You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને સાપ, વિંછી અને જોકર પણ કહેલા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
મણિશંકર ઐયરે કહ્યું હતું, ''મને લાગે છે કે આ માણસ બહુ નીચ પ્રકારનો છે. તેનામાં કોઈ સભ્યતા નથી. અત્યારે આ પ્રકારનું ગંદુ રાજકારણ રમવાની શું જરૂર છે?''
નરેન્દ્ર મોદીનાં એક નિવેદનના સંદર્ભમાં મણિશંકર ઐયરે આ નિવેદન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ એવું નિવેદન કર્યું હતું કે રાષ્ટ્રના નિર્માણમાં બાબાસાહેબ આંબેડકરની ભૂમિકાને ઓછી આંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મોદીના જણાવ્યા મુજબ, એ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, કારણ કે જે પરિવાર માટે એ બધું કરવામાં આવ્યું હતું તેના કરતાં વધારે લોકો પર બાબાસાહેબનો પ્રભાવ રહ્યો છે.
આ નિવેદનના થોડા સમય પછી નરેન્દ્ર મોદીએ સુરતમાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. તેમાં મણિશંકર ઐયરનાં નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.
નરેન્દ્ર મોદીનો સવાલ
નરેન્દ્ર મોદીએ તેમની ચિરપરિચિત શૈલીમાં લોકોને સવાલ કર્યો હતો કે ''આ ગુજરાતનું અપમાન છે કે નહીં? આ ભારતની મહાન પરંપરાનું અપમાન છે કે નહીં?
આ મોગલ માનસિકતા, સલ્તનતી માનસિકતા છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું, ''કોંગ્રેસના એક 'બુદ્ધિશાળી' નેતાએ મને 'નીચ' કહ્યો છે. આ કોંગ્રેસની માનસિકતા છે.
તેમની પોતાની ભાષા છે અને અમારું પોતાનું કામ છે. લોકો તેમના મત વડે તેનો જવાબ આપશે.''
આ અગાઉ 2014માં લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે નરેન્દ્ર મોદીએ અમેઠીમાં ગાંધી પરિવારની ઝાટકણી કાઢી હતી અને કોંગ્રેસ પર ગુસ્સાનું રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો.
તેના જવાબમાં કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના 'નીચ રાજકારણ'નો જવાબ અમેઠીની જનતા દરેક બૂથ પર આપશે.
મણિશંકર ઐયર તેમના નિવેદનોને કારણે અગાઉ પણ વિવાદમાં ફસાયા હતા.
2014માં મણિશંકર ઐયરે કહ્યું હતું, ''21મી સદીમાં નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન ક્યારેય નહીં બની શકે તેની ખાતરી હું તમને આપું છું.
હા, તેઓ અહીં આવીને ચા વેચવા ઈચ્છતા હોય તો અમે તેમના માટે જગ્યાની વ્યવસ્થા કરી આપીશું.''
વિદેશ પ્રવાસ વિશેનું નિવેદન
નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ વિશે પણ મણિશંકર ઐયરે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
તેમણે કહ્યું હતું, ''આ બધી ડ્રામાબાજી છે. તેઓ દરેક જગ્યાએ ખુદને દેખાડવા ઈચ્છે છે.
તેઓ દુનિયાભરમાં ફરે છે અને શું થાય છે? તેમના ટેકેદારો ત્યાં પહોંચી જાય છે અને મોદી, મોદી કહેતા રહે છે.
આ મોદી, મોદીના પોકાર કરાવવા એ કોઈ વિદેશ નીતિ છે?''
2013ના માર્ચમાં દિલ્હીમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની રાષ્ટ્રીય કારોબારીનીની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને 'ઉઘઈ' કહી હતી.
તેના જવાબમાં મણિશંકર ઐયરે કહ્યું હતું, ''મોદી અમને ઉઘઈ કહેતા હોય તો તેઓ એક સાપ છે, વિંછી છે.
આવા ગંદા માણસની ટીકા કરવામાં આવે તો પણ એક રીતે પ્રશંસા ગણાય.''
બીજેપી વિરુદ્ધના એક નિવેદનમાં મણિશંકર ઐયરે કહ્યું હતું, ''હા, મુસલમાનોને મારવાની પાર્ટી છે. બુદ્ધિજીવીઓને દબાવવાની પાર્ટી છે.
આ દેશને તોડનારી પાર્ટી છે. આ એક એવી પાર્ટી છે જેને આપણી બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ નથી.''
2013ના ડિસેમ્બરમાં મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને 'જોકર' કહ્યા હતા.
તેમણે કહ્યું હતું, ''ચાર-પાંચ ભાષણો આપીને તેમણે દેખાડી દીધું છે કે તેમના મોઢામાં કેટકેટલા ગંદા શબ્દો છે.
તેમને ઈતિહાસની કે અર્થશાસ્ત્રની કે બંધારણની કોઈ જાણકારી નથી. જે મનમાં આવે એ બોલતા રહે છે.''
કોંગ્રેસ પર પણ તાક્યું હતું નિશાન
જોકે, મણિશંકર ઐયરે માત્ર નરેન્દ્ર મોદી અને બીજેપીને જ નિશાન બનાવ્યા હોય એવું નથી.
કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારના મુદ્દે તેમણે 2010ના ઓક્ટોબરમાં કેન્દ્રની કોંગ્રેસી સરકાર સામે મોરચો ખોલ્યો હતો.
તેમણે કહ્યું હતું, ''જે ભૂલો થઈ છે, ખામીઓ રહી ગઈ છે તેની કોમનવેલ્થ ગેમ્સ પૂર્ણ થયા બાદ તપાસ કરવામાં આવશે.
કોઈ ભ્રષ્ટાચાર થયો હશે તો તેને જાહેર કરવામાં આવશે તથા દોષીત લોકોને સખત સજા કરવામાં આવશે, એવું વડાપ્રધાને કહ્યું હતું.
હવે એ સર્કસ ખતમ થઈ ગયું છે. તેથી તપાસ શરૂ કરવી જોઈએ.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો