના ચિમનભાઈ શુક્લ ત્યાં વિરાજમાન હતા. અને પછીના અઠવાડિયાઓમાં ને મહિનાઓમાં જૂના જોગી, નવમી જેલ જાત્રાના જોસ્સાથી આવી પડેલા નરભેશંકર પારેણી, સેવાદળના મનુભાઈ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી નવલભાઈ શાહ, રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળથી પ્રજાસમાજવાદી પક્ષ સહિતની ઝુઝારુ પૃષ્ઠભૂ ધરાવતા બ્રહ્મકુમાર ભટ્ટ, ગુજરાતનો મોરચો સંભાળી રહેલા બાબુભાઈ જશભાઈ, ધારાશાસ્ત્રી ચંદ્રકાન્ત દરુ, 'ભૂમિપુત્ર'ના ચુનીભાઈ વૈદ્ય, ધારાસભ્ય બાબુભાઈ વાસણવાળા, સીપીએમના વસંત મહેન્દળે, કેટલા નામો ગણાવું!

આ સૌની સોબતમાં સ્વાધ્યાયભંડિત સહજીવનનો, લડતના એક મુકાન પર 'કમ્પેરિંગ નોટ્સ'નો અચ્છો અવસર મળી રહ્યો.

'બહાર નીકળીશું કે કેમ, કોણ જાણે ક્યારે નીકળીશું' (કોઈ કોઈ વર્તુળમાં તો કેમ જાણે 'ગરુડપુરાણ'ના નિરીહ ઉત્સાહથી સોલ્ઝેનિત્સિનનું 'ગુલાગ આર્કિપેલાગો' વંચાતું)થી માંડીને હવેનો તબક્કો શો હશે, પક્ષોના એકત્રીકરણની શક્યતા કેવી છે, લોકશાહીની શુદ્ધિને પુષ્ટિ માટે કેવા કાર્યક્રમો સાહવાના રહેશે, આ સૌ વિચારમુદ્દાઓ ઔપચારિક અને અનૌપચારિક ચર્ચાતા રહેતા.

એક રીતે અમે તો જેલમાં આવીને મુક્ત થઈ ગયા હતા. કેમ કે બહાર આટલી ખુલ્લી ચર્ચા અસંભવ જેવી હતી. સાથે રહેવાનો આ દોર સારો એટલા માટે પણ હતો કે સંઘ- જનસંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા મોટાભાગના લોકો આ નિમિતે પહેલી જ વાર રાષ્ટ્રીય ચળવળની મુખ્ય ધારાના સીધા સંપર્કમાં મુકાતા હતા.

આ પ્રક્રિયામાં પંદરમી ઓગસ્ટ જેવો અવસર આવે અને અમારા વૉર્ડમાં ધ્વજવંદનનું આયોજન વિચારીએ ત્યારે સંઘપરિવારની બંધારણમાન્ય તિરંગા ધ્વજ સહિતની બાબતોમાં જે દ્વિધાવિભક્ત મનઃસ્થિતિ જોવા મળતી.

એમા કદાચ આવનારા દિવસોનો એક આગોતરો ઓછાયો પણ હશે, ન જાને.

એક વાત સાચી કે સેન્ટ્રલ જેલમાં મોટી સંખ્યામાં રહેવાનું બન્યું ત્યારે લોકશાહી સ્વરાજનિર્માણના કેટલા મોટા કામ સામે અમારી મંડળીનો કેટલોક હિસ્સો કેટલો બધો ઓછો અને પાછો પડે છે એ પણ સમજાયું.

જેમ કટોકટીની જાહેરાતે તત્કાલીન સત્તા પ્રતિષ્ઠાનનાં ઠીક ઠીક તત્ત્વો અંગેની અમારી આશંકા ઉજાગર કરી આપી તેમ સહજેલવાસે અમારી બિરાદરી દેઢાવવા સાથે અમારી મર્યાદાઓ પણ ઉજાગર કરી આપી, એમ જ કહેવું જોઈશે.

આટલા મોટા અગ્નિદિવ્ય પછી બહાર આવ્યા ત્યારે રાજકીય અગ્રવર્ગના વાસ્તવચરિત્રનો જે પછાડપરચો મળ્યો એની વાત કરીને આ સમેટું.

ચૂંટણીઝુંબેશ દરમિયાન પ્રચારસભાઓમાં, કટોકટીમાં કોંગ્રેસવાસી થઈ ગયેલાઓ પાછા ફરે અને એમનું સામૈયું થાય એવા બનાવોની નવાઈ નહોતી.

એક સભામાં હું બોલતો હતો અને વિક્ષેપપૂર્વક આવી જ એક નાટકી એન્ટ્રી થઈ હતી તે સાંભરે છે.

એમની સાથેના પાર્ષદબંધુએ એ સજ્જનને તાલુકા કેસરી તરીકે ઓળખાવ્યા પણ ખરા.

પછી એ કેસરી જ્યારે ઊભા થયા ત્યારે ગર્જ્યા કે તમે કહેશો કે કટોકટીમાં હું કેમ ખુલ્લંખુલ્લા બહાર ન પડ્યો, પણ હું કંઈ આ ભાઈશ્રી (મારી તરફ આંગળી ચીંધીને) જેવો મૂરખ થોડો હતો કે જેલ વહોરું.

મને તો જે સર્ટિફિકેટ મળ્યું તે મળ્યું. પણ ખરું જોતાં આ ધન્યોદગાર આપણા એકંદર રાજકીય અગ્રવર્ગની મિરઝાપુરી નફટાઈનો દ્યોતક છે. આ ઉદગાર મને કદાપિ ચચરતો ન મળે તેમ ઇચ્છું છું તે એટલા સારું કે સ્વરાજની લડાઈ કદી અટકતી નથી એનાં ઓસાણ રહે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો