You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જંગલમાં ભાઈ-બહેનના લટકતા મૃતદેહો અને નજીકના ખાડામાં બે દીકરીઓ દફન, શું છે સમગ્ર ઘટના?
- લેેખક, તુલસીપ્રસાદ રેડ્ડી
- પદ, બીબીસી માટે
તિરુપતિ જિલ્લામાં ચાર મૃતદેહો મળી આવ્યાની ઘટનાનું રહસ્ય હજુ પણ ઉકેલાવાનું બાકી છે.
પકાલા મંડળના ગંડાકી ટોલ પ્લાઝા પાસેના જંગલમાં એક જ સ્થળે ચાર મૃતદેહો મળી આવવાથી સનસનાટી ફેલાઈ ગઈ છે.
પોલીસને બે મૃતદેહો ઝાડ પર લટકતા મળી આવ્યા હતા અને તેની નજીકના એક ખાડામાં દફનાવવામાં આવેલા વધુ બે મૃતદેહો મળી આવ્યા છે. દફનાવવામાં આવેલા બંને મૃતદેહો બાળકના હોવાનું જાણવા મળ્યું છે.
આ બધા મૃતકો તામિલનાડુના એક જ પરિવારના હોવાની વાતને પોલીસે તપાસ બાદ સમર્થન આપ્યું છે.
મૃતદેહો વિશે કેવી રીતે ખબર પડી?
પોલીસના જણાવ્યા મુજબ, એક સ્થાનિક ભરવાડ 14 સપ્ટેમ્બરે જંગલમાં તેના ઘેટાં ચરાવી રહ્યા હતા ત્યારે તેમણે ઝાડ પર લટકતા મૃતદેહો જોયા હતા.
આ ભરવાડે તરત જ વન વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું અને વન વિભાગના અધિકારીઓએ પકાલા મહેસુલ વિભાગના અધિકારીનો સંપર્ક સાધીને તેમને ઍલર્ટ કર્યા હતા.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેને એક વૃક્ષ પર લટકતા બે મૃતદેહો મળી આવ્યા અને બાજુના ખાડામાંથી કેટલીક અન્ય વસ્તુઓ તથા અવશેષ મળ્યાં હતાં.
ખોદકામ કરતાં ખાડામાંથી બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
ઘટનાસ્થળેથી શું-શું મળ્યું?
પોલીસને ઘટનાસ્થળેથી દવાઓનાં કેટલાંક પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યાં હતાં. તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પ્રિસ્ક્રિપ્શન તામિલનાડુના તંજાવુરના એક ડૉક્ટરે લખ્યાં હતાં. તેથી તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
ડૉક્ટરે જણાવ્યું હતું કે સેલ્વન નામની એક વ્યક્તિ તેમની પાસે માનસિક સમસ્યાઓની સારવાર કરાવી રહી હતી.
જોકે, વેંકટેશ નામના એક પુરુષને ચોથી જુલાઈએ તામિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના થિક્કાચેરી પોલીસે સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમનાં પત્ની જયમાલા અને દીકરીઓ લાપતા છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે વેંકટેશને તેમના સાળા સેલ્વન પર શંકા હતી. આ માહિતી મળવાને પગલે આંધ્ર પ્રદેશ પોલીસે ફરિયાદી વેંકટેશને માહિતગાર કર્યા હતા.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો તામિલનાડુના હતા. પોલીસે મામલતદારની હાજરીમાં પંચનામું તૈયાર કર્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે વેંકટેશે વૃક્ષ પર લટકતા મૃતદેહની ઓળખ ક્રિસ્ટેંસન ઉર્ફે કલાઈ સેલ્વન (ઉ.વ. 37) તરીકે કરાવી હતી. અન્ય એક મૃતદેહ જયમાલા (33)નો હતો, જ્યારે ખાડામાં દફનાવવામાં આવેલા મૃતદેહ દર્શિની (7) અને વર્ષિની (3)ના હોવાનું જાણવા મળ્યું છે.
વેંકટેશે પોલીસને જણાવ્યું હતું કે દર્શિની અને વર્ષિની તેમની તથા જયમાલાની દીકરીઓ છે.
ઘટનાસ્થળે જ પોસ્ટમૉર્ટમ
ભરવાડો પાસેથી જણાવ્યા પછી પોલીસે ઘટનાસ્થળનું નિરિક્ષણ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, ચિકિત્સકોએ સોમવારે ઘટનાસ્થળે જ પોસ્ટમૉર્ટમ કર્યું હતું, કારણ કે સેલવન અને જયમાલાના મૃતદેહો હૉસ્પિટલે લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં ન હતા.
અંધારું થઈ ગયું હોવાથી દર્શિની તથા વર્ષિનીના મૃતદેહોને બીજા દિવસે સવારે ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મંગળવારે વેંકટેશની હાજરીમાં એ બન્નેનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું અને એ બંનેને ત્યાં દફનાવી દેવામાં આવ્યા હતા.
મૃતદેહોની હાલત અત્યંત ખરાબ
તપાસકર્તા આંધ્ર પ્રદેશ પોલીસે આ ઘટનાની વિગત બીબીસી સાથે શૅર કરી હતી.
તામિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના થિક્કાચેરીના મૂળ રહેવાસી વેંકટેશ સાઉદી અરેબિયામાં કામ કરતા હતા. ત્યાં કામ કરીને મળતા પૈસા તેઓ થિક્કાચેરીમાં રહેતાં તેમનાં પત્નીને મોકલતા હતા. એ પૈસા વડે જયમાલા અને જયમાલાના પિતરાઈ ભાઈ સેલવન સાથે મળીને ફાઇનાન્સનો ધંધો કરતા હતા.
તેમણે બિઝનેસમાં પૈસા ગૂમાવ્યા હતા અને તેમના પર લગભગ એક કરોડ રૂપિયાનું કરજ હતું. નાણાકીય વ્યવહાર બાબતે સેલવન વિરુદ્ધ તામિલનાડુમાં છેતરપિંડીનો કેસ પહેલાંથી જ નોંધાયેલો છે.
પકાલાના પોલીસ કમિશનર સુદર્શનપ્રસાદે બીબીસીને કહ્યું હતું, "તેમનું મોત 15-20 દિવસ પહેલાં થયું હશે. મૃતદેહ અત્યંત નાજુક હાલતમાં હતા. સ્પર્શ કરો તો તૂટી જતા હતા."
"તેથી અમે ઘટનાસ્થળે જ પોસ્ટમૉર્ટમ કર્યું હતું અને ત્યાં જ મૃતદેહો દફનાવી દીધા હતા. બન્ને બાળકોની હત્યા કરીને તેમના મૃતદેહોને ખાડામાં દફનાવી દેવામાં આવ્યા હતા. સેલવન અને જયમાલાએ આત્મહત્યા કરી હતી કે કોઈએ તેમની હત્યા કરી હતી એ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે."
મૃત મહિલાના પતિએ જુલાઈમાં પોતાની પત્ની તથા બાળકો ગૂમ થયાં હોવાની ફરિયાદ તામિલનાડુ પોલીસમાં કરી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદીને સેલવન પર શંકા છે. મંદિર જવાની વાત કહીને તેઓ અહીં આવ્યા હશે અને પછી તેમણે આત્મહત્યા કરી હશે, એવી અમને શંકા છે.
અમે વેંકટેશ તથા તેમના સગાંસંબંધી સાથે પણ વાત કરી હતી. વેંકટેશનો કોઈ દુશ્મન ન હોવાનું તેમણે જણાવ્યું હતું. આ મામલે શું થયું હશે, એ તેઓ જાણતા નથી. આ નાણાકીય મામલામાં સેલવન વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું, "આ આત્મહત્યાની ઘટના હોવાની શંકા છે, પણ હત્યા છે કે આત્મહત્યા તેની ખબર પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ પડશે."
પાંચ મહિના સુધી બધા ક્યાં હતા?
સાઉદી અરેબિયામાં રહેતા વેંકટેશે મે મહિનામાં ઘરે ફોન કર્યો ત્યારે તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. સંબંધીઓ પૂછપરછ કરવા તેમના ઘરે ગયા ત્યારે પણ તેમના વિશે કશું જાણવા મળ્યું ન હતું.
વેંકટેશ 27 જૂને ભારત આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં તપાસ કર્યા બાદ ચોથી જુલાઈએ થિક્કાચેરીમાં ફરિયાદ નોંધાવી હતી.
વ્યક્તિ ગૂમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આ લોકો મે મહિનાથી જોવા મળ્યા ન હતા અને ઓછામાં ઓછા 15-20 દિવસ પહેલાં તેઓ મૃત્યુ પામ્યા હશે.
પોલીસ કમિશનર સુદર્શનપ્રસાદે બીબીસીને કહ્યું હતું, "વચ્ચેના સમયગાળામાં તેઓ ક્યાંક રહ્યા હોય તે શક્ય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન