ભાજપના ગઢમાં જ વિજય રૂપાણીનો ફ્લૉપ શો?

ખાડિયામાં રોડ શો કરતા રૂપાણી

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ભાજપના ગઢમાં જ રૂપાણીના રોડ શોમાં લોકોની પાંખી હાજરી
    • લેેખક, કલ્પિત ભચેચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જ્યાં ૧૯૮૦માં ભાજપના પ્રથમ ગુજરાત પ્રદેશ કાર્યાલયની સ્થાપના થઈ, છેલ્લા ચાર દાયકા ઉપરાંતથી ભાજપને વફાદાર રહેલો વિસ્તાર, જે ભાજપનો ગઢ ગણાય છે.

આ વિસ્તાર એટલે ખાડિયા. આ જ વિસ્તારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી વિધાનસભાની ચૂંટણી માટે બુધવારે લોક સંપર્ક અને રોડ શો કરી પક્ષના પ્રચારનો પ્રારંભ કર્યો.

રૂપાણીના રોડ શોમાં આવેલા કાર્યકરોએ હાર પહેરાવી તેમનું સન્માન કર્યું.

તમને આ પણ વાંચવું ગમશે

મુખ્યમંત્રી પણ પગપાળા કેટલીક પોળોમાં જઈ લોકોને આત્મીયતાથી મળ્યા.

રોડ શોમાં લોકોનો નબળો પ્રતિસાદ

ખાડિયામાં રોડ શો કરતા રૂપાણી

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, પ્રચાર વખતે માત્ર કાર્યકરો આવ્યા, લોકો ના આવ્યા

પરંતુ ઘટના એવી બની કે ભાજપના ઉત્સાહી કાર્યકરોને બાદ કરતા રૂપાણીના ખાડીયાના પ્રચાર અભિયાનને જોઈએ એટલો લોકોનો પ્રતિસાદ મળ્યો નહીં.

રોડ શોમાં સ્થાનિક સ્કૂલ્સનાં બાળકોને રસ્તાની બંને તરફ ઊભાં રખાયાં હતાં.

જેઓ મુખ્યમંત્રી પર પુષ્પવર્ષા કરી રહયાં હતાં.

ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે ચૂંટણી આવતી ત્યારે ખાડિયામાં યોજાતા ભાજપના પ્રચાર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હતા.

ભાજપની સ્થાપના પહેલાં ૧૯૭૫માં ગુજરાત ભાજપના પીઢ નેતા સ્વ. અશોક ભટ્ટ જનસંઘના ઉમેદવાર તરીકે તેમની પ્રથમ ચૂંટણી લડયા.

ત્યારથી લઈ તમામ ચૂંટણીઓમાં રાજકીય રીતે જાગૃત ગણાતા ખાડીયાના મતદારોનો ઉમળકો ચોક્કસ રસ્તા પર જોવા મળતો.

જમાલપુરમાં ખાડિયાથી વધુ લોકો

જમાલપુરમાં પ્રચાર કરતા રૂપાણી

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ખાડિયા કરતા જમાલપુરમાં લોકોની વધારે હાજરી

જો કે ખાડિયાથી આગળ વધેલો રૂપાણીનો રોડ શો જ્યારે મુસ્લિમ વસ્તી ધરાવતા જમાલપુર પહોંચ્યો ત્યારે ભાજપ અને રૂપાણીને સુખદ આશ્ચર્ય પમાડે તેવો નજારો જોવા મળ્યો.

અહીં રૂપાણીના રોડ શોને જોવા મોટી સંખ્યામાં લોકો બહાર આવ્યા હતા. જે ખાડિયાની કરતા પણ વધારે હતા.

ભાજપના ગઢ ખાડિયામાં લોકોની પાંખી હાજરી અંગે પૂછતા સ્થાનિક ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મુખ્યમંત્રીના રોડ શોમાં સ્થાનિક લોકોની નહિવત્ ઉપસ્થિતિની વાતને નકારી કાઢી હતી.

ભાજપે કર્યો બચાવ

જમાલપુરમાં પ્રચાર કરતા રૂપાણી

ઇમેજ સ્રોત, kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ભાજપે લોકોની પાંખી હાજરીનો બચાવ કર્યો

જ્યારે મેં તેમને પૂછ્યું કે તેમના સદગત પિતા અશોક ભટ્ટના સમયમાં મોટી સંખ્યામાં લોકો નજરે પડતા હતા.

આ પ્રશ્નના જવાબમાં તેમણે ફરીથી દહોરાવ્યું કે મુખ્યમંત્રીના લોકસંપર્ક અભિયાનમાં ખાડિયામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતા.

જોકે મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી અંગે જનસંઘના સમયથી ભાજપમાં કાર્યરત એક પીઢ કાર્યકરે બચાવ કરતા જણાવ્યું કે મુખ્યમંત્રીનો પ્રચાર રાઉન્ડ તો પક્ષના પ્રચાર માટે હતો એટલે બની શકે કે લોકોનું ઇન્વૉલ્વમેન્ટ ઓછું દેખાયું હોય.

પરંતુ ઉમેદવારની જાહેરાત થઈ જશે પછી પ્રચાર કાર્યક્રમોમાં ચોક્કસ મોટી સંખ્યામાં લોકો આવશે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો