ગુજરાતમાં મગફળી બગાડશે બીજેપીનો રાજકીય ખેલ?

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
ખેડૂતોને મળતી મગફળીની કિંમત ગુજરાતમાં ચૂંટણીનો મહત્વનો મુદ્દો છે, પણ મંદિર, પાકિસ્તાન અને સી-પ્લેનના અહેવાલોમાં એ મુદ્દો દબાઈ ગયો છે.
મગફળીના સારા ઉત્પાદન માટે ઓછું પાણી, પૂરતો તડકો અને સામાન્ય કરતાં વધુ ઉષ્ણતામાન અત્યંત જરૂરી હોય છે.
ગયા વર્ષની માફક આ વર્ષે પણ મગફળીને એ બધું પૂરતા પ્રમાણમાં મળ્યું છે અને રાજ્યમાં મગફળીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે.
મગફળીના ઉત્પાદનમાં ગુજરાત છેલ્લા એક દાયકાથી દેશમાં મોખરે રહ્યું છે.
જોકે, વધતા ઉત્પાદનને કારણે તેની કિંમત ઘટી છે અને ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ પાછો મળતો નથી.
કેન્દ્ર સરકારે મગફળી માટે ટેકાનો લઘુતમ ભાવ (એમએસપી) 4,450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે, જે ગત વર્ષની સરખામણીએ 200 રૂપિયા વધારે છે.
ગુજરાત સરકાર મગફળીના ઉત્પાદક ખેડૂતોને ખરીદી પેટે એમએસપીથી વધુ 50 રૂપિયા એટલે કે પ્રતિ ક્વિન્ટલ 4,500 રૂપિયા ચૂકવી રહી છે.
આંકડામાં વધારો થયાનું દેખાય છે, પણ વાસ્તવિકતા અલગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'મગફળીના પૂરતા ભાવ નથી મળતા'

સરકાર પાસે ખરીદેલી મગફળી સંઘરવા માટે પૂરતાં ગોદામ નથી અને માર્કેટ યાર્ડોમાં મગફળીની પૂરતી કિંમત મળતી નથી.
સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ અસોસિએસન(સોમા)ના ભૂતપૂર્વ પ્રમુખ ખીમજીભાઈ ગોજિયાએ કહ્યું હતું કે ''ગુજરાતમાં 35 લાખ ટન એટલે કે લગભગ 19 કરોડ બોરી મગફળીનું ઉત્પાદન થયું છે.''
ખીમજીભાઈએ સવાલ કર્યો હતો, ''સરકાર એક કે બે કરોડ બોરીની ખરીદી કરી લેશે, પણ બાકીની 17 કરોડ બોરીઓનું શું થશે? સરકારે એ બાબતે વિચારવું પડશે.''
ખીમજીભાઈએ ઉમેર્યું હતું, ''સરકારે એમએસપી વધારીને 900 રૂપિયા કરી નાખી છે, પણ ખેડૂતોને તેના 700 રૂપિયા જ મળે છે.''
''સરકારી ખરીદી માર્ચ સુધી ચાલશે. ગોદામોમાં જગ્યા નથી એટલે ખરીદી કેન્દ્રો અત્યારે ખરીદી કરતાં નથી. ટ્રકોમાંથી બોરીઓ ઉતરતી નથી. ખેડૂતોને ત્યાં ઉભેલા ટ્રકને પૈસા કોણ ચૂકવશે?''
અલબત, ખેડૂતો પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું હોવાનો ખીમજીભાઈ ઇન્કાર કરે છે.

મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર?

ઇમેજ સ્રોત, Getty Images
સૌરાષ્ટ્રના મગફળીના ઉત્પાદક અશ્વિન રત્નપાડાએ જણાવ્યું હતું કે તાલુકામાં છથી સાત ખરીદી કેન્દ્રો હોવાથી લાંબી લાઇનો લાગે છે.
ઘણા ખેડૂતોનો નંબર જ નથી આવતો. એવા ખેડૂતો તેમની લગભગ ચાર ટન મગફળી વેચાવાની રાહ જોઈ રહ્યા છે.
અશ્વિન રત્નપાડાએ કહ્યું હતું કે ''ભાવ બહુ ઓછા મળી રહ્યા છે. સરકારી કેન્દ્રોમાં ખરીદીમાં ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે.
મગફળી વેચવા ઇચ્છતા ખેડૂતો પાસેથી અલગથી પૈસા માગવામાં આવે છે. ભ્રષ્ટાચારનો કોઈ નિશ્ચિત ભાવ નથી.''

પાછલો પાક વેચાયો નથી ત્યાં નવું વાવેતર

ઇમેજ સ્રોત, Getty Images
જુનાગઢના કેશોદના મગફળીના ખેડૂત મગનભાઈ અગહેડાના ખેતરમાં ચણાનું વાવેતર થઈ ગયું છે, પણ તેમનો મગફળીનો પાક અરધો જ વેચાયો છે.
મગનભાઈ અગહેડાએ કહ્યું હતું કે ''18,000 રૂપિયાનો ભાવ મળ્યો, પણ સરકારી કેન્દ્રોમાં ખેડૂતો પાસેથી નહીં, વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવી રહી છે.''
મગનભાઈએ ઉમેર્યું હતું કે ''સરકાર બધો પાક તો ખરીદી ન શકે. સરકારી એજન્સીઓ કમિશન લે છે. બધાને કમિશન આપવું પડે છે.
દરેક જગ્યાએ 400 કિલો માટે 1,000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.''
મગનભાઈએ માગણી કરી હતી કે ''કમિશન લેવાનું બંધ થવું જોઈએ. ગુંડાગીરી ચાલી રહી છે. આ વખતે ગુજરાતના મગફળીના ખેડૂતો કોંગ્રેસને ટેકો આપી રહ્યા છે.''
મગનભાઈએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ''સરકારે ખેડૂતોને બેહાલ કરી નાખ્યા છે.
પાછલા વર્ષે જીવાતને કારણે પાકને ઘણું નુકસાન થયું હતું, પણ પાક વીમા યોજનાનું વળતર મળ્યું નથી. આ વખતે જરૂર પરિવર્તન થશે.''

મગફળીના ઉત્પાદનમાં ગુજરાત મોખરે

ઇમેજ સ્રોત, Thinkstock
ભારત વિશ્વમાં મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતો બીજા ક્રમનો દેશ છે અને દેશમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
દેશના મગફળીના કુલ ઉત્પાદન પૈકીનું લગભગ પચાસ ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
એ ઉપરાંત છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં મગફળીના પાકમાં સારો એવો વધારો પણ થઈ રહ્યો છે.
દેશમાં વિવિધ પ્રકારનાં તેલીબિયાંના પાકમાં મગફળીનો લગભગ 25 ટકા હિસ્સો છે.
કનેરિયા ઓઇલ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ કનેરિયાએ કહ્યું હતું, ''ગુજરાત દેશમાં મગફળીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય હોવા છતાં અહીંના ખેડૂતોને પૂરતો ભાવ, પૂરતો નફો મળતો નથી.''

મગફળીનો સાથ છોડી રહ્યા છે ખેડૂતો

વડોદરાથી 20 કિલોમીટર દૂર આવેલા વાઘોડિયાના ખેડૂત ભાવેશ રવિન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીં પહેલાં ખેતી થતી હતી, પણ હવે થતી નથી.
ભાવેશ પટેલે કહ્યું હતું કે ''મગફળી માટે વધારે મહેનત કરવી પડે છે, પણ ઉત્પાદન ઓછું થતું હોવાથી અહીંના ખેડૂતોએ મગફળીની ખેતી બંધ કરી દીધી છે.
જોકે, તેનું મુખ્ય કારણ જંગલી ભૂંડ છે. જંગલી ભૂંડ મગફળીના પાકને બહુ નુકસાન કરે છે.''
ભાવેશ પટેલ કેળાં, બટાટા, મેથી વગેરેનું ઉત્પાદન કરે છે. કેળાંનાં ઉત્પાદનમાં પણ ગુજરાતનું સ્થાન દેશનાં મોખરાનાં રાજ્યોમાં છે.

મગફળી વિશે કેટલું જાણો છો તમે?

ઇમેજ સ્રોત, Getty Images
• મગફળીનું વૈજ્ઞાનિક નામ અરાચિસ હાઇપોજિયા છે.
• દક્ષિણ ભારતમાં પણ મગફળીની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.
• બેંગલુરુમાં સોળમી સદીથી ગ્રાઉન્ડનટ ફેસ્ટિવલ યોજવામાં આવે છે.
• વિશ્વમાં ચીન પછી મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે.
• કપાસિયા, સરસવ અને સોયાબીનની સાથે મગફળીની ખોળનો પણ પશુઆહાર માટે ઉપયોગ કરવામાં આવે છે.
• પીનટ બટરનું નામ સાંભળ્યું હશે. તેનો સ્વાદ માણ્યો હશે. પીનટ બટર મગફળીમાંથી જ બનાવવામાં આવે છે.
• ભારતમાં મગફળી અને ગોળના મિશ્રણ વડે બનાવવામાં આવતી ચિક્કીનું મોટું માર્કેટ છે. મગફળીના લાડુ પણ લોકો મજેથી ખાય છે.
• મગફળીના તેલમાં અનસેચ્યૂરેટેડ ફેટ એટલે કે અસંતૃપ્ત ચરબી હોય છે, જે હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ અને હ્રદય માટે ફાયદાકારક હોય છે.
• ડાયાબિટીસમાં પણ એ તેલ ફાયદાકારક હોય છે. તેને લીધે શરીરમાં ઇન્સ્યુલિનનું પૂરતું પ્રમાણ જળવાઈ રહે છે તથા લોહીમાં શર્કરા સામાન્ય અને નિયંત્રિત પ્રમાણમાં રહે છે.
• મગફળીનું તેલ શરીરમાંની ચરબીના સ્તરનું પણ નિયંત્રણ કરે છે. એ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે.
• વિટામીન-ઈ ભરપૂર માત્રામાં હોવાને કારણે મગફળીનું તેલ વાળ અને ચામડી માટે ઘણું ફાયદાકારક છે.
• મગફળીના તેલના ઉપયોગથી વાળ ખરવાનું પ્રમાણ ઘટે છે. ખોડાની સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે અને ચામડી પરની કરચલીઓને પણ નિયંત્રિત કરી શકાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













