You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અડવાણીનું નામ 'સ્ટાર પ્રચારક' યાદીમાં, પરંતુ પ્રચારમાંથી ગાયબ
- લેેખક, વિજયસિંહ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
રાહુલ ગાંધીના ધર્મ અને 'હિંદુત્વ'ના દાવા, પ્રતિ-દાવાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચાર દરમિયાન સમાચારમાં છે.
પરંતુ, જે વ્યક્તિએ દેશની રાજનીતિમાં હિંદુત્વ નિર્માણ કર્યું, તે એલ. કે. અડવાણી તેમના ગૃહ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં જોવા નથી મળતા.
હાલની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય ચૂંટણી કમિશનર (ઇસીઆઈ)ને રજૂ કરાયેલી ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં એલ. કે. અડવાણીનું નામ પણ સામેલ છે.
જોકે, ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો અંત આવી ગયો છે, છતાંય ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ગુજરાતમાં જાહેર રેલીમાં જોવા નથી મળ્યા.
તમને આ પણ વાંચવું ગમશે
વર્ષ 2012માં ગુજરાતમાં રેલી કરી હતી
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીના અહેવાલો દર્શાવે છે કે પીઢ નેતા અડવાણીએ ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કેટલીક રેલીઓ અથવા સભાઓને સંબોધી હતી.
જેમાં તેમણે કહ્યું હતું, "નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાતમાં શાસક પક્ષ આ ચૂંટણીમાં વિજયી થઈને 'જીતની હેટ્રિક' પૂર્ણ કરશે."
હવે, નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે અને તે સતત જાહેર રેલીઓને સંબોધી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
90 વર્ષીય અડવાણી છેલ્લા બે દાયકાથી ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી સંસદસભ્ય છે.
મતવિસ્તારના લોકો શું કહે છે?
અડવાણીના મતવિસ્તાર- ગાંધીનગરના રહેવાસીઓ કહે છે કે તેઓએ લાંબા સમયથી અડવાણીને જાહેર સભામાં કે જાહેર જીવનમાં જોયા નથી.
ગાંધીનગરના એક નિવાસી, બાલકૃષ્ણ જોશી બીબીસીને કહે છે, "એવું લાગે છે કે અડવાણીજીની રાજનીતિ હાલની રાજકીય પરિસ્થિતિમાં વધુ સુસંગત નથી.
"તેઓ દેશભરમાં 'રામ મંદિર'નો મુદ્દો ઉઠાવી એનડીએને સત્તામાં લાવ્યા હતા, પરંતુ આ મુદ્દો આજે જનતાને આ મુદ્દો અપીલ નથી કરતો."
ગાંધીનગરના એક રહેવાસી 82 વર્ષીય અરુણ બુચ નિયમિતપણે ગાંધીનગરને લગતા વિવિધ મુદ્દાઓ વિશે અડવાણી સહિત કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત વિભાગોને રજૂઆત કરતા રહે છે.
તેઓ કહે છે, "ગાંધીનગર રેલવે સ્ટેશન માટે અમે હજારો વાર ટ્રેનોની માગણી કરી છે.
"અમે અડવાણીજીને પણ રજૂઆત કરી છે, પરંતુ સરકાર તરફથી અમને કોઈ પ્રતિક્રિયા મળી નથી અને એવું લાગે છે કે અડવાણી નિષ્ક્રિય છે અથવા કોઈ તેમને સાંભળતું નથી.''
મોદી અને શાહ ભાજપના સ્ટાર પ્રચારક
બીજેપીની સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ વગેરેનો સમાવેશ થાય છે.
અત્રે નોંધવું રહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્ને ગુજરાતના છે.
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે બીબીસીને જણાવ્યું, "અડવાણી ગુજરાતમાં હાલના રાજકારણમાં અપ્રસ્તુત બની ગયા છે, કારણ કે અડવાણીએ મતદારો વચ્ચેનો તેમની અપીલ (કરિશ્મા) ગુમાવી દીધી છે અને તે મતદારો સાથે પણ સંપર્કમાં નથી.''
"ઉપરાંત, વિવિધ બેઠકો પરથી ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવારો પણ પ્રચાર માટે એલ. કે. અડવાણી પ્રચાર કરવા આવે એવી માગણી નથી કરતા.
"ઉમેદવારો તેમના માટે વડાપ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહે ચૂંટણીમાં પ્રચાર કરે એવું ઇચ્છે છે, અડવાણીને નહીં."
અજય ઉમટ કહે છે કે અડવાણીના હવે ફોલોઅર્સ નથી અને તેથી ભાજપ ચૂંટણી અભિયાન માટે તેમના માટે સંસાધનો વાપરવા નથી માંગતું.
ભાજપ શું કહે છે?
બીબીસીએ અડવાણીની આગામી જાહેર રેલી-સભા સંબંધી કોઈપણ યોજના અંગે અડવાણીના કાર્યાલયને ઇ-મેલ કર્યો હતો પણ તેનો કોઈ જવાબ નહીં મળ્યો.
જોકે, ભાજપના જ એક નેતાએ નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું, "એલ.કે. અડવાણી હંમેશા તેમના નેતા અને માર્ગદર્શન રહેશે.
"અડવાણીએ જ પાર્ટી બનાવી છે, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને તેઓ પણ હવે વૃદ્ધ થઈ ગયા છે.
"તેથી પક્ષ ગુજરાતની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની પર આધાર રાખવા માગે છે."
કોણ છે એલ. કે. અડવાણી?
અડવાણીનો જન્મ કરાચીમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે અને તેનું કુટુંબ ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા ભારત આવ્યું હતું.
તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ), હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠનના સભ્ય હતા.
તેમના પ્રચંડ સંગઠન કૌશલ્ય માટે જાણીતા, એલ.કે. અડવાણીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મુખ્ય રાજકીય પક્ષ તરીકે ઓળખ અપાવવાનો શ્રેય આપવામાં આવે છે.
અડવાણીએ પક્ષને 1984માં બે સંસદીય બેઠકોમાંથી 15 વર્ષમાં સત્તામાં લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી.
અડવાણીએ અટલ બિહારી વાજપેયીની સરકારમાં મે-2004 માં લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર સુધી નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.
અયોધ્યામાં રામ મંદિરનું અભિયાન અને વિવાદ અડવાણીની કારકિર્દીનું મહત્વપૂર્ણ પરિબળ રહ્યું.
1990માં અડવાણીએ સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો હતો અને અયોધ્યામાં 16મી સદીના બાબરી મસ્જિદના સ્થળ પર મંદિર બાંધવાની ઝુંબેશ માટે લોકોનો ટેકો માંગ્યો હતો.
ત્યારબાદ થયેલા રમખાણોના કેસમાં અડવાણીનું પણ નામ છે. ક્રિકેટમાં તેમને સચિન તેંડૂલકર અને બોલાવૂડમાં અમિતાભ બચ્ચન પંસદ છે.
તેમણે એક વખત બીબીસીને કહ્યું હતું કે તેઓ કરકસરતાપૂર્વક જમતા હોવાથી તંદુરસ્ત રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો