વાળ કેમ ખરે છે, વાળ ખરતા અટકાવવાના ઉપાયો શું છે?

વાળ, વાળ ખરવા, શૅમ્પૂ, કંડિશનર, પ્રોટીન, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

શું તમને લાગે છે કે જ્યારે તમે વાળ ધુઓ છો ત્યારે તમારા વાળ વધારે ખરે છે? આનાં ઘણાં કારણો હોઈ શકે છે.

વાળ ખરવાનાં ઘણાં કારણોમાં તમે કયા શેમ્પૂનો ઉપયોગ કરો છો અને કયા પાણીથી વાળ ધુઓ છો? આના સિવાય બીજાં કારણો હોઈ શકે છે, જેમ કે તમારી ત્વચાનો પ્રકાર.

વાળ ખરવાની સમસ્યા મહિલાઓ અને પુરુષોમાં પણ જોવા મળે છે. તેના માટે તેઓ અવનવા નુસખા પણ અપનાવતા હોય છે.

વાળ ધોતી વખતે કેમ વધારે વાળ ખરે છે? આ પાછળનું કારણ શું છે, તેનાથી કેવી રીતે બચવું?

ત્વચારોગનાં નિષ્ણાત શ્રીમતી રાજેન્દ્રન આમાંના કેટલાક મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપે છે. જાણો વાળ વિશેના પંદર સવાલોના જવાબ.

1. નહાતી વખતે વાળ વધુ ખરે છે?

એ વાત સાચી નથી કે વાળ ધોયા પછી વધુ ખરે છે.

વાળ ધોતી વખતે આપણી કેટલીક આદતોને કારણે માથાના ઉપરના ભાગેથી વાળ ખરતા હોય છે. માથા ઉપરની ચામડી અને સ્નાનને વધુ પડતા વાળ ખરવા સાથે કોઈ લેવાદેવા નથી.

2. અઠવાડિયામાં કેટલી વાર વાળ ધોવા જોઈએ?

અઠવાડિયામાં કેટલી વાર વાળ ધોવા જોઈએ તે દરેક વ્યક્તિ માટે અલગ હોય છે.

  • જો તમારા વાળના મૂળ તૈલી હોય અથવા તમને ખોડો હોય તો તમારે દર બીજા દિવસે વાળ ધોવા જોઈએ.
  • જે લોકો વ્યાયામ કરે છે અને ઘણો પરસેવો પાડે છે તેમાં એથ્લેટ્સનો સમાવેશ પણ થાય છે. તેમને રોજ વાળ ધોવા પડે છે.

આમ, દરરોજ વાળ ધોવાથી પણ કોઈ નુકસાન થતું નથી.

3. પુરુષોએ કેટલી વાર વાળ ધોવા જોઈએ?

પુરુષોની ત્વચામાં રહેલી ગ્રંથિઓ વધુ સક્રિય હોય છે. જો વાળની જડ તૈલી હોય તો પુરુષો પણ રોજ વાળ ધોઈ શકે છે.

4. ગરમ કે ઠંડું, કયું પાણી વાળ ધોવા માટે યોગ્ય?

તમારા વાળ ધોતી વખતે અતિશય ગરમ અથવા ઠંડા પાણીનો ઉપયોગ ન કરો.

નવશેકા પાણીથી વાળ ધોવા એ સારી બાબત છે.

5. શું ખારા પાણી વડે વાળ ધોવા યોગ્ય છે?


વાળ, વાળ ખરવા, શૅમ્પૂ, કંડિશનર, પ્રોટીન, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એવું નથી કે પાણીના પ્રકારને કારણે વાળ વધુ ખરે છે.

તમે ખારા પાણીથી પણ વાળ ધોઈ શકો છો. બસ છેલ્લે એક બૉટલ શુદ્ધ પાણીથી વાળ ધોઈ લેવા જેથી ખારાશ દૂર થઈ જાય.

6. શું રોજ વાળ ધોવાથી વાળ વધુ ખરે?

વધારે સમય સુધી ફુવારા નીચે ઊભા ન રહો, કારણ કે આપણા વાળ કુદરતી રીતે તેલ સ્રાવ કરે છે. વધુ સમય સુધી નહાવાથી તે વધુ ખરાબ થઈ જશે.

વાળ ત્યાં સુધી જ ધુઓ જ્યાં સુધી ફીણ દેખાય. ફીણ સાફ થઈ જાય પછી વાળ પર વધારે પાણી નાખવું ન જોઈએ.

7. શૅમ્પૂ કેવી રીતે પસંદ કરવું?

આપણી ત્વચાની પીએચ 5.5 (એસિડિક) છે. તેથી જો શૅમ્પૂની પીએચ તેટલી જ (એસિડિક) માત્રામાં હોય તો તે વાળ માટે વધારે ફાયદાકારક હોય છે.

વધુ પડતી એસિડિક માત્રા વાળને સૂકા કરી શકે છે. શૅમ્પૂના પીએચ વિશેની માહિતી બૉટલ પર જ આપવામાં આવે છે.

મોટા ભાગના લોકો હવે સલ્ફેટ અને પેરાફિન ફ્રી શૅમ્પૂનો ઉપયોગ કરે છે. સલ્ફેટનો ઉપયોગ શૅમ્પૂમાં ફીણ બનાવવા માટે થાય છે.

વાળ, વાળ ખરવા, શૅમ્પૂ, કંડિશનર, પ્રોટીન, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક લોકોના માથાની ચામડીમાં ઘણું તેલ નીકળે છે અને તેથી ગંદકી હોય છે. તેમણે ઓછી સલ્ફેટ સામગ્રીવાળા શૅમ્પૂનો ઉપયોગ ન કરવો જોઈએ. તેઓ સારી બ્રાન્ડ અથવા ડૉક્ટર દ્વારા ભલામણ કરેલા શૅમ્પૂનો ઉપયોગ કરી શકે છે.

ખોડો, સોરાયસિસ, ખરજવું જેવી સમસ્યાવાળા લોકો સલ્ફેટ અને પેરાફિન ફ્રી શૅમ્પૂનો ઉપયોગ કરી શકે છે, કારણ કે આવાં ઇન્ફેકશન વાળના મૂળને અસર કરે છે.

8. કયું શૅમ્પૂ શ્રેષ્ઠ ગણાય?

શૅમ્પૂ અનેક પ્રકારના હોય છે. પરંતુ આમળા વાળને શુષ્ક બનાવે છે. આથી જો આમળાયુક્ત શૅમ્પૂ વાપરતા હોવ તો વાળને સારી રીતે ધોવા જોઈએ. નહીંતર તેના કણો મૂળમાં રહે છે અને ખોડો થવાની પણ શક્યતા છે.

9. કયા પ્રકારનું કન્ડિશનર વાપરવું જોઈએ?

કન્ડિશનરની પસંદગી વાળના પ્રકાર જોઈને કરવી જોઈએ. જેમ કે, શુષ્ક વાળ કે તૈલી વાળ પ્રમાણે. જો વાળ મજબૂત ન હોય તો કન્ડિશનરનો ઉપયોગ ન કરવો વધુ સારું છે. કન્ડિશનરની જગ્યાએ સીરમનો ઉપયોગ કરી શકાય છે.

જો તમારા વાળ ધોયા પછી થોડા દિવસો સુધી 'ચીકણા' લાગે તો તમારા વાળ તૈલી છે. તે મુજબ શૅમ્પૂ અને કન્ડિશનર પસંદ કરો.

10. વાળ કેવી રીતે સાફ કરવા?

શૅમ્પૂનો ઉપયોગ વાળનાં મૂળ માટે જ કરવો જોઈએ.

કન્ડિશનર વાળ માટે છે, તેને મૂળ પર ન લગાડો.

જો તમે એન્ટી-ડેન્ડ્રફ શૅમ્પૂ અથવા તમારા ડૉક્ટર દ્વારા ભલામણ કરેલા શૅમ્પૂનો ઉપયોગ કરો છો તો તમે તેનો ઉપયોગ દવાની જેમ કરી શકો છો.

સૌપ્રથમ તેને વાળનાં મૂળમાં ઘસો અને 5-10 મિનિટ માટે રહેવા દો. કેટોકોનાઝોલ અથવા સેલેનિયમ સલ્ફાઇડ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું એન્ટિફંગલ છે.

જો તમે ઇચ્છો છો કે ડૉક્ટર દ્વારા સૂચવેલા શૅમ્પૂની અસર થાય તો તેને 5-10 મિનિટ માટે છોડી દો. જો તે નિયમિતપણે વાપરી શકાય તેવું શૅમ્પૂ છે, તો તેને હળવા હાથે મસાજ કરવા માટે આંગળીનો ઉપયોગ કરવો જોઈએ.

11. ટુવાલનો ઉપયોગ કેવી રીતે કરવો?

વાળ, વાળ ખરવા, શૅમ્પૂ, કંડિશનર, પ્રોટીન, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મુલાયમ વાળ ધરાવતા લોકોએ મુલાયમ ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ. તમારું માથું વધારે ન હલાવો. આપણા વાળ 'ક્યુટિકલ' નામના પદાર્થથી ઘેરાયેલા હોય છે.

તે નીચે તરફ હોવું જોઈએ, ઉપરની તરફ નહીં. જ્યારે તમે તમારા વાળને બ્રશ કરો છો ત્યારે 'ક્યુટિકલ' ઉપર હોય છે. પરિણામ એ આવે છે કે વાળ એકદમ બરછટ દેખાવા લાગે છે.

વાળમાંથી પાણી સંપૂર્ણપણે નીકળી જવું જોઈએ. કેટલીક સ્ત્રીઓ તેમના વાળમાં આક્રમક રીતે કાંસકો કરે છે, જેના કારણે વાળ ખેંચાય છે અને નબળા વાળ ખરવા લાગે છે.

12. શું 'હેર ડ્રાયર'નો ઉપયોગ કરવો જોઈએ?

વાળને કુદરતી રીતે સુકાવા દો.

'હેર ડ્રાયર'નો ઉપયોગ કરતી વખતે સેટિંગને ઠંડી હવા પર રાખવું જોઈએ. આનો અર્થ એ છે કે ગરમ હવા વાળને ન અડવા દો. તમારા વાળને ડ્રાયરથી સૂકવવામાં કોઈ નુકસાન નથી. જો ડ્રાયર ગરમ હવા છોડે તો વાળને હેર ડ્રાયરથી દૂર રાખવા જોઈએ.

વાળને વધારે ગરમ ન થવા દો. ગરમીથી રક્ષણ માટે સીરમ અને સ્પ્રેનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે વાળ 80-90% શુષ્ક હોય ત્યારે તેને એક દિશામાં સૂકવો અને પછી ડ્રાયરનો ઉપયોગ કરો.

13. વાળ ધોયા પછી કાંસકો વાપરવો કે નહીં?

આ બહુ ખોટી આદત છે.

કેટલાક લોકોના વાળ પહેલાંથી જ નબળા હોય છે. ભીના વાળ વધારે નબળા હોય છે અને તેની પર કાંસકો વાપરવાથી વાળ વધાર ખરવા લાગે છે.

વાળમાં બે મોં દેખાય તો સાવચેતી રાખવી જોઈએ. તમારા વાળ સંપૂર્ણપણે સુકાઈ જાય પછી જ કાંસકો કરો. ગૂંચ દૂર કરવા માટે પ્રથમ આંગળીઓનો ઉપયોગ કરવો જોઈએ.

14. વાળ ખરવાની સમસ્યા માટે ક્યારે ડૉક્ટરની સલાહ લેવી?

વાળ એક તબક્કામાં વધે છે. જો વાળ 90 દિવસ સુધી વધતા હોય તો 2 અઠવાડિયાનો બ્રૅક પિરિયડ હોય છે. એક મહિના પછી વાળ ખરવા લાગે છે. આ ક્રમ ચાલુ રહે છે.

આપણા દરેક વાળ આ તબક્કામાંથી પસાર થાય છે. એ જ રીતે દરરોજ લગભગ 100 વાળ ખરવા એકદમ સામાન્ય વાત છે.

આ અંગે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જો તેનાથી વધુ વાળ ખરતા હોય તો તેનું કારણ સમજવા માટે ડૉક્ટરની સલાહ લો.

વાળ, વાળ ખરવા, શૅમ્પૂ, કંડિશનર, પ્રોટીન, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જો ડેન્ડ્રફ હોય તો તે પણ હાથથી ન હટાવો જોઈએ. જો તે મૂળમાંથી હોય તો તે સોરાયિસસનું કારણ બની શકે છે. જો હાથથી ખોતરવામાં આવે તો તે વધુ વધશે.

ડેન્ડ્રફનો કોઈ કાયમી ઈલાજ નથી. વાળના મૂળમાં વધુ પડતા તેલનો સ્રાવ ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધારે છે.

આપણને લાગે છે કે આ તેલના ઉપયોગથી ઠીક થઈ જશે પણ તેલનો ઉપયોગ કરવાથી તે વધી શકે છે, કારણ કે વધુ પડતા તેલથી ડેન્ડ્રફ થાય છે. જો સોજો, બળતરા, મોટાં ફોલ્લાં અથવા રક્તસ્રાવ થાય તો ડૉક્ટરની સલાહ લો.

15. વાળ ખરતા અટકાવવા માટે શ્રેષ્ઠ આહાર કયો છે?

વાળ, વાળ ખરવા, શૅમ્પૂ, કંડિશનર, પ્રોટીન, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જે લોકો વધુ પડતી ખાંડનું સેવન કરે છે, ધૂમ્રપાન કરે છે અને ડેરી ઉત્પાદનો ખાય છે તેમને વધારે વાળ ખરવાનું જોખમ રહેલું છે.

કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે ડેરી ઉત્પાદનોના વપરાશમાં વધારો ખોડો અને વાળની ઘનતા ઘટાડી શકે છે.

જિમમાં જનાર લોકોના 'વ્હે પ્રોટીન' નામના પ્રોટીન પાવડરના ઉપયોગથી વાળની ઘનતા પણ ઘટાડી શકે છે. તેનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે ગાયના દૂધમાંથી બને છે.

સ્ત્રીઓમાં આયર્નની ઊણપ એક કારણ હોઈ શકે છે. હિમોગ્લોબિન ઉપરાંત લોહીમાં આયર્નનું પ્રમાણ પણ તપાસવું જોઈએ. વિટામિન ડીની ઊણપ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે.

થાઇરૉઇડની સમસ્યા પણ આનું કારણ હોઈ શકે છે. વિટામિન B-12ની ઊણપ પણ થઈ શકે છે. આ પોષકતત્ત્વો માટે દવાના સપ્લિમેન્ટ લો.

માત્ર બાયોટિનની ગોળીઓ વાળ ખરતા રોકી શકતી નથી.

ઝિંક, સેલેનિયમ અને મેગ્નેશિયમની ઊણપને કારણે આવું થાય છે. સૂકાં ફળો અને બીજનું સેવન કરો. કોળાનાં બીજ, બદામ, કાજુ ખાઓ.

દરેક આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ. શાકાહારીઓએ સોયા, ચીઝ અને દહીં ખાવું જોઈએ. જો તમે માંસાહારી છો તો ઈંડાં પ્રોટીનનો સારો વિકલ્પ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.