બનિયે કા દિમાગ ઔર મિયાંભાઈ કી ડેરિંગ
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા, ગુજરાતથી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સાહિત્ય પરિષદના સંસ્થાપક રણજીતરામ મહેતાએ સો વર્ષ પહેલાં તેમના એક લેખમાં લખ્યું હતું કે, સમગ્ર ભારતમાં સૌથી વધુ જ્ઞાતિવાદ ગુજરાતમાં છે.
રણજીતરામ મહેતાએ આ વાત 'ગુજરાતમાં એકતા શા માટે નથી' શિર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવેલા એક લેખમાં લખી હતી.
જોકે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જ્ઞાતિઓનો મુદ્દો વધુ ગાજી રહ્યો હોવાનું કહેવાય છે.
શું આ ચૂંટણી પહેલાંના ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિઓનો મુદ્દો આટલો મોટો ભાગ નહોતો ભજવતો?
વર્ષ 1960માં ગુજરાતની સ્થાપના બાદ 1973માં ચીમનભાઈ પટેલ પહેલા બિનબ્રાહ્મણ મુખ્યમંત્રી બન્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
સૌપ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા વણિક હતા અને બાદના મુખ્યમંત્રીઓ બ્રાહ્મણ હતા. એ સમયે ગુજરાતમાં બ્રાહ્મણોની વસતિ એક ટકાથી પણ ઓછી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
સુરત સ્થિત સોશિઅલ સાયન્સ સ્ટડી સેન્ટરના પ્રોફેસર કિરણ દેસાઈ કહે છે કે ચીમનભાઈનું મુખ્યમંત્રી બનવું એ કોંગ્રેસ અને ગુજરાતના રાજકારણ માટે એક મોટી ઘટના હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેસાઈ કહે છે, "મોરારજી દેસાઈની કોંગ્રેસને અશક્ત બનાવવા માટે ઇંદિરા ગાંઘીએ પાટીદારો અને પછાત જ્ઞાતિઓને આગળ કરી હતી."
ગુજરાતમાં જ્ઞાતિના આધારે થતું રાજકારણ કોઈ નવી વાત નથી. પહેલાંની ચૂંટણીઓમાં પણ જ્ઞાતિના આધારે સમીકરણો રચવામાં આવતાં હતાં.
એંશીના દાયકામાં માધવસિંહ સોલંકી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમો('KHAM' (ખામ) થિયરી)ને એક મંચ પર લાવ્યા હતા.
જેનાં આધારે માધવસિંહના નેતૃત્વમાં 149 કોંગ્રેસને બેઠકો મળી હતી.

બ્રાહ્મણોનું વર્ચસ્વ

ઇમેજ સ્રોત, Getty Images
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર પરવેઝ અબ્બાસી કહે છે કે દેશ સ્વતંત્ર થયા બાદ લગભગ તમામ મહત્વના રાજ્યોમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું.
તેમણે કહ્યું કે આ બાબત માત્ર ગુજરાત પૂરતી જ સીમિત નહોતી.
અબ્બાસી કહે છે, "ત્યારે બિનબ્રાહ્મણો જાગરૂક નહોતા. તેઓ શિક્ષિત નહોતા અને તેમની મહત્વાકાંક્ષાઓ દબાયેલી હતી.
"પછીનાં વર્ષોમાં પરિસ્થિતિ પલટાઈ હતી અને તેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ.
"ઉત્તરપ્રદેશ, બિહાર અને ગુજરાત સહિતના ઘણાં રાજ્યોના મુખ્યમંત્રી બ્રાહ્મણો હતા,
"હવે આવું નથી. હવે બિનબ્રાહ્મણો તેમના નેતૃત્વ બાબતે સ્પષ્ટ છે."
ઘણાં વિશ્લેષકોનું કહેવું છે કે ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દાયકાઓથી હિંદુત્વનું રાજકારણ ચાલી રહ્યું હતું, એટલે આ જ્ઞાતિઓએ મૌન સેવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના સોશિઅલ સાયન્સના પ્રોફેસર ગૌરાંગ જાની કહે છે કે શાહરુખ ખાનની 'રઈસ' ફિલ્મનો એક સંવાદ 'બનિયે કા દિમાગ ઔર મિયાંભાઈ કા ડેરિંગ' ગુજરાતની આ પરિસ્થિતિ સમજવા માટે ઘણો ઉપયોગી છે.

મુસ્લિમો અને દલિતો

ઇમેજ સ્રોત, Getty Images
ગૌરાંગ જાની કહે છે કે ગુજરાતના રમખાણોને સમજવા માટે આ સંવાદ એકદમ યોગ્ય છે.
તેમણે કહ્યું, "તે સમયમાં દારૂની હેરાફેરીની સાથે દાણચોરી પણ થતી હતી.
"આ બન્ને પ્રવૃત્તિઓ પાછળ અંડરવર્લ્ડ હતું. ગુજરાતમાં દારૂનો ધંધો હિંદુઓ અને ઉચ્ચજ્ઞાતિના લોકો કરતા હતા, એટલે અહીં વણિકની બુદ્ધિ થઈ.
"આ હેરાફેરીનું જોખમ મુસ્લિમ યુવાનો લેતા હતા એટલે કે તે મિયાંભાઈનું ડેરિંગ થયું."
ગૌરાંગ જાની કહે છે કે હેરાફેરીમાં મુસ્લિમો સાથે દલિત યુવાનો પણ હતા.
તેમણે જણાવ્યા અનુસાર, તે જમાનામાં 'બનિયે કા દિમાગ ઔર મિયાંભાઈ કા ડેરિંગ' એ આર્થિક જરૂરિયાત હતી.
મુસ્લિમ અને દલિત યુવાનો બેરોજગાર હતા એટલે તેમનો આ પ્રકારે ઉપયોગ કરવામાં આવતો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર જાની કહે છે, "આ એક વ્યાવસાયિક અને વ્યવહારુ સંબંધ હતો. આ સંબંધ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હતો.
"તમારે સ્કૂટર રિપેર કરાવવું હોય તો તમારે મુસ્લિમ મિકેનિક પાસે જવું પડતું હતું.
"પતંગ બનાવનારાઓ પણ મુસ્લિમ હતા. ત્યાં સુધી કે સ્વામીનારાયણ મંદિરોમાં રેશમને લગતા કામ કરનારા લોકો પણ મુસ્લિમ હતા.
"જોકે, તેઓ અસંગઠિત રીતે કામ કરતા હતા. ગુજરાતમાં રમખાણો થયા ત્યારે સૌથી પહેલું નુકસાન એવા મુસ્લિમોની આવકને થયું હતું."
તેમનું કહેવું છે કે જે લતીફને અંડરવર્લ્ડનું મોટું નામ ગણવામાં આવતો હતો એ પણ આવી રીતે જ આગળ આવ્યો હતો.
ગૌરાંગ જાનીના જણાવ્યા મુજબ, જ્યાં સુધી મુસ્લિમો વિલન રહ્યા ત્યાં સુધી હિંદુ એકતાના નામે તમામ જ્ઞાતિઓ ચૂપ હતી, પરંતુ લાગણીઓની પણ એક ઉંમર હોય છે.
તેમણે કહ્યું, "જ્ઞાતિઓને હવે લાગી રહ્યું છે કે મુસ્લિમો નહીં, પરંતુ સરકારની નીતિઓ તેમની દુશ્મન છે, જેના કારણે તેમને રસ્તા પર ઉતરવું પડે છે."

ગુજરાતમાં કેટલી જ્ઞાતિઓ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં બ્રાહ્મણો અને વણિકોની વસતી દોઢ-દોઢ ટકા છે, એટલે કે તેમની કુલ વસતી ત્રણ ટકા છે. રાજપૂતોની વસતી પાંચ ટકા છે.
આ પાંચ ટકા રાજપૂતોનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓ(ઓબીસી)માં નથી થતો. તેમને રજવાડાં સાથે જોડાયેલા રાજપૂતો કહેવામાં આવે છે.
જાડેજા, વાઘેલા અને ગોહિલ રાજપૂતોનો સમાવેશ ઓબીસીમાં નથી થતો. જોકે, 'વાઘેલા' અટકધારી કેટલાક સમુદાયોનો સમાવેશ ઓબીસીમાં થાય છે.
પાટીદારોની વસતી 12 ટકા છે. લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર એ પાટીદારોના મુખ્ય બે સમુદાય છે. સરદાર પટેલ લેઉવા પાટીદાર હતા.
આ તમામ જ્ઞાતિઓની વસતીનો સરવાળો કરવામાં આવે તો ગુજરાતમાં ઉચ્ચ જ્ઞાતિઓની વસતી વીસ ટકા છે. બીજી તરફ ઓબીસી, અનુસૂચિત જાતિ (એસસી), અને જનજાતિ (એસટી) સમુદાયની વસતી 60 ટકાથી પણ વધારે છે.
આ વખતે ભાજપને પાટીદારો અને ઓબીસી સમાજનો ડર લાગી રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
માધવસિંહ સોલંકી કોળી જ્ઞાતિના હતા અને ગુજરાતમાં ઓબીસી સમુદાયમાં કોળી જ્ઞાતિનો મોટો હિસ્સો છે.
1955માં સૌરાષ્ટ્રમાં જમીન સુધારા અમલી બનાવવામાં આવ્યા ત્યારે રાજપૂતોની જમીન પાટીદારો પાસે આવી હતી.
તેથી પાટીદારો અને રાજપૂતો વચ્ચે સતત ઘર્ષણ થતાં રહે છે.
પ્રોફેસર જાની કહે છે કે રાજપૂત સમુદાયના લોકો પોલીસ સર્વિસમાં વધુ પ્રમાણમાં આવતા હતા, પરંતુ અનામત લાગુ પડ્યા બાદ આ પ્રમાણમાં ઓછું થયું અને પરિસ્થિતિ વણસવા લાગી હતી.
રસપ્રદ વાત એ છે કે પાટીદારો પાસે જમીન હતી ત્યાં જમીન સુધારા લાગુ કરવામાં આવ્યા ન હતા. તેમની પાસે આજે પણ ઘણી જમીન છે.
ગુજરાતમાં દલિતો માટે 13 બેઠકો અનામત રાખવામાં આવે છે, એ પૈકીની 10 બેઠકો પર ભાજપે 2012માં વિજય મેળવ્યો હતો.
આદિવાસીઓ માટે 27 બેઠકો અનામત રાખવામાં આવે છે. 2012માં 27માંથી 16 બેઠકો પર કોંગ્રેસે, 10 બેઠકો પર ભાજપે અને એક બેઠક પર જનતાદળ-યુનાઇટેડને વિજય મળ્યો હતો.

કોંગ્રેસમાં વધારો અને ભાજપમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
2014ની લોકસભા ચૂંટણીમાં પાટીદારો ભાજપની પડખે હતા. આજે પાટીદારોનો મોટો વર્ગ હાર્દિક પટેલને ટેકો આપે છે.
પહેલાંની ચૂંટણીઓમાં કેટલીક જ્ઞાતિઓ તેમનાં પ્રભુત્વ અને અસ્મિતાનું મહત્વ ગણાવતી હતી.
આ વખતે તમામ જ્ઞાતિઓ તેમના સ્વતંત્ર પ્રભુત્વની ચાહના સાથે ચૂંટણીમાં ઉતરી છે.
પાટીદારો અને ઠાકોરોએ આગળ આવીને પોતાની માગણીઓની રજૂઆત કરી, તેમાંથી બાકીની જ્ઞાતિઓને પણ પ્રેરણા મળી છે.
આ વખતે દલિતો અને આદિવાસીઓ પણ ફ્રન્ટફૂટ પર છે.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 60.11 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 33.45 ટકા મત મળ્યા હતા. બન્ને પક્ષ વચ્ચે 26.66 ટકાનું અંતર હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












