પ્રેસ રિવ્યૂ: કરણી સેનાના વિરોધ વચ્ચે આ થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ પદ્માવત

ફિલ્મના એક દ્રશ્માં શાહિદ કપૂર અને દીપિકા

ઇમેજ સ્રોત, VIACOM18 MOTION PICTURES

સંદેશના અહેવાલ મુજબ કરણી સેના દ્વારા ગુજરાતભરમાં ભારે વિરોધ વચ્ચે અમદાવાદનાં સિનેમાઘરોમાં ફિલ્મ પદ્માવત રિલીઝ થશે.

અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર, સેટેલાઇટ, સરખેજ અને સોલા વિસ્તારનાં 7 મલ્ટિપ્લેક્સ થિયેટરના માલીકોએ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

આ થિયેટર્સ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ દરેક થિયેટર્સની સુરક્ષા માટે એક પી.આઈ અને એક એસઆરપીની ટીમ તૈનાત કરવામાં આવશે.

જોકે, હજી ત્રણ મલ્ટિપ્લેક્સના માલિક ફિલ્મ રિલીઝ કરવી કે નહીં તેની અવઢવમાં છે.

line

સાબરમતી પર 200 કરોડના ખર્ચે આધુનિક બ્રિજ

સાબરમતી નદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નવગુજરાત સમયના અહેવાલ મુજબ સાબરમતી નદી પર બેરેજ કમ બ્રિજની યોજના બનાવવામાં આવી છે.

આ બ્રિજના નિર્માણ પાછળ રૂપિયા 200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

અમદાવાદ શહેરમાં વારંવાર પાણીની પાઇપલાઇનમાં થતાં બ્રેકડાઉનથી લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા સાબરમતી પર એક બેરેજ બનાવવામાં આવશે જેમાં 10થી 15 દિવસ ચાલે એટલા પાણીનો સંગ્રહ કરી શકાશે.

આ બેરેજનું બાંધકામ એવી રીતે કરવામાં આવશે જેથી લોકો તેને બ્રિજ તરીકે પણ ઉપયોગમાં લઈ શકે.

line

ગુજરાતમાં ફરી દલિત આંદોલન?

આંદોલન કરી રહેલા દલિતો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને હાથ અડાડવા દઈશું નહીં.

મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં દલિતોની જમીન પર માથાભારે તત્ત્વોએ કબ્જો કર્યો છે.

સરકારે ફાળવેલી જમીનો પણ દલિતોને મળી શકી નથી ત્યારે ભાજપના રાજમાં દલિતોને હજુ અન્યાય થઈ રહ્યો છે.

મેવાણીએ કહ્યું કે કચ્છ-મુંદ્રામાં પુન:વસન માટે અપાયેલી જમીનો ઉદ્યોગપતિઓને ફાળવી દેવામાં આવી છે. આ કારણોસર સામખિયાળી હાઇવે બંધ કરાવીને આંબેડકર જયંતિ ઉજવવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો