'પૈસાદાર નશો કરી લોકોને કચડી નાખે અને ઘર માત્ર અમારાં તોડાય છે' – વસ્ત્રાલમાં આરોપીઓનાં ઘરવિહોણાં પરિવારો શું કહે છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમરાઈવાડીની કુકુભાઈની ચાલીમાં તૂટેલા મકાનના કાટમાળમાંથી ટીબીનાં પેશન્ટ એકતા યાદવ તેમનાં નાના ભાઈ અને બહેન માટે રસોઈ બનાવવા બચેલા વાસણો ભેગા કરી રહ્યાં છે.
એકતાનાં ભાઈ અલ્કેશ યાદવની ધરપકડ પછી એએમસી દ્વારા તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું છે.
તો આવી જ કંઇક હાલત નજીકમાં આવેલી સત્યનારાયણની ચાલીમાં રહેતા ફાલ્ગુનીબા બિહોલાની છે, એમના દીકરા રાજવીરસિંઘની ધરપકડ પછી તેમનું રિનોવેટ કરાયેલું ઘર તોડી પડાયું છે.
તેમનાં 76 વર્ષનાં સાસુ અને બીમાર પતિ નરેન્દ્રસિંહ બિહોલાને કેવી રીતે સાચવવા તેને લઈને તેઓ ચિંતિત છે.
બરાબર એમની પાછળની ચાલીમાં રહેતા નિવૃત સૈનિક જયંતકુમાર તિવારી પણ એ ચિંતામાં છે કે સોમવારે એમનું ઘર તોડવાના છે. જોકે, આ લખાય છે ત્યાં સુધી તેમનું ઘર હજુ તોડાયું નથી.
હોળીના દિવસે વસ્ત્રાલમાં હિંસક ટોળાએ આખાય વિસ્તારને બાનમાં લીધા પછી પકડાયેલા 14 લોકોનાં ઘર પર સરકારી બુલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તેને 'કાયદેસરની કાર્યવાહી' ગણાવે છે.
આરોપીને કારણે તેમના પરિવારોને ઘરવિહોણાં થઈ જવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિમાં તેમના પરિવારો શું કહી રહ્યા છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વસ્ત્રાલનો આખો મામલો શું છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
વસ્ત્રાલમાં હોળીના દિવસે બે જૂથો વચ્ચેની અથડામણમાં 20 લોકોએ નિરાંત ચાર રસ્તાથી આરટીઓ સુધીના રસ્તા પર હંગામો મચાવી ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું.
જેમાં નિર્દોષ લોકોને માર મારવાના આરોપસર પોલીસે 14 લોકોની ધરપકડ કરી અને આરોપીઓમાંથી કેટલાક લોકોના મકાન તોડ્યા છે અને કેટલાકના મકાન પછી તોડવાના છે, પરંતુ આના માટેની નોટિસો આપી દેવાઈ છે.
હોળીના દિવસે બનેલી આ હિંસક ઘટના પછી ધૂળેટીના દિવસે સવારે પકડાયેલા 14 આરોપીઓની એમના ઘરની સામે જ લોકોની હાજરીમાં દંડા મારીને પરેડ કરાવવામાં આવી હતી.
આ આરોપીઓના રિમાન્ડ મળે એના ગણતરીના કલાકોમાં જ તેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે આરોપીઓના જ્યાં ઘર છે એ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બીબીસીની ટીમ જયારે તૂટેલાં ઘર સુધી પહોંચી તો પહેલાં કોઈ વાત કરવા તૈયાર ન હતું. તૂટેલા મકાનથી થોડે દૂર ખાટલામાં બેસેલા 60 વર્ષીય આધેડ સાથે જ્યારે અમે વાતચીત કરવાની કોશિશ કરી ત્યારે તેમણે પૂરી ખાતરી કરવાનો પ્રયત્ન કર્યો કે અમે કોઈ પોલીસકર્મી કે સરકારી અધિકારી નથી. એ પછી જ એમણે વાત કરવાની તૈયારી બતાવી.
આરોપીના પરિવારજનોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
તૂટેલા ઘરની સામે બેઠેલા સત્યેન્દ્ર યાદવે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "મારા કુટુંબમાં છ લોકો છે, ઘર ચલાવવું ભારે પડી રહ્યું છે. એટલે હું ત્રણ નોકરી કરું છું. રાત્રે મિલમાં કામદાર તરીકે જાઉં છું, દિવસમાં એક રેશનિંગની દુકાન અને અન્ય એક દુકાનમાં કામ કરી ત્રણ નોકરી કરી મહિને માંડ 21 હાજર કમાઉં છું."
સત્યેન્દ્ર યાદવના પુત્ર અલ્કેશની ધરપકડ કરવામાં આવી છે.
સત્યેન્દ્ર યાદવ કહે છે, "મોટી દીકરી થોડા સમય પહેલાં જ નોકરીએ લાગી છે અને ટીબીને કારણે તેની દવાનો ખર્ચ થયો છે. દીકરો અલ્કેશ મોબાઈલ એસેસરી વેચી એનો ખર્ચો કાઢે છે. મેં મારી જુવાની ઘરમાં છોકરા મોટા કરવા પાછળ ખર્ચી નાખી."
તેઓ કહે છે, "મારો દીકરો હોળી પર રાતે આવીને ઊંઘી ગયો હતો."

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
આરોપીની બહેન એકતાએ કહ્યું કે, "હું સવારે વહેલી ઊઠી અને મેં જોયું કે ઘરમાં ભાઈ નથી. તેનો ફોન સ્વિચ ઑફ આવતો હતો. પછીથી અમને જાણ થઈ કે મારા ભાઈને રામોલ પોલીસસ્ટેશન લઈ ગયા છે. એટલે હું અને મારી નાની બહેન ત્યાં ગયા."
પોલીસે અમને કહ્યું કે, "એ ગુનેગાર છે એટલે એને જેલમાં નાખ્યો છે."
"એ દિવસે બપોરે અમારી સામે જ એની પીટાઈ થઈ અને બીજા દિવસે અમારું ઘર તોડી નાખવામાં આવ્યું. અમે તો ભાડાના મકાનમાં રહીએ છીએ અને હવે અમે રસ્તા પર આવી ગયા."
એકતા યાદવ વધુમાં કહે છે કે, "મારા નાના ભાઈ બહેન ભૂખ્યાં છે એમને શું ખવડાવું? ઘર ગયું, હું ટીબીની દર્દી છું અને મેં સવારથી દવા નથી લીધી કારણ કે ખાવાનું નથી. મારો ભાઈ ગુનેગાર હોય તો એને સજા આપો પણ અમે તમારું શું બગાડ્યું છે?"
આરોપીનાં બહેન એકતા કહે છે કે, "અમદાવાદ, વડોદરામાં નબીરાઓ મોંઘી ગાડીમાં નશો કરીને લોકોને મારી નાખે છે, પણ એમના ઘર તોડતાં નથી , કારણકે ત્યાં પૈસો છે અને મારી પાસે પૈસો નથી."
'અમારી પાસે પૈસા નથી, એ જ અમારો વાંક છે'

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
આવી જ કંઈક હાલત ફાલ્ગુનીબા બિહોલાની છે. તેમના પતિનો અકસ્માત થયો હતો અને હેમરેજ થઈ જતા કોમામાં જતા રહ્યા હતા. પછી ઘરની હાલત ખરાબ છે. તેઓ ખુદ ટ્યૂશન ચલાવે છે અને તેમનો દીકરો બારમા ધોરણમાં છે, પરંતુ પૈસાના અભાવે તેણે પણ ભણવાની સાથે નોકરી શરૂ કરી હતી.
ફાલ્ગુનીબા કહે છે, "અમારું મકાન હમણાં જ રિનોવેટ કરાવ્યું હતું. આવ્યું હતું. પણ પૈસાના અભાવે ઘરમાં રંગરોગાન કરાવ્યું નહોતું. અમે ઘરનું લાઇટ બિલ, મ્યુનિસિપાલિટીનો વેરો ભરીએ છીએ, બધું કાયદેસર છે. હજુ તો પેટ કાપીને રિનોવેશનની લોનના હપ્તા ભરું છું."
તેમનું પણ કહેવું છે કે તેમના દીકરાને પોલીસ રાત્રે જ ઉંઘમાંથી ઉઠાડીને લઈ ગઈ હતી. "અમને કહેવામાં આવ્યું છે કે વસ્ત્રાલમાં તોફાન કરી તેણે નિર્દોષ નાગરિકોને માર્યા છે. બીજા દિવસે જ અમારી નજર સામે ઢોર માર મારવામાં આવ્યો હતો. બીજા દિવસે અચાનક અમારું મકાન ભયજનક હોવાથી તોડી પાડવાની નોટિસ બારણે ચીપકાવી ગયા અને પછી મકાન તોડી પાડ્યું."

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફાલ્ગુનીબા નિસહાય અવાજે કહે છે, "મારાં પતિ માંડ બીમારીમાંથી સાજા થયા છે. મારાં સાસુ 76 વર્ષના છે. હું અહીં તૂટેલા મકાનમાં કેવી રીતે રહીશ? હવે અમારે ભાડાનાં મકાનમાં જવું પડશે. પતિની સારવારમાં ઘરેણાં વેચાઈ ગયા છે. પતિ અને સાસુની દવા કેવી રીતે કરાવીશ એ ખબર નથી?"
તેમણે પોલીસ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.
ફાલ્ગુનીબાએ કહ્યું, "પોલીસ પૈસાદારોની છે. મોંઘી ગાડીઓવાળા નબીરાના દીકરાઓ નશો કરી કાર નીચે લોકોને કચડી એમના જીવ લઈ લે છે એમના ઘર કેમ કોઈ તોડતું નથી અને અમારા જેવા ગરીબ લોકોના ઘર તોડી રહ્યા છે? કારણ કે અમારી પાસે પૈસા નથી. બસ આ અમારો વાંક છે."
"વસ્ત્રાલમાં આ ઘટના બની ત્યારે મારો દીકરો દુકાન પર નોકરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ છે. અમે કોર્ટમાં જઈશું. કોર્ટ અમને ન્યાય આપશે, પણ અત્યારે હું મારા બીમાર પતિ અને વૃદ્ધ સાસુને લઈને ક્યાં જાઉં એ ખબર પડતી નથી."
ફાલ્ગુનીબા કહે છે, "અમે તો કહીએ છીએ કે જો મારો દીકરો ગુનેગાર હોય, તો એને સજા આપો પણ આ રીતે બીમાર બાપ અને ઘરડી દાદીને કેમ પરેશાન કરો છો? અમારી પરસેવાની કમાણીનું મકાન તોડી નાખ્યું હવે અમે કયાં રહીશું?"
આરોપી એક, પરંતુ ત્રણ સંયુક્ત પરિવાર ઘરવિહોણાં થશે

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
કદાચ ફાલ્ગુનીબા કરતાં પણ ખરાબ સ્થિતિ તિવારી પરિવારની છે. સંયુક્ત કુટુંબમાં રહેતા બીજા આરોપી પ્રદીપ તિવારીનો પરિવાર અત્યારે ફફડે છે. તેમના કાકા નિવૃત આર્મી મૅન છે પ્રદીપના પિતા અરુણ તિવારી એટલા આઘાતમાં છે કે તેઓ કોઈ વાત કરવા માટે સક્ષમ નથી.
પ્રદીપના કાકા અરવિંદકુમાર તિવારીએ બીબીસી સાથે વાચ કરતા કહ્યું હતું કે, "અચાનક અમારા ઘરે રાત્રે પોલીસ આવી અને પ્રદીપને ઉઠાવી ગઈ અને બીજા દિવસે અમારું 69 વર્ષ જૂનું મકાન ગેરકાયદે હોવાની નોટિસ આવી અને સોમવારે બપોરે ત્રણ વાગ્યા પછી આ ઘર તોડવાની વાત કરી છે. મારા પિતા મિલ મજૂર હતા અને એમના લોહી-પરસેવાની કમાણીથી અમે આ ઘર બનાવ્યું છે. અમે ત્રણેય ભાઈઓ સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ."
ઘર તૂટવાની વાત જાણીને આરોપી પ્રદીપના દાદા છોટાલાલ આઘાતમાં સરી પડ્યા છે. પરિવારનું કહેવું છે કે તેમણે બે દિવસથી ખાધું નથી અને ઘરની ઓસરીમાં બેસી રહ્યા છે.
તો પંકજનાં માતા રીમા તિવારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "એ દિવસે રાત્રે અમે ઉંઘતા હતા ત્યારે અચાનક પોલીસ આવી મારા દીકરા પંકજને ઉઠાવી ગઈ હતી. અમને મળવા દીધા પણ નથી અને ઉપરથી અમારું ઘર તોડવાની નોટિસ આપી છે. આખું ઘર આઘાતમાં છે. અમારા માથે હવે આભ ફાટ્યું છે. ત્રણ પરિવાર અને વૃદ્ધ સસરાને લઈને અમે ક્યાં જઈશું એ ચિંતા સતાવી રહી છે."
ગુજરાત પોલીસનું શું કહેવું છે?
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે વસ્ત્રાલની આ ઘટના બાદ તમામ જિલ્લાના વડા સાથે તાત્કાલિક એક વીડિયો કૉન્ફરન્સ બોલાવી દરેક જિલ્લાના પોલીસવડાને આદેશ આપ્યા હતા.
તેમણે આવનારા 100 કલાકમાં રાજ્યના તમામ રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.
"જે લોકોએ વીજળીના ખોટા કનેક્શન લીધા હશે, ગેરકાયદે બાંધકામ કર્યા હશે કે સરકારી જમીન પર અતિક્રમણ કર્યું હશે એ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. અસામાજિક તત્વો દ્વારા થયેલું ગેરકાયદે બાંધકામ હઠાવવામાં આવશે."
અમદાવાદના પોલીસ કમિશનરે વસ્ત્રાલની ઘટના બન્યા પછી તોડવામાં આવેલા મકાનો અંગે મીડિયા સમક્ષ શનિવારે પ્રતિક્રિયા આપતા કહયું હતું કે, "જે લોકોના ગેરકાયદે બાંધકામ છે એ લોકોના જ બાંધકામ મ્યુનિસિપલ કોર્પોરેશન તોડી રહી છે એને અમે પોલીસ પ્રોટેક્શન આપી રહ્યા છીએ."
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, BHARGAVPARIKH/BBC
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના લીગલ કમિટીના ચૅરમેન પ્રકાશ ગુર્જરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમે ગેરકાયદે બાંધકામ તોડવામાં કોઈ નિયમનો ભંગ નથી કર્યો. કાચાં મકાન હતા અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની જમીન પર બનેલા હતા એને અમે તોડ્યા છે.
પ્રકાશ ગુર્જર કહે છે, "જે પાકાં મકાનો હતાં એ ભયજનક હતા અને તેમને અમે કાયદાકીય નોટિસ આપીને તોડ્યા છે. આ કિસ્સામાં અમે લીગલ નોટિસ આપી છે અને એમને નકશા સાથે નોટિસ આપી છે. એ લોકોને એમનો પક્ષ મૂકવાની તક પણ આપી રહ્યા છીએ. આ મકાનોને ગેરકાનૂની રીતે તોડવામાં નથી આવતા."
કાયદાના નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
જાણીતા કાયદાઓ નિષ્ણાત ઍડવોકેટ શમશાદખાન પઠાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "બુલડોઝરથી ન્યાય આપવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટે ખોટી ગણાવી છે. મ્યુનિસિપલ કૉર્પોરેશને આ લોકોને પહેલાં નોટિસ આપીને તેમની યોગ્ય સુનાવણી કરવી જોઈએ આ કાનૂની કાર્યવાહી પૂરી થાય એ પછી મકાન તોડતા પહેલાં 15 દિવસનો સમય આપવો જોઈએ."
શમશાદ પઠાણ ઉમેરે છે, "જો એ સિવાય મકાન તોડવામાં આવે તો એ 'અદાલતનો તિરસ્કાર' થાય છે. ત્યારે આ પ્યુનેટિવ પનિશમેન્ટ છે જે કોઈ પરિવારને આપવામાં આવી રહી છે. વસ્ત્રાલની ઘટના બનતાની સાથે જ સમય આપ્યા વગર જ કોઈનું મકાન તોડી નાખવું એ ગેરકાયદે અને સુપ્રીમ કોર્ટની અવમાનના છે. જે આ કિસ્સામાં સ્પષ્ટ દેખાઈ આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












