ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ: દરરોજ બહુ લાંબા ગાળા સુધી ભૂખ્યા રહેવાથી હૃદયરોગનું જોખમ વધે છે?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ આ દાયકાનો એ 'ડાયટ ટ્રૅન્ડ' છે.

આ એવો રસ્તો છે જે તમને કૅલરી ગણવાની પળોજણમાંથી કે કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડવાની મહેનતમાંથી મુક્તિ આપે છે અને તેના વિના જ બાયોલૉજીને હૅક કરવાની ખાતરી આપે છે.

તેમાં તમે શું ખાઓ છો એ મહત્ત્વનું નથી હોતું પણ જ્યારે તમે ખાઓ છો તેનો સમયગાળો બદલવાનો હોય છે.

ટૅક જગતના લોકો હોય, હૉલીવૂડ સ્ટાર્સ હોય કે પછી નેતાઓ, ઘણા લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો દાવો કરી ચૂક્યા છે.

બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે એકવાર કહ્યું હતું કે તેઓ અઠવાડિયાની શરૂઆત 36 કલાકના ઉપવાસથી કરે છે.

જોકે, આ વાતનું વિજ્ઞાન પણ સમર્થન કરતું આવ્યું છે. સંશોધન દર્શાવે છે કે ઓવરનાઇટ ફાસ્ટિંગ લંબાવવાથી ચયાપચય, લાંબું જીવન વગેરે જેવા ફાયદા છે.

જોકે, ન્યુટ્રિશનિસ્ટ્સ લાંબા સમયથી ચેતવણી આપતા રહ્યા છે કે એક સમયનું ભોજન છોડી દેવું કે વધુ કલાકો સુધી ભૂખ્યાં રહેવું એ કોઈ જાદુઈ છડી નથી.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં લોકો સામાન્ય રીતે બે ભોજન વચ્ચે આઠ કલાકનો ગાળો રાખતા નથી, પરંતુ તેના બદલે 16 કલાકનો ગાળો રાખે છે. એ સિવાય અમુક લોકો 5:2 પ્લાનને અનુસરે છે, જેમાં કેટલાક દિવસોમાં કૅલરી પર નિયંત્રણ રાખવામાં આવે છે.

પરંતુ તાજેતરમાં આ બાબતે થયેલું મોટું સંશોધન એ ચેતવણી સમાન છે.

સંશોધકોએ કુલ 19 હજાર લોકો પર કરેલા સંશોધનમાં નવું તારણ મળ્યું છે. જે લોકો આઠ કલાક પૂરતો જ પોતાનો ભોજનનો સમય નિયંત્રિત રાખે છે અને બાકીના સોળ કલાકમાં કંઈ ખાતા નથી, આવા લોકોમાં હૃદય તથા રક્તવાહિનીઓને લગતાં રોગોથી મોતનું 135 ટકા વધુ જોખમ (બે ભોજન વચ્ચે સામાન્ય રીતે આઠ કલાકનો ગાળો રાખતાં લોકો કરતાં) રહેલું છે.

તેનો સીધો અર્થ એ થાય છે કે આવા લોકોમાં હૃદયરોગનો હુમલો કે સ્ટ્રૉક આવવાની શક્યતા વધુ રહે છે.

એ વાત પણ અહીં નોંધવી રહી કે કોઈપણ કારણથી થતાં મૃત્યુની સરખામણીએ હૃદયરોગનું જોખમ તમામ ઉંમર, લિંગ કે કોઈપણ પ્રકારની લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોમાં જોવા મળ્યું છે.

બીજા શબ્દોમાં કહીએ તો આ સંશોધનથી સમયના બંધનમાં લેવાતો ખોરાક અને મૃત્યુ વચ્ચે માત્ર નબળી અને અસતત કડી જ મળી શકી છે. પરંતુ હૃદયરોગને કારણે મૃત્યુનું જોખમ તેનાથી પણ વધુ છે.

આ સંશોધનના લેખકો કહે છે કે તેનાથી કારણ અને અસરો સ્પષ્ટ થતી નથી, પરંતુ જે સંકેત મળે છે એ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને તેનાથી સારું આરોગ્ય મળવાની વાતને પડકારવા માટે પૂરતાં છે.

સંશોધકોએ અમેરિકાના પુખ્તવયના લોકોનું આઠ વર્ષ અવલોકન કર્યું હતું. તેમની ખાવાની આદતોને સમજવા માટે બે અઠવાડિયાં પછી તેમને અલગ-અલગ બે દિવસે તેમણે શું ખાધું હતું એ પૂછવામાં આવ્યું હતું. તેનાથી વૈજ્ઞાનિકોએ એ વ્યક્તિઓની સરેરાશ ઇટિંગ વિન્ડો અંગે અનુમાન મેળવ્યું હતું.

તેમને તારણો મળ્યાં હતાં કે હૃદયરોગનું જોખમ કોઈપણ સામાજિક-આર્થિક સ્થિતિ ધરાવતાં સમૂહોમાં સતત જોવા મળ્યું હતું અને ધૂમ્રપાન કરતી વ્યક્તિઓમાં તથા ડાયાબિટીસ ધરાવતા લોકોમાં વધુ જોવા મળ્યું હતું.

આવા લોકો માટે વધુ પડતો ગૅપ રાખીને ભોજન કરવામાં તકેદારી વર્તવાનું કહેવામાં આવ્યું છે.

ભોજનની ગુણવત્તા, ભોજન અને નાસ્તાનો સમયગાળો, લાઇફસ્ટાઇલમાં સુધાર કરવા છતાં આ જોખમ યથાવત રહ્યું હતું.

અમે સંશોધકોને પૂછ્યું હતું કે આ તારણોને અમારે કઈ રીતે જોવાં જોઈએ? શું હૃદયરોગને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ નાટકીય રીતે વધી રહ્યું છે અને ઓવરઑલ મૃત્યુનું પ્રમાણ એટલું નથી વધી રહ્યું? શું આ જીવવિજ્ઞાન છે કે પછી ડેટામાં થયેલો પક્ષપાત છે?

ડાયાબિટીસ અને મેટાબૉલિક સિન્ડ્રૉમ: ક્લિનિકલ રિસર્ચ ઍન્ડ રિવ્યૂઝમાં પ્રકાશિત થયેલાં સંશોધનના મુખ્ય લેખક વિક્ટર વેન્ઝે ઝોંગ જણાવે છે, "ડાયાબિટીસ અને હૃદયરોગનું મુખ્ય કારણ ખોરાક છે. આથી હૃદયરોગ સાથે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો સંબંધ એ કોઈ ચોંકાવનારું તારણ નથી."

શાંઘાઈ જિયાઓ ટૉંગ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન ઇન ચાઇનાના એપિડેમોલોજિસ્ટ પ્રૉ. ઝોંગ કહે છે, "ચોંકાવનારું તારણ એ છે કે સોળ કલાક સુધી નહીં ખાવાને કારણે હૃદયરોગના જોખમમાં વધારો થઈ શકે છે."

આ નિષ્કર્ષ સામાન્ય રીતે પ્રચલિત ધારણાથી અલગ છે. અત્યાર સુધી કેટલાક નાના અભ્યાસોમાં એવું બહાર આવ્યું હતું કે આવી રીતે બે ભોજનની વચ્ચે ગાળો રાખવાની આદતથી આરોગ્ય અને પાચનક્રિયા સુધરે છે.

આ જર્નલમાં છપાયેલા ઍડિટોરિયલમાં લીડ ઍડોક્રાઇનોલૉજિસ્ટ ડૉ. અનુપ મિશ્રાએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા અને નુકસાન વિશે ચર્ચા કરી છે.

તેમનું કહેવું છે કે અનેક ટ્રાયલ અને વિશ્લેષણમાં તેના સકારાત્મક પક્ષ દેખાડવામાં આવે છે. જેમ કે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિન સૅન્સિટિવિટીને સુધારી શકે છે, બ્લડ પ્રેશરને ઘટાડી શકે છે તથા લિપિડ પ્રોફાઇલ સુધારી શકીએ છીએ.

તેમનું કહેવું છે કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી લાભ થતા હોવાના પણ અમુક પુરાવા મળ્યા છે.

તે લોકોને સઘન કૅલરી કાઉન્ટિંગ વગર પણ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઉપવાસના ધાર્મિક કે સાંસ્કૃતિક રિવાજો સાથે તે સરળતાથી મેળ ખાય છે, તથા તેનું પાલન કરવું સરળ છે.

પ્રોફેસર મિશ્રા કહે છે, "પરંતુ જો તેને લાંબા સમય સુધી તેના સંભવિત નુકસાનમાં શરીરમાં પોષકતત્ત્વોનો અભાવ, કૉલેસ્ટ્રોલમાં વધારો, વધુ પડતી ભૂખ લાગવી, ચીડિયાપણું, માથાનો દુખાવો થઈ શકે છે."

પ્રોફેસર મિશ્રા ઉમેર છે, "ડાયાબિટીસના દર્દીઓ ઉપવાસ કરે અને જો તેમના શુગર લેવલ ઉપર નજર રાખવામાં ન આવે તો તેમની બ્લડ શુગર ભયજનક હદે ઘટી શકે છે. તેનાથી જંકફૂડ ખાવાને પ્રોત્સાહન મળી શકે છે. વૃદ્ધ કે લાંબા સમયથી બીમાર વ્યક્તિને તેના કારણે નબળાઈ આવી શકે છે તથા સ્નાયુઓને અસર થઈ શકે છે."

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની અગાઉ પણ ટીકાઓ થઈ ચૂકી છે. વર્ષ 2020માં જેએએમએ ઇન્ટરનલ મેડિસનમાં ત્રણ મહિનાનો અભ્યાસ છપાયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ અભ્યાસમાં સામેલ થયેલા લોકોના વજનમાં બહુ ઓછો ઘટાડો થયો. મોટાભાગનો ઘટાડો સ્નાયુઓનો હતો.

અન્ય એક અભ્યાસમાં અણસાર મળ્યા હતા કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી નબળાઈ, ભૂખ, ડિહાઇડ્રેશન, માથામાં દુખાવો અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી ખરાબ અસરો ઊભી થઈ શકે છે.

પ્રોફેસર મિશ્રા કહે છે કે નવીન અભ્યાસમાં હૃદય તથા તેના સંબંધિત બીમારીઓ અંગે વધુ ચિંતાજનક અણસાર આપ્યા છે.

જ્યારે પ્રોફેસર ઝોંગને પૂછવામાં આવ્યું કે હૃદયની બીમારી કે ડાયાબિટીસના દર્દીઓએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતી વખતે શું સાવધાની રાખવી જોઈએ?

તેમનું કહેવું હતું કે આ નિષ્કર્ષ એ વાતની તરફ ઇશારો કરે છે કે આહારસંબંધિત સલાહ 'વ્યક્તિગત' હોવી જોઈએ. જે વ્યક્તિનાં સ્વાસ્થ્ય તથા નવીન તારણો ઉપર આધારિત હોય.

પ્રોફેસર ઝોંગ કહે છે, "અત્યાર સુધી જે પુરાવા મળ્યા, તેના ઉપરથી એવું કહી શકાય કે લોકો ક્યારે જમે છે એના કરતાં શું ખાય છે, એ વધુ મહત્ત્વપૂર્ણ છે. લોકોએ હૃદયરોગથી બચાવ તથા દીર્ઘાયુ માટે લાંબા સમય સુધી આઠ કલાકની ઇટિંગ વિંડોથી બચવું જોઈએ."

આ અભ્યાસોનો નિષ્કર્ષ એજ છે કે ઉપવાસને સંપૂર્ણપણે ત્યજવાની જરૂર નથી, પરંતુ તેને વ્યક્તિના આરોગ્ય મુજબ ઢાળવાની જરૂર છે.

હાલ પૂરતું તો સુરક્ષિત વિકલ્પ એ જ છે કે ઘડિયાલ ઉપર ઓછું અને થાળી ઉપર વધુ ધ્યાન આપો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન