અમદાવાદ :1000થી વધુ મૃતકોની અંતિમ ક્રિયામાં ખડે પગે રહેનાર એક ગુજરાતીની કહાણી

    • લેેખક, સંજય દવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"કોઈના ખુશીના પ્રસંગે ભલે ન પહોંચાય, પણ દુખની ઘડીએ તો અચૂક પડખે ઊભા રહેવું."

એક સમયે તરુણાવસ્થામાં મૃત શરીરને અગ્નિદાહ અપાતો જોઈને ડરી ગયેલી વ્યક્તિ જે પછીથી સંખ્યાબંધ અજાણ્યા લોકોની અંતિમ વિધિમાં મદદરૂપ થઈ તેમના આ શબ્દો છે.

પોતાનું સ્વજન ગુમાવ્યું હોય એવી દુઃખની ઘડીમાં કેટલીકવાર પરિવારજનોને અંતિમ યાત્રાની તૈયારી કરવાનું સૂઝતું નથી. ઉપરાંત, નનામી બાંધવાથી માંડીને અગ્નિદાહ સુધીની વિધિ કેવી રીતે કરવી એ બધાં સ્વજનો જાણતાં હોતાં નથી.

જોકે, પરિવાર, પાડોશી કે મિત્રોમાં કોઈક વ્યક્તિ તો એવી મળે જ જેને આ બધી સૂઝ પડતી હોય પરંતુ, જો કોરોના જેવી મહામારી હોય ત્યારે? ત્યારે તો સાવ નજીકનાં સગાં-સંબંધીઓ પણ અંતિમક્રિયા કરવામાં ડર અનુભવે છે.

વળી, કોઈક પરિવારમાં કોઈ અવસાન પામે ત્યારે તેમને કાંધ આપવા પણ ચાર માણસ ન મળે એવું ક્યારેક બનતું હોય છે. એવા ટાણે મૃતકોના પરિવારજનોની પડખે એક વ્યક્તિ અચૂક ઊભી હોય અને તે વ્યક્તિ એટલે રશ્મિન નાયક.

અમદાવાદ, કડી, કલોલ વિસ્તારમાં મૃતકોના પરિવારોને અંતિમક્રિયા માટે મદદની જરૂર હોય તો, રશ્મિન નાયકને ફોન કરે કે તરત તેઓ તેમનું બધું કામ પડતું મૂકીને મદદે પહોંચી જવાનો સંનિષ્ઠ પ્રયાસ કરે છે.

‘બકાભાઈ’ના હુલામણા નામથી જાણીતા અમદાવાદના ડી-કૅબિન વિસ્તારના રહેવાસી રશ્મિન, છેલ્લાં 28 વર્ષમાં 1000થી વધુ મૃતકોની અંતિમ યાત્રામાં મદદરૂપ બન્યા છે.

વર્ષ 2023ના છેલ્લા છ મહિનામાં 70 મૃતકોની અંતિમક્રિયામાં તેઓ મદદરૂપ થયા છે.

રશ્મિન નાયક કહે છે, "હું મારા જીવનના ઘણા બધા દિવસો, અનેક લોકોનાં મૃત્યુની અંતિમ પળો અને તેમની અંતિમ યાત્રાનો સાક્ષી રહ્યો છું. ચિર વિદાય લીધેલા આત્માને સન્માનપૂર્વક વિદાય કરવામાં હું ક્યાંક નિમિત્ત બની રહ્યો છું તેનો મને સંતોષ છે."

16 વર્ષની ઉંમરે પહેલીવાર અગ્નિદાહ જોયો

રશ્મિન માત્ર 16 વર્ષના હતા ત્યારે પહેલીવાર કોઈકની સ્મશાનયાત્રામાં જવાનું બન્યું. ત્યારે મૃત-શરીરને અગ્નિદાહ અપાતો જોઈને તેઓ ડરી ગયા અને ત્યાંથી નીકળીને ઘરે આવી ગયા હતા.

તે પછી તેમનાં માતા ગૌરીબહેને દીકરાને સમજાવ્યું કે, "કોઈકના ખુશીના પ્રસંગે કદાચ ન પહોંચી શકીએ તો ચાલે, પણ દુખની ઘડીએ તો અચૂક સાથ આપવો જોઈએ."

આ વાત રશ્મિનને બહુ સ્પર્શી ગઈ અને ત્યારથી જ તેમણે વાસ્તવિકતાનો સામનો કરવાનું નક્કી કર્યું અને સગાંસંબંધીઓની અંતિમ યાત્રાઓમાં જવાનું શરૂ કર્યું.

મૃતક સ્વજનની અંતિમ યાત્રાની તૈયારી કરવાની હોય અને સ્મશાનમાં અગ્નિદાહ અપાય ત્યાં સુધીની જે કંઈ ક્રિયા કરવી પડે એ તમામમાં રશ્મીન છેક સુધી હાજર રહી મૃતકના પરિવારને સધિયારો પૂરો પાડે છે.

એ ઘડીએ રશ્મિન નાયક હાજર હોય એટલે મૃતકના સ્વજનોને ઘણી મદદ મળતી હોય છે.

અમદાવાદમાં જો કોઈ સાબરમતી-અચેર કે ચાંદખેડાના સ્મશાનગૃહમાં જાય તો મોટા ભાગે તમને રશ્મિન ત્યાં અગ્નિદાહમાં મદદરૂપ થતા અચૂક જોવા મળતા હોય છે. રશ્મિન નાયક કોઈ સ્મશાનગૃહના કર્મચારી નથી. તેઓ 51 વર્ષના છે તથા તેમને લોકો ‘બકાભાઈ’ના હુલામણા નામથી ઓળખે છે.

પોતાનું કામ પડતું મૂકીને મૃતકના ઘરે પહોંચી જાય છે..

અંતિમ ક્રિયામાં લોકો બકાભાઈને જ કેમ બોલાવે છે? તેનો જવાબ આપતા તેઓ કહે છે, "મોટાભાગના કિસ્સામાં ઘણા લોકોને અંતિમ ક્રિયા અંગે મૂંઝવણ હોય છે."

"ઘણીવાર પરિવારમાં જેને કોઈક બીમારી હોય એટલે એ બીમાર વ્યક્તિ, મૃતકને અડવાનું પસંદ કરતી નથી, ક્યારેક ઘણાને મૃતકની બીમારીનો ચેપ લાગવાનો ડર લાગતો હોય છે અને કેટલાક કિસ્સામાં ચાર માણસ પણ ભેગા કરવા મુશ્કેલ હોય; આવા બધા કિસ્સામાં મને ખાસ બોલાવવામાં આવે છે."

અમદાવાદના સાબરમતી, ડી-કૅબિન, ચાંદખેડા વિસ્તારમાં કોઈકનું મૃત્યુ થાય ત્યારે કોઈક વ્યક્તિ રશ્મિનને જાણ કર્યા વગર રહે નહીં.

રશ્મિન પણ પોતાનું કામ પડતું મૂકીને મૃતકના ઘરે પહોંચી જાય છે.

ક્યારેક મૃતકને કાંધ આપવા માટે ચાર માણસ પણ ન હોય ત્યારે રશ્મિન નાયક તો, અચૂક આવશે એવી મૃતકના પરિવારજનોને આશા હોય છે.

કોરોનાકાળમાં 50થી વધુ મૃતકોનાં અગ્નિદાહની સેવા

કોરોનાકાળ દરમિયાન તેમણે ખડેપગે રહીને 50થી વધુ મૃતકોને કોવિડ પ્રોટોકોલ સાથે અગ્નિદાહ આપવાની સેવા કરી છે.

એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, "કોરોનાકાળ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરથી મને અજાણ્યા લોકો ફોન કરીને સ્વજનોને અગ્નિદાહ આપવામાં મદદરૂપ થવા લઈ જતા. અનેકવાર એવું બનતું કે મૃતકનાં ફક્ત એક કે બે સગાં સિવાય સ્મશાનમાં કોઈ જતું નહીં. પણ હું માસ્ક પહેરીને અને ક્યારેક પીપીઈ કીટ પહેરીને ત્યાં હાજર થઈ જતો. આ કામને હું સમાજ પ્રત્યેની મારી ફરજ સમજું છું, એટલે લોકોને મદદરૂપ થવાનો મને સંતોષ છે."

ચાંદખેડા વૉર્ડના વર્તમાન મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશ બ્રહ્મભટ્ટ કહે છે, "બકાભાઈની આવી અનોખી અને ઉમદા સેવા વિશે ડી-કૅબિન અને ચાંદખેડા વિસ્તારના મોટા ભાગના લોકો જાણે છે. હું મારા વિસ્તારમાં સેવા અર્થે બહાર જાઉં ત્યારે મને બધે જ તેમની આ ઉમદા સેવા વિશે લોકો વાત કરતા રહે છે. માણસની અંતિમ વિદાયની ક્રિયામાં કોઈ વહારે આવે એ મૃતકના પરિવારજનો માટે બહુ સધિયારારૂપ બનતું હોય છે. બકાભાઈ એ રીતે લોકોનો બહુ મોટો સધિયારો બની રહ્યા છે."

ક્યારેક મૃતકની પાછળ પરિવારમાં બાળક કે મહિલા રહી ગયાં હોય, ત્યારે તેમની વહારે કોઈ આવે તો, તે તેમના માટે રશ્મિનભાઈની સેવા આશીર્વાદરૂપ પુરવાર થતી હોય છે.

લતાબહેન શર્માએ પણ પોતાનું સ્વજન ગુમાવ્યું હતું. પોતાનાં માતાનું અવસાન થયું તે સમયને યાદ કરતા લતાબહેન કહે છે, "મારા પરિવારમાં હું અને મારાં મમ્મી હતાં. મારી બે બહેનો છે, પણ તે બન્ને દૂર બહારગામ પરણાવેલી છે. થોડા મહિના પહેલાં મારાં મમ્મીનું અવસાન થયું ત્યારે હું મુંઝાઈ ગઈ હતી."

"મને કંઈ જ સૂઝતું નહોતું. મારી બહેનો અને જીજાજી દૂર રહે એટલે જલદી પહોંચી શકે એમ નહોતાં, પરંતુ, એવા ટાણે મારા એક-બે પાડોશીઓ અને રશ્મિન ત્યાં પહોંચી ગયા અને મારાં મમ્મીની અંતિમ ક્રિયાની બધી જ જવાબદારી તેમણે ઉઠાવી લીધી હતી."

બિનવારસી લાશના અંતિમસંસ્કાર કરવાની સેવા

રશ્મિને કેટલીક વાર બિનવારસી મૃતદેહ કે આપઘાત કરીને મૃત્યુ પામનારા લોકોના અંતિમ સંસ્કાર કરવાની સેવા પણ બજાવી છે.

કોઈ પણ સંજોગોમાં તેઓ મૃતકના સ્વજનોની પડખે ઊભા રહી બધી પ્રક્રિયા પાર પાડવામાં મદદરૂપ થાય છે.

સાબરમતી વિસ્તારના અચેર સ્મશાનગૃહના કર્મચારી હરેશભાઈ અને સુનિલભાઈ પણ વાકેફ છે.

તેઓ કહે છે, "અચેરના સ્મશાનગૃહમાં થતા અગ્નિસંસ્કારમાં મોટા ભાગે બકાભાઈ હાજર જ હોય. એટલું જ નહીં, ક્યારેક મૃતકના મોટા ભાગનાં સગાસંબંધીઓ તો, અગ્નિદાહ આપવામાં આવે કે તરત જ જતા રહે, પણ બકાભાઈ છેક સુધી રહે અને મૃતકની છેક છેલ્લી વિધિ સુધી સગાંસંબંધીઓના પડખે ઊભા રહે. અમને એવો અંદાજ હોય જ કે અંતિમક્રિયા વખતે સ્મશાનમાં ફક્ત ચાર માણસ જ હશે તો, તેમાં બકાભાઈ તો હશે જ."

ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના મૃતકોની અંતિમવિધિ

રશ્મિન કહે છે, "હું માત્ર હિંદુ ધર્મના લોકોની જ અંતિમક્રિયામાં મદદરૂપ થઉં છું એવું નથી. હું અમારા વિસ્તારના કોઈ પણ વ્યક્તિના મૃત્યુના સમાચાર મળે ત્યારે, હું તેમના પરિવારજનોની વહારે પહોંચી જાઉં છું. મેં અનેકવાર ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના મૃતકોની અંતિમક્રિયામાં પણ હાજરી આપીને તેમના પરિવારજનોને કોઈક રીતે મદદરૂપ થવાની કોશિશ કરી છે."

રશ્મિનને છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન બે વખત હૃદયરોગનો હુમલો આવ્યો છે. તેથી તેમને હૃદયમાં સ્ટેન્ટ નાખ્યાં છે, છતાં તેઓ કોરોનકાળમાં પણ સતત સેવારત્ રહ્યા હતા.

રશ્મિનનાં પત્ની નિમિષા કહે છે, "જ્યારથી તેમને હૃદયની તકલીફ થઈ ત્યારથી અમે સૌ તેમના માટે બહુ ચિંતા કરતાં. હું તેમને આ સેવા છોડી દેવાનું સમજાવતી, પણ તેઓ માન્યા નહીં. જોકે, દુઃખના ટાણે લોકોની પડખે ઊભા રહે ત્યારે તેમને જે આત્મસંતોષ મળે છે તે જોઈને હું હવે તેમને રોકતી નથી. તેમની આ સેવાભાવના બદલ હું અને અમારો પરિવાર ગૌરવ અનુભવીએ છીએ."

રશ્મિનની સોસાયટીમાં કોઈનું અવસાન થયું હોય તો, તેમની 18 વર્ષની દીકરી ઉર્વા પણ અવસાન પામનાર વ્યક્તિના ઘરે મદદરૂપ થવા અચૂક પહોંચે છે.

સેવાના બદલામાં નાણાકીય ભેટ ઑફર થાય, ત્યારે તેઓ નમ્રતાપૂર્વક તેનો અસ્વીકાર કરે છે

અંતિમ યાત્રામાં મદદરૂપ થતા રશ્મિનને અનેક લોકો નાણાકીય ભેટ ઑફર કરતા હોય છે, પણ તેઓ કયારેય એક રૂપિયો પણ સ્વીકારતા નથી. ખાનગી કંપનીમાં સ્ટોર મૅનેજર તરીકે કાર્યરત રશ્મિનને પોતાનું કામ છોડીને સ્મશાને દોડવું પડે તો, તેઓ તેના બદલામાં બીજા દિવસે વહેલા આવીને પણ પોતાનું કામ પૂરું કરવાની નિષ્ઠા ધરાવે છે.

રશ્મિન કહે છે, "કોઈકના લગ્ન પ્રસંગે ન જઈ શકાય તો ચાલે, પણ અંતિમ ક્રિયામાં તો અચૂક હાજર રહેવું અને દુઃખની ઘડીમાં લોકોને મદદરૂપ થવું એ મારા પપ્પાએ મને બાળપણથી જ શીખવ્યું છે."

જનસેવાના ભેખધારી રશ્મિને છેલ્લાં બે વર્ષથી તેમના 15 વર્ષના દીકરા કામિલને પણ અંતિમ વિધિ શીખવી દીધી છે.

તેમનો દીકરો પણ સેવાની રાહ પર ડગ માંડવા લાગ્યો છે. પિતાને મદદરૂપ થવા અવારનવાર તે સ્મશાને જાય છે.