ગ્રાઉન્ડ રિપોર્ટ: ઈદ માટે ગામમાં શુજાત બુખારીની રાહ જોવાઈ રહી હતી...

શુજાત બુખારીની તસવીર

ઇમેજ સ્રોત, @BUKHARISHUJAAT

ઇમેજ કૅપ્શન, શુજાત બુખારી
    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી બીબીસી ગુજરાતી માટે

"પરિવારમાં બધા જ આઘાતમાં છે, અહીં કોણ વાત કરશે?" મને આ જવાબ મળ્યો જ્યારે મેં કિરી પહોંચીને શુજાત બુખારીના પિતરાઈ ભાઈ સઈદ બશારત સાથે ઘરના કોઈ સભ્ય સાથે વાત કરાવવા માટે કહ્યું.

ઉત્તર કાશ્મીરના કિરી ગામમાં શુજાત બુખારીના ઘરમાં દરેક આંખમાં આંસુ છે અને દરેક ચહેરો ઉદાસ છે. પોતાની હોય કે પારકી દરેક વ્યક્તિ ગમગીન છે અને શુજાત બુખારીના મૃત્યુનો અર્થ શોધી રહી છે.

સિનિયર પત્રકાર શુજાત બુખારીની તેમની જ ઓફિસની બહાર શ્રીનગરની પ્રેસ કોલોનીમાં કેટલાંક અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટનામાં બે સુરક્ષા કર્મીઓ પણ માર્યા ગયા.

વિલાપ કરી રહેલો પરિવાર

ઇમેજ સ્રોત, Majid Jahangir

ઇમેજ કૅપ્શન, શુજાત બુખારીનો વિલાપ કરતો પરિવાર

કિરીમાં તેમના ઘરના આંગણામાં લોકોની ભીડ જામેલી હતી. ઘરની પરસાળમાં બેઠેલી ઘણી મહિલાઓ જોર જોરથી રોઈ રહી હતી.

એક વડીલ મહિલા ચીસો પાડી પાડીને કહી રહ્યાં હતાં, "મારા ઓફિસર તમે ક્યાં ગયા?"

આંગણામાં શુજાત બુખારીનો મૃતદેહ કપડાંમાં લપેટીને ખાટલા પર મૂકેલો હતો. આ અંતિમ વિદાયમાં સામેલ થવા ઘણા મિત્રો અને સંબંધીઓ આવ્યા હતા.

શુજાત બુખારી તેમની પાછળ બે દીકરા, પત્ની અને માતાપિતાને વિલાપ કરતાં છોડી ગયા છે.

line

ગામમાં જોવાઈ રહી હતી રાહ

શુજાત બુખારી કાશ્મીરના અંગ્રેજી દૈનિક અખબાર 'રાઇઝિંગ કાશ્મીર'ના સંપાદક પણ હતા. તેમની ગણના વરિષ્ઠ પત્રકારોમાં થતી હતી.

આ ઘટનાની કાશ્મીરના અલગાવવાદીઓથી લઈ ભારતના સમર્થનના રાજકીય પક્ષોએ નિંદા કરી છે.

શુજાત બુખારીના બે માળના મકાનનો દરેક રૂમ લોકોથી ભરાયેલો હતો અને બધા જ શોકમાં ડૂબેલા હતા.

શુક્રવારે સવારે 11 વાગ્યે તેમને કિરીના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા.

પરિવારની તસવીર

ઇમેજ સ્રોત, Majid Jahangir

સઈદ બશારતે આ ઘટનાની નિંદા કરતા કહ્યું, "આખું ઘર આઘાતમાં છે. અમારી પાસે તેને વ્યક્ત કરવાના શબ્દો પણ નથી.

"અમને નથી ખબર કે આવું કોણે કર્યું પણ જેણે પણ કર્યું છે તેણે એક ઘડાયેલા પત્રકાર, એક કલમકશ અને એક બુદ્ધિજીવીની હત્યા કરી છે. આ એક ઘૃણાસ્પદ હત્યા છે.

"શુજાત સાહેબ દરેક મંચ પર પીડિતોનું પ્રતિનિધિત્વ કરતા હતા, જેમણે પણ આ કર્યું છે, તેમણે રમજાનના પવિત્ર મહિનાની પણ મર્યાદા નથી રાખી.

"શુજાત બુખારી ઘણા વર્ષોથી શ્રીનગરમાં રહેતા હતા. તેમના ઘણા સંબંધીઓ પણ શ્રીનગરમાં રહે છે. ઈદ અથવા કોઈ મોટા તહેવારો હોય ત્યારે બધા પોતાના ગામમાં જ એકઠા થતા હોય છે."

બશારત કહે છે, "અમારા જેટલાં પણ સંબંધીઓ શ્રીનગરમાં રહે છે, એમની પાસેથી એવી અપેક્ષા રહે છે કે એ બધા જ ઈદ જેવા તહેવારો પર અમારા ગામ આવે.

"એટલે એમની (શુજાત બુખારી)ની પણ રાહ જોવાઈ રહી હતી." તેમણે એક નિસાસો નાખીને કહ્યું, "જે હરખ હતો બધો જ શોકમાં પલટાઈ ગયો."

line

સુપુર્દ-એ-ખાક

જનાજામાં સામેલ થયેલા ગ્રામજનો

ઇમેજ સ્રોત, AAMIR PEERZADA

વરિષ્ઠ પત્રકાર તથા 'રાઇઝિંગ કાશ્મીર'ના સંપાદક શુજાત બુખારીને શુક્રવારે સવારે સુપુર્દ-એ-ખાક કરી દેવામાં આવ્યા.

તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપરાંત પત્રકારો ઉમટી પડ્યા હતા.

ગુરૂવારે સાંજે શુજાત તેમની ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઇકસવારોએ ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી.

હજુ સુધી કોઈએ આ હત્યાની જવાબદારી સ્વીકારી નથી. પોલીસ દ્વારા સંદિગ્ધ બાઇકસવારોની તસવીરો બહાર પાડવામાં આવી છે.

line

"પત્રકાર ક્યાં સુરક્ષિત"

શુજાત બુખારીનો મૃતદેહ

ઇમેજ સ્રોત, Majid Jahangir

ઇમેજ કૅપ્શન, શુજાત બુખારીનો મૃતદેહ

શુજાત બુખારીના ગામના એક યુવક આદિલ કહે છે, "અહીં નિર્દોષોનો જીવ જતો રહે છે. આવી હત્યાની દરેક વ્યક્તિ નિંદા જ કરશે.

"આ એક નિર્દોષની હત્યા છે. આજ સુધી એમણે કોઈની સાથે ઊંચા અવાજે વાત પણ નહોતી કરી. અમે જ્યારે પણ તેમને મળવા જતા ત્યારે એ અમને દીકરા જેવા સમજતા હતા."

એમના એક નજીકના મિત્ર તારિક અલી મીર કહે છે કે શુજાત બુખારીની જે રીતે હત્યા કરવામાં આવી એ ઘણા સવાલ ઊભા કરે છે. તેમણે કહ્યું:

"કાશ્મીરના પત્રકારત્વનું એક પ્રકરણ બંધ કરી દેવામાં આવ્યું. મને કોઈ જણાવે કે એક પત્રકાર ક્યાં સુરક્ષિત છે. પત્રકાર સમુદાય માટે આ એક મોટી ઘટના છે."

line

સંદિગ્ધની તસવીર બહાર પાડી

શુજાત બુખારીના કથિત હત્યારાઓની સંભવિત તસવીર

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન, શુજાત બુખારીના કથિત હત્યારાઓની સંભવિત તસવીર

અત્યાર સુધી કોઈ પણ સંગઠન અથવા જૂથે આ હુમલાની જવાબદારી નથી લીધી. જમ્મૂ-કાશ્મીર ઝોન પોલીસે શંકાસ્પદ હુમલાખોરોની તસવીરો જાહેર કરી છે.

થોડા વર્ષો પહેલાં પણ શુજાત બુખારીનું અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ એ વખતે તે બચીને નીકળી ગયા હતા.

પોતાનું અખબાર શરૂ કર્યું તે પહેલાં શુજાત બુખારી 'ધ હિંદુ' અખબારના બ્યૂરો ચીફ હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો