કલોલ : ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે મુસ્લિમ બનેલા પટેલ યુવકની કહાણી, કેવી રીતે ત્યાં પહોંચ્યો અને કેવી રીતે પકડાયો?

ઇમેજ સ્રોત, BBC/VIRENDRASINH BHATI/Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું ઇન્દર નામના એજન્ટની મદદથી અમેરિકા ગયો હતો. મને કહેવામાં આવ્યું હતું કે કૅનેડાથી પનામા પહોંચું એટલે મુસ્લિમ નામનો પાસપૉર્ટ બતાવી, અન્ય કાગળ ખોવાઈ ગયા છે, એમ કહીને ઇમર્જન્સી સર્ટિફિકેટ મગાવવાનું, એટલે અમેરિકા મને શરણાર્થી તરીકે રાખી લેશે."
"પણ મને ખબર નહોતી કે અમેરિકન પોલીસ મને એક જ અઠવાડિયામાં પકડી પાડશે અને મને કૅનેડાથી ભારત પાછો મોકલી દેશે."
આ શબ્દો અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપની ઑફિસમાં ઊભેલા કલોલના જિગ્નેશ પટેલ ઉર્ફે વસીમ ખલીલના છે.
કરોડો રૂપિયા ખર્ચીને બોર્ડર ક્રૉસ કરીને ગેરકાયદે ઘૂસેલા ગુજરાતીઓને અમેરિકાએ હાંકી કાઢ્યાની ઘટના હજુ શાંત પડી નથી ત્યાં તો એક બીજો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે.
કલોલનો આ યુવાન મુસ્લિમ નામના પાસપૉર્ટના આધારે અમેરિકામાં ઘૂસણખોરી કરતો પકડાઈ ગયો છે અને અમેરિકાએ તેને ભારત ડિપૉર્ટ કરી દીધો છે.
હાલ અમદાવાદ ઍરપૉર્ટ ખાતે પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારે જોઈએ કે મિનરલ વૉટર અને સૉફ્ટડ્રિંક્સના આ જિગ્નેશ પટેલ નામના વેપારીએ અમેરિકામાં 'ગેરકાયદે ઘૂસણખોરી' કરવા માટે મુસ્લિમ નામના પાસપૉર્ટનો ઉપયોગ કેમ કર્યો?

મુસ્લિમ બનીને કેવી રીતે અમેરિકા પહોંચ્યો?

ઇમેજ સ્રોત, VIRENDRASINH BHATI
અમદાવાદ બ્યૂરો ઑફ ઇમિગ્રેશનના અધિકારી ક્રિપાલસિંહ ચુડાસમાએ અમદાવાદ ઍરપૉર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે "કલોલમાં રહેતો જિગ્નેશ પટેલ દિલ્હીથી 3 ફેબ્રુઆરીએ પોતાના મૂળ પાસપૉર્ટના આધારે કૅનેડા ગયો હતો, અને ત્યાંથી એ પનામા ગયો હતો. ત્યાં તેણે પોતાના અસલી પાસપૉર્ટના બદલે પોતે વાય 2084479 નંબરનો પાસપૉર્ટ ગુમ થયો હોવાનું કહ્યું હતું. આ પાસપૉર્ટ વસીમ ખલીલના નામે બનાવાયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફરિયાદમાં જણાવાયું છે કે "પનામામાં એને ત્યાંના ઇમિગ્રેશન અધિકારીઓ પાસેથી 22 ફેબ્રુઆરીએ વસીમ ખલીલના નામનું ઍક્સ 0583979 નંબરનું 21 ઑગસ્ટ સુધીનું ઇમર્જન્સી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું, જેથી એ ત્યાં આશ્રિત તરીકે રહી શકે."
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમણે ઇમર્જન્સી સર્ટિફિકેટ મેળવ્યું પરંતુ પનામા ઇમિગ્રેશન કચેરીએ તેના વિશેની તપાસ શરૂ કરી.
ચાર દિવસ તેની તપાસ ચાલી અને ત્યાર પછી પનામા ઇમિગ્રેશન કચેરીને ખબર પડી કે આ પ્રકારે વસીમ ખલીલ નામની કોઈ વ્યક્તિ આ પાસપૉર્ટ પરથી ભારતથી આવી નથી.
ઇમિગ્રેશન કચેરીએ જિગ્નેશ ઉર્ફે ખલીલની તપાસ શરૂ કરી. કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે તેણે ખોટું બોલીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. તેનો મૂળ પાસપૉર્ટ એન 335382 નંબરનો હતો. અને તેનું નામ વસીમ ખલીલ નહીં પરંતુ જિગ્નેશ પટેલ છે.
તેણે એમ પણ કબૂલાત કરી હતી કે તે 3જી ફેબ્રુઆરીના રોજ કૅનેડા આવ્યો હતો. જેના આધારે તેની ટ્રાવેલ હિસ્ટ્રી જોતા ખબર પડી કે તે ગુજરાતના કાલોલનો રહેવાસી છે.
અમેરિકાના સત્તાવાળાઓએ તેને કૅનેડાથી દિલ્હી અને પછી તેને દિલ્હીથી 2જી માર્ચના રોજ અમદાવાદ લાવવામાં આવ્યો.
પોલીસ શું કહે છે?

ઇમેજ સ્રોત, VIRENDRASINH BHATI
અમદાવાદ ઍરપૉર્ટ પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારી કે. કે. રબારીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે " અમે ફરિયાદ દાખલ કરી છે, અમને અમદાવાદ ઇમિગ્રેશન ઑફિસ તરફથી વસીમ ખલીલના નામથી નીકળેલું ઇમર્જન્સી સર્ટિફિકેટ અને જિગ્નેશ પટેલના અસલી પાસપૉર્ટ ઉપરાંત વસીમ ખલીલના નામના પાસપૉર્ટની સૉફ્ટ કોપી મળી છે, પણ નકલી પાસપૉર્ટ અને ગેરકાયદે પરદેશ જવાના પ્રયાસનો મામલો ગંભીર હોવાથી આ કેસની તપાસ ખાસ કિસ્સા તરીકે સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપને સોંપી છે."
આ કેસની તપાસ કરી રહેલા અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના પોલીસ ઇન્સ્પેક્ટર એન. ડી. નકુમે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "દસમા ધોરણ સુધી ભણેલો જિગ્નેશ પટેલ એના પિતા જગદીશભાઈના મિનરલ વૉટર અને સૉફ્ટડ્રિંક્સના ધંધામાં હતો, હાલ એના રિમાન્ડ ચાલુ છે, એના રિમાન્ડમાં એને કબૂલ્યું છે કે દિલ્હીના ઇન્દર નામના એજન્ટ પાસેથી એણે વસીમ ખલીલના નામનો પાસપૉર્ટ બનાવ્યો હતો , મુસ્લિમ નામ ધારણ કરવા માટે અને પાસપૉર્ટમાં એને ફોટો લગાવવા માટે તેણે દાઢી વધારી હતી, જેથી એની ઓળખ છુપાવી શકે. એટલું જ નહિ એણે પોતાની ઓળખ બદલી શકાય એ માટે કપડાં પણ મુસ્લિમો જેવાં જ પહેર્યા હતા."
નકુમે કહ્યું હતું કે "અલબત્ત એને પહેરેલા દોરીવાળા ઍન્કલ શૂઝ મોટાભાગે લોકો વધુ ચાલવાનું હોય ત્યારે પહેરતા હોય છે, એટલે એ કૅનેડાથી પનામા કેવી રીતે પહોંચ્યો એની તપાસ કરી રહ્યા છીએ, કારણકે એ શૂઝ વધુ વપરાયેલા નથી. એટલે એ પનામા સુધી કાર મારફતે ગયો હતો કે કેમ? દિલ્હીના એજન્ટ ઇન્દર સાથે એનો સંપર્ક કેવી રીતે થયો? એની તપાસ કરી રહ્યા છીએ."
તેમણે વધુમાં જણાવ્યું કે તપાસમાં એ સહયોગ નથી આપી રહ્યો પણ રિમાન્ડ પત્યા બાદ ઉત્તર ગુજરાતના એ એજન્ટની ભાળ મળશે જેમણે કદાચ તેની મુલાકાત ઇન્દર સાથે કરાવી હોય.
પોલીસ 30 વર્ષીય જિગ્નેશ પટેલે એજન્ટને અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે કેટલા પૈસા આપ્યા હતા એ તમામ વિગતો એકઠી કરી રહી છે.
જિગ્નેશ પટેલ કોણ છે?

ઇમેજ સ્રોત, VIRENDRASINH BHATI
જિગ્નેશ પટેલ કલોલના નવા વિકસેના સાઇઝ પંચવટી વિસ્તારમાં આવેલા ગાર્ડન સિટી ફ્લૅટમાં રહે છે. તેની નજીક આવેલા અંબિકા નગરમાં રહેતા મહેશભાઈ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે જિગ્નેશને અમારા વિસ્તારમાં લોકો જીગા તરીકે ઓળખે છે.
મહેશભાઈએ બીબીસીને જણાવ્યું, "તે ભણવામાં હોશિયાર નહોતો. તેથી તેના પિતાએ તેને મિનરલ વૉટર અને સૉફ્ટડ્રિંક્સના ઘંઘામાં લગાવી દીધો હતો."
જિગ્નેશનાં માતા જ્યોત્સનાબહેન ઘરકામ કરે છે. તેને બે બહેનો પણ છે અને બંનેનાં લગ્ન થઈ ગયાં છે.
જ્યારે તેણે મુસ્લિમ નામ રાખીને પાસપૉર્ટ બનાવ્યો ત્યારે તેણે દાઢી વધારી હતી.
આ વધારેલી દાઢીને કારણે લોકો તેના પર હસતા પણ હતાં. આ વિશે વાતચીત કરતાં મહેશભાઈ કહે છે, "તે વિવિધ જગ્યાએ મિનરલ વૉટરની ડિલિવરી કરવા આવતો હતો. તેણે વજન વધાર્યું અને દાઢી વધારી તેથી અમે તેની મજાક ઉડાવતા કહેતા કે જીગા દાઢી વધારી તેમાં તુ વધારે જાડો લાગે છે."
મહેશભાઈએ વાતચીતમાં જણાવ્યું કે તેણે અમને કહ્યું હતું કે વસંતપંચમીના દિવસે તે મહાકુંભમાં અમૃતસ્નાન માટે જવાનો છે.
તેમણે ઉમેર્યું, "તેણે અમને કહ્યું કે 3 ફેબ્રુઆરીએ વસંતપંચમી છે. તે કુંભમાં સ્નાન કરીને મહાશિવરાત્રિ બાદ પરત આવશે. એટલે અમને તો ખબર જ નહીં કે તે અમેરિકા જવા માટે નીકળ્યો છે. અમને તો એવું હતું કે તે મહાકુંભમાં ગયો છે."
એજન્ટ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિઝા કન્સલ્ટન્ટનું કામ બંધ કરી છેલ્લાં પાંચ વર્ષથી જમીન લે-વેચનું કામ કરતા મહેસાણાના એમ. જે. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "અમે કાયદેસર રીતે લોકોને વિઝીટર વિઝા પર પરદેશ મોકલતા હતા, અહીંના ખેડૂતના દીકરાઓ ભણ્યા પછી બિઝનેસ કરવા માટે કૅનેડામાં બિઝનેસ ટૂર કરવા જતા હતા, પણ અહીંના કેટલાક યુવાનોને એવી આશા હોય છે કે એ ગેરકાયદે પરદેશ જઈને પૈસા કમાઈ લે.
તેમણે ઉદાહરણ આપતા કહ્યું, "અમદાવાદમાં અને અન્ય જગ્યાએ લાખ્ખો રૂપિયા લઈને આ પ્રકારનું કામ કરે છે. તે પ્રકારનાં કામો કરતાં એજન્ટો છે, એ લોકો નાના-નાના એજન્ટને કમિશનથી પૈસા આપે અને પછી તેઓ મૅક્સિકોની બોર્ડર પાર કરાવે છે, અથવા બ્રિટનમાં રહેતા ભારતીયોના સ્ટોરમાંથી સ્પોન્સર લેટર અપાવી કાયદેસર ત્યાં લઇ જાય છે, અને ત્યાંથી બિઝનેસ ટૂર પર અમેરિકા મોકલે છે, અને બ્રિટનમાં વ્યક્તિ સમયસર જોબ કરવા માટે નથી આવ્યો એમ કહી બીજો સ્પોન્સર લેટર મંગાવે છે."
આમ સિલસિલો ચાલ્યા કરે છે.
તેઓ કહે છે કે ઇન્દર નામના જે એજન્ટનું આમાં નામ ખુલ્યું છે તે છેલ્લાં 18 વર્ષથી આ ધંધામાં છે.
એમ. જે. પટેલ આ વિશે વધુ માહિતી આપતા કહે છે, "ઇન્દર કૅનેડાથી પનામા લઈ જવા માટે કારનું ભાડું એકથી દોઢ લાખ રૂપિયા વસુલે છે. તે સૂચના આપે છે કે ભારતીય પાસપૉર્ટનો નાશ કરવાનો અને જે નકલી વિઝા આપે તેના પર તે પનામા મોકલે છે. ત્યાંથી જો ઇમિગ્રેશન વિભાગ પકડે તો બદલાયેલાં નામ સાથેનો પાસપૉર્ટ ખોવાઈ ગયો છે એવું કહીને સૉફ્ટ કૉપી આપે એટલે ચાર-પાંચ મહિનાનું ઇમર્જન્સી સર્ટિફિકેટ મળે અને આશ્રય મળી રહે છે."
તેઓ કહે છે કે જો આ દરમિયાન કોઈ પરેશાની આવે તો કોઈ ભારતીયના સ્ટોરમાં ઓછા પગારે નોકરી કરી લે છે. જેના આધારે પણ લોકો અમેરિકામાં સેટલ થઈ જાય છે.
એમ. જે. પટેલ કહે છે, "આ પ્રકારે ગેરકાયદે ધંધો ચાલવા લાગ્યો એટલે અમે જે કાયદેસરનું કામ કરતા હતા તેમને તકલીફો પડવા લાગી. તેથી મેં એ ધંધો મૂકીને હવે જમીનની લે-વેચનો ધંધો શરૂ કરી દીધો છે."
તેઓ કહે છે કે હાલમાં જે મામલો સામે આવ્યો છે તેને કારણે પોલીસે ઠેર-ઠેર દરોડા પાડ્યા જેને કારણે દિલ્હી અને પંજાબના આ પ્રકારે ગેરકાયદે કામો કરતાં અનેક એજન્ટો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. આ એજન્ટો ભૂગર્ભમાં ચાલ્યા જવાને કારણે ગુજરાતમાં તેમના જે પેટાએજન્ટો હતા તે પણ ભૂગર્ભમાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












