You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્યૂટ ઍગ્રેસન શું છે, નાનાં બાળકોને જોતાં જ તેને વહાલ કરવાનું મન કેમ થાય છે?
- લેેખક, કુમુદુ જયાવર્દના
- પદ, બીબીસી સિંહાલી
મારા દીકરાનો ચહેરો ચમકી જાય છે જ્યારે તે અમારા બિલાડીના બચ્ચાને જુએ છે અને તેને ગળે લગાવે છે. ભલે અમે તેને વારંવાર આમ ન કરવાનું કહીએ, પણ જ્યારે પણ તે તેને જુએ છે ત્યારે તેેને બિલાડીના બચ્ચાને પકડી લેવાનું મન થાય છે.
આ કોઈ મજાક નથી અને બિલાડીના બચ્ચાને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. આ તેની પ્રેમ વ્યક્ત કરવાની રીત છે.
પ્રિય વસ્તુઓને ગળે લગાવવાની આ લાગણી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે.
મારા 30 અને 40 વર્ષના સાથીદારો આ વાત સાથે સહમત થાય છે. "જ્યારે પણ હું કોઈ બાળકના ગુલાબી, ભરાવદાર ગાલ જોઉં છું, ત્યારે મને તેને સ્પર્શ કરવાનું મન થાય છે," એક સાથી કર્મચારી કહે છે.
તાજેતરમાં પિતા બનેલા એક સાથીદારે કહ્યું કે તેને પોતાના દીકરાને ચુસ્તપણે ગળે લગાવવાનું અને તેના જાડા પગ "કરડવા"નું મન થયું.
મનોવૈજ્ઞાનિકો આને 'ક્યૂટ ઍગ્રેસન' કહે છે.
ક્યૂટ ઍગ્રેસન શું છે?
ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ ન્યૂ સાઉથ વેલ્સ ખાતે સામાજિક મનોવિજ્ઞાની લિસા એ. વિલિયમ્સ કહે છે, "ક્યૂટ ઍગ્રેસન' એ એક એવી પદ્ધતિ છે જેનો ઉપયોગ આપણે જ્યારે ખૂબ જ સુંદર વસ્તુ જોઈએ છીએ ત્યારે અનુભવીએ છીએ, તે હકારાત્મક લાગણીઓના ઉછાળાને નિયંત્રિત કરવા માટે કરીએ છીએ."
આ તીવ્ર લાગણીઓ અને ભાવના પાછળ કોઈ નુકસાન કરવાનો ઇરાદો નથી હોતો. તે આનંદ અને સ્નેહની અતિશય લાગણીઓને નિયંત્રિત અને સંતુલિત કરવાનો માર્ગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લાગણીઓ ઘણીવાર ત્યારે ઉદ્ભવે છે જ્યારે આપણે નાનાં બાળક, બિલાડીનું બચ્ચું અથવા મોટી આંખોવાળાં ગલુડિયાંને જોઈએ છીએ.
લિસા વિલિયમ્સ કહે છે, "આ લાગણી આપણને ગમતી કોઈ વસ્તુને ચુસ્તપણે પકડી રાખવાની ઇચ્છાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. પરંતુ તેની પાછળ નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી હોતો."
ડાઇમૉર્ફસ ઇમોશનલ ઍક્સપ્રેશન શું છે?
આપણને ખૂબ જ ગમે તેવી વસ્તુ સાથે હિંસક રીતે થતી હરકતો એ એક વિરોધાભાસી ભાવનાત્મક પ્રતિક્રિયા છે.
મનોવૈજ્ઞાનિકો આને 'ડાઇમૉર્ફસ ઇમોશનલ ઍક્સપ્રેશન' કહે છે, જેનો અર્થ એ થાય છે કે જ્યારે આપણું શારીરિક વર્તન આપણી માનસિક લાગણીઓ સાથે મેળ ખાતું નથી ત્યારે આમ થાય છે.
નિષ્ણાતોના મતે, આ વિચિત્ર લાગે છે પણ તે સંપૂર્ણપણે સામાન્ય છે.
અમેરિકાની યેલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે આ લાગણી બધી ઉંમર અને સંસ્કૃતિના લોકોમાં જોવા મળી છે.
'ક્યૂટ ઍગ્રેસન'ની લાગણી કેમ જન્મે છે?
જ્યારે પણ આપણે કંઈક સુંદર કે મનોહર જોઈએ છીએ, ત્યારે મગજ "ફીલ-ગુડ" હૉર્મોન ડોપામાઇન મુક્ત કરે છે. આ જ હૉર્મોન સ્વાદિષ્ટ ખોરાક, પ્રેમ અથવા કોઇ સિદ્ધી મેળવી હોય તો પણ સક્રિય થાય છે.
ક્યારેક, સકારાત્મક લાગણીઓ એટલી બધી ભારે થઈ જાય છે કે મગજ માટે તેને સંભાળવી મુશ્કેલ બની જાય છે.
મગજનો એક ભાગ જેને એમીગ્ડાલા કહેવાય છે તે સક્રિય થઈ જાય છે અને તરત જ લાગણીઓને અવરોધિત કરે છે. આનો અર્થ એ છે કે તમે તમારી લાગણીઓ પર તરત જ કાર્ય કરી શકતા નથી.
શ્રીલંકાની એક યુનિવર્સિટીનાં સિનિયર પ્રોફેસર ડૉ. કંથિ હેટ્ટીગોડા કહે છે, "જ્યારે મગજમાં રિવોર્ડ સિસ્ટમ સક્રિય થાય છે, ત્યારે આપણને કંઈક પકડવાની, દબાવવાની, ચાવવાની અથવા કચડી નાખવાની ઇચ્છા થાય છે."
"પરંતુ તે જ સમયે, ઇમોશન રેગ્યુલેશન પણ સક્રિય થઈ જાય છે, જેનાથી આપણે આપણી લાગણીઓને નિયંત્રિત કરી શકીએ છીએ. અહીં પણ આવું જ થઈ રહ્યું છે."
આ એવી પ્રક્રિયા છે જે 'ક્યૂટ ઍગ્રેસન'ની લાગણીને જન્મ આપે છે.
સુંદર વસ્તુઓ જોઈએ ત્યારે મગજમાં શું થાય છે?
રિસર્ચર સૂચવે છે કે 'ક્યૂટ ઍગ્રેસન' એ તીવ્ર લાગણીઓને વ્યક્ત કરવાનો અને છલકાતી ખુશી અને સારી લાગણીઓને સારી રીતે દર્શાવવાનો એક રસ્તો છે.
આ દર્શાવે છે કે મગજ એકસાથે વિરોધાભાસી લાગણીઓને કેવી રીતે હૅન્ડલ કરી શકે છે. મનોવૈજ્ઞાનિકો આને એક સામનો કરવાની પદ્ધતિ માને છે જે આપણને તીવ્ર હકારાત્મક લાગણીઓને સુરક્ષિત અને સામાજિક રીતે સ્વીકાર્ય રીતે હૅન્ડલ કરવાની મંજૂરી આપે છે.
જ્યારે લોકો સામાન્ય રીતે પોતાની લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
મનોચિકિત્સક ડૉ. કપિલા રણાસિંઘે સમજાવે છે કે કોઈપણ તીવ્ર ઇચ્છાને નિયંત્રિત કરવામાં મળેલી નિષ્ફળતા, પછી ભલે તે પ્રેમ, ગુસ્સો કે વાસનાથી ઉદ્ભવે, અયોગ્ય અથવા સામાજિક રીતે અસ્વીકાર્ય વર્તન તરફ દોરી શકે છે.
"કોઈ તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થાય તે ક્ષણે તેનો જવાબ આપવો ખતરનાક છે. આપણે તેને નિયંત્રિત કરવાનું શીખવાની જરૂર છે."
શું દરેક વ્યક્તિ ક્યૂટ ઍગ્રેસન અનુભવી શકે છે?
મનોવૈજ્ઞાનિકોના મતે, મોટાભાગના લોકો (લગભગ 50 થી 60 ટકા) ક્યૂટ ઍગ્રેસન અનુભવે છે, પરંતુ ઘણા લોકો એવું અનુભવતા નથી.
આનો અર્થ એ નથી કે તેમને કોઈ સમસ્યા છે.
સંશોધકો હજુ સુધી જાણી શક્યા નથી કે જે લોકો ક્યૂટ ઍગ્રેસનનો અનુભવ કરતા નથી તેમને અતિ ભાવનાત્મક અનુભવો નથી થતા કે પછી તેમની પાસે તેમને વ્યક્ત કરવાની રીત નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન