'રાજકીય પક્ષોને POSH કાયદા હેઠળ આવરી શકાય નહીં', મહિલાઓ પર સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની કેવી અસર પડશે?

    • લેેખક, આશય યેડગે
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજકીય પક્ષોમાં કામ કરતી મહિલા કાર્યકરોને POSH કાયદા હેઠળ રક્ષણ આપવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી અને રાજકીય પક્ષોને POSH (પોશ) કાયદાના દાયરામાં લાવવાની વિનંતી કરવામાં આવી હતી. કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી (પ્રિવેન્શન, પ્રોહિબિશન ઍન્ડ રીડ્રેસલ ઍક્ટ) નામના કાયદાને POSH કાયદા તરીકે ઓળખવામાં આવે છે.

વડા ન્યાયમૂર્તિ બી. આર. ગવઈના વડપણ હેઠળની ખંડપીઠે 15 સપ્ટેમ્બરે યોજાયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે "રાજકીય પક્ષોને 'કાર્યસ્થળ' કે 'ઑફિસ' ગણી શકાય નહીં. રાજકીય પક્ષના સભ્ય બનવું અને નોકરી કરવી એ બન્ને અલગ અલગ બાબતો છે. આ અરજીનો સ્વીકાર કરવો તે વિવાદનો મધપૂડો છંછેડવા જેવું હશે."

અરજદારોએ દલીલ કરી હતી કે "કાયદાના અમલથી નવી સમસ્યાઓ સર્જાશે અથવા કાયદાનો દુરુપયોગ થશે, એવું કોર્ટ કહેતી હોય તો દરેક કાયદા દુરુપયોગના ઉદાહરણ આપી શકાય તેમ છે. અન્ય વ્યવસાયો અથવા નોકરીઓમાં મહિલાઓને કાયદા હેઠળ રક્ષણ મળે છે તેમ રાજકારણ સાથે સંકળાયેલી મહિલાઓને પણ રક્ષણ મળવું જોઈએ. તેમને આ કાયદામાંથી બાકાત રાખવાનું કોઈ નક્કર કારણ નથી. તેથી કોર્ટે POSH કાયદા હેઠળ આંતરિક ફરિયાદ સમિતિ(આઈસીસી) સ્થાપવાનો આદેશ રાજકીય પક્ષોને આપવો જોઈએ."

રાજકીય પક્ષોમાં કાર્યરત મહિલાઓને સુપ્રીમ કોર્ટના પ્રસ્તુત ચુકાદાને કારણે POSH કાયદા હેઠળ રક્ષણ મળશે નહીં. આ ચુકાદાને પગલે, રાજકારણ સાથે સંકળાયેલી મહિલાઓની સલામતી બાબતે ચર્ચા શરૂ થઈ છે.

મામલો ખરેખર શું છે?

રાજકીય પક્ષોને પણ POSH કાયદા હેઠળ આવરી લેવાની માંગણી કરતી એક અરજી 2022માં કેરળ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

તે સમયે અદાલતે કહ્યું હતું, "POSH કાયદાની કલમ 2 (ઓ) હેઠળ કાર્યસ્થળની વ્યાખ્યામાં રાજકીય પક્ષોનો સમાવેશ થતો નથી. રાજકીય પક્ષોના કાર્યકરો કર્મચારીઓ નથી અને રાજકીય પક્ષો પરંપરાગત અર્થમાં ઍસ્ટાબ્લિશમેન્ટ્સ નથી. તેથી તેઓ આઈસીસીની રચના કરવા બંધાયેલા નથી."

કેરળ હાઇકોર્ટના ઉપરોક્ત ચુકાદાને યોગમાયા એમ. જી.એ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજદારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

શોભા ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે "કેરળ હાઈકોર્ટે POSH કાયદા હેઠળ 'પીડિત મહિલા'ની વ્યાપક વ્યાખ્યાની અવગણના કરી છે. આ કાયદાની જોગવાઈ અનુસાર, જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદી મહિલા સંસ્થામાં નોકરી કરતી હોય તે જરૂરી નથી."

શોભા ગુપ્તાએ ઉમેર્યું હતું કે "રાજકીય પક્ષો ખૂબ જ સંગઠિત રીતે કામ કરતા હોય છે અને POSH કાયદામાં તો ઘરકામ જેવા અસંગઠિત ક્ષેત્રમાંનાં કામનો પણ સમાવેશ થાય છે. તેથી રાજકીય પક્ષોને આ કાયદામાંથી મુક્તિ આપી શકાય નહીં."

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

વડા ન્યાયમૂર્તિ બી. આર. ગવઈના વડપણ હેઠળની ખંડપીઠમાં ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રન અને ન્યાયાધીશ એ. એસ. ચાંદુરકરનો સમાવેશ થતો હતો.

વડા ન્યાયમૂર્તિએ સવાલ કર્યો હતો કે "રાજકીય પક્ષો કોઈને રોજગાર આપતા નથી ત્યારે તેમને વર્કપ્લેસ કે ઑફિસ કેવી રીતે ગણી શકાય?"

તેમણે ઉમેર્યું હતું, "કોઈ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષમાં જોડાય છે ત્યારે તે રોજગાર નથી, કારણ કે કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી. પ્રસ્તુત અરજી સ્વીકારવી તે વિવાદનો મધપુડો છંછેડવા જેવું હશે."

રાજકીય પક્ષો પર POSH લાગુ કરવાની જરૂર છે?

એક તરફ ખાનગી કંપનીઓ, યુનિવર્સિટીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મીડિયા સંસ્થાઓ અને સ્પૉર્ટ્સ સંસ્થાઓને સુદ્ધાં POSH કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે, પરંતુ જેમાં લાખો મહિલા કાર્યકરો હોય છે તેવા રાજકીય પક્ષોને આ કાયદો લાગુ પડતો નથી.

અમે વિવિધ રાજકીય પક્ષોમાં કાર્યરત મહિલા નેતાઓ સાથે વાત કરી હતી.

જાતીય સતામણીના મુદ્દા સંબંધી ફરિયાદોના નિવારણ માટે એક વ્યવસ્થા હોવી જોઈએ, એ બાબતે આ નેતાઓ સર્વસમંત છે.

POSH કાયદા મુજબ, દસથી વધુ કર્મચારીઓ ધરાવતી કોઈ પણ સંસ્થામાં આઈસીસી હોવી આવશ્યક છે.

વિવિધ રાજકીય પક્ષોમાં મહિલાઓ સહિતના અનેક લોકો કામ કરતા હોય છે, પરંતુ તેમની વચ્ચે માલિક-કર્મચારીનો સંબંધ હોતો નથી, એવું અદાલતે કહ્યું છે. એવા લોકોને કર્મચારી ગણી શકાય? રાજકીય પક્ષોનાં કાર્યાલયોને વર્કપ્લેસ ગણી શકાય?

આ સવાલોના જવાબમાં શોભા ગુપ્તાએ કહ્યું હતું, "આજે મોટાભાગના રાજકીય પક્ષો પાસે પોતાની સુસજ્જ ઑફિસો છે. POSH કાયદાની જોગવાઈ મુજબ, તમે તમારા માલિક સાથે બસમાં પ્રવાસ કરતા હો તો બસને પણ વર્કપ્લેસ ગણી શકાય છે. મૂળભૂત રીતે 'વર્કપ્લેસ' અને 'પીડિત મહિલા'ની વ્યાખ્યા આ કાયદામાં વ્યાપક રાખવામાં આવી છે. તેથી આ સંદર્ભમાં પણ POSH કાયદો લાગુ પાડવો જોઈએ."

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે "(સીપીઆઈ-એમ જેવા) કેટલાક રાજકીય પક્ષોએ આઈસીસીની રચના કરી છે ત્યારે અન્ય પક્ષોમાં (બીજેપી, કૉંગ્રેસ, આપ) આવું કોઈ માળખું નથી અથવા તેઓ પારદર્શકતા પ્રદાન કરતા નથી. કાનૂની આદેશનો અભાવ પાલનમાં અસંગતતા, અપૂરતા પક્ષણ અને ઉત્પીડન બાબતે મૌનની સંસ્કૃતિમાં પરિણમે છે."

સીપીઆઈ (એમ)ની આઈસીસીનાં અધ્યક્ષ કે. હેમલતાએ કહ્યું હતું, "સીપીઆઈ (એમ)માં છેલ્લાં ચાર વર્ષથી આ સમિતિ કાર્યરત છે. અમે તાજેતરમાં રાષ્ટ્રીય કારોબારી માટે જેન્ડર સેન્સિટાઇઝેશન વર્કશૉપનું આયોજન કર્યું હતું. અમે માનીએ છીએ કે અન્ય પક્ષોએ પણ આવી સમિતિ બનાવવી જોઈએ."

સીપીઆઈ (એમ)ના પોલિટ બ્યૂરોના સભ્ય અશોક ધવલેએ કહ્યું હતું, "અમારા પક્ષની સમિતિને દેશભરમાંથી ફરિયાદો મળે છે. સમિતિ સંપૂર્ણપણે સ્વાયત છે. તે એકવાર નિર્ણય લઈ લે પછી તેને પક્ષની કોઈ પણ સમિતિ ઉલટાવી શકતી નથી."

અન્ય રાજકીય પક્ષોમાં સમાન વ્યવસ્થા છે કે કેમ, તે જાણવાનો પ્રયાસ અમે કર્યો હતો.

શિવસેના (યુબીટી)નાં ઉપનેતા સુષ્મા અંધારેએ આ સંબંધે કહ્યું હતું, "ભારતીય બંધારણનાં ત્રીજા પ્રકરણના અનુચ્છેદ 14 મુજબ ભારતમાં રહેતી દરેક વ્યક્તિ કાયદાની સમક્ષ સમાન છે. રાજકારણના ગુનાખોરીકરણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મહિલાઓને વધારે સુરક્ષાની જરૂર પડે છે. કેટલાક મોટા રાજકીય પક્ષોએ ભલે POSH કાયદા હેઠળ આઈસીસીની રચના કરી હોય, પરંતુ એ સમિતિઓ કેટલી અસરકારક છે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ."

સુષ્મા અંધારેએ ઉમેર્યું હતું, "અમારા જેવી, સુક્ષ્મ-લઘુમતી પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓ માટે રાજકીય વાતાવરણ અસલામત છે. તેથી હું માનું છું કે દરેક રાજકીય પક્ષમાં આઈસીસી હોવી જોઈએ, પરંતુ તેમની સ્વાયતતાનો મુદ્દો મહત્ત્વનો છે. તેથી મહિલા સુરક્ષા માટે એક રાષ્ટ્રીય સમિતિ હોવી જોઈએ અને તેમાં સત્તાવાર રીતે માન્યતાપ્રાપ્ત તમામ રાષ્ટ્રીય પક્ષોનાં મહિલા નેતાઓનો સમાવેશ કરવો જોઈએ."

'રાજકીય કામ મહત્ત્વપૂર્ણ નથી?'

રાષ્ટ્રીય જનતા દળનાં રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ભારતીએ કહ્યું હતું, "સુપ્રીમ કોર્ટનો ચુકાદો દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે કહ્યું છે કે રાજકીય પક્ષો વર્કપ્લેસ કે ઑફિસ નથી, પરંતુ ઘણી મહિલાઓ પક્ષના પ્રચારનું ફૂલ-ટાઇમ કામ કરતી હોય છે. બેઠકોમાં હાજરી આપતી હોય છે. તેથી કોર્ટે એ મહિલાઓના કામને પણ ધ્યાનમાં ન લીધું હોય એવું લાગે છે."

રાષ્ટ્રીય જનતા દળમાં આઈસીસી જેવી વ્યવસ્થા બાબતે પ્રિયંકા ભારતીએ કહ્યું હતું, "અમારે ત્યાં આઈસીસીની રચનાની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં તેની સ્થાપના કરીશું, પરંતુ અમારા પક્ષમાં અત્યારે સમિતિ છે કે કેમ તેની મને ખબર નથી."

સીપીઆઈ (એમ)ના પોલિટ બ્યૂરોનાં સભ્ય મરિયમ ધવલેએ કહ્યું હતું, "સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ, રાજકીય પક્ષોને ઑફિસ ન ગણવામાં આવે તો પણ તમામ રાજકીય પક્ષો એક વ્યવસ્થા હેઠળ કામ કરે છે. તેમની પાસે રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે કાર્યાલયો છે. આ વ્યવસ્થામાં કામ કરતી મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટનો પ્રસ્તુત ચુકાદો રાજકારણમાં કાર્યરત મહિલાઓની સલામતીના મુદ્દા વધારે ગંભીર બનાવી શકે છે."

આંકડાઓ શું કહે છે?

રાજનીતિમાં મહિલાઓ સાથે વ્યાપક દુર્વ્યવહારને યુએન વિમૅન (2013) અને ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (2016)ના અભ્યાસોમાં હાઇલાઇટ કરવામાં આવ્યો હતો.

ભારતમાંનાં સર્વેક્ષણો દર્શાવે છે કે 45 ટકા મહિલા રાજકારણીઓ શારીરિક દુર્વ્યવહારનો સામનો કરે છે, જ્યારે 49 ટકા મહિલા રાજકારણીઓ મૌખિક દુર્વ્યવહારનો સામનો કરે છે. એ કારણસર તેઓ તેમની સાથે કરવામાં આવતા દુર્વ્યવહારને રિપોર્ટ કરી શકતી નથી અને તેમની ભાગીદારી પણ ઘટે છે.

દક્ષિણ એશિયન દેશો માટે કરવામાં આવેલા પ્રસ્તુત અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે રાજકારણમાં મહિલાઓને દબાવવા અથવા રાજકીય પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી નિયંત્રિત કરવાના હેતુથી કરવામાં આવતી હિંસાનો સામનો તેમણે કરવો પડે છે.

આંતરરાષ્ટ્રીય સંગઠન ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે 82 ટકા મહિલા સાંસદો માનસિક દુર્વ્યવહારનો સામનો કરે છે. એ દુર્વ્યવહારમાં જાતીય ધમકીઓ અને કૉમેન્ટ્સનો સમાવેશ થાય છે.

ભારતીય રાજકારણમાં તો મહિલાઓનું પ્રતિનિધિત્વ આમ પણ ઓછું છે. પીઆરએસ ઇન્ડિયાના ડેટા મુજબ, લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14 ટકાની આસપાસ છે.

કર્ણાટક જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રજ્વલ રેવન્ના સામે 2024માં જાતીય હુમલા અને બળાત્કાર સંબંધી અનેક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ઘણી મહિલાઓના ઉત્પીડનના અને એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ તેનો ઑનલાઇન પીછો કરવાના આક્ષેપો પછી 2025માં કૉંગ્રેસના ધારાસભ્ય રાહુલ મામાકૂટથિલને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કેરળ પોલીસે આ મામલે આપમેળે ફરિયાદ દાખલ કરી હતી.

રાજકીય પક્ષોના પાયાના કાર્યકરોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે છે. નિષ્ણાતો માને છે કે મહિલાઓ માટે સલામતીની કોઈ વ્યવસ્થા નહીં હોય તો રાજકારણમાં તેમની ભાગીદારી અવરોધાશે.

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી ત્યારથી રાજકારણમાં મહિલાઓ માટે તમામ કાનૂની માર્ગો બંધ થઈ ગયા છે?

આ પ્રશ્નના જવાબમાં નિષ્ણાતોએ કહ્યું હતું, "આ નિશ્ચિત રીતે સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો નથી. રાજકીય પક્ષોને POSH કાયદાના દાયરામાં લાવવા માટે અન્ય અરજીઓ પણ કરી શકાય તેમ છે. લડાઈ હજુ પૂર્ણ થઈ નથી. તેથી મહિલાઓએ નિરાશ થવાનું કોઈ કારણ નથી."

જોકે, POSH કાયદાના અમલીકરણને વધુ મજબૂત બનાવવા અને કાયદા પ્રત્યેની સામાજિક સમજ તથા ધારણાને બદલવા માટે જાહેર ચર્ચા તેમજ લેખિત સંસાધનોના વિસ્તારની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન