You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલી સંરક્ષણ સમજૂતી ભારત માટે મોટો ફટકો કેમ છે?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
સાઉદી અરેબિયા અને પરમાણુ શક્તિ સંપન્ન દેશ પાકિસ્તાન વચ્ચે બુધવારે એક પારસ્પરિક સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.
બંને દેશો વચ્ચે આ સંરક્ષણ સમજૂતી ત્યારે થઈ છે, જ્યારે ઇઝરાયલે કતારના પાટનગર દોહામાં હુમલો કર્યો હતો અને કેટલાક મહિના પહેલાં જ પાકિસ્તાનનો ભારત સાથે સૈન્ય સંઘર્ષ થયો હતો.
આવી સ્થિતિમાં આ સમજૂતી ન માત્ર બંને દેશો માટે મહત્ત્વની મનાઈ રહી છે, પરંતુ તેની પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયા પર પણ અસર પડશે એવી વાત કરાઈ રહી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ 17 સપ્ટેમ્બરના રોજ સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે શહબાઝ શરીફને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આમંત્રિત કર્યા હતા.
સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે, "પાકિસ્તાની વડા પ્રધાન અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે સ્ટ્રેટેજિક મ્યુચુઅલ ડિફેન્સ ઍગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશ કોઈ પણ આક્રમકતા વિરુદ્ધ સાથે મળીને કામ કરશે. જો બંને દેશો પૈકી કોઈ એકનીય વિરુદ્ધ કોઈ આક્રમક થાય છે તો એ બંનેની વિરુદ્ધ મનાશે."
ભારત માટે ફટકો કેમ?
આવી સ્થિતિમાં સવાલ ઊઠે છે કે ભારતે ભવિષ્યમાં પાકિસ્તાન વિરુદ્ધ 'ઑપરેશન સિંદૂર' જેવી કોઈ કાર્યવાહી કરી તો શું સાઉદી અરેબિયા પાકિસ્તાન સાથે જશે?
આ જ પ્રશ્ન સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા તલમીઝ અહમદને પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, "હાલ એવું નથી લાગતું કે ભારત માટે આ બહુ મોટો ફટકો છો, પરંતુ લાંબા ગાળાની દૃષ્ટિએ આને જોવામાં આવે તો આ બાબત ભારત માટે કોઈ પણ રીતે સારી નથી."
તલમીઝ અહમદ કહે છે કે, "પાકિસ્તાન પશ્ચિમ એશિયામાં ખૂબ જ પ્રાસંગિક થઈ ગયું છે અને ભારત ક્યાંય નથી દેખાઈ રહ્યું. ખાડી દેશ પોતાના રક્ષણ માટે પાકિસ્તાન, તુર્કી અને ચીનની તરફ જોઈ રહ્યા છે અને આ ત્રણેય દેશ આ વિસ્તારમાં ઘણા મહત્ત્વપૂર્ણ થઈ ગયા છે. 'ઑપરેશન સિંદૂર' દરમિયાન પણ આ ત્રણેય દેશો ભારત વિરુદ્ધ એક હતા. આવી સ્થિતિમાં ભારત માટે આ એક ફટકો તો ખરો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ એશિયાના જિયોપૉલિટિક્સ પર ઊંડી નજર રાખતા માઇકલ કુગલમૅને ઍક્સ પર લખ્યું છે કે, "પાકિસ્તાને ન માત્ર એક નવી પારસ્પરિક સંરક્ષણ સમજૂતી કરી છે, બલકે એ દેશ સાથે કરી છે, જે ભારતનો ટોચનો સાથીદાર છે. આ સમજૂતી ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા નહીં રોકે, પરંતુ ત્રણ મહત્ત્વપૂર્ણ શક્તિઓ ચીન, તુર્કી અને પાકિસ્તાન એક સાથે આવી ગયા છે, પાકિસ્તાન હાલ ખૂબ સારી સ્થિતિમાં છે."
આ સમાધાન પર ભારતના વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવાયું છે, "અમે આ સમજૂતીની ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની સાથોસાથ ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિ પર પડનારી અસરનું અધ્યયન કરીશું. સરકાર ભારતનાં રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે."
એટલે કે ભારત પણ રાષ્ટ્રીય સુરક્ષા પર અસરની જ વાત કરી રહ્યું છે. ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલ આને ખૂબ ગંભીર માની રહ્યા છે.
કંવલ સિબ્બલે ઍક્સ પર લખ્યું છે, "આ સમજૂતીનો અર્થ છે કે સાઉદી અરેબિયાના ફંડનો ઉપયોગ પાકિસ્તાનના સૈન્યને મજબૂત કરવા માટે થશે. પાકિસ્તાન ઇઝરાયલ વિરુદ્ધ ખૂલીને આરબ દેશોને પરમાણુ સુરક્ષા આપવાની વાત કરી રહ્યું છે."
પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની ભાગીદારી એ કોઈ નવી વાત નથી, પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે હાલની ભાગીદારી ભારતને વધુ પરેશાન કરી શકે છે.
પાકિસ્તાન ફરી પ્રાસંગિક થયું
અમેરિકાની ડેલવાયર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર મુક્તદર ખાન કહે છે કે, "ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો ભલે સાઉદી અરેબિયા પોતાના સૈનિકોને ન મોકલે, પરંતુ તેની પાસે પૈસા છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનના સૈન્યને મજબૂત કરવા માટે આર્થિક મદદ કરશે. સાઉદી અરેબિયા પાસે અમેરિકન તકનીક છે અને એ એ પાકિસ્તાન સાથે પણ શૅર કરશે. પાકિસ્તાની સૈન્ય માટે આ મોટી વાત હશે. ભારત માટે આ એક મોટો ફટકો છે તેમાં કોઈ બેમત નથી."
મુક્તદર ખાન કહે છે કે, "સાઉદી અરેબિયાએ આ સમજૂતી કેમ કરી, એ સવાલ ઊઠી શકે છે. પરંતુ આનો મુકમ્મલ જવાબ છે. પહેલો એ કે અમેરિકા પર હવે ખાડી દેશોને વિશ્વાસ નથી. બીજો એ કે 'ઑપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાને ભારતના હુમલાનો સામનો ખૂબ મજબૂતી સાથે કર્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાન એક મહત્ત્વપૂર્ણ દેશ બનીને ઊભર્યું. જે પાકિસ્તાન પોતાની જગ્યા ગુમાવતું જઈ રહ્યું હતું, એ પશ્ચિમ એશિયામાં પ્રાસંગિક થઈ ચૂક્યું છે. બીજી તરફ ભારત આ વિસ્તારમાં ક્યાંય નથી દેખાઈ રહ્યું."
વ્યૂહરચનાત્મક મામલાના વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીને લાગે છે કે વડા પ્રધાન મોદી સાઉદીને રીઝવવામાં વર્ષોથી જોતરાયેલા રહ્યા, પરંતુ તેનો કોઈ લાભ ન થયો.
ચેલાનીએ ઍક્સ પર લખ્યું, "મોદીએ સાઉદી અરેબિયાને રીઝવવામાં વર્ષો લગાડ્યાં છે. સાઉદી સાથેના સંબંધોને વ્યૂહરચનાત્મક ભાગીદારી સુધી લઈ ગયા અને સતત પ્રવાસ પણ ખેડ્યા. એટલે સુધી કે આ વર્ષે જ એપ્રિલમાં પણ ત્યાં ગયા હતા. હવે મોદીના જન્મદિવસે સાઉદી ક્રાઉન પ્રિન્સે ખૂબ ખરાબ સરપ્રાઇઝ આપ્યું છે. હવે સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાંથી કોઈ એકની ઉપરેય હુમલો બંને પરના હુમલા તરીકે ગણવામાં આવશે."
અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત હુસૈન હક્કાનીએ ઍક્સ પર લખ્યું છે, "પાકિસ્તાન હવે સાઉદી અરેબિયાના પૈસાથી તેની જરૂરિયાત મુજબ અમેરિકન હથિયાર ખરીદવામાં સક્ષમ બનશે, આ વાતની ઘણી સંભાવના છે."
પાકિસ્તાન અને સાઉદીની મિત્રતા
1998માં પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણના થોડા સમય બાદ સાઉદી અરેબિયાના તત્કાલીન સંરક્ષણ મંત્રી પ્રિન્સ સુલતાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ ઇસ્લામાબાદ પહોંચ્યા હતા.
તેઓ પાકિસ્તાનનાં પરમાણુ અને મિસાઇલ ઠેકાણાં પર ગયા હતા. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન હતા અને આ મુલાકાતથી તેમના કાન ઊંચા થઈ ગયા હતા. ન્યૂ યૉર્ક ટાઇમ્સમાંથી ક્લિન્ટન પ્રશાસનના સિનિયર અધિકારીએ એ સમયે કહેલું કે આ મુલાકાત પરેશાન કરનારી છે.
આ પ્રથમ વાર બન્યું હતું જ્યારે પાકિસ્તાન કોઈ વિદેશીને તેનાં શીર્ષ ગુપ્ત ઠેકાણાં પર લઈ ગયું હતું. એ સમયે અમેરિકાને પણ સ્પષ્ટપણે એ વાતની ખબર નહોતી કે સાઉદીના મંત્રી પાકિસ્તાનના કહૂટામાં યુરેનિયમ સંવર્ધન કેન્દ્ર અને ઘોરી મિસાઇલ ઠેકાણાં પર કેમ ગયા હતા. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા બંનેમાંથી કોઈએ આ મુલાકાતનો હેતુ નહોતો જણાવ્યો.
આ સમજૂતીથી સાઉદી અરેબિયા અને ભારતના સંબંધો પર કેવી અસર પડશે?
તલમીજ અહમદ કહે છે કે, "સાઉદી અરેબિયા સાથે ભારતના સંબંધ સારા છે, પરંતુ ભારત પશ્ચિમ એશિયામાં વેપાર સુધી જ સીમિત છે. ભારત પાકિસ્તાનની માફક ખાડીમાં કોઈનોય સંરક્ષણ ભાગીદાર નથી."
"બીજી તરફ પાકિસ્તાની સૈનિકો હજુ પણ સાઉદી અરેબિયામાં છે. યમન સાથે જોડાયેલી સરહદે સાઉદી અરેબિયામાં પાકિસ્તાની સૈનિક હજુ પણ તહેનાત છે. મને ઘણી વાર લાગે છે કે ભારતનું નેતૃત્વ ઘરેલુ રાજકારણમાં વધુ વ્યસ્ત છે. સમગ્ર વિશ્વમાં એટલું બધું થઈ રહ્યું છે, પરંતુ ભારત ક્યાંય નથી દેખાઈ રહ્યું."
પશ્ચિમનાં મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે ખાડી દેશોમાં અમેરિકા માટે અવિશ્વાસ વધી રહ્યો છે અને આ જ કારણ છે કે આ વિસ્તારના દેશો પોતાની સુરક્ષા માટે પાકિસ્તાન, ચીન, તુર્કી અને અન્ય દેશો તરફ જોઈ રહ્યા છે.
9 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલે જ્યારે દોહામાં એક ઠેકાણાને નિશાન બનાવ્યું ત્યારથી ખાડી દેશોમાં એવો સવાલ વધુ ઊઠી રહ્યો હતો કે શું એ પોતાની સુરક્ષા માટે અમેરિકા પર વિશ્વાસ કરી શકે છે?
પાકિસ્તાન સાથે સંરક્ષણ સમાધાન અંગે સમાચાર એજન્સી રૉયટર્સે સાઉદી અરેબિયાના એક અધિકારીએ જણાવ્યું, "આ સમજૂતી વર્ષોની વાતચીતનું પરિણામ છે. તેને કોઈ એક ઘટના કે કોઈ ખાસ દેશને જવાબ આપવા તરીકે ન જોવું જોઈએ. બંને દેશોના સંબંધ પહેલાંથી જ સારા હતા."
અમેરિકા પર વિશ્વાસ નહીં
ઇઝરાયલે દોહામાં ઍરસ્ટ્રાઇક કરીને હમાસના નેતાઓને મારવાની કોશિશ કરી હતી. બીજી તરફ ઇઝરાયલ કતારની મદદથી યુદ્ધવિરામ માટે પણ વાત કરી રહ્યું હતું. કતાર આ મામલામાં મધ્યસ્થી કરી રહ્યું હતું.
પશ્ચિમ એશિયા ઇઝરાયલી હુમલાનાં કારણ ઘણાં જટિલ થઈ ગયાં છે. ઘણા સમયથી અમેરિકા પશ્ચિમ એશિયામાં સિક્યૉરિટી ગૅરંટર તરીકે રહ્યું છે, પરંતુ ઇઝરાયલી હુમલાને કારણે અમેરિકાની આ ભૂમિકા કમજોરી પડી છે.
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધના કારણે કતાર આ વર્ષે બે હુમલા વેઠી ચૂક્યું છે. એક વાર ઈરાનનો હુમલો થયો અને બીજી વખત ઇઝરાયલનો. અમેરિકન ન્યૂઝ નેટવર્ક સીએનએનને નામ ન જાહેર કરવાની શરતે સાઉદી અરેબિયાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને સાથે સંબંધોમાં સંતુલનની જરૂર છે. ભારત પણ પરમાણુ શક્તિસંપન્ન દેશ છે.
સાઉદીના સિનિયર અધિકારીએ સીએનએનને કહ્યું, "ભારત સાથે આજે અમારા જેટલા મજબૂત સંબંધો છે, એટલા ક્યારેય નથી રહ્યા. અમે આ સંબંધોને મજબૂતી આપતા રહીશું અને ક્ષેત્રીય શાંતિ માટે સાથે મળીને કામ કરતા રહીશું."
શું પાકિસ્તાન આ સંરક્ષણ સમજૂતી હેઠળ સાઉદી અરેબિયાને પરમાણ સુરક્ષા પણ પૂરી પાડશે? આ સવાલના જવાબમાં સાઉદીના એક અધિકારીએ સીએનએનને કહ્યું, "આ એક ખૂબ જ વ્યાપક સંરક્ષણ સમજૂતી છે અને તેમાં બધી બાબતો સામેલ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન