મેઘા પાટકર : ડેમના નીચાણવાસમાં નર્મદા ખતમ થઈ ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
'નર્મદા બચાવો આંદોલન'ના મેધા પાટકરે બીબીસી સાથે ફેસબુક લાઇવ દરમિયાન કહ્યું હતું કે સરદાર સરોવર ડેમના નીચાણવાસમાં નર્મદા ખતમ થઈ ગઈ છે.
"જેના કારણે કબીર તીર્થ તથા આજુબાજુના વિસ્તારમાં રોજગારી ખતમ થઈ ગઈ છે. હજારો માછીમારો બેરોજગાર થઈ ગયા છે."
પાટકરે કહ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રના અછતવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવાના બદલે ઉદ્યોગગૃહોને પાણી આપવામાં આવી રહ્યું છે.
મેધા પાટકરે 'સ્ટેચ્યુ ઑફ યુનિટી'ને 'સ્ટેચ્યુ ઑફ ડિસ્પેરિટી' તરીકે ગણાવી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
નર્મદા ડેમ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા મૂકવામાં આવી રહી છે. તા. 31 ઓક્ટોબર 2014થી અહીં નિર્માણકાર્ય ચાલુ છે.

મેધા સાથેનું બીબીસી લાઇવ જોવા ક્લિક કરો
મેધા પાટકરના કહેવા પ્રમાણે, "ડેમના નીચાણવાસમાં 100 કિલોમીટર વિસ્તારમાં નર્મદામાં પાણી નથી. જ્યારે દરિયો 40 કિલોમીટર આગળ આવી ગયો છે."
"આ બધીય બાબતો અને પર્યાવરણીય મુદ્દાઓને અવગણીને મોદીએ નિર્માણકાર્ય આગળ વધાર્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ડેમનાં કારણે ગુજરાત માટે જ નર્મદા રહી નથી. કબીરતીર્થ તથા તેની આજુબાજુના વિસ્તારોમાં નર્મદા નદીમાં પાણી નથી. અહીં રોજગારી છીનવાઈ ગઈ છે."
"હજારો માછીમારોની રોજગારીને અસર પહોંચી છે. જેઓ નર્મદામાંથી પાણી છોડવાની માંગ કરી રહ્યા છે."

ઉદ્યોગગૃહોને પાણી

ઇમેજ સ્રોત, Getty Images
"વિકાસ ગાંડો થયો છે એ અર્થનીતિ સાથે જોડાયેલી બાબત છે. કોકાકોલા, નેનો ફૅક્ટરી કે ફોર્ડની ફૅક્ટરી ઉપરાંત અદાણી અને અંબાણીના પ્રોજેક્ટ્સ માટે ઉતાવળે ડેમની ઊંચાઈ વધારવામાં આવી છે."
આરટીઆઈના જવાબને ટાંકતા પાટકરે દાવો કર્યો હતો કે દરરોજ પાંચ કરોડ 41 લાખ લિટર પાણી ઉદ્યોગગૃહોને આપવામાં આવી રહ્યું છે.
મેધાએ કહ્યું, "કોકાકોલાને 30 લાખ લિટર તથા સાણંદમાં કાર ફૅક્ટરી કોમ્પલેક્સને દૈનિક 60 લાખ લિટર પાણી પહોંચાડવાના કરાર કરવામાં આવ્યા છે."
"જ્યારે આજુબાજુનાં જ ગામડાંઓમાં રહેતા વિસ્થાપિતોને કેટલું પાણી મળે છે, તે જોવાની જરૂર છે."
"સિંચાઈ માટેની લાખો એકર જમીનને ઓછી કરીને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડૉરના મોટામોટાં એકમોને પાણી આપવાની જોગવાઈ કરવામાં આવી છે."

ચર્ચા કરવા તૈયાર

ઇમેજ સ્રોત, Getty Images
"જે મૂળ યોજનાની વિભાવનાથી વિરૂદ્ધ છે. પાણીની સૌરાષ્ટ્ર-કચ્છાના અછતવાળા વિસ્તારમાં ખેતી તથા પીવા માટે પાણીની વ્યવસ્થા કરવી, એ આ યોજનાની મૂળ વિભાવના હતી."
આ અંગે જાહેરમાં કોઈપણ મંચ પર ચર્ચા કરવાની તૈયારી મેધા પાટકરે દાખવી હતી.
સાથે જ તેમણે કહ્યું હતું કે હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના ગામડાંઓને પાણી ભલે મળે, પરંતુ ભવિષ્યમાં પણ મળશે તેની ખાતરી નથી.
"ભાજપના જ પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાના કહેવા પ્રમાણે, આ યોજના પાછળ રૂ. 99 હજાર કરોડનો ખર્ચ થયો છે. ત્યારે આ યોજનાથી કોને લાભ થયો છે અને કોનું નુકસાન થયું છે, તેની ચર્ચા કરવાની જરૂર છે."
મેધાએ ગ્રામ્ય સ્તર પર વિકેન્દ્રિત જળ નિયોજનની વ્યવસ્થા પર ભાર મૂક્યો હતો.

'સ્ટેચ્યુ ઑફ યુનિટી' નહીં પરંતુ 'સ્ટેચ્યુ ઑફ ડિસ્પેરિટી'

ઇમેજ સ્રોત, www.statueofunity.in
"કેવડિયા કોલોનીમાં આઠ ગામનાં લોકો એક વર્ષથી અનશન પર બેઠાં હતાં. તેમની સાથે ચર્ચા કરી ન હતી, તો અમારી સાથે શું ચર્ચા કરવાના હતા?"
"આજે સરદાર પટેલના નામ પર સેંકડો લોકોને નિર્વાસિત કરવામાં આવી રહ્યાં છે અને તેમની પ્રતિમા પર ત્રણ હજાર કરોડ રૂપિયા ખર્ચવાના છે."
"પૂતળાની આજુબાજુમાં જ નદી સમાપ્ત થઈ ગઈ છે અને પથ્થર દેખાવા લાગ્યાં છે."
"મધ્યપ્રદેશના 192 ગામ તથા એક નગરના પુનર્વસન માટે જેટલી રકમ ફાળવવામાં આવી છે, તેનાથી વધુ રકમ પ્રતિમા પાછળ ખર્ચવામાં આવી રહી છે."
"લોકોએ આપેલા લોહદાનથી નહીં પરંતુ, લાર્સન એન્ડ ટુબ્રો કંપની ચીનની મદદથી આ પ્રતિમા બનાવી રહી છે. તે 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' નહીં પરંતુ 'સ્ટેચ્યુ ઑફ ડિસ્પેરિટી' છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













