ગુજરાત હાઇકોર્ટે યૂસુફ પઠાણ અંગે કડક ટિપ્પણી કેમ કરી, શું છે સમગ્ર મામલો?

ગુજરાત હાઇકોર્ટે ભૂતપૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્ય યૂસુફ પઠાણને વડોદરામાં તેના બંગલાની બાજુની એક જગ્યા પરનો કબજો છોડી દેવાનો આદેશ આપ્યો છે.

હાઇકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે વિખ્યાત હસ્તીઓ તથા સેલિબ્રિટીઝની જવાબદારી અન્ય લોકો કરતાં ઘણી વધારે છે અને કાયદાના ઉલ્લંઘનના કિસ્સામાં તેમને કોઈ છૂટ આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશો જાય છે.

ગુજરાત હાઇકોર્ટે યૂસુફ પઠાણની અરજીને ફગાવી દીધી હતી અને જમીન પરનો 'ગેરકાયદે' કબજો હટાવવાનો આદેશ વડોદરા મહાનગરપાલિકાને આપ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકાના એક અધિકારીએ 12 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે યૂસુફ પઠાણ પાસેથી જમીનનો ગેરકાયદે કબજો પાછો મેળવવાની પ્રક્રિયા મહાનગરપાલિકાએ શરૂ કરી દીધી છે.

હાઇકોર્ટે 21 ઑગસ્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો, પરંતુ તે આદેશ કોર્ટની વેબસાઇટ પર બીજી સપ્ટેમ્બરે અપલોડ કરવામાં આવ્યો હતો.

શું છે કેસ તથા ઉચ્ચ અદાલતે શું કહ્યું?

આ જગ્યાનું ઍલોટમેન્ટ મેળવવા માટે યૂસુફ પઠાણે માર્ચ 2012માં અરજી કરી હતી.

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે 978 ચોરસ મીટરની આ જગ્યા સલામતીના કારણોસર તેમને ફાળવવામાં આવવી જોઈએ, કારણ કે આ ભૂખંડ તેમના બંગલાને અડીને આવેલો છે.

વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ વૅલ્યૂએશનની પ્રક્રિયા બાદ 2012ની 30 માર્ચે પ્રસ્તુત ભૂખંડ યૂસુફ પઠાણને ફાળવવાનો નિર્ણય કર્યો હતો અને તેની કિંમત પ્રતિ મીટર રૂ. 57,270 નક્કી કરી હતી.

બે મહિના પછી મહાનગરપાલિકાની જનરલ બૉડીએ પણ આ નિર્ણયને સંમતિ આપી હતી. પ્રસ્તુત કિસ્સામાં જમીન લિલામ વગર ફાળવવાની હોવાથી મહાનગરપાલિકાએ તેની ભલામણ ગુજરાત સરકારને મોકલી હતી.

ગુજરાત સરકારે જૂન 2012માં મહાનગરપાલિકાની તે ભલામણને ફગાવી દીધી હતી, પરંતુ ભૂખંડ પર યૂસુફ પઠાણનો કબજો યથાવત્ રહ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે જૂન 2024માં યૂસુફ પઠાણને એક નોટિસ પાઠવીને સરકારી જમીન ખાલી કરવા જણાવ્યું હતું.

યૂસુફ પઠાણે તે નોટિસને પડકારતાં ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.

યૂસુફ પઠાણે અરજીમાં શું જણાવ્યું હતું?

આ મામલામાં યૂસુફ પઠાણે 2024ની 20 જૂને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

યૂસુફ પઠાણે તેની અરજીમાં જણાવ્યું હતું કે આ મામલો દસથી વધુ વર્ષ જૂનો છે અને જે ભૂખંડ બાબતે નોટિસ મોકલવામાં આવી છે તે પોતાના (પઠાણના) કબજામાં હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ 'અતિક્રમણ હટાવવા' અને મહાનગરપાલિકાનો પ્લૉટ ખાલી કરવાની નોટિસ આપવાને બદલે કારણ દર્શક નોટિસ આપવાની જરૂર હતી. આ જમીન ખરીદવાની તક અમને આપવી જોઈએ, એવું પણ પઠાણે જણાવ્યું હતું.

યૂસુફ પઠાણે અરજીમાં એવી દલીલ પણ કરી હતી કે જમીન મહાનગરપાલિકાની હોવાથી રાજ્ય સરકાર એ જમીનને વેચવાની મનાઈ કરી શકે નહીં.

કોર્ટમાં શું-શું થયું?

ન્યાયમૂર્તિ મોના ભટ્ટે પોતાનાં 28 પાનાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકતાં એવી ટિપ્પણી કરી હતી કે સેલિબ્રિટીઝ સોશિયલ રૉલ મૉડેલ તરીકે કામ કરતાં હોય છે અને તેમની જવાબદારી વધારે હોય છે.

કાયદાનું ઉલ્લંઘન કરવા છતાં આવા લોકોને છૂટ આપવાથી સમાજમાં ખોટો સંદેશો જાય છે તેમજ ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ઘટે છે.

યૂસુફ પઠાણની અરજીને ફગાવી દેતાં ન્યાયમૂર્તિ મોના ભટ્ટે જણાવ્યું હતું કે અરજદારને જે જમીન પર 'અતિક્રમણ' કર્યું છે તેના પરનો કબજો યથાવત્ રાખવાની પરવાનગી આપી શકાય નહીં, એવું અદાલત માને છે.

આ અગાઉ યૂસુફ પઠાણનો પક્ષ રજૂ કરતાં વરિષ્ઠ વકીલ યતિન ઓઝાએ જણાવ્યું હતું કે 1949ના ગુજરાત મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ હેઠળ આ કેસમાં મહાનગરપાલિકાની જમીન વેચવા માટે રાજ્ય સરકારની પરવાનગી જરૂરી નથી. વળી વડોદરા મહાનગરપાલિકાએ 12 વર્ષ સુધી આ કિસ્સામાં કશું કર્યું ન હતું. એક પત્ર પણ લખ્યો ન હતો અને પછી 2024માં અચાનક એક આદેશ બહાર પાડ્યો હતો.

યતિન ઓઝાએ એવી દલીલ પણ કરી હતી કે યૂસુફ પઠાણને પશ્ચિમ બંગાળમાંથી લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા પછી તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ટાઇમિંગ અત્યંત મહત્ત્વનું છે. યૂસુફ પઠાણે જમીન માટે વર્તમાન બજાર ભાવ ચૂકવવાની ઑફર પણ કરી હોવાનું ઓઝાએ જણાવ્યું હતું.

વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનનુું શું કહેવું છે?

વડોદરા મહાનગરપાલિકાનો પક્ષ રજૂ કરતાં વકીલ મૌલિક નાણાવટીએ જણાવ્યું હતું કે એ ભૂખંડ પર યૂસુફ પઠાણને કાયદેસરનો કોઈ અધિકાર નથી, કારણ કે તેમને ફાળવણીનો આદેશ આપવામાં આવ્યો નથી અને કોઈ ચૂકવણી પણ કરવામાં આવી નથી.

મૌલિક નાણાવટીએ કહ્યું હતું, "કોઈ ભૂખંડ પર લાંબા સમયથી કબજો મિલકતની માલિકીનો અધિકાર આપતો નથી. જમીનનું વેચાણ હરાજી દ્વારા થવું જોઈએ. અરજદાર સૌથી વધુ બોલી લગાવે તો તેમને અગ્રતા આપવામાં આવે તે શક્ય છે."

યૂસુફ પઠાણ કોણ છે?

યૂસુફ પઠાણ 2007 અને 2011માં વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હતા. 2024માં રાજકીય મેદાનમાં પ્રવેશતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી.

લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાની બહેરામપુર બેઠક પરથી મેદાનમાં ઉતરેલા યૂસુફ પઠાણે કૉંગ્રેસના અધિર રંજન ચૌધરીને હરાવ્યા હતા. યૂસુફ પઠાણની તે જીત ઐતિહાસિક હતી, કારણ કે અઘિર રંજન ચૌધરી છેલ્લાં 25 વર્ષમાં પહેલી વખત એ બેઠક પરથી હારી ગયા હતા.

યૂસુફના ભાઈ ઇરફાન પઠાણ પણ અનેક વર્ષો સુધી ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હતા. યૂસુફ આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમૅન પણ છે. તેમણે 2010માં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમતાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની એક મૅચમાં માત્ર 37 બૉલમાં સદી ફટકારી હતી.

યૂસુફ પઠાણ 2007માં ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત માટે પહેલી મૅચ રમ્યા હતા. વીરેન્દ્ર સહેવાગ ફીટ ન હોવાથી યૂસુફનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ટી20ની ફાઇનલમાં ઇન્ટરનૅશનલ ડૅબ્યૂ કર્યું હોય એવા તેઓ વિશ્વના એકમાત્ર ખેલાડી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન