You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોટાદ : 'પોલીસે મારા સગીર ભાઈને એટલો માર્યો કે કિડની ફેઇલ થઈ,' પોલીસ પર ક્રૂરતાના કેવા ગંભીર આરોપ લાગ્યા?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
બોટાદ જિલ્લામાં 17 વર્ષીય સગીર પર પોલીસ અત્યાચારનો એક ચોંકાવનારો કિસ્સો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો છે.
સગીર છોકરાના પરિવારજનોનો આરોપ છે કે બોટાદ પોલીસે સગીરને ગેરકાયદે કસ્ટડીમાં રાખી ઘાતક રીતે માર માર્યો હતો, જેના કારણે તેની તબિયત બગડી ગઈ હતી.
જોકે, સુપ્રીમ કોર્ટે અરજદારને ગુજરાત હાઇકોર્ટમાં જવા જણાવ્યું હતું.
હાલમાં આ છોકરો અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ ગંભીર ઘટના પછી ગુજરાત પોલીસે ચાર પોલીસકર્મી સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આરોપીઓમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી કૌશિક જાની, અજય રાઠોડ, યોગેશ સોલંકી, કુલદિપસિંહ વાઘેલા અને અન્ય એક વ્યક્તિ સામેલ છે.
જાણીએ કે સમગ્ર મામલો શું છે અને પોલીસ એફઆઇઆરમાં શું નોંધવામાં આવ્યું છે?
( આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે )
ત્રણ અનાથ ભાઈ-બહેનનો સંઘર્ષ
19 વર્ષીય તરુણી નાઝનીને (નામ બદલવામાં આવ્યું છે) માત્ર ત્રણ વર્ષની ઉંમરે પોતાના પિતાને ગુમાવ્યા હતા. થોડા સમય પછી જ આ દીકરીએ માતાનો સાથ પણ ગુમાવ્યો હતો. આજે તેમની પાસે ભાઈ-બહેન અને દાદા-દાદીનો એકમાત્ર આધાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાઝનીન પોતે કૅટરિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રોજના આશરે 200 રૂપિયા કમાતી હતી, જ્યારે તેમના 17 વર્ષીય ભાઈ અઝીમ (નામ બદલાવવામાં આવ્યું છે) બોટાદના એક ફૅબ્રિકેશન યુનિટમાં કામ કરતો હતો.
14 વર્ષીય નાની બહેન સાથે મળીને બંને ભાઈ-બહેન દાદા-દાદીને સાચવી રહ્યાં હતાં. પરંતુ હવે ભાઈ પર થયેલા અત્યાચાર બાદ આખું કુટુંબ ભાંગી ગયું છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નાઝનીને કહ્યું હતું કે, "આરોપી પોલીસકર્મીઓ અને બીજી વ્યક્તિઓએ મારા ભાઈ પર જે અત્યાચાર કર્યો છે તેના માટે તેમને કાયદાની પ્રક્રિયા હેઠળ કઠોરમાં કઠોર સજા થવી જોઈએ. અમે બધું ગુમાવ્યા પછી પણ ખુશીથી જીવતાં હતાં, પરંતુ તેમણે અમારી ખુશી છીનવી લીધી."
શું છે સમગ્ર મામલો?
19 ઑગસ્ટ, 2025ના રોજ અઝીમને બે લોકોએ ચોરીની શંકા હેઠળ પકડીને પોલીસને હવાલે કરી દીધા હતા.
બાદમાં પોલીસે તેમને કસ્ટડીમાં લીધો હતો. અઝીમના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસે અઝીમને માર માર્યો હતો અને પછી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનેક દિવસો સુધી ખોરાક કે પાણી આપ્યા વગર રાખવામાં આવ્યા હતા.
નાઝનીને બીબીસીને જણાવ્યું હતું કે, "પોલીસ તેને રાત્રિના સમયે પણ માર મારતી હતી. તેને ઊંઘવા દેતા નહોતા. સતત પેટમાં લાત મારી અને તેને પાણી પણ પીવા દેતા નહોતા. તેના કારણે અઝીમની કિડનીઓ ફેઇલ થઈ ગઈ છે અને તે ડાયાલિસિસ પર છે."
જોકે, નાઝનીન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પ્રમાણે, પોલીસ સ્ટેશનમાં તેમના ભાઈનું 'યૌન શોષણ' પણ કરવામાં આવ્યું હતું.
નાઝનીને કહ્યું હતું કે, "મારો ભાઈ એટલો ગભરાઈ ગયો છે કે હવે તે પોલીસ વિરુદ્ધ બોલતા ડરે છે. હૉસ્પિટલમાં પણ પોલીસ અધિકારીઓ ધમકી આપવા આવ્યા હતા."
જોકે, વિવિધ રાજકીય નેતાઓ અને ઍક્ટિવિસ્ટ્સ તેમની સાથે આવ્યા એ પછી પોલીસ અધિકારીઓએ 'તેમને મળવા આવવાનું બંધ કરી દીધું' છે.
પોલીસ ફરિયાદમાં શું છે?
કુટુંબના આરોપોને આધારે કૉન્સ્ટેબલ કૌશિક જાની, એએસઆઇ અજય રાઠોડ, કૉન્સ્ટેબલ યોગેશ સોલંકી, કૉન્સ્ટેબલ કુલદીપસિંહ વાઘેલા અને એક અન્ય વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
આ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ, 120-1, 27, 8, જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટની કલમ 75 તથા ગેરકાયદે કસ્ટડીમાં રાખવા સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ થયો છે.
બોટાદના નાયબ પોલીસ અધીક્ષક મહર્ષિ રાવલે પણ આ મામલાની પુષ્ટિ કરી છે.
બોટાદ પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ મહર્ષિ રાવલે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, "ભોગ બનનારે પોતાના પ્રથમ નિવેદનમાં પોલીસ વિરુદ્ધ કોઈ વાત કરી નહોતી. પરંતુ તેમના બીજા નિવેદનને આધારે અમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફરિયાદ પ્રમાણે તેમને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો છે. પોલીસ તે અંગે વધુ તપાસ કરી રહી છે."
પોલીસ એફઆઇઆરને 'સંવેદનશીલ' ગણાવીને જાહેર કરવામાં આવી નથી અને પરિવારજનોનું પણ કહેવું છે કે તેમને એફઆઇઆરની વધુ વિગતો મળી નથી.
પરિવારની માગણી શું છે?
નાઝનીને સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે માગ કરી હતી કે, "આ તમામ પોલીસ અધિકારીઓ સામે POCSOની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવે, અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. એક SITની રચના કરી નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે."
આ ઉપરાંત તેમણે એઇમ્સના ડૉક્ટરોનું બૉર્ડ બનાવીને તેમના ભાઈનો તટસ્થ મેડિકલ રિપોર્ટ તૈયાર કરીને કોર્ટને સુપરત કરવાની પણ અરજી કરી હતી.
તેમની અરજીમાં નોંધવામાં આવ્યું છે કે, "જ્યારે તેમણે ખાનગી હૉસ્પિટલના ડૉક્ટરોને ટૉક્સિકૉલોજી રિપોર્ટ કરવા કહ્યું તો તેમણે એવો કોઈ પણ રિપોર્ટ કરવાથી ઇનકાર કરી દીધો હતો."
સાથે જ પીડિતને સતત કાઉન્સેલિંગ આપવામાં આવે તથા યોગ્ય વળતર અપાવવું જોઈએ એવી પણ માગણી છે.
પરિવારનો એવો પણ આરોપ છે કે જ્યારે અઝીમની તબિયત પોલીસ સ્ટેશનમાં ખરાબ થઈ ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી, પરંતુ સાચી હકીકત જણાવવામાં આવી ન હતી.
નાઝનીન કહે છે કે, "અમને કહેવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં તેને કોઈ ઝેરી જંતુએ કરડી લીધું છે. આથી, તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એટલા માટે અમે ટૉક્સિકૉલૉજી રિપોર્ટની માગણી કરી હતી."
ગુજરાત વિધાનસભામાં પણ મામલો ઉઠાવાયો હતો
કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તાજેતરમાં આ મામલો ગુજરાત વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો.
જિજ્ઞેશ મેવાણીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ કૃત્ય માત્ર ગેરકાયદેસર અને ગેરબંધારણીય જ નથી, પરંતુ અમાનવીય છે. તમામ કસૂરવાર પોલીસકર્મીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે. જેથી કરીને આ પ્રકારનું કસ્ટોડિયલ ટૉર્ચર ફરીથી ગુજરાતમાં ક્યાંય ન થાય."
મુસ્લિમ આગેવાન કલીમુદ્દીન સિદ્દિકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અમે જ્યારે છોકરાની મુલાકાત લીધી તો તે એટલો ડરેલો હતો, કે કંઈ પણ કહી શક્યો ન હતો. હૉસ્પિટલમાં પણ તેને ધમકીઓ મળી રહી હતી. પરંતુ અમે તેને વિશ્વાસમાં લઈ જ્યારે તેને તમામ વિગતો પૂછી તો ખ્યાલ આવ્યો કે તેની સાથે કેટલું અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે."
આ ઘટના અંગે માઇનૉરિટી કો-ઑર્ડિનેશન કમિટીના મુજાહિદ નફીસે ડીજીપી સમક્ષ રજૂઆત કરીને તમામ કસૂરવાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી છે.
પરિવારજનો આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન