નવા ‘જીપ કાંડ’થી કશ્મીરમાં તણાવની સ્થિતિ

ઇમેજ સ્રોત, Bilal Bahadur/BBC
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, શ્રીનગરથી બીબીસી ગુજરાતી માટે
કશ્મીરમાં સુરક્ષદળની જીપ નીચે કચડાયેલા બે પ્રદર્શનકારીઓમાંથી એકનું મોત થયા બાદ ભારત પ્રશાસિત કશ્મીરમાં ભારત વિરોધી પ્રદર્શનો વધ્યાં છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ - CRPF) ની જીપે એક યુવકને કચડી નાખ્યો હતો.
21 વર્ષના મૃતક યુવકનું નામ કૈસર અહમદ બટ હતું.
બીજી તરફ ડાઉનટાઉનના ફતેહ કદલ વિસ્તારમાં શનિવારે સાંજે સીઆરપીએફની 82 બટાલિયન પર ગ્રેનેડ હુમલો થયો હતો જેમાં ત્રણ સીઆરપીએફના જવાન અને બે નાગરિકો ઘાયલ થયા હતા. ભારત પ્રશાસિત કશ્મીરમાં આ પાંચમો હુમલો છે.
આ પહેલાં શુક્રવાર સવારે અનંતનાગમાં એક ગ્રેનેડ હુમલો થયો હતો જેમાં ત્રણ સીઆરપીએફ જવાન અને બે નાગરિકો ઘાયલ થયા હતા.
ગઈ કાલે ત્રાલમાં ટીડીપીના એક ધારાસભ્યના ઘરે ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો જેમાં કોઈ નુકસાન થયું ન હતું.

શુક્રવારે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Bilal Bahadur/BBC
શુક્રવારે જ્યારે લોકો જામા મસ્જિદથી નમાઝ બાદ બહાર આવી રહ્યા હતા ત્યારે યુવાનોનું એક ટોળું શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટે મસ્જિદની બહાર જમા થયું હતું.
આ પ્રદર્શન કથિત રીતે પોલીસની બળજબરી વિરુદ્ધ થઈ રહ્યું હતું. પોલીસ પર આરોપ છે કે તેમણે રમજાન દરમિયાન શહેરની મસ્જિદમાં કટ્ટરવાદીઓ છૂપાયેલા હોવાનું કહી છાપો માર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન સીઆરપીએફની એક ગાડી ખાનયારથી ભીડ તરફ આવતી દેખાઈ હતી. આ જોઈને ત્યાં હાજર યુવાનો ગુસ્સે ભરાયા. સીઆરપીએફની ગાડી સીધી ભીડ વચ્ચે આવી તો હિંસા ફાટી નીકળી.
અમુક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સીઆરપીએફની જીપ ભીડ વચ્ચેથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા તેમાં બે યુવકો કચડાયા હતા.
શું તમે આ વાંચ્યું?
કચડાયેલા બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં કૈસર અહમદ બટ નામના યુવાનનું મોત થયું હતું.
જ્યારે કૈસરને દફનાવીને લોકો પરત ફરી રહ્યાં હતાં ત્યારે સુરક્ષાદળો અને યુવાનો વચ્ચે હિંસા થઈ. દરમિયાન પોલીસે ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે કૈસરની અંતિમયાત્રામાં હજારો લોકોએ હાજરી આપી હતી અને આઝાદીના નારા લગાવ્યા હતા.
શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં સરકારે આ ઘટના બાદ કડક પ્રતિબંધો લગાવ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષાદળો ગોઠવ્યા છે.

સુરક્ષાદળોએ જીપ ચડાવી હોવાનો કર્યો અસ્વીકાર

ઇમેજ સ્રોત, Bilal Bahadur/BBC
સીઆરપીએફના પ્રવક્તા સંજય શર્માએ બીબીસીને જણાવ્યું કે ભીડે જીપને ઊંધી પાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો.
તેમણે કહ્યું, "જ્યારે અમારી જીપ ભીડ પાસે પહોંચી, તો લગભગ 500 પ્રદર્શનકારીઓએ ગાડીને ચારેતરફથી ઘેરી લીધી અને તેની ઉપર ચઢી ગયા હતા."
"ગાડીમાં બેસેલા અમારા પાંચ જવાનોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ દરમિયાન એક યુવાને જીપ નીચે આવીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો."
પોલીસે આ મામલે બે કેસ નોંધ્યા છે. એસએસપી શ્રીનગર ઇમ્તિયાઝ પરેએ જણાવ્યું કે એક કેસ સીઆરપીએફ વિરુદ્ધ અને બીજો હુલ્લડ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાની નિંદા કરતા ટ્વીટ કરી મેહબૂબા મુફ્તીને પૂછ્યું, "સીઝફાયરનો મતલબ કે બંદૂકનો ઉપયોગ નહીં પરંતુ જીપનો ઉપયોગ?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

અલગતાવાદીઓનું કશ્મીર બંધ

ઇમેજ સ્રોત, Bilal Bhadur/BBC
અલગાવવાદીઓએ આજે સુરક્ષાદળોના હાથે સામાન્ય લોકોને મારવા વિરુદ્ધ કશ્મીર બંધનું એલાન કર્યું હતું.
પ્રશાસને શહેરના ઘણાં વિસ્તારોમાં કર્ફ્યૂ લાગુ કર્યો છે અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ચર્ચામાં છે, જેમાં એક યુવાન પર સુરક્ષાદળની જીપ હેઠળ કચડઈ રહ્યો છે.
શનિવારે મોટાભાગે દુકાનો બંધ રહી અને રસ્તાઓ પર સુરક્ષાદળોની હાજરી જોવા મળી.
આ ઘટના ત્યારે બની, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ રાજ્યની મુલાકાતે આવી શકે તેવી ચર્ચાઓ છે.
વર્ષ 1980થી મુસ્લિમ અલગતાવાદીઓએ ભારતીય શાસન વિરુદ્ધ આંદોલન છેડ્યું છે જેને ઘણાં સ્થાનિક લોકો પણ સમર્થન આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















