શું સુરતમાં રાહુલ, અલ્પેશ અને હાર્દિક સાથે દેખાશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચિંતન રાવલ
- પદ, બીબીસી ગુજરાતી
કૉંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતાઓ વચ્ચે અમદાવાદમાં યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે, જેમાં બન્ને પક્ષોએ કેટલાંક મુદ્દા પર ચર્ચા કરી હતી.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અન્ય નેતાઓ તેમજ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના કેટલાંક નેતાઓ વચ્ચે બેઠક મળી હતી.
બેઠક બાદ હાર્દિક પટેલે રાજકોટ નજીકના તરઘડી ગામે પત્રકાર પરિષદ યોજી હતી.
તમને આ પણ વાંચવું ગમશે
બેઠક બાદ હાર્દિકે આપેલા નિવેદનમાં હાર્દિકે કહ્યું હતું, અમારી અને કૉંગ્રેસ વચ્ચે ચાર મુદ્દા પર સમજૂતી થઈ છે અને આ બેઠક સકારાત્મક રહી છે.
હાર્દિકે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ચાર મુદ્દા પર સ્પષ્ટતા કરી છે. જે અંતર્ગત કોંગ્રસે તેમને આશ્વાસન આપ્યું છે કે જો રાજ્યમાં તેમની સરકાર આવશે તો પાટીદાર અનામત આંદોલનની વિવિધ ઘટનાઓમાં પાટીદારો વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણીય રીતે બિન અનામત વર્ગો માટે આયોગની સ્થાપના કરવામાં આવશે અને તેના માટે રૂપિયા 2000 કરોડની ફાળવણી કરવામાં આવશે.
આંદોલનમાં થયેલી હિંસાઓ માટે તપાસ કરાવવામાં આવશે.
આંદોલન દરમિયાન મૃત્યુ પામનારા પાટીદારોના પરિવારજનોને રૂપિયા પાંત્રીસ લાખની સહાય આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્દિક પટેલનું કહેવું છે કે તેઓ કૉંગ્રેસ સાથે વધુ એક બેઠક કરશે કારણ કે હજુ અનામત વિશેના ટેક્નિકલ મુદ્દાઓ વિશે સ્પષ્ટ ચર્ચાની જરૂર છે. આ બેઠક આગામી બેથી ત્રણ દિવસમાં કરવામાં આવશે
હાર્દિકે છેલ્લે એમ પણ કહ્યું છે કે કૉંગ્રેસ સાથેની આગામી મુલાકાત છેલ્લી મુલાકાત હશે.
હાર્દિકે અન્ય રાજ્યોમાં ઉઠેલા અનામત આંદોલન અને તે મુદ્દે થયેલા સમાધાનનો ઉલ્લેખ પણ આ નિવેદનમાં કર્યો હતો.

રાહુલ અને અલ્પેશ સાથે હાર્દિક જોવા મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ત્રણ નવેમ્બરે સુરત આવવાના છે.
રાહુલ ગાંધીના આ ગુજરાત પ્રવાસ મુદ્દે હાર્દિક કહ્યું, "અમારી કોર કમિટી સાથે ચર્ચા કરવાની હજુ બાકી છે."
"જો આ બેઠકમાં નક્કી કરવામાં આવશે તો હું રાહુલ ગાંધીને મળીશ."
28મી ઑક્ટોબરે હાર્દિક પટેલે ટ્વીટ કરી કૉંગ્રસને પાટીદાર અનામત મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવાનું કહ્યું હતું.
ટ્વીટમાં તેમણે એવું ઉચ્ચારણ પણ કર્યું હતું કે જો કૉંગ્રેસ આ મુદ્દે તેનું સ્ટેન્ડ ક્લીઅર નહીં કરે તો અમિત શાહ જેવો મામલો સુરતમાં થશે.

ભાજપે પણ યોજી પત્રકાર પરિષદ

ઇમેજ સ્રોત, twitter.com/Nitinbhai_Patel
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રવક્તા નીતિન પટેલે હાર્દિક પટેલની પત્રકાર પરિષદ બાદની થોડી મિનિટોમાં જ પત્રકાર પરિષદ યોજી હતી.
નીતિન પટેલે કહ્યું હતું, કૉંગ્રેસ અને 'પાસ' વચ્ચેની બેઠકમાં જે ચર્ચા થઈ તે મુદ્દાઓ પર અમારી સરકાર કામ કરી ચૂકી છે.
ભારતીય બંધારણના આર્ટિકલ 165 અને 162ની જોગવાઈઓ મુજબ અમે સવર્ણોને આર્થિક અનામત મળે તેવા પ્રયત્નો કર્યા છે.
ઉપરાંત પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા 12 વ્યક્તિઓના પરિવારને રૂપિયા વીસ લાખની સહાય કરવામાં આવી છે.
ગુજરાતમાં જ્યારે કૉંગ્રેસની સરકાર હતી ત્યારના ઉદાહરણ આપી નીતિન પટેલે કહ્યું હતું કે ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના કાર્યકાળ દરમિયાન પણ કેટલાક આંદોલનમાં સામેલ લોકોને ઠાર મારવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારે તેમણે કોઈ સહાય કે સહાનુભૂતિ નહોતી દર્શાવી તો હવે એકાએક સહાય અને સહાનુભૂતિની વાતો શા માટે કરવામાં આવી રહી છે?
નીતિન પટેલે કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા દમન અંગે પણ સરકારે તપાસપંચની રચના કરી છે.
તમને આ પણ વાંચવું ગમશે

નવા મોરચાની શક્યતા?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં કેટલાંક સમયથી ભાજપની જેમ હવે કૉંગ્રેસ સાથે પણ હાર્દિકનું વલણ કડક થઈ રહ્યું છે.
હાર્દિક પટેલ પહેલાં પણ કહી ચૂક્યા છે કે જે પક્ષ તેમના સમાજની માગણીઓ સ્વીકારશે તેમની વાત તેઓ સાંભળશે.
હાર્દિકની કૉંગ્રસે સાથેની બેઠક ભલે હકારાત્મક રહી હોઈ, પરંતુ હાર્દિકે એવું પણ કહ્યું છે કે કૉંગ્રેસ સાથેની તેમની આગામી બેઠક છેલ્લી બેઠક હશે.
હવે હાર્દિક ભાજપ જેવું જ કડક વલણ જો કૉંગ્રેસ સામે અપનાવે તો શું થાય?
આ પ્રશ્નનો જવાબ આપતા અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા પ્રાધ્યાપક અને સમાજવિજ્ઞાની ગૌરાંગ જાનીએ કહ્યું કે જો કૉંગ્રેસ સામે હાર્દિક ભાજપ જેવું જ અક્કડ વલણ અપનાવશે તો તે હાંસિયામાં ધકેલાઈ જશે.
હાર્દિકના આ ટ્વીટ મામલે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા ગૌરાંગ જાનીએ કહ્યું કે આ માત્ર એક પ્રકારની પ્રેશર ટેક્નિકથી વધુ કંઈ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
જાનીએ કહ્યું, "કૉંગ્રેસ અને હાર્દિક પટેલ બન્નેને ખબર છે કે બંધારણીય રીતે પાટીદારોને અનામત મળી શકે એમ નથી."
"હાર્દિકે કૉંગ્રેસમાં સ્થાન લેવું હોય કે પોતાની રાજકીય કારકિર્દી ટકાવવી હોય તો આવી ટેક્નિક અપનાવવી પડે."
જાનીએ કહ્યું, "હાર્દિક પટેલ અનામતનો નેતા છે. લોકો અનામત અંગે સવાલ પૂછે તે પહેલાં કૉંગ્રેસ પાસે બાંયધરી લેવી પડે."
"જો ગૌરવ અને સન્માન સાચવી કૉંગ્રેસમાં જોડાવું હોય તો આવી પ્રેશર ટેક્નિક અપનાવવી પડે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












