You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામગોપાલ વર્માનો શ્રીદેવી માટે ખુલ્લો પત્ર, 'હું તમને પ્રેમ કરું છું'
શ્રીદેવીના નિધન પર ખુલ્લો પત્ર લખીને શોક વ્યક્ત કરનારા ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માએ વધુ એક પત્ર લખ્યો છે.
'માય લવ લેટર ટુ શ્રીદેવીઝ્ ફેન્સ' નામના આ પત્રમાં તેમણે લખ્યું છે, ''ખરેખર તો શ્રીદેવીને મૃત્યુ બાદ જ શાંતિ મળી છે.''
''કેટલાંય લોકો માટે શ્રીદેવીનું જીવન પૂર્ણ હતું. સુંદર ચહેરો, અદભૂત પ્રતિભા અને બે પુત્રીઓ સાથે સુખી પરિવાર. પણ શું શ્રીદેવી ખરેખર ખુશ હતાં? તેમનું જીવન સુખદ હતું?''
''હું તેમની જિંદગી વિશે ત્યારથી જાણું છું, જ્યારથી અમારી પ્રથમ વખત મુલાકાત થઈ હતી. મેં મારી નરી આંખે જોયું છે કે કઈ રીતે પિતાનાં મૃત્યુ પહેલાં તેમનું જીવન આકાશમાં ઊડતા પંખી જેવું હતું.
પણ ત્યારબાદ જરૂર કરતાં વધુ સચેત રહેનારી માતાને કારણે એ જીવન કેદ જેવું બની ગયું.''
તમને આ વાંચવું પણ ગમશે:
''એ વખતે કરને લઇને પડતાં દરોડાથી બચવા માટે અભિનેતાઓને કાળા નાણાંમાંથી મહેનતાણું ચુકવાતું હતું.
તેમના પિતા પોતાના મિત્રો અને સંબંધીઓ પર વિશ્વાસ કરતાં પણ તેમના નિધન બાદ તેમણે બધાએ શ્રીદેવીનો વિશ્વાસઘાત કર્યો.
બોની કપૂર તેમના જીવનમાં આવ્યા ત્યાં સુધીમાં શ્રીદેવી કંગાળ થઈ ગયાં હતા. પણ બોની પોતે પણ દેવા હેઠળ હતા ને માત્ર સહાનુભૂતિ જ આપી શકે એમ હતા.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''તેમનાં મા અમેરિકામાં બ્રેન સર્જરીની આડઅસરને કારણે મનોરોગી બની ગયાં હતાં અને આ વચ્ચે તેમનાં નાના બહેને પડોશી સાથે લગ્ન કરી લીધાં હતાં.
માએ મૃત્યુ પહેલાં સંપત્તિ શ્રીદેવીના નામે કરી દીધી પણ તેમના બહેને શ્રીદેવી પર એવું કહીને કેસ કરી દીધો કે વસીયત પર સહી કરતી વખતી માની માનસિક સ્થિતિ બરોબર નહોતી.
આવી રીતે એ મહિલા કે જેના દુનિયા આખીમાં લાખો દિવાના હતા એ એકદમ એકલી હતી. લગભગ કંગાળ થઈ ચૂક્યાં હતાં.''
રામ ગોપાલ વર્મા વધુમાં લખે છે, ''બોનીની માતાએ શ્રીને ઘર તોડનારાં તરીકે રજૂ કર્યા. એક ફાઇવ સ્ટાર હોટેલમાં તેમના પેટ પર ઘૂંસો પણ માર્યો. આ બધા ઘટનાક્રમને કારણે તેને ક્યારેય શાંતિ નહોતી મળી.''
રામ ગોપાલ વર્માએ શ્રીદેવીના નિધન પર શોક વ્યક્ત કરતાં આ પહેલા પણ ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું,
''શ્રીદેવીને મારવા બદલ હું ભગવાનને નફરત કરું છું. હું શ્રીદેવીને પણ નફરત કરું છું કારણ કે એ મરી ગયાં.
સપનાં જોવા અને રાતે જાગીને ફોન ચેક કરવો મારી ટેવ છે. રાતે મેં ફોન ચેક કર્યો અને અચાનક જ મેસેજ જોયો કે શ્રીદેવી હવે નથી રહ્યાં.
મને લાગ્યું કે કાં તો આ એક દુઃસ્વપ્ન છે કાં તો કોઈ અફવા. અને હું ફરીથી ઊંઘવા જતો રહ્યો.
એક કલાક બાદ જાગીને મેં જોયું તો મારા ફોનમાં 50 મેસેજીસ આવી ગયા હતા જે મને એ જ વાત કરી રહ્યા હતા.
હું જ્યારે વિજયવાડામાં એન્જિનિયરિંગ કરતો હતો, ત્યારે મેં તેમની પ્રથમ તેલુગુ ફિલ્મ 'પડાહારેલ્લા વયાસુ' જોઈ હતી.
હું તેમની સુંદરતા જોઈને ચકિત થઈ ગયો. હું એવું વિચારતો વિચારતો બહાર નિકળ્યો હતો એ અસલ માણસ ના હોઈ શકે.
એ બાદ મેં તેમની કેટલીય ફિલ્મો જોઈ. એ બધી જ ફિલ્મોમાં તેમણે પોતાની પ્રતિભા અને સુંદરતાથી કેટલાય ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા હતા.
મારા માટે એ એક એવી વ્યક્તિ હતાં કે જે કોઈ બીજા વિશ્વમાંથી થોડા સમય માટે આપણને આશિર્વાદ આપવા આવ્યાં હતાં. જેથી આપણે દુનિયામાં વધુ સારાં કામ કરી શકીએ.
તેઓ ભગવાનના એક સર્જન સમાન હતાં જે એક અત્યંત ખાસ મનોદશામાં માનવતાને એક ભેટ સ્વરૂપે અપાયા હતા.
શ્રીદેવી માટેનો મારો પ્રવાસ મારી પહેલી ફિલ્મ 'શિવા'ની તૈયારી દરમિયાન શરૂ થયો.
ચૈન્નઈમાં હું નાગાર્જૂનની ઑફિસ જતો જ્યાં શ્રીદેવીનું ઘર પણ હતું.
હું બહાર ઊભો રહીને તેમના ઘરને જોયા કરતો. મને વિશ્વાસ નહોતો આવતો કે સુંદરતાની દેવી આવા ઘરમાં રહેતી હશે.''
રામ ગોપાલ વર્માએ 1400થી વધુ શબ્દોના આ પત્રમાં શ્રીદેવી સાથેની પોતાની પ્રથમ ફિલ્મ 'ક્ષણાક્ષણ'નો ઉલ્લેખ પણ કર્યો છે.
તેમણે એવું પણ લખ્યું છે કે એ ફિલ્મ તેમણે શ્રીદેવીને પ્રભાવિત કરવા જ બનાવી હતી.
અંતે રામ ગોપાલ વર્મા લખે છે કે શ્રીદેવીને સર્જવા બદલ તેઓ ભગવાનનો આભાર વ્યક્ત કરે છે. અને મૂવી કેમેરા બનાવનારાં લુઇસ લુમિયરનો પણ આભાર માને છે. તેમના લીધે શ્રીદેવી પર ફિલ્માંકન કરી શકાયું.
જોકે, તેઓ આગળ લખે છે, ''હું શ્રીદેવીને નફરત કરું છું. હું એમનાથી એવા માટે નફરત કરું છું કે તેમણે દર્શાવી દીધું કે તેઓ એક સામાન્ય માણસ જ હતાં.
હું એમને એવા માટે નફરત કરું છું કે તેઓ જીવતા રહેવા માટે મૃત્યુને હરાવી ના શક્યાં. શ્રી હું તમને પ્રેમ કરું છું. પછી તમે ગમે ત્યાં હો. હું સદા તમને પ્રેમ કરતો રહીશ.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો