વડાપ્રધાને કરેલા પંચતત્ત્વ યોગની વિશિષ્ટતા અને તેના ફાયદા

ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN/BBC
- લેેખક, યોગગુરુ ધીરજ વશિષ્ઠ
- પદ, સ્થાપક, વશિષ્ઠ યોગ ફાઉન્ડેશન
વડાપ્રધાને 'ફિટનેસ ચેલેન્જ' લઈને જે વીડિયો જાહેર કર્યો છે, તે સોશિયલ મીડિયાથી લઈને મુખ્ય ધારાના મીડિયામાં છવાયેલો છે.
તેમણે પોતાના સંદેશમાં કહ્યું છે, "યોગ ઉપરાંત હું પ્રકૃતિના પંચતત્ત્વોથી પ્રેરિત પથ પર ચાલુ છું. આ પાંચ તત્ત્વો છે - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ.
"આ ખૂબ જ સ્ફૂર્તિદાયક અને ફરીથી જવાન બનાવી દેનારી ક્રિયા છે. હું પ્રાણાયામ પણ કરું છું."
મોદીએ આ વીડિયો સંદેશને સવારમાં થતી કસરત તરીકે રજૂ કર્યો છે. વીડિયોમાં જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા દર્શાવવામાં આવી છે, તે યોગ પ્રાણાયામનો હિસ્સો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
હવે પ્રશ્ન એ છે કે મોદીની જે કસરતને સમાચાર માધ્યમોમાં 'પંચતત્ત્વ યોગ' ગણાવીને દેખાડવામાં આવી રહી છે, શું તેનું આ જ સ્વરૂપ હોય છે?
આખરે 'પંચતત્ત્વ' શું છે? શું ખરેખર આ પાંચ ચમત્કારિક તત્ત્વોનું આપણા આરોગ્ય સાથે કોઈ લેવાદેવા છે?
આ સવાલોના જવાબ મેળવતા પહેલાં જરા વડા પ્રધાન મોદીના આ વીડિયોના અન્ય પાસાંને સમજીએ.
વીડિયોની શરૂઆત ચાલવાથી થાય છે, જે યોગ અભ્યાસનો ભાગ નથી, પરંતુ એક પ્રકારની કસરત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
વડા પ્રધાન ઊંધી દિશામાં ચાલતા જોવા મળી રહ્યા છે, તેનો લાભ એ છે કે, પગની માંસપેશીઓને એક નવું હલનચલન આપે છે, જેથી તે વધુ મજબૂત થઈ શકે છે.
વીડિયો વચ્ચે પાણી અને માટીમાં વડા પ્રધાનને ચહલકદમી કરતા દેખાડવામાં આવ્યા છે, જેના આધારે તેને 'પંચતત્ત્વ યોગ' કહેવામાં આવી રહ્યો છે.
વીડિયોના વચ્ચેના ભાગમાં વડા પ્રધાન એક મોટી શિલા પર ચત્તાપાટ ઊંઘેલા જોવા મળે છે, તેને આપણે 'ટેકારૂપ આસન' તરીકે જોઈ શકીએ.
આ પ્રકારના આસન 'બેકન્ડિંગ' શ્રેણીમાં આવે છે, જે પીઠના સ્નાયુઓને મજબૂત, કરોડસ્તંભને લચીલો, હૃદય અને ફેફસાને ખોલે છે અને તેને મજબૂત બનાવે છે.
વીડિયોના અંતભાગમાં પ્રાણાયામ દર્શાવવામાં આવ્યો છે. તેમણે ઊભા રહીને પહેલા અનુલોમ-વિલોમ અને પછી કપાલભાતિ ક્રિયા કરી.
જોકે પ્રાણાયામના નિયમો અનુસાર, આ ક્રિયા જે રીતે થઈ તેના બિલકુલ ઊલટા ક્રમે કરવાની હતી, એટલે કે પહેલા કપાલભાતિ અને ત્યારબાદ અનુલોમ-વિલોમ.
મોદીએ જો યોગ ગુરુ રામદેવ પાસેથી સલાહ લીધી હોત તો નિયમાનુસાર એમ થઈ શક્યું હતું.
જોકે, વીડિયોનો હેતુ જો સામાન્ય લોકોમાં ફિટનેસ માટેની જાગૃતિ ફેલાવવાનો હોય તો એ સંજોગોમાં આ યોગક્રિયાઓનો ક્રમ એટલો અગત્યનો નથી રહેતો.

પંચતત્ત્વનું મહત્ત્વ સમજો

ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN/BBC
પ્રાચીન સમયથી યોગની માન્યતા રહી છે કે 'યત પિંડે, તત બ્રહ્માંડે' એટલે કે મૂળ તત્ત્વ બ્રહ્માંડમાં છે તે જ આપણા પિંડ (શરીર)માં પણ સ્થિત છે.
યોગ, તંત્ર, આયુર્વેદ, જ્યોતિષ વગેરેમાં દરેકે પાંચ મૂળ તત્ત્વોથી શરીરનું નિર્માણ થયું હોવાનું દર્શાવ્યું છે.
તુલસીદાસે પણ સમજાવ્યું છે, "ક્ષિતિ જલ પાવક સમીરા, પંચ રચિત અતિ અધમ શરીરા."
એટલે કે, "આપણા ભૌતિક શરીરનું નિર્માણ, ધરતી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પાંચ તત્ત્વો મળીને થયું છે."
જે પ્રકારે બ્રહ્માંડમાં આ પાંચ તત્ત્વોના અસંતુલનથી પ્રલય, વિનાશનું વાતાવરણ બને છે, એ જ રીતે આપણા શરીરમાં આ પાંચ તત્ત્વોના અસંતુલનથી ઘણી શારીરિક-માનસિક બીમારીઓ થઈ શકે છે અને આપણું જીવન સંકટમાં આવી શકે છે.
યોગ અભ્યાસમાં વપરાતી ઘણી પદ્ધતિઓનો મુખ્ય હેતુ આ પાંચ તત્ત્વોની શુદ્ધિ કરીને તેમનું સંતુલન સાધવાનું છે.
તંત્રમાં એને જ પંચભૂત-શુદ્ધિના નામથી પણ ઓળખાય છે.

પૃથ્વી
પહેલું તત્ત્વ પૃથ્વી છે અને એ ભૌતિક શરીરનું આધાર તત્ત્વ મનાય છે. પૃથ્વી તત્ત્વ આપણા સમગ્ર શરીરને સ્ટેબિલિટી આપે છે.
આપણાં માંસ, હાડકાં અને આકારને પૃથ્વી તત્ત્વ જ આધાર આપે છે. આપણાં શરીરમાં જે પણ નક્કર ભાગ છે, તે પૃથ્વી તત્ત્વને દર્શાવે છે.
પૃથ્વી તત્ત્વની ઊણપ અને સમસ્યા
માંસપેશીયો, હાડકાંની નબળાઈ સંબંધિત તમામ સમસ્યાઓ જેવી કે પીઠનો દુખાવો, ઓસ્ટિયોપોરોસિસ, આ ઉપરાંત મેદસ્વિતા, પાતળાપણું, નબળાઈ વગેરે...
યોગ ઉપચાર - આસન: મુખ્યત્વે સંતુલન અને ઊભા રહીને થતાં આસનો જેવા કે વૃક્ષાસન, હસ્ત ઉત્તાનાસન, ખુલ્લા પગે જમીન પર ચાલવું, માટી લેપન ચિકિત્સા અને સંતુલિત શુદ્ધ ભોજન.

જળ

ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN/BBC
આપણા શરીરમાં જે પણ પ્રવાહી સ્વરૂપે હોય છે, તે જળ તત્ત્વને દર્શાવે છે. જેમકે, લોહી, લાળ, અંતઃસ્ત્રાવો વગેરે...
ભોજન, ઓક્સિજન અને અન્ય સ્વરૂપે આપણે જે ઊર્જા ગ્રહણ કરીએ છીએ, જળ તત્ત્વ તેને શરીરના તમામ ભાગોમાં પહોંચાડીને તેમને સ્વસ્થ રાખે છે.
જળ તત્ત્વની ઊણપ અને સમસ્યા
શરદી, દમ (શ્વાસ), સોજો, લોહીનું ન ગંઠાવું કે પાતળું હોવું, મૂત્રસંબંધિત સમસ્યાઓ, જાતીય અને પ્રજનન અંગોને સંબંધિત સમસ્યાઓ.
આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિની ઊણપને કારણે થતી બીમારીઓ, અંતઃસ્ત્રાવો સંબંધિત તમામ પ્રકારની બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, થાઇરોઇડ વગેરે...
યોગ ઉપચાર - યોગાસનથી જળ તત્ત્વનું ભ્રમણ બહેતર થાય છે અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ કાબૂમાં આવે છે.
કુંજલ યોગ ક્રિયા, જેમાં ગરમ હૂંફાળું જળ પીને તેને મોઢાથી બહાર કાઢવામાં આવે છે. આ ઉપરાંત સંતુલિત માત્રામાં જળનું સેવન, જળમાં પગ રાખવા અથવા જળ સ્નાન કરવું.

અગ્નિ

ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN/BBC
યોગમાં અગ્નિ તત્ત્વનું વધુ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. શરીરમાં શુદ્ધતા માટે અગ્નિ વધુ મહત્ત્વપૂર્ણ કારક માનવામાં આવે છે.
અગ્નિ આપણા ભૌતિક શરીરમાં પાચન અગ્નિ, ભૂખ, ચયાપચય ક્રિયા (મેટાબોલિઝમ) સાથે જોડાયેલું તત્ત્વ છે.
મગજ અને ચેતાતંત્રને પણ અગ્નિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. અગ્નિ આપણાં વિચારો, ભાવનાઓ અને સંવેદનાઓને આવેગ સ્વરૂપે અભિવ્યક્ત કરવામાં મદદ કરે છે.
અગ્નિ તત્ત્વની ઊણપ અને સમસ્યા
અપચો, તાવ, એસિડિટી, ચયાપચય સંબંધિત સમસ્યાઓ જેવી કે ડાયાબિટીસ વગેરે
યોગ ઉપચાર - યૌગિક અગ્નિસાર ક્રિયા, બંધ અને મુદ્રા, આસન - ખાસ કરીને આગળ ઝૂકીને થતાં આસનો, સૂર્યનમસ્કાર, સૂર્ય પ્રકાશનું સેવન

વાયુ
યોગમાં શરીરથી લઈ મનની શુદ્ધતા માટે વાયુ તત્ત્વને પાંચેય તત્ત્વોમાં વધુ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યો છે. વાયુ તત્ત્વ શરીરમાં શ્વાસ રૂપે હાજર છે.
વાયુ તત્ત્વ મુખ્યત્વે ઓક્સિજન આપણા શરીરના વિષમ પદાર્થો એટલે કે ટૉક્સિન્સ (ઝેરી તત્ત્વો)નો ખાત્મો કરે છે.
ટૉક્સિન્સથી આપણાં મહત્ત્વપૂર્ણ અંગો નબળાં પડવાં લાગે છે અને તેમની કાર્યક્ષમતાને અસર થવા લાગે છે.
વાયુ દરેક રીતે શારીરિક અને માનસિક ગતિ માટે જરૂરી તત્ત્વ પણ છે.
વાયુનો સીધો સંબંધ ગતિ સાથે હોવાથી યોગમાં મનની ગતિને નિયંત્રિત કરવા માટે વાયુ તત્ત્વને ખૂબ જ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે.
વાયુ તત્ત્વની ઊણપ અને સમસ્યા
શારીરિક હલનચલન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ જેવી કે વા (આર્થ્રાઇટિસ), શારીરિક દુખાવો, પાર્કિન્સન બીમારી, આ ઉપરાંત તણાવ, અવસાદ (ડિપ્રેશન) વગેરે
યોગ ઉપચાર - યૌગિક માઇન્ડફૂલ આસન મૂવમેન્ટ, પ્રાણાયામ, ખુલ્લા સ્વચ્છ વાયુવાળા વિસ્તારો જેવા કે બગીચો, ઉદ્યાનોમાં ફરવું અને પ્રાકૃતિક સ્થળોએ રહેવું.

આકાશ તત્ત્વ

ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN/BBC
આપણો પૂર્ણ આકાર, આપણાં હોવાની જે અભિવ્યક્તિ અને અનુભૂતિ છે, તે આકાશ તત્ત્વના રૂપે આપણાં અસ્તિત્વ સાથે જોડાયેલું છે.
આકાશ તત્ત્વની ઊણપ અને સમસ્યા
સ્પીચ પ્રૉબ્લેમ, વ્યક્તિત્વ સાથે જોડાયેલી સમસ્યાઓ, ખેંચ આવવી, વાઈ આવવી, મૂર્ખતાપૂર્ણ અથવા અવિવેકી વર્તન, ગાંડપણ વગેરે...
યોગ ઉપચાર - આસન, પ્રાણાયામ અને ખાસ કરીને ધ્યાનની સાધના. ખુલ્લા આકાશવાળા વાતાવરણમાં રહેવું અને ફરવું, પ્રકૃતિની નજીક રહેવું
એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ પાંચ તત્ત્વોમાં કેટલાક એકબીજા માટે પરસ્પર સહાયક છે તો કેટલાક વિરોધી પ્રકૃતિના છે, જેમકે વાયુ અને જળ એકબીજાના વિરોધી તત્ત્વો છે.
જેમ ભોજન કરતા જ તમારા શરીરમાં અગ્નિ તત્ત્વ વધુ જાગૃત થઈ જાય છે, એટલે ભોજન બાદ તરત જ જળ તત્ત્વ વધુ લેવાની મનાઈ છે. એમ કરવાથી ભોજનના પાચનનો સમય લાંબો થઈ જાય છે.
જોકે, પૃથ્વી અને જળ તત્ત્વ એકબીજાનાં સહાયક છે. એવી જ રીતે અગ્નિ અને વાયુ મળીને એકબીજાના સહાયક તરીકે કાર્ય કરે છે.
જો તમે આ પાંચ તત્ત્વોને ન પણ સમજી રહ્યા હોવ, તો પણ યોગના અભ્યાસથી તમારા શરીરમાં જાણે-અજાણે આ પાંચ તત્ત્વો વચ્ચે એક અનોખું સંતુલન આવશે.
આથી માત્ર તમારા શારીરિક, માનસિક આરોગ્ય જ બહેતર નહીં થાય, પરંતુ તમારા વ્યક્તિત્વને પણ ચાર ચાંદ લાગી જશે.
(વશિષ્ઠ યોગ ફાઉન્ડેશન અમદાવાદ સ્થિત એક યોગ સંસ્થા છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














