You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વક્ફ ઍક્ટ અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, ત્રણથી વધુ બિન-મુસ્લિમ સભ્યો નહીં
એક વચગાળાના આદેશમાં, સુપ્રીમ કોર્ટે સમગ્ર વક્ફ સુધારા અધિનિયમ 2025 પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે.
જોકે, સુપ્રીમ કોર્ટે આ કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે આપ્યો છે, જેના પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો હતો.
આ સુધારા અંગે 100થી વધુ લોકોએ અરજી દાખલ કરી હતી અને આ કાયદાને ગેરબંધારણીય અને મુસ્લિમોની સંપત્તિ હડપ કરનારો ગણાવ્યો હતો.
જ્યારે સરકારનું કહેવું છે કે નવો કાયદો વક્ફ બોર્ડમાં સુધારા અને પારદર્શિતા સુનિશ્ચિત કરશે. તે જાહેર અને ખાનગી મિલકતો પર મોટા પાયે "અતિક્રમણ" રોકવા માટે કામ કરશે.
મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈની આગેવાની હેઠળની બૅન્ચે મે મહિનામાં સતત ત્રણ દિવસ સુધી કેસની સુનાવણી કરી અને 22 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે, સમગ્ર કાયદા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતી વખતે, કેટલાક વિભાગો પર રક્ષણની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા ત્રણથી વધુ ન હોઈ શકે અને કેન્દ્રીય વક્ફ પરિષદમાં આ સંખ્યા ચારથી વધુ ન હોઈ શકે.
- કોર્ટે તે કલમ પર પણ સ્ટે આપ્યો છે જે હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટને જાહેર કરાયેલ વકફ મિલકત સરકારી મિલકત છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
- કોર્ટે કહ્યું કે કલેક્ટરને નાગરિકોના વ્યક્તિગત અધિકારો પર નિર્ણય લેવાની મંજૂરી આપી શકાય નહીં. આ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરશે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી નિયમો ન બને ત્યાં સુધી, મિલકતને વકફ તરીકે જાહેર કરતા પહેલાં પાંચ વર્ષ સુધી ઇસ્લામના અનુયાયી હોવાની શરત પણ અમલમાં રહેશે.
જોકે, સુપ્રીમ કોર્ટે મિલકત નોંધણી સંબંધિત મુદ્દા પર કોઈ સ્ટે લગાવ્યો નથી.
સીજેઆઈ ગવઈએ કહ્યું, "અમને જાણવા મળ્યું કે રજીસ્ટ્રેશન વર્ષ 1995થી 2013 સુધી ચાલી રહ્યું હતું. તેથી તેમાં કંઈ નવું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જોગવાઈઓ સામે વાંધો છે
વકફ (સુધારા) અધિનિયમ 2025માં સૌથી મોટો વાંધો ડીએમ એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તાઓ અંગે છે.
સુધારા બિલમાં એવી જોગવાઈ છે કે જો આવી મિલકત અથવા જમીન પહેલાંથી જ સરકારના કબજામાં હોય અને વકફ બોર્ડે પણ તેને વકફ મિલકત હોવાનો દાવો કર્યો હોય, તો દાવો ડીએમના વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે.
આ મુજબ, કલેક્ટર વક્ફ દ્વારા દાવો કરાયેલી આવી જમીન જે સરકારના કબજામાં છે તે અંગે સરકારને પોતાનો અહેવાલ મોકલી શકે છે.
કલેક્ટરના અહેવાલ પછી, જો તે મિલકત સરકારી મિલકત તરીકે સ્વીકારવામાં આવે, તો તે મહેસૂલ રેકૉર્ડમાં કાયમ માટે સરકારી મિલકત તરીકે નોંધાઈ જશે.
કાયદામાં વકફ બોર્ડનો સર્વે કરવાનો અધિકાર નાબૂદ કરવામાં આવ્યો છે. હવે વકફ બોર્ડ સર્વે કરી શકશે નહીં અને કહી શકશે નહીં કે મિલકત વકફ છે કે નહીં.
આ કાયદા હેઠળ, વકફ દ્વારા દાવો કરાયેલી મિલકતો પરનો અધિકાર હવે જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો છે.
વકફ કાઉન્સિલની રચના અંગે પણ વિવાદ છે. સેન્ટ્રલ વકફ કાઉન્સિલના બધા સભ્યો મુસ્લિમ હોવા જોઈએ, પરંતુ હવે બે બિન-મુસ્લિમ સભ્યો માટે જોગવાઈ છે.
આ સાથે, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના મુસ્લિમ સભ્યોમાં બે મહિલા સભ્યો હોવાં ફરજિયાત છે.
આ ઉપરાંત, શિયા અને સુન્ની સિવાય બોહરા અને આગાખાની માટે અલગ બોર્ડ બનાવવાની વાત ચાલી રહી છે. હાલમાં, ફક્ત ઉત્તર પ્રદેશ અને બિહારમાં જ શિયા વકફ બોર્ડ છે.
લોકસભાથી કોર્ટ સુધી શું થયું?
2 એપ્રિલ: વક્ફ સુધારા બિલ લોકસભામાં પસાર થયું. બિલના પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા. બીજા દિવસે, 3 એપ્રિલના રોજ, રાજ્યસભામાં મોડી રાત્રે બિલ પસાર થયું. રાજ્યસભામાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા.
5 એપ્રિલ: આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી અને ત્યાર બાદ તે કાયદો બન્યો.
16 એપ્રિલ: વક્ફ સુધારા કાયદાને પડકારતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે અનેક ટિપ્પણીઓ કરી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું તે હિન્દુ સમુદાયના ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમ કે બિન-હિંદુને સ્થાન આપવાનું વિચારી રહી છે?
17 એપ્રિલ: વકફ સુધારા કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, સરકારે કોર્ટને કેટલીક ખાતરીઓ આપી હતી. કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ માટે પૂરતી સુનાવણીની જરૂર છે. તુષાર મહેતાએ પણ ખાતરી આપી હતી કે સરકાર બે જોગવાઈઓ લાગુ કરશે નહીં. પ્રથમ, વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોની નિમણૂક કરવામાં આવશે નહીં. બીજું, જે વકફ મિલકતો હાલમાં નોંધાયેલી છે અથવા સૂચિત છે તેમની સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આ ખાતરીઓને 'રેકૉર્ડ પર' લીધી.
5 મે: સીજેઆઈ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે વકફ (સુધારા) અધિનિયમ, 2024ને પડકારતી અરજીઓ પર વિગતવાર સુનાવણીની જરૂર છે અને તેમની નિવૃત્તિને ધ્યાનમાં રાખીને જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બૅન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે.
15 મે: સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી 20 મેના રોજ નક્કી કરી.
20 મે: CJI બીઆર ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યૉર્જ મસીહની બેન્ચે સુનાવણી શરૂ કરી. સુનાવણી વકફ સુધારામાં કોઈ વચગાળાના આદેશની જરૂર છે કે કેમ તે અંગે હતી. સુનાવણી દરમિયાન, અરજદારોએ બે જોગવાઈઓ રોકવાનો આગ્રહ રાખ્યો હતો, પ્રથમ તો વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોની નિમણૂક માટેની જોગવાઈઓ બંધ કરવી જોઈએ, અને બીજું કે 'વકફ બાય યુઝર' નાબૂદ કરવાની જોગવાઈ પણ બંધ કરવી જોઈએ. વકફ બાય યુઝર એ વકફ મિલકતોનો ઉલ્લેખ કરે છે જેનો ઉપયોગ લાંબા સમયથી વકફ કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે, અને તેના કારણે તેમને વકફનો દરજ્જો મળ્યો છે. કેન્દ્ર સરકારે કોઈપણ પ્રકારના વચગાળાના સ્ટેનો વિરોધ કર્યો હતો.
22 મે: સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો.
વક્ફ પાસે કેટલી મિલકત છે?
વકફ એ કોઈપણ જંગમ કે સ્થાવર મિલકત છે જે ઇસ્લામમાં માનતા કોઈપણ વ્યક્તિ દ્વારા અલ્લાહના નામે અથવા ધાર્મિક હેતુઓ માટે અથવા પરોપકાર હેતુઓ માટે દાન કરવામાં આવે છે.
આ મિલકત સમાજના ભલા માટે સમાજને ઉપલબ્ધ બને છે અને અલ્લાહ સિવાય બીજું કોઈ તેનો માલિક નથી અને હોઈ શકે પણ નહીં.
વકફ વેલફેર ફોરમના ચેરમૅન જાવેદ અહેમદ કહે છે, "વકફ એક અરબી શબ્દ છે. જ્યારે કોઈ મિલકત અલ્લાહના નામે વકફ કરવામાં આવે છે, ત્યારે તે હંમેશાં અલ્લાહના નામે રહે છે. પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી."
ભારતની સર્વોચ્ચ અદાલતે જાન્યુઆરી 1998માં આપેલા પોતાના એક નિર્ણયમાં એમ પણ કહ્યું હતું કે 'એકવાર મિલકત વકફ થઈ જાય પછી, તે કાયમ માટે વકફ રહે છે.'
વકફ મિલકતો ખરીદી કે વેચી શકાતી નથી કે કોઈને ટ્રાન્સફર પણ કરી શકાતી નથી.
લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, વકફ બોર્ડ પાસે હાલમાં સમગ્ર ભારતમાં લગભગ 8.7 લાખ મિલકતો છે, જે લગભગ 9.4 લાખ એકર જમીનમાં ફેલાયેલી છે. તેમની કુલ કિંમત લગભગ 1.2 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
વિશ્વમાં સૌથી વધુ વકફ મિલકતો ભારતમાં છે. સેના અને રેલવે પછી, વકફ બોર્ડ ભારતમાં સૌથી વધુ જમીન ધરાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન